રાકેશ ટિકૈત : પોલીસકર્મીથી અડગ આંદોલનકારી સુધીની ખેડૂતનેતાની સફર

નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે ત્રણ કૃષિકાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી છે અને આ કૃષિકાયદા સામેના ખેડૂતોના આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતની ચર્ચા થઈ રહી છે.

ખેડૂતનેતા રાકેશ ટિકૈતે આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "આંદોલન તાત્કાલિક પરત ખેંચવામાં નહીં આવે, અમે એ દિવસની રાહ જોઈશું કે જ્યારે કૃષિકાયદાઓને સંસદમાં રદ કરવામાં આવે."

"સરકાર એમએસપીની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાત કરશે."

જ્યારથી ખેડૂતો પોતાની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા ત્યારથી અનેક વખત ખેડૂતોના નેતાઓમાં રાકેશ ટિકૈતનું નામ આગળ પડતું રહ્યું છે.

કોણ છે રાકેશ ટિકૈત?

52 વર્ષીય રાકેશ ટિકૈત ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

નવભારત ટાઇમ્સના એક અહેવાલ અનુસાર તેમણે સર તાશી નામગ્યાલ હાઈસ્કૂલથી પોતાનું શાળાકીય ભણતર પૂરું કર્યું. તેમજ સ્નાતક કક્ષાનું ભણતર ઉત્તર પ્રદેશથી પૂરું કર્યું છે. આ ઉપરાંત તેમણે મેરઠ યુનિવર્સિટીથી એમ. એ. અને એલએલ. બી. સુધીનો અભ્યાસ કર્યો.

અહેવાલ પ્રમાણે તેઓ દિલ્હી પોલીસમાં કૉન્સ્ટેબલ હતા.

પ્રભાવશાળી પિતાના પુત્ર

ધ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના નેતા મહેન્દ્ર સિંઘ ટિકૈતના નાના પુત્ર છે. રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંઘ ટિકૈત ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહ બાદ ભારતના સૌથી મોટા ખેડૂત નેતા હતા.

અહેવાલમાં લખાયું છે કે મહેન્દ્ર સિંઘ ટિકૈતની આગેવાનીમાં ઘણી વાર રાજ્ય અને કેન્દ્ર સરકારોએ ખેડૂતોની માગણી આગળ શીશ ઝુકાવવું પડ્યું છે.

ભારતીય કિસાન યુનિયનનો પાયો 1987માં નખાયો. જ્યારે વીજળીની કિંમતોને લઈને ખેડૂતોએ શામલી જનપદના કરમુખેડીમાં મહેન્દ્ર સિંઘ ટિકૈતની આગેવાનીમાં એક મોટું આંદોલન કર્યું હતું.

તેમાં બે ખેડૂતોનું પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. ત્યાર બાદ ભારતીય કિસાન યુનિયનનું ગઠન કરાયું અને તેના અધ્યક્ષ ચૌધરી મહેન્દ્ર સિંઘ ટિકૈત બન્યા. તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના ખેડૂતોનાં મનમાં મહેન્દ્ર સિંઘ ટિકૈત માટે ઘણો આદરભાવ હતો.

તેમનાં આંદોલનોમાં ક્યારેય જાતિગત ભેદભાવ જોવા ન મળતો. જોકે, બાદમાં જાટ આરક્ષણને સમર્થન આપવા મુદ્દે અને ઉત્તર પ્રદેશનાં રાજકીય સમીકરણો બદલવા મુદ્દે ટિકૈત કુટુંબની છબિ પર અસર પડી.

અંતે વર્ષ 2011માં રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંઘ ટિકૈતનું કૅન્સરની માંદગીમાં મૃત્યુ થતાં ભારતીય કિસાન યુનિયનનો રાજકીય પ્રભાવ ઘટતો ગયો હોવાનું મનાય છે.

ટિકૈત કુટુંબની છે વિસ્તારમાં પકડ

ધ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે ટિકૈત કુટુંબની હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ સમુદાયમાં સારી એવી પકડ છે.

આ સિવાય તેમના સંગઠન ભારતીય કિસાન યુનિયનની મલિક અને દેશવાલ ખાપ પર પણ સારી એવી પકડ છે.

આ સિવાય ટિકૈત કુટુંબ 84 ગામોના બલિયાન ખાપનું નેતૃત્વ કરે છે. આમ રાકેશ ટિકૈત એક પ્રભાવશાલી પિતાના પુત્ર હોવાની સાથોસાથ એક વ્યાપક અસર ધરાવતા કુટુંબના સભ્ય છે.

ટિકૈતે જ્યારે છોડી પોલીસની નોકરી

નવભારત ટાઇમ્સના એક અહેવાલ અનુસાર 1993-94માં જ્યારે રાકેશ ટિકૈત દિલ્હી પોલીસમાં નોકરી કરી રહ્યા હતા.

તે દરમિયાન જ તેમના પિતાના નેતૃત્વમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું. આંદોલન મોટું થતું જઈ રહ્યું હતું.

કહેવાય છે દિલ્હી પોલીસના અધિકારી જ્યારે એ આંદોલન ખતમ ન કરાવી શક્યા ત્યારે તેમણે રાકેશ ટિકૈત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. આ દબાણના કારણે તેમણે પોલીસની નોકરી જ છોડી દીધી.

પિતાના નિધન બાદ ટિકૈત બંધુઓના હાથમાં આવી સત્તા

દિલ્હી પોલીસમાંથી કૉન્સ્ટેબલ તરીકેની પોતાની નોકરી ત્યાગ્યા બાદ રાકેશ ટિકૈત પણ ખેડૂત યુનિયનમાં સામેલ થઈ ગયા.

પરિવારના નિયમ પ્રમાણે રાકેશ ટિકૈતના મોટા ભાઈ નરેશ ટિકૈતે પિતાના મૃત્ય બાદ ભારતીય કિસાન યુનિયનની સત્તા સંભાળી.

તેઓ આ સંગઠનના પ્રમુખ બન્યા અને રાકેશ ટિકૈત તેના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા. પરંતુ કહેવાય છે કે નરેશ નામમાત્રના જ અધ્યક્ષ છે. સંગઠનની અસલ સત્તા તો રાકેશ ટિકૈત પાસે જ છે.

મુઝફ્ફરનગર કોમી હિંસામાં લાગ્યા આરોપ

વર્ષ 2013માં મુઝફ્ફરનગર કોમી હુલ્લડોના કિસ્સામાં રાકેશ ટિકૈત પર ઉશ્કેરણીજનક ભાષણો કરવાનો આરોપ લાગ્યો.

તેમના પર આરોપ હતો કે તેમણે મહાપંચાયત દરમિયાન આ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં. જેની તરત બાદ વિસ્તારમાં હિંસા થઈ હતી. જેમાં 42 મુસ્લિમો અને 20 હિદુઓનાં મૃત્યુ થયાં હતાં.

રાકેશ ટિકૈતે આ આરોપોથી ઇન્કાર કર્યો હતો. જોકે, તેમણે મહાપંચાયતમાં સામેલ થયા હોવાની વાત કબૂલી હતી.

આ બનાવને પગલે તેમણે વિસ્તારના મુસ્લિમ લોકો પર પોતાનો પ્રભાવ સંપૂર્ણપણે ગુમાવી દીધો. બાદમાં તેમની જ જ્ઞાતિના સંજીવ બલિયાં જેવા ભાજપના નેતાઓના આગમનથી વિસ્તારમાં તેમનો પ્રભાવ સીમિત બની ગયો.

રાકેશ ટિકૈતે કિસાન યુનિયન મારફતે રાજકારણમાં આવવાનો પણ પ્રયાસ કર્યો.

તેઓ વર્ષ 2007માં ખતૌલી વિધાનસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા.

બીજી વખતે તેમણે ફરી વાર નસીબ અજમાવ્યું અને વર્ષ 2014માં અમરોહાથી લોકસભાની ચૂંટણીમાં ઊતર્યાં. આ વખત તેમને રાષ્ટ્રીય લોક દલ પાર્ટીની ટિકિટ મળી,પરંતુ બીજી વખત પણ તેમને હાર જ મળી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો