સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હૉસ્ટેલમાં ટૂંકાં કપડાં પહેરવાં પર પ્રતિબંધ મુદ્દે છોકરીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓએ હૉસ્ટેલમાં પાલન કરવાના નિયમો જાહેર કર્યા છે.
આ નિયમો અંતર્ગત એક નિયમ એવો પણ બનાવાયો છે કે વિદ્યાર્થિનીઓએ ડાઇનિંગહૉલ અને પ્રાર્થનાહૉલમાં ટૂંકાં વસ્ત્રો પહેરવાં નહીં અને તેમણે યોગ્ય પોશાક પહેરવો.
આ નિયમને કારણે મોટો વિવાદ સર્જાયો છે.
વિદ્યાર્થિનીઓમાં પણ આ મામલે મતમતાંતર જોવા મળે છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કેટલાક લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે યુનિવર્સિટીના સત્તાધીશો હૉસ્ટેલ પ્રવેશમાં થઈ રહેલી ગેરરીતિનો મુદ્દો દબાવવા માટે આવા મુદ્દા ઉછાળી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટીની હૉસ્ટેલમાં પ્રવેશ મામલે છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શનો કરી રહ્યાં છે.
તેમનો આરોપ છે કે જે વિદ્યાર્થિનીઓને મેરિટ પ્રમાણે પ્રવેશ મળવાપાત્ર હતો તેવી 44 વિદ્યાર્થિનીઓને પ્રવેશ મળ્યો નથી અને તેમને અન્યાય થયો છે.
આ મામલે લેખિતમાં પણ વિદ્યાર્થી સંગઠનોએ આવેદનપત્રો આપ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કુલપતિએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
બીબીસીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયા સાથે વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી આ મુદ્દે કહે છે કે, ‘છોકરીઓ જ્યારે મેસમાં જમવા જાય ત્યારે એટલા સમય માટે જ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે મેસમાં રસોઈ બનાવનારથી માંડીને બીજા ઘણા લોકો હાજર હોય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મંદિરોમાં પણ આવી વ્યવસ્થા હોય છે.”
ભીમાણીના કહેવા પ્રમાણે આ નિયમો પહેલેથી અમલમાં હતા જ અને જાહેર માધ્યમોમાં પહેલી વાર મૂકવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હૉસ્ટેલમાં પ્રવેશ બાબતે અમુક વિદ્યાર્થીઓને થયેલા અન્યાયની વાતને દબાવવા માટે આ મુદ્દો આગળ કરવામાં આવ્યો છે તેવો કેટલાક લોકો આક્ષેપ કરી રહ્યા છે.
આ મુદ્દે આરોપોને નકારતાં તેઓ કહે છે, “સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પારદર્શિતામાં માને છે અને આરોપોની તપાસ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે.”

અમુક વિદ્યાર્થિનીઓએ આ નિયમોનું સમર્થન કર્યું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તા અને યુનિવર્સિટીના જ વિદ્યાર્થી દૃષ્ટિ આ મામલે કહે છે, “અમે 15 દિવસથી હૉસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયાના ગોટાળા મારફતે આવેદનો આપી રજૂઆત કરી રહ્યાં છીએ. યુનિવર્સિટી પ્રશાસને આ મામલે બહુ ધ્યાન આપ્યું ન હતું. કુલ 44 બહેનોને આ મામલામાં અન્યાય થયો છે. કુલપતિએ આજે અમારી માગણીઓ સ્વીકારી છે અને ટૂંક સમયમાં પગલાં લેવાશે તેવી ખાતરી આપી છે.”
ટૂંકા વસ્ત્રો પહેરવાં અંગે આવેલા નિયમો માટે તેમણે કહ્યું હતું કે, “યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી બહેનોએ ક્યા નિયમોનું પાલન કરવાનું છે એ બહેનોને ખ્યાલ જ છે. તેઓ પોતાની મેચ્યોરિટી પ્રમાણે નિર્ણય લેશે.”
યુનિવર્સિટીના કૉમર્સ વિભાગમાં અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થિની રાની પરમાર કહે છે કે, “પ્રાર્થનાહૉલ અને ડાઇનિંગહૉલમાં જ ટૂંકાં વસ્ત્રો પહેરવાં પર પ્રતિબંધ છે, તેમના પર્સનલ રૂમમાં શું પહેરવું તેના પર કોઈ પ્રતિબંધ નથી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘણાં મંદિરોમાં પણ આ પ્રકારનો પ્રતિબંધ છે અને આપણે આપણા ઘરે પણ પરિવાર સાથે આ પ્રકારનાં કપડાં પહેરીને જમવા બેસતા નથી. મારી દૃષ્ટિએ બહેનોએ યોગ્ય સ્થાને યોગ્ય વસ્ત્રો પહેરવાં જોઈએ.”

અમુક વિદ્યાર્થીઓએ નિયમનો કર્યો વિરોધ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતાં રિયા રાઠોડ આ મુદ્દે કહે છે કે, “પ્રાર્થનામાં કદાચ તમે આ પ્રકારનો પ્રતિબંધ મૂકો તો સમજી શકાય પરંતુ ડાઇનિંગહૉલમાં આ પ્રકારનો પ્રતિબંધ જરૂરી નથી. આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં બધાને સ્વતંત્રતા છે કે કોને શું પહેરવું, સૌ કોઈ પોતાના માટે એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. રહી વાત રસોઈયાભાઇઓની તો તેમણે તેમના વિચારો બદલવાની જરૂર છે, છોકરીઓએ તેમનાં કપડાં બદલવાની જરૂર નથી.”
અન્ય વિદ્યાર્થિની આશના ભટ્ટ કહે છે, “આપણી બહેનોમાં પહેલેથી જ એ સમજણ છે કે ક્યાં કેવાં પ્રકારનાં કપડાં પહેરવાં અને તેઓ એ પ્રમાણે વર્તે જ છે. મને તો એવું લાગે છે કે અન્ય મુદ્દાઓ જેવા કે મેરિટ લિસ્ટમાં થયેલા ગોટાળાઓથી ધ્યાન ભટકાવવા માટે આ મુદ્દો લાવવામાં આવ્યો છે.”
ઘણા વિદ્યાર્થી ભાઈઓએ પણ આ મુદ્દે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
એક વિદ્યાર્થી કૌશલરાજસિંહ વાળા આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે, “આપણી સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ તો આ વાત સાચી છે. આપણી સંસ્કૃતિને જ આપણે અનુસરવું જોઈએ. ટૂંકાં કપડાં પહેરવાં એ તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ છે. યુનિવર્સિટીનો આ પરિપત્ર મારી દૃષ્ટિએ યોગ્ય છે.














