એઆઇ સમિટ બાદ ચર્ચામાં આવેલી ગલગોટિયા યુનિવર્સિટીની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ?

ગલગોટિયા યુનિવર્સિટી, ચાઇનીઝ રોબો ડૉગ વિવાદ, એઆઇ ઇમ્પેક્ટ સમિટ, સોકર ડ્રોન વિવાદ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગલગોટિયા યુનિવર્સિટી એક રોબૉ ડૉગને ડેવલપ કર્યાના દાવા પછી ચર્ચામાં છે (ફાઇલ ફોટો)
વાંચવાનો સમય: 5 મિનિટ

નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ઇમ્પૅક્ટ સમિટ સમાચારોનાં મથાળાંમાં ચમકી રહી છે. એક તરફ આ સમિટ દરમિયાન અવ્યવસ્થા અને ગેરવહીવટના આરોપ થઈ રહ્યા છે, તો બીજી તરફ તેમાં ભાગ લેવાની બાબતમાં એક ખાનગી યુનિવર્સિટી ચર્ચામાં છે.

ગલગોટિયા યુનિવર્સિટી પર આરોપ થયો છે કે તેણે ચીનનિર્મિત એક રોબૉ ડૉગને પોતાનો જણાવીને સમિટમાં પ્રસ્તુત કર્યો.

સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચાઓ થઈ, ત્યાર પછી બુધવારે સાંજે ગલગોટિયા યુનિવર્સિટીએ નિવેદન બહાર પાડીને માફી માગી છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે ગેરસમજના કારણે તેવું થયું હતું. સાથે જ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે તેણે સમિટમાંથી તેનો સ્ટૉલ ખાલી કરી દીધો છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરના નિવેદનમાં ગલગોટિયા યુનિવર્સિટીએ લખ્યું, "અમારા સ્ટૉલ પરનાં અમારાં એક પ્રતિનિધિને તકનીકી માહિતી યોગ્ય રીતે નહોતી મળી. કૅમેરા પર આવવાના ઉત્સાહમાં તેમણે ઉત્પાદન સાથે સંકળાયેલી કેટલીક ખોટી માહિતી આપી દીધી; જોકે, તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી પણ નહોતી."

"અમે તમને નિવેદન કરીએ છીએ કે આ સ્થિતિને સમજો, કેમ કે અમારો હેતુ કોઈ પણ પ્રકારે ઇનોવેશનને ખોટી રીતે પ્રસ્તુત કરવાનો નહોતો. ગલગોટિયા યુનિવર્સિટી શૈક્ષણિક ઇમાનદારી, પારદર્શિતા અને પોતાના કામની જવાબદાર પ્રસ્તુતિ માટે પ્રતિબદ્ધ છે. આયોજકોની લાગણીનું સન્માન કરીને અમે કાર્યક્રમ સ્થળ ખાલી કરી દીધું છે."

આની પહેલાં મંગળવારે બીબીસી ન્યૂઝ હિન્દી સાથેની વાતચીતમાં ગલગોટિયા યુનિવર્સિટીનાં પ્રોફેસર નેહાસિંહે કહેલું કે આ રોબૉટને ગલગોટિયા યુનિવર્સિટીના સેન્ટર ઑફ ઍક્સિલેન્સમાં ડેવલપ કરાઈ રહ્યો છે, તેને બનાવાયો નથી, બિલ્ડ કરવું અને ડેવલપ કરવું તે બંનેમાં ભેદ છે.

પ્રોફેસર નેહાસિંહે જ પહેલાં આ રોબૉ ડૉગ બાબતે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવેલું કે એને ગલગોટિયા યુનિવર્સિટીમાં ડેવલપ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જ સોશિયલ મીડિયા પર ગલગોટિયા યુનિવર્સિટી ટ્રૉલ થવા લાગી હતી.

રોબૉ ડૉગ પછી સૉકર ડ્રોન બાબતે વિવાદ

ગલગોટિયા યુનિવર્સિટી, ચાઇનીઝ રોબો ડૉગ વિવાદ, એઆઇ ઇમ્પેક્ટ સમિટ, સોકર ડ્રોન વિવાદ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગલગોટિયા યુનિવર્સિટીએ પછીથી કહ્યું હતું કે તેણે પોતાનો સ્ટૉલ ખાલી કરી દીધો છે

ગલગોટિયા યુનિવર્સિટીનાં પ્રોફેસર નેહાસિંહનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ છે, જેમાં તેઓ એક સૉકર ડ્રોન માટે દાવો કરી રહ્યાં છે કે તેના ઍન્ડ-ટૂ-ઍન્ડ એન્જિનિયરિંગથી લઈને ઍપ્લિકેશન સહિત બધી વસ્તુઓ પર યુનિવર્સિટીમાં કામ થયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે દાવો કર્યો કે ગલગોટિયાના કૅમ્પસમાં ભારતની પહેલી ડ્રોન સૉકર એરીના (કોઈ ખાસ પ્રવૃત્તિની જગ્યા) છે, આ એરીનામાં સ્ટુડન્ટ્સ ગેમ રમે છે, તેને ફ્લાય કરે છે અને નવી રીતે ઍન્હાન્સ્ડ ફીચર સાથે તેને ડેવલપ કરી રહ્યા છે.

ઇન્ડિયા યૂથ કૉંગ્રેસે આ વીડિયોને ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું છે, "પહેલાં ચીન, હવે કોરિયા. ગલગોટિયા યુનિવર્સિટી 'ઉધાર' લીધેલાં ઇનોવેશનની ટૂર પર છે. તેમણે દાવો કર્યો કે તેમણે કૅમ્પસમાં સ્ક્રૅચ વડે ઇન્ડિયાનો પહેલો ડ્રોન સૉકર બનાવ્યો છે, પરંતુ હકીકતમાં તે કોરિયાનો એક સ્ટ્રાઇકર વી3 એઆરએફ છે."

આ વીડિયોમાં પ્રોફેસર જે ડ્રોન બતાવી રહ્યાં છે, તેના જેવો જ એક ડ્રોન દક્ષિણ કોરિયન કંપની હેલસેલ બનાવે છે.

હેલસેલની વેબસાઇટ અનુસાર, ફૂટબૉલ આખી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય રમત છે, તેને ધ્યાનમાં રાખીને સૉકર અને ડ્રોનના સંયોજનથી એક નવા પ્રકારની રમત બનાવવામાં આવી છે.

"ડ્રોન સૉકર એક ઊભરતી ભવિષ્યવાદી રમત છે, જેને આધુનિક કાર્બન મટિરિયલ અને ડ્રોન ટૅક્નૉલૉજીની મદદથી બનાવવામાં આવી છે. તેમાં બે ટીમ હોય છે અને દરેક ટીમમાં 5-5 ખેલાડી હોય છે."

સ્ટ્રાઇકર ગ્રૂપમાં આ ડ્રોન સૉકરના અલગ-અલગ પ્રકારના લગભગ 11 ડ્રોન છે. વીડિયોમાં જે સ્ટ્રાઇકર વી3 એઆરએફની વાત કરવામાં આવી રહી છે, તેની કિંમત લગભગ 41 હજાર રૂપિયા છે.

ગલગોટિયા યુનિવર્સિટી ક્યારે શરૂ થઈ?

ગલગોટિયા યુનિવર્સિટી, ચાઇનીઝ રોબો ડૉગ વિવાદ, એઆઇ ઇમ્પેક્ટ સમિટ, સોકર ડ્રોન વિવાદ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રોન સૉકરની બાબતમાં પણ હવે ગલગોટિયા યુનિવર્સિટીની ચર્ચા થઈ રહી છે (ફાઇલ ફોટો)

ગલગોટિયા યુનિવર્સિટીની શરૂઆત વર્ષ 2011માં ઉત્તર પ્રદેશના ગ્રૅટર નોઇડામાં થઈ હતી. તેના સંસ્થાપક ગલગોટિયા પબ્લિકેશન્સના માલિક સુનીલ ગલગોટિયા છે.

જોકે, યુનિવર્સિટી સુધી પહોંચવાની સફર નાની-નાની સંસ્થાઓ દ્વારા પૂરી થઈ છે.

ગલગોટિયા યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, સુનીલ ગલગોટિયા નવી દિલ્હીના કનૉટ પ્લેસમાં પોતાના પરંપરાગત બુકસ્ટોર ઇડી ગલગોટિયા ઍન્ડ સન્સનું કામ કરતા હતા.

વર્ષ 1980માં તેમણે પબ્લિકેશન હાઉસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેમણે ગલગોટિયા પબ્લિકેશન્સ નામથી પોતાના પબ્લિકેશન હાઉસની શરૂઆત કરી.

યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, સુનીલ ગલગોટિયાએ શરૂઆતના દિવસોમાં પહેલું પુસ્તક છાપવા માટે નવ હજાર રૂપિયા ઉછીના લીધા હતા.

આ પબ્લિકેશન હાઉસને વિદેશમાં ભણવા જવા માટે અપાતી પરીક્ષા સૅટ, ટૉફેલ, જીઆરઇ અને જીમૅટ માટે બૅરન્સ પુસ્તકોના પ્રકાશનના અધિકાર મળ્યા, ત્યાર પછી તેણ ઊંચાઈ આંબવાનું શરૂ કર્યું.

ત્યાર પછી સુનીલ ગલગોટિયાએ પુસ્તકોમાંથી બહાર નીકળીને શિક્ષણના ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો.

વર્ષ 2000માં તેમણે 40 વિદ્યાર્થીઓ સાથે ગલગોટિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ ઍન્ડ ટૅક્નૉલૉજીની શરૂઆત કરી. એ જ વર્ષે ગલગોટિયા કૉલેજ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટૅક્નૉલૉજીની શરૂઆત થઈ.

ગલગોટિયા યુનિવર્સિટીનો લગભગ 200 કોર્સ ચલાવવાનો દાવો

ગલગોટિયા યુનિવર્સિટી, ચાઇનીઝ રોબો ડૉગ વિવાદ, એઆઇ ઇમ્પેક્ટ સમિટ, સોકર ડ્રોન વિવાદ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીલ ગલગોટિયા આ યુનિવર્સિટીના સંસ્થાપક છે (ફાઇલ ફોટો)

આ બંને સંસ્થાઓના કારણે આગળ જતાં વર્ષ 2011માં ગલગોટિયા યુનિવર્સિટીનો પાયો નંખાયો. આજે ગ્રૅટર નોઇડામાં 52 એકરમાં ફેલાયેલું તેનું કૅમ્પસ છે.

ગલગોટિયા યુનિવર્સિટીનો દાવો છે કે એક શૈક્ષણિક સત્રમાં લગભગ 40 દેશોના 40 હજાર વિદ્યાર્થીઓ તેમના ત્યાં ભણે છે. જ્યારે આખી દુનિયાના 96 દેશોમાં તેના એક લાખ કરતાં વધારે પૂર્વ વિદ્યાર્થી છે.

યુજીસીની માન્યતાપ્રાપ્ત આ યુનિવર્સિટીમાં પૉલિટેકનિક, ગ્રૅજ્યુએશન, પોસ્ટ-ગ્રૅજ્યુએશનની સાથોસાથ પીએચ.ડી. પણ થાય છે અને યુનિવર્સિટીનો દાવો છે કે તેની 20 સ્કૂલોમાં 200 પ્રોગ્રામ ચાલી રહ્યા છે.

ઉપરાંત, યુનિવર્સિટીને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, નૅશનલ કાઉન્સિલ ફૉર ટીચર એજ્યુકેશન અને નૉર્મ્સ ઑફ નૅશનલ કાઉન્સિલ ફૉર હોટલ મૅનેજમૅન્ટ પાસેથી માન્યતા મળેલી છે.

સુનીલ ગલગોટિયા આ યુનિવર્સિટીના ચાન્સેલર અને તેમના પુત્ર ધ્રુવ ગલગોટિયા તેના સીઇઓ છે. જ્યારે સુનીલનાં પુત્રી આરાધના ગલગોટિયા આ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર ઑપરેશન્સ છે.

ગલગોટિયા યુનિવર્સિટીના અગાઉના વિવાદો

ગલગોટિયા યુનિવર્સિટી, ચાઇનીઝ રોબો ડૉગ વિવાદ, એઆઇ ઇમ્પેક્ટ સમિટ, સોકર ડ્રોન વિવાદ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે તા. 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન એઆઇ ઇમ્પૅક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું

ગલગોટિયા યુનિવર્સિટીનું કહેવું છે કે તેનો હેતુ ઇન્ટરનૅશનલ લેવલે એક પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ બનવાનો છે, જે મલ્ટિ-ડિસિપ્લિનરી અને ઇન્ટર-ડિસિપ્લિનરી ઍજ્યુકેશન, રિસર્ચ અને ઇનોવેશનમાં ખૂબ સારી હોય.

આની સાથે જ તેમનું કહેવું છે કે તે એવા ગ્રૅજ્યુએટ તૈયાર કરવા માગે છે જે આખી દુનિયામાં કૉમ્પિટિટિવ હોય અને પોતાના ફિલ્ડમાં લીડર બનવા માટે તૈયાર હોય. જોકે, એવું નથી કે ગલગોટિયા યુનિવર્સિટી પહેલી વાર વિવાદોમાં આવી છે.

વર્ષ 2024માં લોકસભા ચૂંટણી દરમિયાન નવી દિલ્હીમાં કૉંગ્રેસ મુખ્ય કાર્યાલયની બહાર વિદ્યાર્થીઓના એક જૂથે વૅલ્થ ડિસ્ટ્રિબ્યૂશન અને ઇન્હેરિટેન્સ ટૅક્સના મુદ્દે વિરોધપ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન વિદ્યાર્થીઓએ એવાં પોસ્ટર પકડ્યાં હતાં જેમાં લખ્યું હતું- 'પહેલાં લઈશું વોટ, પછી લઈશુ મંગળસૂત્ર'.

એ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે તેઓ ગલગોટિયા યુનિવર્સિટીના છે. આ વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કયા મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે? તો તેમણે જવાબ ન આપ્યો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા.

આ ઉપરાંત, ગયા વર્ષે જૂનમાં ગલગોટિયા યુનિવર્સિટીના કૅમ્પસના 'બી' બ્લૉકમાં વિદ્યાર્થીઓનાં બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન