જનરલ સુંદરજી : એ જનરલ જે ભારે ગોળીબાર વચ્ચે યુદ્ધમેદાનમાં જ સૂઈ ગયા

ઇમેજ સ્રોત, Happer Collins
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
લોકો ઘણી વાર પૂછતા કે શું સુંદરજી મુખરજી, બેનરજી કે ચેટરજીની માફક બંગાળી છે કે પછી ફ્રાંજી કે જમશેદજીની જેમ પારસી. કેટલાક તો તેમને સિંધી પણ સમજતા.
જનરલ સુંદરજીનાં પત્ની વાણી સુંદરજી પોતાના લેખ 'અ મૅન કૉલ્ડ સુંદરજી'માં લખે છે કે, "લગ્નના પ્રારંભિક દિવસોમાં મેં તેમને પૂછ્યું કે તમારું નામ સુંદરજી કેવી રીતે પડ્યું, જ્યારે તમારાં માતાપિતા બંને તો તમિળ બ્રાહ્મણ હતાં?"
તેમણે જવાબ આપ્યો, "હું ત્રણ વર્ષનો હતો ત્યારે હું મારાં માતાપિતાને ઘણી વાર ગાંધીજી વિશે વાત કરતાં સાંભળતો. એક દિવસ મેં મારા પિતાને પૂછ્યું કે તમે કયા ગાંધીજી વિશે વાત કરો છો. મારા પિતાએ જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી એક મહાન વ્યક્તિ છે. અમે એમના સન્માન માટે તેમના નામની આગળ જી લગાડીએ છીએ. હું એ જ દિવસથી જીદે ચડ્યો કે મને પણ સુંદરજી કહેવામાં આવે. મારા પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા."
એટલે સુધી કે મદ્રાસના હોલી એન્જલ્સ કૉન્વેન્ટમાં પણ તેમનું નામ કૃષ્ણાસ્વામી સુંદરજી લખાવાયું. તેમના નોકર અને ભાઈ પણ તેમના નામની આગળ જી લગાવવા લાગ્યા અને આજીવન આ જ નામથી બોલવતા રહ્યા.
યુદ્ધમેદાનમાં થાકીને સૂઈ ગયા સુંદરજી

ઇમેજ સ્રોત, Getty Images
નામ સિવાય અન્ય મામલામાં પણ સુંદરજી બધાથી અલગ હતા. એક વાર દેહરાદૂનની ઑફિસર્સ મેસમાં સૈન્યના એક કૅપ્ટન તેમની પાસે દોડતાં દોડતાં આવ્યા અને બોલ્યા, "સર, અમે તમારા માટે ભોજનમાં તમામ શાકાહારી વાનગીઓ બનાવડાવી છે."
સુંદરજીએ જવાબ આપ્યો, "મારા યુવાન સાથી, હું બીફ ખાનાર બ્રાહ્મણ છું. હું ચાલતી, તરતી અને સરકતી બધી વસ્તુઓ ખાઉં છું, માત્ર શરત એટલી જ છે કે તેનો સ્વાદ મને ગમે."
પિતાના આગ્રહને કારણે તેમણે ડૉક્ટર થવા માટે જીવવિજ્ઞાનમાં ઑનર્સનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ અધવચ્ચે તેમણે સૈન્યમાં જોડાવવાનો નિશ્ચય કર્યો. એ સમયે તેમની ઉંમર માત્ર 17 વર્ષ હતી.
તેમણે પોતાના જીવનમાં પાંચ યુદ્ધમાં ભાગ લીધો હતો. જ્યારે તેઓ મેજરના પદે હતા ત્યારે તેમને સંયુક્ત રાષ્ટ્રના સૈન્ય તરફથી લડવા માટે કૉંગો મોકલાવાયા હતા. ત્યાં ઘણાં જબરદસ્ત યુદ્ધો થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વાર સતત 72 કલાક ચાલેલા ગોળીબાર બાદ ભોજન વગર સુંદરજી એટલા બધા થાકી ગયા કે તેઓ ગોળીબાર વચ્ચે જ જે જગ્યાએ હતા, ત્યાં જ સૂઈ ગયા.
વાણી સુંદરજી લખે છે, "તેમના બિહારી સહાયક લક્ષ્મણે તેમને બંકરમાં ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે જોરથી બૂમ પાડી ફ... ઑફ... જ્યારે 24 કલાક બાદ તેમની આંખ ખૂલી તો ફરી વાર પોતાની જાતને લડાઈના મેદાનમાં જ જોવા મળ્યા. તેમની આસપાસ 36 મૉર્ટર ગોળા પડ્યા હતા, તેમણે ખરેખર આ ગોળા ગણ્યા, પરંતુ આટલા ગોળીબાર વચ્ચે પણ તેમને બિલકુલ ઈજા ન થઈ."
ઘણાં વર્ષો બાદ જ્યારે તેઓ સેનાધ્યક્ષ બન્યા ત્યારે આ જ લક્ષ્મણ તેમના માટે ઘરનું બનેલું દેશી ઘી લઈ આવ્યા. પોતાના કૉંગોના દિવસોને યાદ કરતાં સુંદરજીએ પોતાના ભૂતપૂર્વ સહાયકને મજાકમાં પૂછ્યું કે એ દિવસે યુદ્ધમેદાનમાં મને ઊંઘતો મૂકીને તું ક્યાં જતો રહ્યો હતો.
લક્ષ્મણનો જવાબ હતો, "તમે મને 'પુક ઑફ' કહ્યું, તો મને દુ:ખ થયું અને હું જતો રહ્યો."
ઑપરેશન બ્લૂ સ્ટાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1928માં તામિલનાડુના ચેંગલપેટમાં જન્મેલા કૃષ્ણાસ્વામી સુંદરજીએ વર્ષ 1945માં ભારતીય સૈન્યમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રશ્ચિમ ફ્રન્ટિયરમાં સૈન્ય ઍક્શનમાં ભાગ પણ લીધો હતો.
વર્ષ 1971ની લડાઈ દરમિયાન તેઓ બાંગ્લાદેશ ફ્રન્ટ પર હતા. વર્ષ 1984માં સુંદરજીએ ઇંદિરા ગાંધીના આદેશ પર ઉગ્રવાદીઓને સુવર્ણમંદિરમાંથી બહાર કાઢવાના રાજકીય રીતે અતિ સંવેદનશીલ ઑપરેશન બ્લૂ સ્ટારનું નેતૃત્વ કર્યું હતું.
ઑપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન સુંદરજી પશ્ચિમ ફ્રન્ટના પ્રમુખ હતા. 3 જૂન, 1984ના રોજ ઇંદિરા ગાંધીએ તેમને દિલ્હી બોલાવ્યા હતા. એ જ રાત્રે તેમની ઇંદિરા ગાંધી સાથે એક કલાક સુધી વાત થઈ હતી. રાત્રે બે વાગ્યે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે પત્નીને કહ્યું હતું કે, "આ તેમની સૌથી મોટી પરીક્ષા છે."
ઑપરેશન બ્લૂ સ્ટાર બાદ તેઓ બિલકુલ બદલાઈ ગયા. તેમનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. જ્યારે તેમનાં પત્નીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી તો તેમણે કહ્યું હતું કે હું જલદી જ આમાંથી બહાર આવી જઈશ. પરંતુ આવું ક્યારેય ન બન્યું.
ઘણી વાર તેઓ એવું કહેતા સંભળાયા કે, "મને દેશના દુશ્મનો સાથે લડવાની તાલીમ મળી છે, પોતાના લોકો સાથે નહીં."
ખુશવંતસિંહે તેમને વિનંતી કરી હતી કે તેઓ ઑપરેશન બ્લૂ સ્ટારના પોતાના અનુભવો વિશે લખે, જેથી લોકોને સત્ય ખબર પડી શકે. તેમણે કહ્યું કે હું મોકળાશથી આ વિષય પર લખીશ, પરંતુ એવું ક્યારેય ન બન્યું.
લેફ્ટનન્ટ જનરલ કેએસ બરારે પોતાના પુસ્તક 'ઑપરેશન બ્લૂ સ્ટાર ધ ટ્રુ સ્ટોરી'માં જનરલ સુંદરજીએ કહેલી વાત લખી, "આપણે સુવર્ણમંદિરમાં ગુસ્સે ભરાઈને નહીં, પરંતુ દુ:ખી મને પ્રવેશ્યા, એ સમયે અમારા હોઠો પર પ્રાર્થના હતી અને હૃદયમાં વિનમ્રતા. એ સમયે ના તો અમારા મનમાં હારનો વિચાર હતો, ના જીતનો અને ના કોઈ પુરસ્કારની અભિલાષા હતી. અમારા માટે એ એક કર્તવ્ય હતું, જેને પૂરું કરવાનું હતું."
ઑપરેશન બ્રાસસ્ટેક્સની કહાણી

ઇમેજ સ્રોત, www.bharatrakshak.com
સુંદરજીનું નામ વધુ એક મહત્ત્વપૂર્ણ ઑપરેશન સાથે જોડાયેલું છે, અને એ છે 'ઑપરેશન બ્રાસસ્ટેક્સ.' આ ઑપરેશન ભારતની યુદ્ધ તૈયારીઓ પારખવા માટે ફેબ્રુઆરી-માર્ચ, 1986માં રાજસ્થાનના રણમાં અભ્યાસ શરૂ કરાયો હતો.
આ સ્વતંત્રતા બાદ ભારતીય સૈન્યનું સૌથી મોટો સૈન્ય અભ્યાસ હતો. એશિયામાં આ સ્તરનો યુદ્ધાભ્યાસ પહેલાં ક્યારેય નહોતો કરવામાં આવ્યો. સુંદરજી ઇચ્છતા હતા કે યુદ્ધની સ્થિતિમાં સૈન્યનાં તમામ ઉપકરણો અને ટૅન્કોનું પરીક્ષણ કરવામાં આવે.
આ અભ્યાસમાં સૈન્યના એક મોટા ભાગને સામેલ કરાયો હતો. અભ્યાસ એટલો ગહન હતો કે પાકિસ્તાનને એવો ખોટો આભાસ થવા લાગ્યો કે ભારત તેના પર હુમલો કરવા માગે છે.
આની પ્રતિક્રિયા સ્વરૂપે પાકિસ્તાને પોતાના સૈનિકોની રજા રદ કરી દીધી અને તેમને પરત ડ્યૂટી પર બોલાવી લીધા. આના કારણે સંરક્ષણ રાજ્યમંત્રી અરુણસિંહનો વિભાગ બદલી દેવાયો.
નટવરસિંહ પોતાની આત્મકથા 'વન લાઇફ ઇઝ નૉટ ઇનફ'માં લખે છે, "એક વાર જ્યારે અમે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાને રિસીવ કરવા હવાઈ મથક જઈ રહ્યા હતા, રાજીવે મને પૂછ્યું, નટવર, શું આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાના છીએ?"
આ અભ્યાસની મંજૂરી અરુણસિંહે પોતાના સ્તરેથી જ આપી હતી, જેની રાજીવ ગાંધીને કોઈ માહિતી નહોતી.
એક વાર રાજીવ ગાંધીએ નટવરસિંહ અને નારાયણ દત્ત તિવારીને પૂછ્યું કે સંરક્ષણ રાજ્યમંત્રીનું શું કરું?
નટવરસિંહ લખે છે, "મેં તેમને સ્પષ્ટપણે કહી દીધું કે તેમણે મંત્રીને બરખાસ્ત કરી દેવા જોઈએ. આ અંગે રાજીવ બોલ્યા કે અરુણસિંહ તેમના મિત્ર છે. આ વાત પર મેં કહ્યું, 'સર, તમે દૂન સ્કૂલના ઑલ્ડ બૉય્ઝ ઍસોસિયેશનના અધ્યક્ષ નથી. તમે ભારતના વડા પ્રધાન છો. વડા પ્રધાનોના કોઈ મિત્ર નથી હોતા."
અમુક દિવસ બાદ અરુણસિંહને સંરક્ષણ મંત્રાલયથી હઠાવીને નાણા મંત્રાલયમાં મોકલી દેવાયા.
'સ્કૉલર જનરલ'નું નામ મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
આ ઑપરેશન દરમિયાન એક વસ્તુ ક્યારેય ન રોકાઈ. એ હતી જનરલ ઝિયાએ જનરલ સુંદરજીને મોકલેલી કેરી અને કીનૂની મોટી ટોકરીઓ.
વાણી સુંદરજી લખે છે કે, "આ ફળોની ટોકરીઓ પર જનરલ ઝિયાનું લખાણ રહેતું, 'જનરલ સુંદરજી માટે, શુભકામનાઓ સાથે. આશા કરું છું કે તમે આનો આનંદ માણશો. ઝિયા.'"
જનરલ ઝિયાનું હવાઈ અકસ્માતમાં મોત થયું ત્યાં સુધી આ ટોકરીઓ તેમની પાસે આવતી રહી.
જનરલ સુંદરજીને ભારતીય સૈન્ય માટે બોફોર્સ તોપોની ખરીદીની ભલામણ કરનાર સ્વરૂપે પણ યાદ કરવામાં આવે છે.
જનરલ સુંદરજીને લોકો 'સ્કૉલર જનરલ' પણ કહેતા. તેમણે 'ન્યૂક્લિયર ડૉક્ટ્રિન' પણ બનાવ્યું હતું, જેનું અનુસરણ કરીને ભારતે 1998માં પરમાણુ પરીક્ષણ બાદ પરમાણુ હથિયારોનો પ્રથમ ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હતો.
જનરલ એચએસ પનાગે 'ધ પ્રિન્ટ'માં છપાયેલા પોતાના લેખ 'સુંદરજી ગેવ ચાઇના સ્ટ્રેટજી ફૉર ડિકેડ્સ અગો'માં લખ્યું હતું, "તેમના ટીકાકારો પણ એ વાત સાથે સંમત હતા કે ભારતીય સૈન્યમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે આટલું બૌદ્ધિક ઊંડાણ, વ્યૂહરચનાકીય પરિપ્રેક્ષ્ય, અને વ્યવસ્થા બદલવાની ક્ષમતા નહોતી. પોતાના બે વર્ષ અને ચાર માસના કાર્યકાળમાં તેમણે ભારતીય સૈન્યને 21મી સદીમાં પહોંચાડી દીધું."
'વિઝન 2000'નો ડ્રાફ્ટ તૈયાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
જનરલ સુંદરજીની છબિ એક સ્ટાઇલિશ આર્મીમૅનની હતી. પરંતુ તેમનાં પત્નીનું માનવું હતું કે તેમના વિશે આવી ધારણા ન્યાયસંગત નહોતી. તેમના મતે સુંદરજીમાં બાળકો જેવી સાદગી અને પ્રામાણિકતા હતી.
વાણી સુંદરજી લખે છે કે, "તેઓ સ્ટાઇલિશ રહેવાનું પસંદ કરતા, પરંતુ ઘણી વાર તેઓ સાદાં કપડાંમાં પણ જોવા મળતા. તેઓ પાઇપ પીતા અને સોટી વડે દીવાલ પર લાગેલા નકશા તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને સમજાવતા. વચ્ચે વચ્ચે તેઓ પાઇપના એકાદ-બે કશ પણ લઈ લેતા. તેમના મગજમાં હંમેશાં નવા નવા વિચાર જન્મ લેતા."
આ દરમિયાન તેઓ માનસિકપણે 21મી સદીમાં પહોંચી ગયા હતા. તેમણે કાગળ પર 'વિઝન 2000'નો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો, જેમાં 21મી સદીમાં ભારતીય સૈન્યની વ્યૂહરચનાને ખૂબ બારીકાઈથી સમજાવવામાં આવી હતી.
પરમાણુ મુદ્દા પર તેમના વિચાર જગજાહેર હતા. એ વિશે તેમણે ઘણું બધું લખ્યું પણ હતું. તેમના અંગત પુસ્તકાલયમાં હજારો પુસ્તકો હતાં.
વાણી સુંદરજી લખે છે કે, "સુંદરજી લિયોનાર્ડો દ વિંચી અને ચંગેઝ ખાંથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ સંગીત માટે પણ દીવાના હતા. તેઓ ભારતીય, પશ્ચિમી, શાસ્ત્રીય, સુગમ અને લોકસંગીત એમ બધા પ્રકારનાં સંગીતને પસંદ કરતા. અમે લોકો રાતથી માંડીને વહેલી સવાર સુધી રવિશંકરનાં સંગીતસંમેલનોમાં બેઠાં છીએ. તેઓ અમારા ચાર દાયકા જૂના મિત્ર હતા."
રવિશંકરે સુંદરજીના અનુરોધ પર મિકેનાઇઝ્ડ ઇન્ફ્રેન્ટ્રી રેજિમેન્ટની ધૂન બનાવી હતી. તેઓ ઘણી વાર ખ્યાતનામ વૈજ્ઞાનિક રાજા રામન્નાના ઘરે જઈને તેમને પિયાનો વગાડતા સાંભળતા હતા.
કામ કરતી વખતે તેઓ ઘણી વાર બિસ્મિલ્લા ખાં, યહૂદી મેન્યૂહિન કે એમએસ સુબ્બાલક્ષ્મીનું સંગીત સાંભળતા.
ખગોળશાસ્ત્ર અને પક્ષીઓમાં રસ

ઇમેજ સ્રોત, Getty Images
સુંદરજીને નવી વસ્તુઓ શીખવાનો શોખ હતો. દરેક વિષયમાં તેમને ઊંડી જાણકારી રહેતી.
એક વાર જ્યારે તેઓ નિવૃત્ત થયા બાદ ચીન જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ચાઇનીઝ ભાષા શીખવા માટે બે પુસ્તકો ખરીદ્યાં. ત્યાં જતા પહેલાં તેઓ સારી એવી મેન્ડરિન બોલવા લાગ્યા હતા. જોકે, એ સમય સુધી તેઓ 60 વર્ષથી વધુ વટાવી ચૂક્યા હતા.
વાણી સુંદરજી લખે છે કે, "બે વસ્તુઓ તેમણે મારી પાસેથી શીખી. તેમાંથી એક હતું ખગોળશાસ્ત્રમાં રસ. મારા પિતા મને છ વર્ષની ઉંમરથી જ ગ્રહો અને તારા જોવા માટે વેધશાળા લઈ જતા. સુંદરજી મારા માટે ખગોળશાસ્ત્ર પરનાં અમુક પુસ્તકો લઈ આવ્યાં અને અમુક સમય બાદ તેમને પણ તેમાં રસ જાગવા માંડ્યો."
વાણી સુંદરજી લખે છે કે, "બીજી વસ્તુ હતી, પક્ષીઓમાં મારો રસ. તેમણે આ વિષય પર મારાથી પ્રેરણા લઈને સાલિમ અલી અને ડિલન રિપ્લેનાં ઘણાં પુસ્તકો ખરીદી લીધાં. તેમણે પક્ષીઓ પર નજર રાખવા માટે બે શક્તિશાળી દૂરબીન પણ ખરીદ્યાં. તેમને માછલી પકડવા અને શિકાર કરવાનો પણ શોખ હતો. તેમની ફિશિંગ રોડ અને બાર બોરની ગન હજુ પણ મારી પાસે છે."
સુંદરજીના દરેક કામમાં ઝડપ રહેતી. તેઓ એટલી ઝડપથી ચાલતા કે લોકોનો તેમની સાથે ચાલવામાં શ્વાસ ફૂલી જતો. તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા એ ઘડી સુધી દરરોજ 18-20 કલાક કામ કરતા.
મોટરસાઇકલ અને ટૅન્કની ડ્રાઇવિંગ

ઇમેજ સ્રોત, Getty Images
સુંદરજીને ડ્રાઇવિંગનો પણ ઘણો શોખ હતો. તેઓ ટૅન્કથી માંડીને એપીસી અને મોટરસાઇકલ સુધી ચલાવતા હતા.
એક રવિવારે જ્યારે તેઓ પશ્ચિમ ફ્રન્ટના પ્રમુખ હતા ત્યારે પૂર્વ એડીસી મોટરસાઇકલ પર તેમને મળવા આવ્યા.
વાણી સુંદરજી યાદ કરે છે કે, "એ સમયે અમે દિલ્હીમાં ઇન્સ્પેક્શન બંગલાના પ્રાંગણમાં ચા પી રહ્યાં હતાં. સુંદરજીએ મોટરસાઇકલને જોતાં જ કહ્યું, મારી સાથે આવ. અમે બંને મોટરસાઇકલ પર બેઠાં. એ સમયે તેમણે કુરતો-પાયજામો પહેર્યા હતા અને હું નાઇટીમાં હતી. એ પછીના અડધા કલાક સુધી તેઓ મને આખા કૅન્ટોનમેન્ટમાં મોટરસાઇકલ પર ફેરવતા રહ્યા."
વાણી યાદ કરે છે કે, "અમુક વર્ષો બાદ જ્યારે તેઓ સૈન્યપ્રમુખ બની ગયા તો અમે એક સાથે બબીના ગયાં. જ્યાં તેમણે કતારબદ્ધ ટૅન્કો જોઈ. તેઓ તરત જ નજીકની ટૅન્કની ડ્રાઇવિંગ સીટ પર જઈ બેઠા અને મને પણ પોતાની પાસે બોલાવી લીધી. તે બાદ તેમણે તીવ્ર ઝડપથી એ ઊબડખાબડ વિસ્તારમાં ટૅન્ક ચલાવી."
'મોટર ન્યૂરૉન બીમારી'થી પીડિત

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે તેઓ પાકિસ્તાન ગયા તો તેઓ ત્યાંના સૈન્યાધ્યક્ષ જનરલ આસિફ નવાઝ જંજુઆના મહેમાન હતા. તેઓ ઇસ્લામાબાદ, પેશાવર અને ખૈબર પાસે પણ ગયા. પાકિસ્તાની સેનાધ્યક્ષના અનુરોધ પર તેઓ અફઘાનિસ્તાનની સીમાની 50 મીટર અંદર સુધી જતા રહ્યા.
તે બાદ તેમણે હેલિકૉપ્ટરથી તક્ષશિલા, મોંહે-જો-દડો અને લાહોરની યાત્રા પણ કરી.
10 જાન્યુઆરી, 1998ના રોજ ડૉક્ટરોને ખબર પડી કે જનરલ સુંદરજી 'મોટર ન્યૂરૉન બીમારી'થી પીડિત છે.
આ એક પ્રકારની તંત્રિકા સંબંધિત બીમારી છે, જે મગજ અને કરોડરજ્જુમાં રહેલા મોટર ન્યૂરૉન્સને અસર કરે છે. તેમાં માંસપેશીઓ કમજોર થઈ જાય છે અને અંતે લકવો મારી જાય છે.
ડૉક્ટરોને જનરલ સુંદરજીને આ બીમારી વિશે જણાવતાં થોડો ખચકાટ થઈ રહ્યો હતો, પરંતુ જલદી જ તેમણે ઇન્ટરનેટ દ્વારા આ બીમારી વિશે સઘળી માહિતી મેળવી લીધી.
તેઓ લાઇફ સપૉર્ટ સિસ્ટમને આશરે જીવતા રહેવા નહોતા માગતા. તેમણે ઇચ્છામૃત્યુ વિશે પોતાના ડૉક્ટરોને પૃચ્છા કરી.
28 માર્ચ આવતાં આવતાં તેઓ સંપૂર્ણપણે લાઇફ સપૉર્ટ સિસ્ટમ પર આધારિત થઈ ગયા.
આ દશામાં તેમણે પોતાનાં પત્નીને ચાર શબ્દની નોટ લખી, જેમાં લખ્યું હતું, 'પ્લીઝ લેટ મી ગો.' એટલે કે મને જવા દો.
વાણી સુંદરજી લખે છે કે, "અંતિમ મિનિટ સુધી તેઓ હોશમાં હતા અને પોતાની આંખો દ્વારા ડૉક્ટરો અને મારી સાથે વાત કરતા. મેં તેમને પોખરણ પરમાણુ પરીક્ષણ વિશે જણાવ્યું હતું. એ હાલતમાં પણ તેઓ દરરોજ ત્રણ અખબાર વાંચતા અને મોટી ટીવી સ્ક્રીન પર ક્રિકેટ જોતા."
બીમારી અંગે ખબર પડ્યાના એક વર્ષ અને એક અઠવાડિયા સુધી તેઓ જીવિત રહ્યા અને 8 માર્ચ 1999માં આ વિશ્વને અલવિદા કહી ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












