શાહીનબાગથી ખેડૂત આંદોલન સુધી : નારા પોકારી મહિલાઓ સરકારની ઊંઘ કેવી રીતે ઉડાડે છે?

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

આધુનિક સમાજમાં જ્યારે પહેલી વાર મહિલાઓએ પોતાના અધિકારો માટે ઘરની બહાર પગ મૂક્યો હશે ત્યારે ભાગ્યે જ કોઈએ આશા રાખી હશે કે મહિલાઓ એક દિવસ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરશે.

એ સમય આવ્યો અને મહિલાઓ ન માત્ર પોતાના સમુદાય માટે પણ બધાના અધિકારો માટે રસ્તા પર આવીને લડાઈ લડી રહ્યાં છે.

પછી તે શાહીનબાગનાં દાદીઓ હોય કે પોલીસ સાથે ઘર્ષણ કરતી કૉલેજની છોકરીઓ કે પછી કૃષિબિલ સામે ગામેગામથી રાષ્ટ્રીય રાજધાનીની સફર કરનારાં મહિલાઓ.

મહિલાઓ હવે ચુપચાપ બધું જોતાં નથી, તેઓ બદલાવનો હિસ્સો બને છે. તે ક્યારેક પ્રદર્શનકારી હોય છે, તો ક્યારેક સરકાર સાથે બાથ ભીડે છે, મજબૂત મહિલાઓ પોલીસની લાઠીઓનો મુકાબલો કરે છે.

મહિલાઓની આ તાકાતને હવે મીડિયા અને સોશિયલ મીડિયા પણ ઓળખી ગયું છે. તેઓ બહાર આવી રહ્યાં છે, ખૂલીને વાત કરે છે અને તેમને કોઈ નજરઅંદાજ કરતું નથી.

નાગરિકતા કાયદો અને કૃષિકાયદા સામે થઈ રહેલાં પ્રદર્શનોમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે.

આ મુદ્દાઓ પર વિરોધ થવો જોઈએ કે નહીં તેના પર અલગઅલગ મત હોઈ શકે છે, પણ આ વિરોધપ્રદર્શનોને મહિલાઓના આવવાથી એક તાકાત મળી છે તેનો કોઈ ઇન્કાર ન કરી શકે.

પરંતુ વિરોધપ્રદર્શન સિવાય આ તાકાતનો સંચાર ક્યાં સુધી થયો છે? મહિલાઓની આ દૃઢતા અને સાહસ સમાજમાં આવેલા કોઈ પરિવર્તનનો સંકેત છે અને આ પરિવર્તન કેટલું દૂર જઈ શકે છે?

સ્ત્રીઓની એક શિક્ષિત પેઢી

વિરોધમાં મહિલાઓની ભાગીદારી અંગે વરિષ્ઠ પત્રકાર ગીતા શ્રી કહે છે, "મહિલાઓ પોતાના આસપાસના સમાજને લઈને વધુ જાગરૂક અને મુખર થઈ છે અને હવે તેમને લાગે છે કે તેમનું કામ માત્ર ઘર સુધી સીમિત નથી, તેમનો સંસાર વધ્યો છે. હવે તે સચેતન વિકાસશીલ સ્ત્રી છે, જે આખા સમાજ અંગે પોતાનો મત ધરાવે છે."

ગીતા શ્રી કહે છે કે સ્ત્રીઓની એક આખી પેઢી શિક્ષિત થઈને તૈયાર થઈ ગઈ છે અને આ પેઢીને નજરઅંદાજ ન કરી શકાય. તે એ ફેરફારો સાથે પેદા થઈ છે, જે ચુપચાપ બધું માની લેતી નથી. આ શિક્ષિત મહિલાઓની સંગતમાં જૂની પેઢી પણ બદલાઈ રહી છે.

આ અંગે અખિલ ભારતીય પ્રગતિશીલ મહિલા ઍસોસિયેશનનાં સચિવ કવિતા કૃષ્ણનનું કહેવું છે કે મહિલાઓની વિરોધપ્રદર્શનમાં હંમેશાં ભાગીદારી રહી છે, પણ આ દોરમાં તે વધુ જોવા મળે છે. હવે તેમને મીડિયા અને સોશિયલ મીડિયા વધુ મહત્ત્વ આપે છે અને તેમનું નેતૃત્વ પણ વધુ સ્પષ્ટ જોવા મળે છે.

તેઓ કહે છે, "મહિલાઓ આજે એક મુશ્કેલ સમયમાં લડી રહી છે. તેમને ધમકીઓ મળે છે, ધરપકડનો પણ ડર હોય છે, તેમ છતાં તે બહુ બહાદુરીથી આગળ આવી રહી છે."

નિર્ભયા મામલાથી ખેડૂત-માર્ચ સુધી

મહિલાઓમાં આ સાહસ અને સજાગતા પહેલાં પણ જોવા મળી છે.

ડિસેમ્બર 2012માં નિર્ભયાકાંડ બાદ ઇન્ડિયા ગેટ પર હિંમત અને દૃઢતા સાથે મહિલાઓએ સરકારને યૌનહિંસા સામે કઠોર કાયદો બનાવવા માટે મજબૂર કરી.

મહારાષ્ટ્રમાં માર્ચ 2018માં નાસિકથી મુંબઈ સુધી ખેડૂતોએ એક મોટી રેલી કાઢી હતી. તેમાં મહિલાઓએ ભાગ લીધો હતો. તેમની છાલાં પડી ગયેલા ઉઘાડા પગની તસવીરો આજે પણ ઇન્ટરનેટ પર મળી રહે છે.

બાદમાં નવેમ્બર 2018માં કરજ માફીની માગ સાથે દેશના અલગઅલગ ભાગમાંથી ખેડૂત મહિલાઓ વિરોધપ્રદર્શન માટે દિલ્હી પહોંચ્યાં હતાં.

મહિલાઓની આ તાકાતમાં ઉંમરની કોઈ સીમા નથી. યુવા, આધેડ, વૃદ્ધ- તમામ ઉંમરનાં મહિલાઓનો જોશ બુંલદ દેખાઈ રહ્યો છે.

સબરીમાલા મંદિર હોય કે હાજીઅલી દરગાહ- અહીં મહિલાઓના પ્રવેશ માટે ઘણાં મહિલાઓ હિંસક પ્રદર્શનકારીઓ સામે પોતાનો જીવ જોખમમાં મૂકીને મંદિર પહોંચ્યાં હતાં.

યુવા છોકરીઓની ભાગીદારી

23 વર્ષીય સામાજિક કાર્યકર નેહા ભારતી ઘણાં પ્રદર્શનોમાં સામેલ થાય છે. તેઓ કહે છે કે તે અણ્ણા આંદોલનથી લઈને ઘણાં પ્રદર્શનોમાં પોતાના મિત્રો સાથે જાય છે.

અભ્યાસ અને કારકિર્દી પર ફોક્સ કરનાર યુવા છોકરીઓની ભાગીદારી પર નેહા કહે છે, "અભ્યાસ અને કારકિર્દી પોતાની જગ્યાએ છે, પણ જ્યારે તમે કોઈ મુદ્દા પર મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત થતા જુઓ ત્યારે તમે ચૂપ ન રહી શકો. અમને લાગે છે કે અમારે તેનો હિસ્સો હોવું જોઈએ. જે દિવસરાત વિરોધપ્રદર્શનમાં અડગ રહે છે એ વૃદ્ધ મહિલાઓ અમારી પ્રેરણા બને છે."

તેઓ કહે છે, "અમારે માટે બધું સરળ નથી હોતું. જેમ કે કેટલીક છોકરીઓના પરિવારના લોકો વિરોધપ્રદર્શનના નામથી ડરી જાય છે. એટલે એક છોકરીને ઘણા દિવસો સુધી ઘરમાં જ રહેવું પડ્યું હતું. પરંતુ મોટી સમસ્યા છે અમને મળતી ધમકીઓ. મને ઘણી વાર બળાત્કાર અને અપહરણ સુધીની ધમકી મળી છે. જોકે તેમ છતાં અમે અટક્યાં નથી."

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે, "વિરોધપ્રદર્શનોમાં આવતી કૉલેજ અને વિશ્વવિદ્યાલયની છોકરીઓ આજે આક્રમક છે, જે અગાઉ બહુ ઓછી જોવા મળતી હતી. આ યુવા છોકરીઓમાં બહુ ઊર્જા છે અને તે જ પરિવર્તન લાવી શકે છે. તેમનામાં આકાંક્ષાઓ છે અને તેમને લાગે છે કે તે કંઈ પણ કરી શકે છે."

તેઓ કહે છે કે મહિલાઓએ સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેમના વિના અંગ્રેજોને બહાર કરવા અશક્ય માનવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી બાદ તેમને રાજકીય અને સામાજિક રીતે એ ન મળ્યું જેની તે હકકાર હતી. પણ તે તેમના તૈયાર થવાનો સમય હતો.

તે પડદામાં હતી, શિક્ષણ અને અન્ય અધિકારો માટે સંઘર્ષ કરતી હતી. પરંતુ 80ના દશકમાં મહિલા અનામતની માગ ઊઠી, ભલે તેનું કંઈ ન થયું પણ આજે આપણે એક અલગ જ માહોલ જોઈ રહ્યા છીએ.

મહિલાઓના આ પ્રદર્શનથી શું બદલાશે?

જાણકારો એ પણ માને છે કે મહિલાઓનું આ રીતે રસ્તા પર ઊતરવું માત્ર વિરોધપ્રદર્શન સુધી સીમિત નથી. તેનાં દૂરગામી પરિણામ છે.

તેનાથી ન માત્ર તેમની આંતરિક તાકાત વધી છે, પણ તેઓ અન્ય મહિલાઓને પણ તાકાત અને મનોબળ આપી રહ્યાં છે.

જ્યારે તે પોલીસ અને પ્રશાસનને પડકાર આપીને હિંમત સાથે ઊભી થાય છે તો સાહસ તેમના વ્યક્તિત્વનો હિસ્સો બની જાય છે.

ગીતા શ્રી કહે છે, "હવે તમે સરળતાથી મહિલાઓ પર પ્રતિબંધો અને રોક ન લગાવી શકો. આવનારા સમયમાં વધુ આક્રમક છોકરીઓ તૈયાર થઈ રહી છે, જેની દરેક મુદ્દે પોતાનો મત, સમજ અને પોતાની પસંદગી છે. વિરોધપ્રદર્શનોમાં સ્ત્રીઓની ભાગીદારી હજુ વધશે અને તે નેતૃત્વમાં આવશે."

તેઓ કહે છે, "પહેલાં સ્ત્રીઓને લઈને સમાજ બહુ મોટાં સપનાં જોતો નહોતો. પરંતુ હવે તેને લઈને સમાજ, પરિવાર અને સ્ત્રીઓનાં સપનાં બદલાયાં છે. છોકરીઓની મહત્ત્વાકાંક્ષાઓ વધી છે અને માતાપિતા પણ દીકરીને આગળ વધતી જોવા માગે છે. તેને લોકોએ સ્વીકારી છે, પણ તેની પાછળ જાગરૂકતા કારણ હોય કે આર્થિક જરૂરિયાત. આ જ વિચાર હવે મજબૂત થતો જશે."

તો કવિતા કૃષ્ણન કહે છે કે મહિલાઓનું આંદોલનમાં નીકળવું એક રાજકીય અને સામાજિક પ્રભાવ છે.

તેઓ કહે છે, "સંઘર્ષ વિના તમે પિતૃસત્તાને ખતમ ન કરી શકો. જ્યારે આપણે લડતી મહિલાઓને જોઈએ છીએ ત્યારે એક તાકાત મળે અને વધુ લડવાની ઇચ્છા થાય છે. સાથે જ મહિલાઓ માટે નેતૃત્વનો રસ્તો પણ ખૂલે છે."

મહિલાઓનો ઉપયોગ?

મહિલાઓના વિરોધપ્રદર્શનમાં સામેલ થવા અંગે ઘણી વાર કહેવાય છે કે તેમને જાણીજોઈને વિરોધનો ચહેરો બનાવાય છે, કેમ કે પોલીસ મહિલાઓ પર કઠોર કાર્યવાહીથી બચે છે અને મીડિયા પણ તેમના પર વિશેષ ધ્યાન આપે છે.

કવિતા કૃષ્ણન આ વાતનો સ્પષ્ટ રીતે ઇન્કાર કરે છે.

તેઓ કહે છે, "તેનાથી એ લોકોના વિચારની ખબર પડે છે જે મહિલાઓને કેટલી ફાલતુ સમજે છે. મહિલાઓ પર શું પોલીસ કાર્યવાહી ઓછી થાય છે?"

"અહીં મહિલાઓ પણ એટલી લાઠીઓ ખાય છે અને ધરપકડ વહોરે છે. એ મહિલાઓ સાથે વાત કરો તો તમને ખબર પડે કે તે મુદ્દાઓને સમજે છે કે નહીં. શું તે કોઈના ઉશ્કેરવાથી દિવસો સુધી આંદોલનમાં ટકી રહે છે? આ તેમની પોતાની સમજ અને પ્રેરણા છે."

તો ગીતા શ્રી કહે છે કે "પહેલાં એવું થયું છે. રાજકીય દળોએ ઘણી વાર આવું કર્યું છે. પરંતુ એવું પણ નથી કે એ સ્ત્રીઓને ખબર નથી કે તેઓ શું કામ આવી છે. જો તે મુદ્દા સાથે સહમત નહીં હોય તો લાઠીઓ ખાવા શું આવે? આ ઉપયોગની વાત નથી. પુરુષો પણ એ વાત સમજે છે કે સ્ત્રીઓને સામેલ કર્યાં વિના કોઈ આંદોલન સફળ ન થઈ શકે."

તેઓ માને છે કે આ સકારાત્મક પણ છે. ભલે તે કોઈ પણ કારણસર બહાર નીકળી હોય. પણ જ્યારે નીકળી છે તો તેમની શક્તિની ખબર પડી રહી છે. સ્ત્રીઓને તેમની શક્તિની ખબર પડી રહી છે કે તે શું કરી શકે છે. તે માત્ર ચૂલો ફૂંકી શકતી નથી, પણ સરકારની ઊંઘ પણ ફૂંકીફૂંકીને ઉડાડી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો