ભારતીય સૈનિકોના મૃતદેહો 56 વર્ષે મળ્યા, આટલાં વરસનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
- લેેખક, ઇમરાન કુરેશી અને આસિફ અલી
- પદ, બેંગલુરુ અને દહેરાદૂનથી બીબીસી હિન્દી માટે
આ કથા વાંચતાં તમારી આંખો ભીની થઈ જાય તે શક્ય છે. આ કથા એક દુર્ઘટનામાંથી ઉદ્ભવે છે અને 56 વર્ષ સુધી રહસ્ય બની રહે છે, પરંતુ રહસ્ય બહાર આવે છે ત્યારે પ્રતીક્ષા કરનારા લોકો જ જીવંત રહેતા નથી.
પ્રતીક્ષા તો ઘણા લોકો કરતા હતા, પરંતુ બસંતીદેવી મૃત્યુ પામ્યાં. તેમનાં લગ્ન તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે જ નારાયણસિંહ બિષ્ટ સાથે થઈ ગયાં હતાં. પ્રતીક્ષાનો સમયગાળો એટલો લંબાયો કે તેમણે પતિના પિતરાઈ ભાઈ સાથે જીવન પસાર કરવું પડ્યું.
કથાની શરૂઆત થૉમસ ચેરિયનથી કરીએ. તેમના પરિવારે 56 વર્ષ અને આઠ મહિના લાંબી પ્રતીક્ષા કરી હતી.
એક વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા સૈન્યના કેરળના એક સૈનિકનાં ભાઈ-બહેનોને, તેમનો મૃતદેહ મળી ગયો છે એવું જણાવવામાં આવ્યું ત્યારે લાગ્યું હતું કે આ પરિવારને જીવનમાં બધું જ મળી ગયું છે.
ભારતીય સૈન્યના તે સૈનિકનું નામ થૉમસ ચેરિયન હતું. ચેરિયનની સાથે પાયોનિયર્સ કોરના સિપાઈ મલખાન સિંહ, આર્મી મેડિકલ કોરના નારાયણસિંહ અને હરિયાણાના રેવાડીના સિપાઈ મુંશીરામના મૃતદેહો પણ શોધી કાઢવામાં આવ્યા હતા.
એએન-12-બીએલ-534 પ્લેન 1968ની સાતમી ફેબ્રુઆરીએ હિમાચલમાં રોહતાંગ પાસ પાસે તૂટી પડ્યું હતું. તેમાં 102 સૈનિકો હતા.
કેરળના પથનમથિટ્ટામાં એલનથૂરનો ઓદાદિલ પરિવાર થૉમસ ચેરિયનને ક્યારેય ભૂલ્યો ન હતો. સ્મૃતિ એટલી જીવંત રાખી હતી કે પરિવારમાં કોઈ આનંદની ક્ષણ આવતી ત્યારે પરિવારના સભ્યો વિચારતા હતા કે "કાશ, આ પ્રસંગે થોમસ અમારી સાથે હોત."
થૉમસ ચેરિયનને 22 વર્ષની વયે લેહમાં તેમનું પહેલું ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું હતું. તેઓ ભારતીય હવાઈ દળના પરિવહન વિભાગમાં ક્રાફ્ટ્સમૅન હતા, એએન-12 પ્લેનમાં સવાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની સાથે આર્મી મેડિકલ કોરના સિપાઈ નારાયણસિંહ બિષ્ટ હતા. તેઓ ઉત્તરાખંડના ચમોલીના રહેવાસી હતી. ઉત્તર પ્રદેશના સહરાનપુરના સિપાઈ મલખાનસિંહ ઉપરાંત હરિયાણાના રેવાડીના સિપાઈ મુંશીરામ પણ તેમની સાથે હતા.
ચેરિયન, નારાયણસિંહ, મલખાનસિંહ અને મુંશીરામના મૃતદેહો 56 વર્ષ બાદ ગયા સપ્તાહે એક પર્વતારોહક દળને અભિયાન દરમિયાન મળ્યા હતા.
"જિંદગીમાં બધું મળી ગયું હોય એવું લાગ્યું"

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
1968માં પ્લેન ક્રેશ થયું ત્યારે ચેરિયનનો આખો પરિવાર માતમમાં ડૂબી ગયો હતો.
સૌથી વધુ આઘાતં તેમના માતા-પિતા ઓ.એમ. થૉમસ અને એલિયમ્માને લાગ્યો હતો. તેઓ દીકરાને જીવતો જોવાની આશામાં મૃત્યુ પામ્યા હતા.
ચેરિયનના નાના ભાઈ થૉમસ થૉમસે બીબીસીને કહ્યું હતું, "ભારતીય સૈન્યને ચેરિયનનો મૃતદેહ મળી ગયો છે એવી ખબર પડી ત્યારે એવું લાગ્યું હતું કે કોઈ આખરે લાંબો શ્વાસ લીધો હોય. 56 વર્ષનો મુંઝારો અચાનક ગાયબ થઈ ગયો હતો. અમને બધાને એવું લાગ્યું હતું કે અમને જિંદગીમાં બધું જ મળી ગયું છે."
ભારતીય સૈન્યના ડોગરા સ્કાઉટ અને તિરંગા માઉન્ટન રેસ્ક્યુ (ટીએમઆર)ના સભ્યોની એક સંયુક્ત ટીમે ઢાકા ગ્લેશિયર પાસે સમુદ્રની સપાટીથી લગભગ 16,000 ફીટની ઊંચાઈ પર ચાર સૈનિકોના શબ શોધી કાઢ્યા હતા.
ચેરિયન પરિવારની કહાણી

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચેરિયન એ સમયે માત્ર 16 વર્ષના હતા અને તેમના મોટા ભાઈના પગલે આગળ વધીને સૈન્યમાં જોડાયા હતા.
ચેરિયનના નાના ભાઈ થૉમસે કહ્યું હતું, "તેઓ અમારા સૌથી મોટા ભાઈથી બહુ પ્રભાવિત હતા. હું ચેરિયનથી ત્રણ વર્ષ નાનો છું. બાળપણમાં અમે ભાઈથી વધુ દોસ્ત જેવા હતા. અમે ચાર ભાઈઓ અને એક બહેન છીએ. સૈન્યમાં જોડાયા બાદ તેઓ બે વખત ઘરે આવ્યા હતા, પરંતુ હું તેમને મળી શક્યો ન હતો. હું એ સમયે હરિદ્વારમાં એક સરકારી કંપનીમાં નોકરી કરતો હતો."
થૉમસના જણાવ્યા મુજબ, વિમાન દુર્ઘટના થઈ ત્યારે તેમના પિતાજીને એક ટેલિગ્રામ મળ્યો હતો. પિતાજી ચેરિયન બાબતે બહુ ચિંતિત હતા, કારણ કે તેઓ ગુમ થઈ ગયા હતા. ચેરિયન અકસ્માતમાં માર્યા ગયા છે એવી ખબર પડી ગઈ હોત તો વાત અલગ હતી.
થૉમસે કહ્યું હતું, "દીકરાનું મોં જોવાની આશામાં અમારા પિતાજીનું 1990માં અને માતાનું 1998માં નિધન થયું હતું."
2003માં આ પરિવારને જણાવવામાં આવ્યું હતું કે ચેરિયનનું નામ ગુમ થયેલા લોકોની યાદીમાંથી બદલીને મૃતકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
તેનું કારણ એ હતું કે એક પર્વતારોહક દળને એક જ સૈનિકનો મૃતદેહ મળ્યો હતો. એ કારણે થૉમસ પરિવાર માટે આશા સર્જાઈ હતી, પરંતુ આગળ કશું થયું ન હતું.
2003માં પહેલીવાર જે સૈનિકનો મૃતદેહ મળ્યો તેમનું નામ બેલીરામ હતું, એ હકીકતની પુષ્ટિ અનેક અહેવાલોથી થઈ હતી. એ પછી વધુ મૃતદેહ મળવાની આશા વધી હતી.
ચાર વર્ષ બાદ ભારતીય સૈન્યના એક શોધ અભિયાન દરમિયાન ત્રણ વધુ મૃતદેહો મળ્યા હતા. એ પછીના શોધ અભિયાનમાં ચાર વધુ મૃતદેહો મળ્યા હતા.
2018માં એક પર્વતારોહક ટીમને ઢાકા ગ્લેશિયર બેઝ કૅમ્પમાં એક વધુ મૃતદેહ મળ્યો હતો અને એ પછીના વર્ષે વિમાનનો કાટમાળ પણ મળી ગયો હતો.
આ તમામ પ્રયાસોને કારણે એવી શક્યતાને બળ મળ્યું હતું કે તે ક્ષેત્રમાંથી વધુ મૃતદેહો મળી શકે છે.
ચેરિયન, નારાયણસિંહ, મલખાનસિંહ અને મુંશીરામના મૃતદેહો એ જ ગ્લેશિયર પર 16,000 ફીટની ઊંચાઈએ મળ્યા હતા.
જોકે, તે મૃતદેહો એ જ જગ્યાએ હોવાનો પહેલો સંકેત સૈન્ય તથા ટીએમઆરની ટીમને કેવી રીતે મળ્યો હતો, એ સ્પષ્ટ નથી.
આ બાબતે સૈન્યના અધિકારીઓ પાસેથી જવાબ મળ્યા બાદ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.
ચેરિયનના મૃતદેહની ઓળખ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ચેરિયનના ભાઈના જણાવ્યા મુજબ, પાછલાં તમામ વર્ષો દરમિયાન સૈન્ય ચેરિયનના મોટા ભાઈને એવું જ કહેવામાં આવતું હતું કે શોધ ચાલુ છે. મૃતદેહ મળશે એટલે જણાવવામાં આવશે.
સૈન્યએ પોતાનું વચન પાળ્યું. આટલાં વર્ષો સુધી આ પ્રકારની માહિતી આપતા રહેવું એ ખરેખર વખાણવા જેવી બાબત છે.
બે દિવસ પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશને ચેરિયનના પરિવારને તેમનો મૃતદેહ મળ્યાના સમાચાર પહેલીવાર આપ્યા ત્યારે પરિવારને સભ્યોએ તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું.
એ પછી તરત જ સૈન્યએ પણ તેની પુષ્ટિ કરી હતી અને આ રીતે ચેરિયનના પરિવારે વર્ષોના તણાવ પછી મુક્તિનો અનુભવ કર્યો હતો.
ચેરિયનના ભાઈ થૉમસે કહ્યું હતું, "મૃતદેહની ઓળખ તેના ગણવેશ પર લખેલા થૉમસ સી નામને કારણે થઈ શકી હોવાનું મને જણાવવામાં આવ્યું હતું. સી એટલે ચેરિયન. બાકીના અક્ષર ગાયબ થઈ ગયા હતા. તેમના ખિસ્સામાં રાખેલા એક ડૉક્યુમેન્ટથી પણ તેમની ઓળખ આસાન બની હતી."
થૉમસ આ મામલે ઘણા વ્યવહારુ રહ્યા. તેમણે કહ્યું, "ઈમાનદારીથી કહીએ તો સૈન્યના લોકો શબપેટી ખોલે એવી આશા અમને ન હતી."
બેંગલુરુની વૈદેહી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. જગદીશ રેડ્ડીને અમે સવાલ કર્યો હતો કે મૃતદેહ ઓળખી શકાય એવી સ્થિતિમાં રહ્યો હશે?
તેમણે બીબીસીને કહ્યું હતું, "ડીપ ફ્રીઝરમાં શૂન્યથી નીચેનું તાપમાન ગ્લેશિયલના તાપમાન જેવું હોય છે. માઇનસ વીસ ડિગ્રી કે તેની આસપાસના તાપમાનમાં એક શબ વર્ષો સુધી રહી શકે છે. જોકે, તેની સ્થિતિ એક સામાન્ય શરીર જેવી નહીં હોય."
ડૉ. રેડ્ડીએ કહ્યું હતું, "તેમાં એવી કંઈક ચીજ હશે, જેના વડે તેની ઓળખ થઈ શકે. તેનો આધાર ત્યાં તાપમાન કેવું છે તેના પર છે. ધારો કે ઉનાળામાં તાપમાન વધી જાય તો થોડી મુશ્કેલી થઈ શકે છે. 56 વર્ષ પછી પણ કેટલીક ચીજો એવી હશે, જે શબની ઓળખમાં મદદ કરે, પરંતુ શરીર પહેલાં જેવું રહે એ શક્ય નથી."
સૈન્યમાં વિશ્વાસ યથાવત

ઇમેજ સ્રોત, ASIF ALI
તેમ છતાં સૈન્યમાં ચેરિયન પરિવારનો ભરોસો યથાવત છે.
ચેરિયનના ભાઈ થૉમસે કહ્યું હતું, "અમારા સૌથી મોટા ભાઈએ માત્ર માતાની દેખભાળ માટે સૈન્ય છોડ્યું હતું. તેમની તબિયત સારી રહેતી ન હતી, પરંતુ અમારા પરિવારના બાકીના સભ્યોએ સૈન્ય કે હવાઈ દળમાં પોતપોતાની નોકરી ચાલુ રાખી હતી. હવે તો અમારી ત્રીજી પેઢી પણ સૈન્યમાં કામ કરી રહી છે."
તેમણે ઉમેર્યું હતું, "અમારા એક વૃદ્ધ કાકા કહેતા હતા કે સૈન્ય દેશનું રક્ષણ કરી રહ્યું છે. તેઓ સૂબેદાર મેજરના પદ પરથી નિવૃત્ત થયા હતા, પરંતુ સમગ્ર પરિવાર માટે સૈન્યમાં સામેલ થવાનો પ્રેરણાસ્રોત તેઓ હતા."
પ્રધાનો અને સૈન્યના ટોચના અધિકારીઓ સાથે ચેરિયનના પરિવારે ગુરુવારે બપોરે તિરુઅનંતપુરમ ઍરપોર્ટ પર ચેરિયનનું કૉફિન સ્વીકાર્યું હતું. અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે તેમના ગામના ચર્ચમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલાં રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલું કૉફિન સીલબંધ હતું.
નારાયણસિંહનાં પત્નીએ કરી વર્ષો સુધી પ્રતીક્ષા

ઇમેજ સ્રોત, SPECIAL ARRANGEMENT
એ ચાર સૈનિકો પૈકીના એક નારાયણસિંહ બિષ્ટનો મૃતદેહ પણ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી બ્લૉક સ્થિત કોલપૂડી ગામે પહોંચ્યો હતો.
તેમના પેતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કોલપૂડી ગામના સરપંચ જયવીરસિંહ, નારાયણસિંહના ભત્રીજા છે.
જયવીરસિંહે કહ્યું હતું, "મારા મોટાકાકા નારાયણસિંહ તેમનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. તેમનાં લગ્ન 1962માં બસંતીદેવી સાથે થયાં હતાં. એ વખતે તેમની વય 15 વર્ષ હતી. 1968માં તેઓ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ તેમનો મૃતદેહ મળ્યો ન હતો."
તેમણે ઉમેર્યું હતું, "બસંતીદેવીને આશા હતી કે તેમના પતિ ઘરે જરૂર પાછા આવશે, પરંતુ સમય પસાર થવાની સાથે તેમની આશા પણ ઓસરતી રહી હતી."
"નારાયણસિંહના પાછા આવવાની આશા છોડી ચૂકેલા પરિવારજનોએ લગભગ આઠ વર્ષ પછી નારાયણસિંહના પિતરાઈ ભાઈ ભવાનસિંહને ધર્મપુત્ર માનીને તેમને નારાયણસિંહના ઘરમાં જ બસંતીદેવી સાથે લગ્ન કર્યા વિના રહેવાની પરવાનગી આપી હતી."
જયવીરસિંહના કહેવા મુજબ, "એ પછી બસંતીદેવી અને ભવાનસિંહને ત્યાં બે દીકરા અને પાંચ દીકરીઓનો જન્મ થયો હતો."
બસંતીદેવી અને ભવાનસિંહના બે દીકરાઓમાં એક ખુદ જયવીરસિંહ છે.
તેમણે કહ્યું હતું, "નારાયણસિંહ જીવંત હોત તો મારા પિતા હોત. હવે તેઓ દુનિયામાં રહ્યા ન હોવાથી સંબંધમાં તેઓ મારા મોટા પપ્પા છે."

ઇમેજ સ્રોત, ASIF
"મારાં માતા બસંતીદેવીએ જણાવ્યું હતું કે નારાયણસિંહ સૈન્યમાં કામ કરતા હતા. વર્ષમાં એકવાર ઘરે આવતા હતા. તેમના આવ્યાની ખબર ખેતરની સ્થિતિથી જ પડી જતી હતી. એકવાર સૈન્ય તરફથી અંગ્રેજીમાં ટેલિગ્રામ આવ્યો હતો, જેમાં વિમાન અકસ્માતમાં નારાયણસિંહ ગુમ થઈ ગયા હોવાની સૂચના હતી."
જયવીરસિંહે કહ્યું હતું, "બસંતીદેવીને સૈન્ય તરફથી ક્યારેય કોઈ સુવિધા મળી નથી. મારાં માતા બસંતીદેવી 2011માં અવસાન પામ્યાં હતાં. એ પછી મારા પિતા પણ 2018માં મૃત્યુ પામ્યા હતા."
"મારી પાસે સ્મૃતિ સ્વરૂપે મોટા કાકાનો કોઈ ફોટોગ્રાફ પણ નથી," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું, "નારાયણસિંહનો પાર્થિવ દેહ ગુરુવારે તેમના ગામ પહોંચ્યો હતો. એ પછી સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા."
વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ કહાણી

ઇમેજ સ્રોત, ASIF
1968ની સાતમી ફેબ્રુઆરીએ ભારતીય હવાઈ દળનું એએન-12-બીએલ534 વિમાન ચંડીગઢથી લેહ જવા રવાના થયું હતું.
તેમાં ભારતીય સૈન્યના જવાનો પ્રવાસ કરી રહ્યા હતા, પરંતુ એ વિમાન અધવચ્ચે રોહતાંગ પાસ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં પ્રવાસ કરી રહેલા તમામ 102 જવાનો મૃત્યુ પામ્યા હતા.
પી.આર.ઓ ડિફેન્સ દહેરાદૂનના લેફટેનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવે કહ્યું હતું, "તે વિમાનમાં પ્રવાસ કરી રહેલા કુલ 102 લોકોમાં 98 સૈનિકો અને ચાર ક્રૂ મેમ્બર્સ હતા. વિમાને લેહમાં ઉતરાણ કરવાનું હતું, પરંતુ લેહમાં હવામાન ખરાબ હોવાને કારણે ત્યાં ઉતરાણ કરી શકાયું ન હતું અને પ્લેનને ચંડીગઢ પાછું લાવવામાં આવી રહ્યું હતું."
તેમણે ઉમેર્યું હતું, "વિમાન ચંડીગઢ પરત આવી રહ્યું હતું ત્યારે પણ હવામાન ખરાબ હતું. એ કારણે તે રોહતંગની આજુબાજુ તૂટી પડ્યું હતું. એ પ્લેન ગુમ થયું ત્યારે થોડો સમય એવી ચર્ચા પણ થઈ હતી કે તે પ્લેને ક્યાંક ‘દુશ્મન દેશ’ની સીમામાં તો ઉતરાણ નથી કર્યુંને."
લેફટેનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવના કહેવા મુજબ, "2003માં અટલ બિહારી માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટે પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. વાસ્તવમાં ચંદ્રભાગા 13 પર પર્વતારોહણ કરતા એક પર્વતારોહક દળને એ કાટમાળ ઢાકા ગ્લેશિયર પાસે અચાનક જોવા મળ્યો હતો."
"પર્વતારોહકોને એ સ્થળે એક ઓળખ પત્ર પણ મળ્યું હતું. એ પછી એવું માની લેવામાં આવ્યું હતું કે એ કાટમાળ એએન-12-બીએલ-534 પ્લેનનો જ છે."
તેમના કહેવા મુજબ, "ત્યાં સુધીમાં જવાનોને બહાર કાઢવા માટે ગઢવાલ સ્કાઉટ્સના નેતૃત્વમાં ભારતીય સૈન્ય દ્વારા અનેક અભિયાન હાથ ધરવામાં આવ્યાં હતાં. એ પછી 2005, 2006, 2013 અને 2019માં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું."
"2019માં પણ પાંચ જવાનોના મૃતદેહ મળ્યા હતા. એ પછી બાકીનાને શોધવા માટે ડોગરા સ્કાઉટ્સની ટુકડી દ્વારા સતત અભિયાન ચલાવવામા આવ્યું હતું. પછી આ વર્ષની 29 સપ્ટેમ્બરે ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા."
"એ ચારમાં નારાયણસિંહ, માલખાનસિંહ, મુંશીરામ અને થૉમસ ચેરિયનનો સમાવેશ થાય છે."
લેફટેનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું હતું, "આપણા સૈન્યનો સિદ્ધાંત છે કે અમે અમારા સાથીઓને ક્યારેય ભૂલતા નથી કે પાછળ છોડતા નથી."
"એ સિવાય જે પણ સાથીઓ બાકી રહી ગયા છે, તેમને પાછા લાવવા માટે અમારી ડોગરા સ્કાઉટ્સ પારાવાર પ્રયાસ કરી રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












