ચોમાસું મુંબઈ પહોંચ્યું, મહારાષ્ટ્રમાં ચોધારો વરસાદ, ગુજરાતમાં કઈ તારીખે થશે એન્ટ્રી?
ચોમાસાની આ વર્ષે વહેલી શરૂઆત થઈ છે અને તે બાદ પણ તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 25 મે સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે.
આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં 8 દિવસ વહેલું આવી ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું, જે સામાન્ય રીતે દર વર્ષે 20 મેની આસપાસ આંદામાન અને નિકોબાર અને 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે, આ વખતે 13 મેના રોજ નિકોબારમાં પહોંચ્યું.
અગાઉ, 2009 માં ચોમાસું વહેલું આવી ગયું હતું.
ગઈકાલ રાત (25 મે) થી મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી પણ અનુકૂળ પરિસ્થિતિઓ છે કે ચોમાસું આગામી દિવસોમાં પણ ઝડપથી આગળ વધશે અને ભારતના ઘણા વિસ્તારો સુધી પહોંચી જશે.
એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થાય તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ગતિવિધિઓ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 26મેથી 28 મે સુધી એટલે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત 26 અને 27 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે અને એકાદ-બે વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડી શકે છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 મેના કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ બીજા જ દિવસે ઝડપથી આગળ વધીને ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી ગયું હતું.
જે બાદ 26 મેના રોજ ચોમાસું હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં હજી પણ આગળ વધીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા રાજ્યના ઘણા વિસ્તારોમાં પહોંચી જશે.
હાલ હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 2થી 3 દિવસમાં મહારાષ્ટ્રના વધારે વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, તેલંગણાના ઘણા વિસ્તારો ઉપરાંત આંધ્ર પ્રદેશના પણ બીજા ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે.
મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં પહોંચતા સામાન્ય રીતે પાંચેક દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ હાલ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશે કોઈ માહિતી આપી નથી.
આગામી ત્રણેક દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે અને તે બાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. એટલે હજી ગુજરાતમાં ચોમાસાની તારીખ માટે થોડા દિવસની રાહ જોવી પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













