કૃષિકાયદા રદ : ગુજરાતના ખેડૂતોએ જ્યારે મોદી સરકારને ઝૂકાવી હતી

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ ત્રણેય કૃષિકાયદા પરત લઈ લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ અંગેની જાહેરાત કરી છે. આવું જ કંઈક ગુજરાતમાં પણ થયું હતું.

ગુજરાતમાં વર્ષ 2013માં ખેડૂતોની સામે નરેન્દ્ર મોદીને ઝૂકવું પડ્યું હતું. એ વખતે ગુજરાતમાં પણ ભાજપનું જ શાસન હતું અને નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા.

નોંધનીય છે કે ત્રણેય કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતો છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા હતા.

સરકાર આ કાયદાઓને ખેડૂતોના લાભમાં ગણાવતી હતી. જ્યારે ખેડૂતો તેમને ખેડૂતવિરોધી ગણાવતા હતા. આ મામલે આખરે સરકારે પાછી પાની કરી છે અને આંદોલનકારી ખેડૂતોનો વિજય થયો છે.

જ્યારે ગુજરાતના ખેડૂતોએ કહ્યું, 'નો સર'

2013માં ગુજરાત સરકારે દ્વારા બેચરાજી પાસે હાંસલપુર નજીક 630 ચોરસ કિલોમીટરમાં ઑટોમોબાઇલ અને ટેક્સ્ટાઈલ હબ વિકસાવવા માટે તૈયારી કરી હતી. જેના માટે માંડલ-બહુચરાજી સર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન)ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

જેમાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનાં 19 અને દેત્રોજ તાલુકાનાં 12, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનાં 12 અને મહેસાણાના બહુચરાજી તાલુકાનાં 1 ગામને સાંકળીને કુલ 44 ગામોની જમીન આવરી લેવામાં આવી હતી.

સરકારે એનું જાહેરનામું બહાર પાડ્યું એની સામે ખેડૂતોએ વાંધો નોંધાવ્યો હતો.

ખેડૂતો એવું માનતા હતા કે 'સર' ઊભું થશે તો તેમની ખેતીની જમીનો જતી રહેશે. એ 44 ગામમાંથી 36 ગામોની પંચાયતોએ જમીન નહીં આપવા માટે ગ્રામસભામાં ઠરાવ કર્યા હતા.

એ વખતે એ વિસ્તારના ખેડૂતોએ સરને કહો 'નો સર' એવા સૂત્ર સાથે સરકાર સામે આંદોલન સરકાર શરૂ થયું હતું.

ખેતી-પશુપાલનની જમીન ઉદ્યોગને કેવી રીતે અપાય?

જે રીતે પંજાબમાં ખેડૂતો ટ્રેક્ટર લઈને સરકારની સામે વિરોધ નોંધાવવા નીકળ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં 18 જૂન, 2013ના રોજ ગુજરાતનાં 44 ગામોના દસ હજાર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢીને ગાંધીનગર નીકળ્યા હતા.

માંડલ-બેચરાજી વચ્ચે સર વિકસાવવાનું સરકારનું આયોજન હતું. એની સામે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેના ભાગરૂપે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી હતી.

અંગ્રેજી અખબાર ધ ઇકૉનૉમિક ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ, 'અમદાવાદ તેમજ મહેસાણા જિલ્લાના ખેડૂતોએ 500 જેટલાં ટ્રેક્ટર્સ, 100 જેટલી કાર અને સંખ્યાબંધ મોટર સાઇકલ સાથે રેલી યોજી હતી. રેલી અંતે ગાંધીનગર સેક્ટર 6 ખાતે ઉપવાસી છાવણીના મેદાનમાં સભામાં પરિવર્તિત થઈ હતી.'

'લોકોએ આ સભામાં 'જાન દેગે, જમીન નહીં' જેવા નારા લગાવ્યા હતા. ગાંધીવાદી ચિંતક નારાયણભાઈ દેસાઈ અને સર્વોદય અગ્રણી ચુનીભાઈ વૈદ્યનો લેખિત સંદેશ વાંચવામાં આવ્યો હતો.

ખેડૂતોના વિરોધને રાજ્યના પૂર્વ નાણામંત્રી સનત મહેતા, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન કનુભાઈ કળસરિયા, આયોજન પંચના માજી સભ્ય યોગેન્દર અલઘ વગેરે સમર્થન આપી રહ્યા હતા.

કૉંગ્રેસ સેવાદળનાં હાલના મુખ્ય સંયોજક તેમજ માલધારી સમુદાયના પ્રશ્નોને વાચા આપતા લાલજી દેસાઈ આ આંદોલનના મુખ્ય આગેવાન પૈકી એક હતા.'

લાલજી દેસાઈએ એ વખતે મીડિયાને જણાવ્યું હતું કે, "આ વિસ્તારની એંસી ટકા જમીન ખેતીની છે, 15 ટકા જમીન ચરિયાણની છે. જ્યાંની પંચાણું ટકા ખેતી અને પશુપાલનની હોય તેને ઉદ્યોગને હવાલે કરી દેવાનો કારસો હોય તો ખેડૂતો અને પશુપાલકો શાંત ન બેસે."

અંતે સરકારે ખેડૂતોની વાત માની

અખબારમાં એવી પણ નોંધ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - આરએસએસ સમર્થિત ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોના આ વિરોધને સમર્થન આપ્યું હતું.

ખેડૂતોએ ગાંધીનગર પહોંચીને એ વખતનાં મહેસૂલમંત્રી આનંદીબહેન પટેલને મેમોરેન્ડમ આપ્યું હતું કે માંડલ-બેચરાજી સર રદ્દ કરવામાં આવે.

બેચરાજી-માંડલ સરના વિરોધમાં ખેડૂતોએ ગાંધીનગરમાં તો જંગી રેલી કરી એ ઉપરાંત પણ એને લગતાં નાનામોટા દેખાવ સતત ચાલુ હતા.

રાજ્ય સરકાર પરેશાનીમાં મુકાઈ ગઈ હતી. 11 ઑગસ્ટે ધ ઇકૉનૉમિક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને બાંહેધરી આપી હતી કે તેમની સરકાર પંદર ઑગસ્ટ પહેલાં તેમને વિશ્વાસમાં લઈને નિર્ણય લેશે.

તત્કાલીન મુખ્ય સચિવ એ.કે. શર્મા તેમજ ચાર પ્રધાનોની સમિતિ બનાવી હતી, જેઓ ખેડૂત સાથે વાર્તાલાપ કરતા હતા.

14 ઑગસ્ટે હાલના નાયબ મુખ્ય મંત્રી અને એ વખતના સરકારી પ્રવક્તા નીતિન પટેલે એવી જાહેરાત કરી હતી કે, સરકારે 44 ગામો નક્કી કર્યાં હતાં. ખેડૂતોની રજૂઆતને પગલે એમાંથી 36 ગામને સરમાંથી પડતા મૂક્યાં છે.

એ જે આંદોલન હતું તે જમીન અધિકાર આંદોલન-ગુજરાતના નેજા તળે ચાલતું હતું, જેના એક સંયોજક ખેડૂત કર્મશીલ સાગર રબારી હતા.

બીબીસી સાથે વાત કરતાં સાગર રબારી કહે છે કે, "અંદાજે એક હજાર જેટલાં વાહનો સાથે રેલી ગાંધીનગર પહોંચી હતી. આજે જે રીતે પંજાબના ખેડૂતોના આંદોલનનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે એવાં જ એ દૃશ્યો હતાં."

"ગાંધીનગરમાં થયેલા એ વ્યાપક પ્રદર્શન પછી પણ સરને અસર કરતાં ગામોમાં ખેડૂતોનાં નાનાંમોટાં પ્રદર્શન સતત ચાલુ રહ્યાં હતાં. ખેડૂતોનો મત હતો કે થોડા દિવસો માટે ખેતીને બાજુએ મૂકીને આંદોલન જ કરવું પડે તો એના માટે તૈયાર છીએ. ત્રણેક મહિનાની મહેનત પછી સરકારે નમતું જોખ્યું હતું. રાજ્ય સરકારે 44માંથી 36 ગામોને સરમાંથી પડતા મૂકવાં પડ્યાં હતાં."

જોકે, ઇન્ડિયન એક્સપ્રેસના 2019ના એક અહેવાલ મુજબ 36 ગામો પૈકી 7 ગામો આંદોલનના છ વર્ષ બાદ સરમાં જોડવા માટે સહમતી જાહેર કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો