અમદાવાદને કાળઝાળ ગરમીથી બચાવતો હીટ ઍક્શન પ્લાન હવે આગ્રામાં પણ લાગુ, તેની વિશેષતા શું છે?

અમદાવાદનો હિટવેવ ઍક્શન પ્લાન શું છે, હિટ ઍક્શન પ્લાન કેવી રીતે લોકોના જીવ બચાવી રહ્યો છે, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હીમાં હિટ ઍક્શન પ્લાન, હિટ ઍક્શન પ્લાન અંગે નિષ્ણાતો શું માને છે

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉનાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવતો હીટ ઍક્શન પ્લાન દેશભરમાં સ્વીકૃત બની રહ્યો છે અને આગ્રા, પ્રયાગરાજ, ઝાંસી તથા લખનૌ જેવાં શહેરોમાં તેનો અમલ થઈ રહ્યો છે.

નિષ્ણાતોના મતે, અમદાવાદના હીટ ઍક્શન પ્લાનને કારણે 'હીટવેવ' દરમિયાન મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટી છે, એટલે અન્ય શહેરો પણ તેનું અનુકરણ કરી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના અમુક જિલ્લાઓમાં ઉનાળા દરમિયાન તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી જાય છે, ત્યારે ત્યાંની મહાનગર પાલિકાઓ પણ અમદાવાદની જેમ ઉપર હીટ ઍક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે.

આ પ્લાન હેઠળ મુખ્યત્વે સરકારી વિભાગો, અર્ધસરકારી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો સંયુક્ત રીતે કામ કરીને લોકોમાં ગરમી સંદર્ભે જાગૃતિ લાવવાનું કામ કરે છે.

કેન્દ્રીય સંસ્થા નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી દ્વારા હીટવેવ સંબંધે કામગીરી કરવામાં આવે અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે. અલગ-અલગ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તેનુ અનુસરણ કરવામાં આવે છે.

ગ્લોબલ વૉર્મિંગક્ષેત્રે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા નૅશનલ રિસૉર્સિસ ડિફેન્સ કાઉન્સિલ દ્વારા વર્ષ 2019માં એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. જે મુજબ, વર્ષ 1992થી 2015 દરમિયાન ગરમીને કારણે ભારતમાં 24 હજાર 223 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જોકે, એનસીઆરબીના (નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો) આંકડા પ્રમાણે, પહેલી માર્ચ 2023થી બીજી ઑગસ્ટ 2024 દરમિયાન દેશભરમાં હીટ સ્ટ્રૉકના 76 હજાર 761 કેસ નોંધાયા હતા, જેમાં 374 લોકો મૃત્યુ પામ્યા હતા.

મૃતકોમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 102 લોકો હતા. એ પછીના ક્રમે ઉત્તર પ્રદેશ (52), બિહાર (37) અને મહારાષ્ટ્ર (23) રહ્યાં હતાં. આ આંકડા મુજબ, ગુજરાતમાં હીટ સ્ટ્રૉકના 1,002 કેસ નોંધાયા હતા, જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા.

અમદાવાદમાં હીટવેવનો કોપ

અમદાવાદનો હિટવેવ ઍક્સન પ્લાન શું છે, હિટ ઍક્શન પ્લાન કેવી રીતે લોકોના જીવ બચાવી રહ્યો છે, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હીમાં હિટ ઍક્શન પ્લાન, હિટ ઍક્શન પ્લાન અંગે નિષ્ણાતો શું માને છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ દર વર્ષે ઉનાળામાં અનેક વખત હીટવેવનો સામનો કરે છે.

વર્ષ 2010ની હીટવેવ બાદ ગાંધિનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થના વિજ્ઞાનીઓએ દેશમાં પ્રથમ વખત હીટવેવથી થતાં મૃત્યુના આંકડાનો અભ્યાસ કર્યો હતો. જેનો હેતુ ગરમીને કારણે થતાં મૃત્યુને ઘટાડવાની દિશામાં કામ કરવાનો હતો.

આગલા વર્ષના આંકડા સાથે સરખામણી કરતા વર્ષ 2010ના મે મહિના દરમિયાન વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

આ અભ્યાસમાં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મૃત્યુના આંકડામાં 43.1 ટકા જેટલો વધારો થયો હતો, તેમાં પણ જે દિવસો દરમિયાન તાપમાન ઊંચું રહ્યું હતું, એ દિવસો દરમિયાન મૃતકાંક વધુ હતો.

આ અભ્યાસ મુજબ, વર્ષ 2009ની સરખામણીમાં એક હજાર 344 મૃત્યુ વધુ થયાં હતાં. આ અભ્યાસમાં સામેલ નિષ્ણાતોમાંથી એક ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું:

"મે-2010માં જે દિવસે તાપમાન 46.8 ડિગ્રીએ પહોંચ્યું હતું, તે દિવસે વધુ મૃત્યુ થયાં હતાં. જે સ્પષ્ટપણે દર્શાવતું હતું કે વધારાનાં મૃત્યુ ગરમીને કારણે થયાં છે, કારણ કે તે સમયે કોઈ રોગચાળો ફેલાયો ન હતો. અમે મૃત્યુના વધારાના આંકડાને ગરમી સાથે જોડી શક્યા હતા. એટલે કે મે-2010માં થયેલાં મૃત્યુ ગરમીને કારણે થયાં હતાં, એવું તારણ અમે કાઢી શક્યા હતા."

આ અભ્યાસનાં તારણોને પગલે વર્ષ 2013માં 'હીટ ઍક્શન પ્લાન' અમલમાં આવ્યો.

શું છે હીટ ઍક્શન પ્લાન અને અમદાવાદમાં તેની અસર

અમદાવાદનો હિટવેવ ઍક્સન પ્લાન શું છે, હિટ ઍક્શન પ્લાન કેવી રીતે લોકોના જીવ બચાવી રહ્યો છે, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હીમાં હિટ ઍક્શન પ્લાન, હિટ ઍક્શન પ્લાન અંગે નિષ્ણાતો શું માને છે

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2013માં દેશભરમાં પ્રથમ વખત અમદાવાદમાં 'હીટ ઍક્શન પ્લાન' અમલમાં મૂકવામાં આવ્યો. આ પ્લાન મુજબ, પહેલા ક્રમે ગરમી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી, બીજા ક્રમે ગરમી અંગે 'અર્લી વૉર્નિંગ સિસ્ટમ' ઊભી કરવી.

જેમાં કલર કોડિંગ મારફતે લોકોને સાવચેત કરવા. જેમ કે, 41-42 ડિગ્રી તાપમાન હોય તો યલો ઍલર્ટ, 43-44.9 ડિગ્રી તાપમાન હોય તો ઓરેન્જ ઍલર્ટ તથા 45 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહેવાનું અનુમાન હોય તો રેડ ઍલર્ટ આપવામાં આવે છે.

ત્રીજા ક્રમે અર્બન હૅલ્થ સેન્ટરો તથા આરોગ્યકર્મીઓને ગરમીસંબંધિત ઇમર્જન્સી કેસો માટે સજ્જ કરવા અને તાલીમ આપવી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હીટ વેવ સંબંધે અલગ-અલગ વિભાગો સાથે મળીને કામ કરે છે. શહેરના કમિશનર બંછાનિધિ પનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :

"દરવર્ષની જેમ આ વર્ષે પણ હીટ ઍક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. દરવર્ષે તેના કારણે અનેક લોકોને મદદ મળે છે. ગરમીની આગોતરી ચેતવણી આપવાને કારણે ઘણાં લોકો આ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી બહાર નીકળતા નથી."

"રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, તે દિવસો દરમિયાન બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરોના કામ કરવા ઉપર પ્રતિબંધ જેવા પગલાં લેવામાં આવે છે."

વર્ષ 2013થી અમલમાં આવેલા હીટવેવ ઍક્શન પ્લાનની અસરકારકતાને ચકાસવા માટે વર્ષ 2018માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના તારણ પ્રમાણે, આ પ્લાનને કારણે વર્ષ 2014 અને 2015 દરમિયાન હીટ વેવના દિવસોમાં ચાર હજાર જેટલા લોકોના જીવ બચાવી શકાયા હતા.

બંને વર્ષ દરમિયાન 98 દિવસ સામાન્ય વૉર્નિંગના, 36 દિવસ યેલો ઍલર્ટના, 41 દિવસ ઓરેન્જ તથા 21 દિવસ રેડ ઍલર્ટના હતા.

જેમાં વર્ષ 2007- '10ની સરખામણીએ અનુક્રમે બે હજાર 380 (સામાન્ય હીટ ઍલર્ટ), 407 (યેલો), 673 (ઓરેન્જ) અને 1300 (રેડ ઍલર્ટ) ઓછા મૃત્યુ થયા હતા.

માવળંકરે કહ્યું, "સીધી રીતે જોઈ શકાય છે કે હીટ ઍક્શન પ્લાનને કારણે અમદાવાદમાં હીટ વેવને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો હતો."

અમદાવાદના હીટ ઍક્શન પ્લાનનું અનુકરણ બીજાં શહેરોએ કેવી રીતે કર્યું ?

અમદાવાદનો હિટવેવ ઍક્સન પ્લાન શું છે, હિટ ઍક્શન પ્લાન કેવી રીતે લોકોના જીવ બચાવી રહ્યો છે, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હીમાં હિટ ઍક્શન પ્લાન, હિટ ઍક્શન પ્લાન અંગે નિષ્ણાતો શું માને છે

ઇમેજ સ્રોત, Dr. Mahaveer Golechha

ઇમેજ કૅપ્શન, તાજમહેલના પ્રવેશદ્વાર પર લાગેલા ઍર કુલર

હીટ ઍક્શન પ્લાન માટે અલગ-અલગ નિષ્ણાતો દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. આવા જ એક અભ્યાસમાં ભાગ લેનારા નિષ્ણાત તબીબ મહાવીર ગોલેચાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :

"ગરમી અંગ પૂર્વ ચેતવણી, જાગૃતિ, આરોગ્યકર્મીઓની તાલીમ તથા લાંબાગાળે ગરમી ઓછી થાય તે માટે પ્રયત્નો કરવા - આ ચાર મુદ્દા પર જ હીટ ઍક્શન પ્લાન કામ કરે છે.આ જ મુદ્દા અમે ઉત્તર પ્રદેશમાં પણ લાગુ કરી રહ્યા છીએ."

ગોલેચા હાલમાં ઉત્તર પ્રદેશના લખનૌ, આગ્રા, ઝાંસી અને પ્રયાગરાજ જેવાં શહેરોમાં અમદાવાદની તર્જ ઉપર હીટ ઍક્શન પ્લાન જેવો જ પ્લાન તૈયાર કરી રહ્યા છે.

ગોલેચા કહે છે, "અમદાવાદમાં જે પરિણામો મળ્યાં હતાં, એ પછી વિવિધ સરકારોને લાગ્યું હતું કે આ પ્રકારે કામ કરવાથી તેમનાં શહેરોમાં પણ ગરમીને કારણે લોકોનાં મૃત્યુ થતાં અટકાવી શકાશે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાદ હવે ઉત્તર પ્રદેશમાં આ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે."

આગામી સમયમાં ગાઝિયાબાદ, મેરઠ, કાનપુર, ગોરખપુર, દેવરિયા જેવાં શહેરો ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ આ પ્લાનને અમલમાં મૂકવામાં આવશે.

ગોલેચા કહે છે કે આ જિલ્લાઓમાં પણ અમદાવાદની જેમ જ રસ્તાઓ ઉપર શેડ બનાવવામાં આવ્યા છે. આ સિવાય પાણીની પરબ ઊભી કરવામાં આવી છે. તાજમહેલમાં ઍરકૂલર મૂકાય રહ્યાં છે.

સાથે-સાથે રેડ ઍલર્ટના દિવસોમાં બાંધકામક્ષેત્રે કામ કરતા શ્રમિકો તથા તડકામાં શ્રમ કરતા લોકોના કામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રયાસોથી અનેક લોકોના જીવ બચી રહ્યા છે.

'આવનારા દિવસોમાં હીટ વેવ મોટી સમસ્યા બની શકે છે'

અમદાવાદનો હિટવેવ ઍક્સન પ્લાન શું છે, હિટ ઍક્શન પ્લાન કેવી રીતે લોકોના જીવ બચાવી રહ્યો છે, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હીમાં હિટ ઍક્શન પ્લાન, હિટ ઍક્શન પ્લાન અંગે નિષ્ણાતો શું માને છે

દેશભરમાં હીટ વેવને કારણે સમસ્યા વકરી રહી છે. આ અંગે વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનનાં પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા સ્વામીનાથને બીબીસી ગુજરાતી સાથે ગ્લોબલ વૉર્મિંગ અંગે વાત કરી હતી.

તેઓ માને છે કે પશ્ચિમી દેશોમાં પણ ગરમીની સમસ્યા વકરી છે, ત્યારે ભારત જેવા દેશ માટે તે સમસ્યા ખૂબ મોટી છે એમ કહી શકાય.

તેઓ કહે છે, "ભારતમાં વસતિ ખૂબ જ વધારે છે તથા એક મોટો વર્ગ ગરીબીમાં જીવે છે. તેમની પાસે ગરમીથી બચવા માટે જરૂરી સાધનો નથી હોતા. તેમણે ભર તડકામાં કામ કરવું પડે છે. હીટ વેવના દિવસોમાં પણ તેમણે કામ કરવું પડે છે."

"મોટાભાગના લોકો પતારાવાળાં ઘરોમાં રહે છે. હીટ વેવને કારણે આ લોકોને સૌ પહેલાં અને સૌથી વધુ અસર થાય છે. માટે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ."

ડૉ. સૌમ્યા રંગનાથન માને છે કે દેશમાં મોતનાં કારણો વિશે વિસ્તૃત અભ્યાસ થવો જોઈએ અને જો જરૂર પડે તો તે દિશામાં સરકારોએ કામ કરવું જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે ગરમીને કારણે ક્યાં અને કેટલા લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.

મૃત્યુ પહેલાંનાં કારણોની પણ નોંધ કરવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિનું ગરમીને કારણે મૃત્યુ થયું છે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન