'મહિલા અનામત બિલ' ક્યારે લાગુ થઈ શકશે?

મહિલા અનામત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મયુરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું નારી શક્તિ વંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે. ત્યારે સવાલ એ પણ થાય કે તેના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે.

મહિલા અનામત 2023માં આવી તો ગઈ પણ શું તે 2024, 2029 કે એના પછીના વર્ષોમાં હકીકત બનશે?

એનું કારણ છે સીમાંકન, જે ના થાય તો મહિલા અનામત લાગુ ના થઈ શકે.

સીમાંકન એટલે મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા.

તમે એમ વિચારી શકો છો કે જ્યારે તમામ રાજકીય પક્ષો તેના સમર્થનમાં છે, તો પછી તેના અમલીકરણના સમય પર શા માટે સવાલો ઉઠાવાઈ રહ્યા છે?

પરંતુ એક સમસ્યા જે પ્રસ્તાવિત બિલનો ભાગ છે તે એ છે કે તે કહે છે કે અનામત આધારિત ફેરફારો વસતી ગણતરી પછી જ લાગુ કરાશે અને વસતી ગણતરીના ડેટાના આધારે તમામ મતવિસ્તારોનું ફરી સીમાંકન કરાશે.

વિપક્ષીદળો ભલે મહિલા અનામત મુદ્દે સમર્થન આપવાની સાથે સરકારને ભીંસમાં પણ લીધી છે.

વાસ્તવમાં વિપક્ષ કહે છે કે બિલ પસાર થશે, કાયદો પણ અમલમાં આવશે પરંતુ હકીકતમાં કઈ ચૂંટણીમાં મહિલાઓને અનામત મળશે?

આનો સ્પષ્ટ જવાબ હાલ કોઈ પાસે નથી.

"હું એક સવાલ પૂછવા માગું છું. ભારતીય મહિલાઓ છેલ્લાં 13 વર્ષથી આ રાજકીય જવાબદારીની રાહ જોઈ રહી છે. હવે તેમને વધારે કેટલાંક વર્ષો રાહ જોવા કહેવાઈ રહ્યું છે. કેટલાં વર્ષ? બે વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ કે આઠ વર્ષ?"

કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ લોકસભામાં આ પ્રશ્ન ઇઠાવ્યો હતો.

સંસદમાં ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોના અન્ય સાંસદોએ પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. કારણ કે કાયદાના અમલ માટે વસતી ગણતરી અને સીમાંકન બંને શરતો ક્યારે પૂર્ણ થશે તેની કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી.

આવું કેમ એ સમજવા આપણે પ્રક્રિયાઓને સમજવી પડશે.

બીબીસી

વસતી ગણતરી, સીમાંકન અને મહિલા અનામત

મહિલા અનામત બિલ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં સમયાંતરે વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોનું સીમાંકન કરાયું છે.

આ સીમાંકન સાથે, વધતી વસતીને અનુરૂપ સંસદ અને વિધાનસભાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા મતક્ષેત્રોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

ભારતમાં 1976માં બંધારણીય સુધારા પછી 2001 સુધી લોકસભામાં મતવિસ્તારોની સંખ્યાના વિસ્તરણને અટકાવાયું હતું.

ત્યારબાદ 2001માં બંધારણમાં સુધારો કરી તેને 2026 સુધી સ્થિર કરી દેવાયું હતું.

2008માં દેશના કેટલાંક રાજ્યોમાં મતવિસ્તારોનું પુનઃસીમાંકન કરાયું હતું અને પછી 2009માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.

પરંતુ બેઠકોની સંખ્યામાં વધારો થયો ન હતો અને લોકસભાના સભ્યોની સંખ્યા 543 રહી હતી.

આ સમયગાળા દરમિયાન દેશની વસતીમાં વધારો થયો.

વસતીની બાબતમાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે, વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દરે શહેરીકરણ વધી રહ્યું છે.

પરિણામે દરેક મતદારને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા લોકસભાના સભ્યોની સંખ્યા વધારવી જરૂરી માનવામાં આવી હતી.

હવે સરકાર કહી રહી છે કે મતવિસ્તારોનાં સીમાંકન બાદ મહિલાઓ માટે અનામત બેઠકો લાગુ કરાશે. મતલબ કે ભવિષ્યમાં બેઠકો વધારવાની છે તેના આધારે અનામત અપાશે.

તાજેતરની વસતી ગણતરીને કુદરતી રીતે મતવિસ્તારના પુન:સીમાંકન અને વિસ્તરણ માટેનો આધાર ગણવામાં આવે છે. ભારતમાં છેલ્લી વસતી ગણતરી 2011માં કરાઈ હતી.

આ પ્રક્રિયા દર દસ વર્ષે હાથ ધરવામાં આવે છે પરંતુ 2021માં વસતી ગણતરી નહોતી કરાઈ. આગામી વસતી ગણતરી ક્યારે થશે તે પણ નક્કી નથી. જોકે લોકસભાની ચર્ચા દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે 2024ની સામાન્ય ચૂંટણીઓ પછી તરત જ વસતી ગણતરી હાથ ધરાશે.

ભારતીય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, 2001ના બંધારણીય સુધારા મુજબ 2026 પછી જ લોકસભાના સભ્યોની સંખ્યા વધારી શકાશે.

એટલે કે 2026 પછી 2031માં થનારી વસતી ગણતરીના આધારે મતવિસ્તારોનું સીમાંકન અને વિસ્તરણ કરાશે.

ત્યાં સુધી વર્તમાન મતવિસ્તારોનું માળખું 2001ની વસતી ગણતરી મુજબ જ રહેશે.

બીબીસી

મહિલા અનામત 2024ની ચૂંટણીમાં નહીં તો ક્યારે?

નવી સંસદ

ઇમેજ સ્રોત, X/AMIT SHAH

આ પ્રશ્ન પર વિચાર કરતા પહેલાં જાણીએ કે મતવિસ્તારનાં સીમાંકનનો અર્થ શું છે.

વાસ્તવમાં સીમાંકનનો મતલબ વસ્તીના હિસાબે દેશમાં લોકસભા મતવિસ્તાર અને રાજ્યોની વિધાનસભાના મતવિસ્તારનું માળખું નક્કી કરવું.

અલબત્ત, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે કારણ કે સમય સાથે વસતીમાં ફેરફાર થાય છે. આ માટે કાયદો બનાવીને સીમાંકન પંચની સ્થાપના કરાય છે.

આ પંચની રચના 1952, 1962, 1972 અને 2002માં કાયદાથી કરાઈ હતી.

આ પંચને બંધારણ સત્તા અને સ્વાયત્તતા આપે છે. તેમણે લીધેલાં નિર્ણયોને કોઈપણ કોર્ટમાં પડકારી શકાય નહીં.

કોઈપણ મતવિસ્તારની સીમાઓ નક્કી કરવા વસતી એ માપદંડ છે. દરેક રાજ્યને તેની વસતીના પ્રમાણમાં લોકસભાની બેઠકો મળે છે.

તે 'એક વ્યક્તિ, એક મત'ના સૂત્ર પર નક્કી થાય છે. તેનો અર્થ એ કે દરેક મતનું પ્રતિનિધિત્વ ગૃહમાં હોવું જોઈએ. છ વિધાનસભા મતવિસ્તારોને જોડીને એક લોકસભા મતવિસ્તારની રચના કરાઈ હતી.

2001ની વસતી ગણતરી અનુસાર 2002માં રચાયેલા પંચે વર્તમાન મતવિસ્તારો નક્કી કર્યા હતા.

2002માં કરાયેલા બંધારણીય સુધારા મુજબ આ મતવિસ્તારોની સીમાઓ 2026 સુધી યથાવત રહેશે. 2026 પછી વસતી ગણતરી 2031માં થશે.

આ વસતી ગણતરી બાદ અંતિમ આંકડા મેળવવામાં થોડો સમય લાગશે અને આ પછી કામ શરૂ થશે સીમાંકન પંચનું.

તે પ્રક્રિયા પૂર્ણ કરવી અને અંતે પુન:સીમાંકન અને વિસ્તૃત મતવિસ્તારોની જાહેરાત કરવી એ પણ લાંબી પ્રક્રિયા હશે.

આમાં થોડાં વર્ષો લાગી શકે છે. જો યોજના પ્રમાણે 2031માં વસતી ગણતરી થાય તો 2029ની ચૂંટણી પછી જ મહિલા અનામત વાસ્તવિકતા બની શકે.

અમતિ શાહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહિલા અનામત બિલ પર ચર્ચા કરતાં અમિત શાહ

રાજકીય વિશ્લેષક અને કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર તેમનો વિચાર વ્યક્ત કરતા કહ્યું છે કે મહિલા અનામતને વાસ્તવિકતા બનતા એક દાયકાથી વધુનો સમય લાગશે.

તેમણે લખ્યું છે કે, "બંધારણના અનુચ્છેદ 82 (2001માં સુધારા પછી) અનુસાર, 2026 સુધી પ્રથમ વસતી ગણતરીના ડેટા આવે તે પહેલા સીમાંકન કરી શકાતું નથી. આ વસતી ગણતરી 2031 સુધીમાં થશે."

તેઓ કહે છે, "ડિલિમિટેશન કમિશનને તેનો અંતિમ રિપોર્ટ સબમિટ કરવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે. અગાઉના કમિશને તેનો રિપોર્ટ પાંચ વર્ષમાં આપ્યો હતો."

"આ સિવાય, વસતી દરમાં ફેરફારને ધ્યાનમાં રાખીને, આગામી સીમાંકન ખૂબ જ વિવાદાસ્પદ હોઈ શકે છે. આ રિપોર્ટ વર્ષ 2037ની આસપાસ પ્રાપ્ત થશે અને તેને 2039 સુધીમાં જ અમલમાં મૂકી શકાશે."

બીબીસી

વિપક્ષે કહ્યું ‘જુમલા’, સરકારે કહ્યું ‘પારદર્શિતા’

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

કૉંગ્રેસ સહિત વિપક્ષીદળોએ સંસદમાં માંગ કરી હતી કે વસતી ગણતરી અને મતવિસ્તારોના સીમાંકનની રાહ જોયા વિના તરત જ અનામતનો અમલ થવો જોઈએ. અને 2024ની ચૂંટણીમાં આને વાસ્તવિકતા બનાવવી જોઈએ.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે આ બિલને તાત્કાલિક લાગુ કરવું જોઈએ.

વિરોધ પક્ષોનો આરોપ છે કે આ અનામતને અનિશ્ચિત સમય સુધી લંબાવવા પાછળ ભાજપ સરકારની રાજનીતિ છે અને આગામી ચૂંટણીમાં મહિલા મતદારોના મત પર નજર રાખી અનામત લવાઈ રહીછે.

પરંતુ સરકાર કહી રહી છે કે બંધારણમાં આપવામાં આવેલી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ અનામતનો અમલ કરવો યોગ્ય રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષને જવાબ આપતા કહ્યું કે અહીં પારદર્શિતા મહત્વનો મુદ્દો છે. અનામતનો નિર્ણય સીમાંકન આયોગ દ્વારા જ થવો જોઈએ.

પરંતુ 2001ના બંધારણીય સુધારાને કારણે સીમાંકન પંચ 2026 પછી યોજાનારી વસત ગણતરી અનુસાર જ રિપોર્ટ તૈયાર કરી શકે છે.

અમિત શાહે કહ્યું, "આ બેઠકો અનામત રાખવાનો નિર્ણય કોણ કરશે? શું આપણે તે કરવું જોઈએ? જો વાયનાડ અનામત મળે તો તમે શું કરશો? જો ઓવૈસીની હૈદરાબાદ (સીટ) અનામત થઈ જશે? તો અમને કહેવામાં આવશે કે આ રાજકારણ છે. તેથી, તે ખૂબ સારું છે કે સીમાંકન આયોગ આ મતવિસ્તારોને અનામત રાખે."

તેમણે કહ્યું, "આ પંચ વિવિધ સ્થળોની મુલાકાત લઈ, ખુલ્લી સુનાવણી કરી આ આરક્ષણ પ્રક્રિયાને પારદર્શક રીતે હાથ ધરે છે. તેથી, આ નિર્ણય પાછળનો એકમાત્ર મુદ્દો પારદર્શિતા છે. કોઈ પક્ષપાત ન હોવો જોઈએ."

વિપક્ષનો વાંધો એ છે કે અનામત અને સીમાંકન વચ્ચે શું સંબંધ છે?

રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ જયરામ રમેશે એક્સ પર તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું, "જે લોકો લોકસભામાં ભાજપ વતી બોલે છે તેઓ 2026 પછીની પ્રથમ વસતી ગણતરી પછી સીમાંકનની જોગવાઈને લઈને બંધારણનું પાલન કરી રહ્યા છે તે સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે."

"પરંતુ તેઓ એ સમજાવી શકશે નહીં કે શા માટે મહિલા અનામતને લાગુ કરવા તેને સૌથી પહેલા સીમાંકન સાથે જોડવાની જરૂર છે. ભાજપે 2010માં આવી કોઈ પણ શરત વિના બિલને સમર્થન આપ્યું હતું. આ વડા પ્રધાને કરેલી સ્પષ્ટ ખોટી રજૂઆત સિવાય બીજું કંઈ નથી. 2024ની ચૂંટણીમાં મહિલા અનામતનો અમલ કર્યા વિના મહિલાઓનાં મતો મેળવી લેવાની ઉતાવળને દર્શાવે છે!”

મહિલા અનામત

ઇમેજ સ્રોત, Getty Images

સવાલ એ છે કે જો આ અનામતનો તાત્કાલિક અમલ થવાનો નથી તો સરકારે તાત્કાલિક વિશેષ સત્ર બોલાવીને સંસદમાં પ્રસ્તાવ શા માટે મુક્યો?

રાજકીય વિશ્લેષક અભય દેશપાંડે કહે છે, "આ અનામત બિલ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી લવાયું છે તે નકારી શકાય નહીં. આ અડધી વસતીના મતનો સવાલ છે અને તેઓ તેમના મતોને ખેંચવા માગે છે. પણ એકવાર 2026ની સમયમર્યાદા પૂરી થશે પછી સરકાર આ અનામત લાવવા વહેલી તકે કંઈક કરશે. આપણે જોવું પડશે કે શા માટે? કમ સે કમ આગામી બે ચૂંટણીઓમાં તો અનામતનો અમલ થાય તેમ લાગતું નથી."

અગાઉ મહિલા અનામતનો શ્રેય લેવા કૉંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા હતા. હવે મહત્વનો મુદ્દો એ છે કે અનામતનો અમલ કેવી રીતે થશે.

મતદારોના દૃષ્ટિકોણથી પણ આ મહત્વપૂર્ણ છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે વર્ષોથી ટલ્લે ચડતી રહેલી અનામત કાયદાના માધ્યમથી લાગુ થશે કે પછી મતદારોની નારાજગીનું કારણ બનશે? કારણ કે આ અનામત નજીકના ભવિષ્યમાં તો લાગુ નહીં થઈ શકે.

આગામી ચૂંટણીમાં મહિલા ઉમેદવારો માટે કોઈ અનામત નહીં હોય પરંતુ ચૂંટણીમાં અનામતનો આ મુદ્દો ગરમ થશે તે નિશ્ચિત છે.

બીબીસી
બીબીસી