ધર્મ બદલ્યો, બીજાં લગ્ન કર્યાં, પાંચ વર્ષ બાદ 'ગુમ' મહિલાનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, અમરેંદ્ર યરલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
હૈદરાબાદની એક મહિલાને પોતાના પતિ સાથે બનતું ન હોવાથી તેણે ઘર છોડી દીધું. અને રાજ્ય પણ બદલી લીધું.
તેણે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું કે પોતાના અંગે કોઈ નાનામાં નાની વાત ગુપ્ત રહે. તેણે પોતાની ઓળખ બદલી નાખી. એક નવું જીવન શરૂ કર્યું.
પાંચ વર્ષ બાદ તેણે કરેલાં કેટલાંક કાર્યોથી તેલંગણા પોલીસની મહિલા વિંગને તેના ઠેકાણા અંગે ખબર પડી અને પાંચ વર્ષ સુધી રહસ્ય બની રહેલી મહિલાનાં કાર્યોનો ભાંડો ફૂટી ગયો. કોણ છે મહિલા અને શું છે કહાણી?
હૈદરાબાદની ફાતિમા (બદલેલું નામ)નું 29 જૂન, 2018ના દિવસે મોત થઈ ગયું હોવાનું જાણવા મળ્યું. તે શહેરની એક મોટી હોટલના માલિકની દીકરી છે.
તે હુમાયુનગરમાં પોતાના પતિની સાથે રહેતી હતી. ત્યાર બાદ તે ત્યાં પાછી ન ફરી. તેણે ફોન ઘર પર જ મૂકી દીધો હતો.
ફાતિમાનાં માતા-પિતાએ તેના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી. તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધાયો હતો. પોલીસની શરૂઆતની તપાસ પણ એ જ દિશામાં ચાલી રહી હતી.
મહિલા સુરક્ષા વિંગના એસઆઈ હરીશે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "આ પહેલી વાર નહોતું કે તે ગુમ થઈ હોય. આ પહેલાં 2014 અને 2015માં તે બે વાર લાપતા થઈ ચૂકી હતી. અને તે સમયે પણ ફરિયાદ નોંધાવી હતી. પણ તે પરત આવી ગઈ હતી. પણ ત્રીજી વાર પાછી ન આવી. પરિવારમાં મતભેદ થવાથી તે ગાયબ થઈ ગઈ? તપાસ તો એ જ દિશામાં ચાલી રહી હતી. પણ તેના ગુમ થવા પાછળ એક નવી જ વાત સામે આવી."

પરિવારના સભ્યોને ઘર પર રાખીને તાળું મારી દેતા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કેસની તપાસમાં પોલીસે સીસીટીવી તપાસ્યા. તે 29 જૂન, 2018ના દિવસે પરિવારના સભ્યોને ઘરમાં બંધ કરીને બહારથી તાળું મારીને જતી રહી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ ફાતિમા એકલી જ ઘરમાંથી બહાર નીકળતી દેખાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પિતાએ 2019માં તેલંગણા હાઈકૉર્ટમાં હેબિયર્સ કોપર્સ પિટિશન દાખલ કરી, કારણ કે તેમની દીકરીનું કોઈ ઠેકાણું નહોતું.
કોર્ટના આદેશ બાદ કેસને તેલંગણાની મહિલા સુરક્ષા વિંગને સોંપવામાં આવ્યો. મહિલા સુરક્ષા વિભાગના એસઆઈ પી. હરીશને તપાસ સોંપાઈ.
જ્યારે ફાતિમાના મિત્રોની પૂછપરછ કરાઈ તો ખબર પડી કે તેણે તેના મિત્રોના મોબાઇલ ફોનથી કૅબ બુક કરી હતી. તે વખતે શું થયું હતું તે જાણવા માટે તેમણે કૅબ કંપની પાસેથી તેનો વોઇસ રેકૉર્ડિંગ મંગાવ્યું અને તેને સાંભળ્યું. પોલીસે કૅબની બુકિંગ ડિટેલ ચેક કરી.
એસઆઈ હરીશે બીબીસીને જણાવ્યું કે "અમને જાણવા મળ્યું કે તે કૅબનું બુકિંગ કરીને પુણે ગઈ હતી. પણ એ જાણવું મુશ્કેલ હતું કે તે ક્યાં છે. તેની પાસે એ ફોન પણ નહોતો જેનાથી તેણે કૅબ બુક કરાવી હતી. પહેલાં એવું મનાતું હતું કે તેનાથી એક નાનકડો પુરાવો હાથ લાગશે પણ બાદમાં એ રસ્તો પણ બંધ થઈ ગયો હતો. અને તે જ સમયે કોવિડના કારણે તપાસ રોકી દેવાઈ."

નામ, ધર્મ, ઓળખ બધું જ બદલ્યું
મહિલા પોતાનું ઘર છોડીને પુણેથી મુંબઈ જતી રહી. પોલીસને ખબર પડી કે તેણે ત્યાં પોતાની ઓળખ સંપૂર્ણ બદલી નાખી હતી.
નામ, ધર્મ, ઓળખ... બધું જ બદલી નાખ્યું હતું. તેણે ત્યાં મળેલા એક શખ્સ સાથે લગ્ન કરી લીધાં. ત્યાર બાદ તે પોતાના પતિની સાથે ચૅરિટી સંસ્થા તરફથી સેવા કાર્યક્રમનું સંચાલન કરતી હતી.
એસઆઈ હરીશે જણાવ્યું, "જ્યારે તે ઘર છોડીને ગઈ હતી ત્યારનો તેનો પહેરવેશ પણ હાલના પહેરવેશથી તદ્દન અલગ હતો. તેના વાળનો રંગ પણ અલગ હતો. તેણે એક નવું જીવન શરૂ કરી દીધું હતું. બીજું લગ્ન કરીને પોતાના પતિની સાથે રહેતી હતી. એનજીઓ તરફથી કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતી. અમે તેને જોઈ તો અમે ઓળખી પણ ન શક્યા."

મહિલાનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
ફાતિમાએ આ વર્ષે જુલાઈમાં જ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હતું, જેના કારણે તે ઝડપાઈ ગઈ.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે "જ્યારે આધાર કાર્ડ અપડેટ કરાયું તો અમને ખબર પડી કે ફાતિમાએ ડિજિટલ ઇન્વેસ્ટિગેટિવ ટૂલનો ઉપયોગ કર્યો હતો. જેનાથી અમને તેનું નવું નામ ખબર પડી. જે તેલુગુમાંથી મરાઠી કરી દેવાયું હતું. અમને આધાર કાર્ડ સાથે જે બૅન્ક ખાતું લિંક હતું તેની ભાળ પણ મળી ગઈ. તેના નામ પર એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હતું. તેના પર કરાયેલી પોસ્ટના આધારે અમને ખબર પડી કે તે ગોવામાં છે. અમે ત્યાં ગયા તેના ચહેરાની તપાસ ટેકનૉલૉજીની મદદથી કરાઈ અને ખબર પડી ગઈ કે તે જ ફાતિમા છે.”
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે માણસે તેની સાથે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં તેને પણ ફાતિમાના પાછલા જીવન અંગે ખબર નહોતી.

હાઇકોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
26 જુલાઈએ ફાતિમાની ઓળખ કરાઈ અને તેને ગોવાથી હૈદરાબાદ લવાઈ. ત્યાર બાદ તેને હાઈકોર્ટમાં રજૂ કરાઈ.
સ્ટેટ એડિશનલ ડીજી શીખા ગોયલે બીબીસીને જણાવ્યું કે "કોર્ટે તેને પોતાની રીતે જીવન જીવવાની છૂટ આપી દીધી, કારણ કે તે સગીર નહીં પણ પુખ્ત વયની છે."
તેમણે ઉમેર્યું, "આ એક અનોખો કેસ છે. ડિજિટલ ટેકનૉલૉજીના માધ્યમથી અમે મહિલાને શોધવામાં સફળ રહ્યા. તેલંગણા રાજ્યની રચના બાદ મહિલા સુરક્ષા વિંગ નામથી એક વિશેષ વિભાગ કાર્યરત્ છે. અમારો વિભાગ ગુમ મહિલાઓ અને બાળકોની શોધ કરવામાં વિશેષ પહેલ કરી રહ્યો છે. અમે ઉપલબ્ધ નવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરીએ છીએ."
શીખા ગોયલે બીબીસીને જણાવ્યું કે "એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ બાળકોની ગેરકાયદે તસ્કરીને રોકવા માટે કામ કરી રહી છે. ગુમ વ્યક્તિની તપાસ માટે અલગ રીતે જ કરાય છે. તેલંગણામાં ગુમ વ્યક્તિના કેસને ઉકેલવામાં સારી પ્રગતિ થઈ રહી છે. ખાસ કરીને ગુમ મહિલાઓના કેસને મામલે અમે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણા આગળ છીએ."
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો NCRBના આંકડા મુજબ તેલંગણામાં 2021માં ગુમ થયેલી મહિલાઓ શોધી કાઢવાનો સરેરાશ દર 87.8 ટકા હતો. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 56.2 ટકા.

પ્રાઇવસી સામે સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ફાતિમાના કેસમાં પોલીસ તપાસમાં ડેટા પ્રાઇવસીનો મુદ્દો મહત્ત્વનો બની રહ્યો.
ઍન્ડ નાઉ ફાઉન્ડેશનના સંસ્થાપક અનિલ રચમલ્લાએ કહ્યું કે જો આધાર વિવરણ અન્ય વિભાગોના હાથોમાં હોય તો થોડું શરમજનક રહેશે.
અનિલ રચમલ્લાએ ઉમેર્યું, "કોઈ વ્યક્તિની આધાર, પાન જેવી માહિતી અન્ય કોઈ વિભાગના માણસ પાસે ન હોવી જોઈએ. જો કેસ આધાર કાર્ડની માહિતીના આધારે ઉકેલાયો હોય તો વાત ડેટા પ્રાઇવસી પર આવી જાય છે. તે વાતની નોંધ લેવી જરૂરી છે કે કોર્ટે આપેલા આદેશો આ કેસની તપાસમાં માટે ખૂબ જ મહત્ત્વના હશે."














