You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન સ્થગિત : કેવી હતી જોગવાઈઓ અને આટલો વિરોધ કેમ થયો હતો?
સંયુક્ત કિસાન મોરચાએ કૃષિકાયદા સામેનું પોતાનું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એક વર્ષથી વધુ સમયથી આ આંદોલન ચાલતું હતું.
ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદાને રદ કરતું બિલ વિપક્ષના હોબાળા વચ્ચે સંસદના નીચલા ગૃહ લોકસભામાં પસાર થઈ ગયું હતું.
પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોથી આવેલા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઈને દિલ્હીની ઉત્તર પ્રદેશ-હરિયાણા સાથે જોડાયેલી સીમાઓ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.
સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને એનક વાર વાતચીત થઈ, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો.
પહેલાં સમજીએ કે આખરે આ ત્રણેય કાયદાઓમાં આખરે છે શું?
કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020
- આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે જ્યાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC (એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હશે.
- આ કાયદામાં ખેડૂતોના પાકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ જાતની રોકટોક વગર વેચાણ કરવાની વાતને ઉત્તેજન અપાયું છે.
- બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ છે જેથી ખેડૂતોને સારી કિંમત મળી શકે.
- તેમાં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત પણ કરાઈ છે
વિપક્ષનો તર્ક
- રાજ્યોને આવકમાં નુકસાન થશે કારણ કે જો ખેડૂત APMCની બહાર પાક વેચશે તો તેઓ ‘મંડી ફી’ નહીં વસૂલી શકે.
- કૃષિ વેપાર જો મંડીઓની બહાર જતો રહે તો ‘કમિશન એજન્ટો’નું શું થશે?
- આવું થયા બાદ ધીમે ધીમે MSP (ન્યૂનતમ સમર્થન મૂલ્ય) પર પાકની ખરીદી બંધ કરી દેવાશે.
- મંડીઓમાં વેપાર બંધ થયા બાદ મંડીના માળખા તરીકે સર્જાયેલી ઈ-નેમ જેવી ઇલેકટ્રોનિક વેપારપ્રણાલીનું આખરે શું થશે?
કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020
- આ કાયદામાં કૃષિ કરારો (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ કરાઈ છે.
- આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિ વેપાર કરનાર ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી નક્કી કરેલ કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે.
- પાંચ હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકશે.
- બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો છે.
- અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું, ટૅક્નિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર, ઋણની સુવિધા અને પાક વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
- આ અંતર્ગત ખેડૂતો મધ્યસ્થીને હઠાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે છે.
- કોઈ વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં એક તંત્રને સ્થાપિત કરવાની વાત પણ કરાઈ છે.
વિપક્ષનો તર્ક
- કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ દરમિયાન ખેડૂત આયોજક સાથે ખરીદ-વેચારણની ચર્ચા કરવા મામલે કમજોર હશે.
- નાના ખેડૂતોની ભીડ હોવાના કાણે કદાચ આયોજક તેમની સાથે સોદો કરવાનું પસંદ ન પણ કરે.
- કોઈ વિવાદની સ્થિતિમાં એક મોટી કંપની, નિકાસકાર, જથ્થાબંધ વેપારી કે પ્રોસેસર જે આયોજક હશે તેને લાભ થશે.
આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020
- આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હઠાવવાનો અર્થ એ થયો કે માત્ર યુદ્ધ જેવી ‘અસાધારણ પરિસ્થિતિઓ’ને બાદ કરતાં હવે મનફાવે એટલો સ્ટૉક રાખી શકાશે.
- આ કાયદાથી ખાનગી સેક્ટરનો કૃષિ ક્ષેત્રમાં ડર ઓછો થશે કારણ કે અત્યાર સુધી વધુ પડતા કાયદાકીય હસ્તક્ષેપના કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતાં ગભરાતાં હતા.
- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણ થશે.
- આ કાયદો અમુક વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદ કરશે.
- બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડો થશે.
વિપક્ષનો તર્ક
- ‘અસાધારણ પરિસ્થિતિઓ’માં કિંમતોમાં જબરદસ્ત વધારો થશે જે બાદમાં નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનશે.
- મોટી કંપનીઓ પાસે અમુક પાકનો વધારે સ્ટૉક રાખવાની ક્ષમતા હશે. તેનો અર્થ એ થયો કે પછી તે કંપનીઓ ખેડૂતોને કીમતો નક્કી કરવા માટે મજબૂર કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો