You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકારના રાજમાં ભારતનું લોકતંત્ર નબળું થયું?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
દુનિયાના સૌથી મોટી લોકશાહી દેશોમાંથી એક કહેવાતા ભારતમાં લોકતંત્ર નબળું પડી રહ્યું છે, સ્વિડનસ્થિત એક સંસ્થા 'વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટે' પોતાના રિપોર્ટમાં કંઈક આવા સંકેત આપ્યા છે.
વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટનો '2020નો લોકતંત્ર રિપોર્ટ' માત્ર ભારત અંગે જ નથી. આ રિપોર્ટમાં દુનિયાભરમાં ઘણા દેશો સામેલ છે, જેના અંગે આ રિપોર્ટ દાવો કરે છે કે ત્યાં લોકતંત્ર નબળું પડતું દેખાઈ રહ્યું છે.
આ રિપોર્ટમાં તૈયાર કરનારા સ્વિડનની ગોટેનબર્ગ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી સંસ્થા વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી કહે છે કે ભારતમાં લોકતંત્રની બગડતી સ્થિતિની તેમને ચિંતા છે.
રિપોર્ટમાં 'ઉદાર લોકતંત્ર સૂચકાંક'માં ભારતનું સ્થાન 179 દેશમાં 90મું આપવામાં આવ્યું છે અને ડેનમાર્કને પહેલું.
ભારતનો પડોશી દેશ શ્રીલંકા 70મા સ્થાને છે, જ્યારે નેપાળ 72મા નંબરે છે. આ સૂચિમાં ભારતથી નીચે પાકિસ્તાન 126મા નંબરે છે અને બાંગ્લાદેશ 154મા સ્થાને.
આ રિપોર્ટમાં ભારત પર અલગથી કોઈ પ્રકરણ નથી, પરંતુ તેમાં કહેવાયું છે કે મીડિયા, સિવિલ સોસાયટી અને મોદી સરકારમાં વિપક્ષના વિરોધની જગ્યા ઓછી થઈ રહી છે, જેના કારણે લોકતંત્રના રૂપમાં ભારત પોતાનું સ્થાન ગુમાવે તેવી સ્થિતિ છે.
વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી કહે છે કે આ રિપોર્ટમાં તૈયાર કરતી વખતે વૈશ્વિક માનક અને સ્થાનિક જાણકારીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે તેમનો આ રિપોર્ટ અન્ય રિપોર્ટથી અલગ છે, કેમ કે આ જટિલ ડેટા પર આધારિત છે.
રિપોર્ટ પર એક નજર નાખતા ખ્યાલ આવે છે કે તેમાં ડેટા, ડેટા એનાલિટિક્સ, ગ્રાફિક્સ, ચાર્ટ અને મેપનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકતંત્રના ઇન્ડિકેટર્સ પર ભારત
સંસ્થાના નિદેશક સ્ટાફન લિંડબર્ગે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂનાં કહ્યું, "આ હું કે પશ્ચિમી દેશોમાં બેસેલા ગોરા લોકો ભારત કે અન્ય દેશોમાં લોકતંત્રની દશા પર નથી બોલી રહ્યા. અમારી સાથે 3,000થી વધુ વિશેષજ્ઞોનું એક નેટવર્ક જોડાયેલું છે, જેમાં ભારતમાં કામ કરતા ભણેલા-ગણેલા લોકો પણ છે, જે સિવિલ સોસાયટી અને રાજકીય પાર્ટીઓને જાણે છે. તેઓ નિષ્ણાત છે."
તેઓ આગળ કહે છે કે તેમના સહયોગી કોઈ પણ એક દેશમાં 400 ઇન્ડિકેટર્સને લઈને લોકતંત્રની સ્થિતિ પરખવાની કોશિશ કરે છે. તેમાં પ્રમુખ ઇન્ડિકેટર્સ છે- અભિવ્યક્તિની સ્વતંત્રતા, મીડિયાની સ્વતંત્રતા, સિવિલ સોસાયટીની સ્વતંત્રતા, ચૂંટણીની ગુણવત્તા, મીડિયામાં અલગઅલગ વિચારોનું સ્થાન અને શિક્ષણમાં સ્વતંત્રતા.
લિંડબર્ગ આગળ કહે છે, "તેમાં ઘણા લોકતંત્રના સ્તંભ છે, જે ભારતમાં નબળા પડી રહ્યા છે. મોદીના સત્તામાં આવ્યાના બે વર્ષ પહેલાંથી તેમાંથી કેટલાક ઇન્ડિકેટર્સમાં ઘટાડો થવાનો શરૂ થઈ ગયો હતો. પરંતુ વાસ્તવમાં તેમાં નાટકીય ઘટાડો મોદીના 2014માં સત્તામાં આવ્યા બાદ થવા લાગ્યો."
લિંડબર્ગે જણાવ્યું, "મારી દૃષ્ટિએ છેલ્લાં પાંચથી આઠ વર્ષમાં સ્થિતિ વધુ બગડી ગઈ છે. ભારત હવે લોકતંત્ર ન કહેવાતા દેશોની સૂચિમાં આવવાની સાવ નજીક છે. અમારા ઇન્ડિકેટર્સ કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર તરફી મીડિયાનો પક્ષ લેવાનો સિલસિલો ઘણો વધી ગયો છે."
"સરકાર તરફથી પત્રકારોને હેરાન કરવા, મીડિયાને સેન્સર કરવાની કોશિશ કરવી, પત્રકારોની ધરપકડ અને મીડિયા તરફથી સેલ્ફ સેન્સરશિપની ઘટનાઓ વધી રહી છે."
લોકતંત્રની પરિભાષા
તો આવો સમજીએ કે લોકતંત્ર શું છે અને શા માટે મહત્ત્વનું છે. લોકતંત્રમાં સામાન્ય લોકો મતદાન કરીને પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે, જે બાદ બહુમતી મેળવનારી પાર્ટી સરકાર બનાવે છે.
પ્રસારભારતીના પૂર્વ ચૅરમૅન અને દક્ષિણપંથીને સમજનારા થિન્ક ટેન્ક વિવેકાનંદ ફાઉન્ડેશનમાં લોકતંત્રના વિશેષજ્ઞ એ. સૂર્યપ્રકાશ કહે છે, "લોકતંત્રના આઠ ગુણ હોવા જોઈએ. અભિવ્યક્તિની આઝાદી, સેક્યુલારિઝમ કે પંથનિરપેક્ષતા, ધર્મ અને રાજ્યમાં વિભાજન, ગણતાંત્રિક સરકાર એટલે કે રાજાશાહી સરકાર નહીં, સમાનતાનો અધિકાર એટલે કે કાયદા સામે બધા સરખા, જીવવા અને વ્યક્તિગત અધિકારોની આઝાદી અને મત આપવાનો અધિકાર."
સૂર્યપ્રકાશ અનુસાર, દુનિયાભરમાં સૌથી વધુ વિવિધતા ભારતના લોકતંત્રમાં છે.
આ રિપોર્ટમાં ડેનમાર્કને લોકતંત્રમાં પહેલા નંબરે રાખવામાં આવ્યું છે, જેના પર સૂર્યપ્રકાશ કહે છે, "ડેનમાર્કનું બંધારણ કહે છે કે હોલી બાઇબલ પર આધારિત ઇવૈન્જેલિકલ લૂથેરિયન ચર્ચ ડેનમાર્કનું સ્થાપિત ચર્ચ હશે, જેને દેશનો સહયોગ મળશે. આપણા બંધારણને જુઓ, જેની પ્રસ્તાવનામાં આપણે ધર્મનિરપેક્ષતાને સામેલ કર્યું છે. એ લોકો શું વાત કરે છે, આપણી સાથે તેમની કોઈ તુલના છે જ નહીં."
સૂર્યપ્રકાશ કહે છે કે ભારત આજે પણ એક વિશાળ લોકતંત્ર છે, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર. તેમને વી-ડેમના રિપોર્ટ પર થોડો વિરોધ છે.
તેઓ કહે છે, "દોષ વિનાનો કોઈ દેશ નથી. કોઈ ને કોઈ કમી બધામાં છે. બધો દોષ નરેન્દ્ર મોદીની સરકારે આપવાનો મતલબ એ છે કે આપણા બંધારણની તેમને સમજ નથી."
"જો આ સમજશો તો ખબર પડશે કે 28 રાજ્યોમાંથી અડધામાં અલગઅલગ પાર્ટીઓ સત્તામાં છે. હું એક દિવસ જોતો હતો કે 28 રાજ્યોમાં 42 પાર્ટીઓ સત્તામાં છે અને કેન્દ્ર સરકાર પણ એક ગઠબંધન છે."
ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં લોકતંત્રની ચર્ચા કરતા રહે છે. ગત મહિને દુનિયાભરના રોકાણકારોની એક સભામાં તેઓએ કહ્યું હતું કે ભારત રોકાણ માટે સૌથી યોગ્ય જગ્યા છે, કેમ કે ભારત એક લોકતંત્ર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને પશ્ચિમના દિશોના ઘણા નેતાઓએ ભારતના લોકતંત્રનાં વખાણ કર્યાં છે.
લોકતંત્રમાં સતત નબળાઈ?
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં લોકતંત્રના વિશેષજ્ઞ નિરંજન સાહુ વી-ડેમના રિપોર્ટ પર કહે છે, "ડેટા પર આધારિત વી-ડેમનો રિપોર્ટ ઘણી રીતે લોકતંત્રમાં સતત નબળાઈ, ખાસ કરીને ભારતમાં ઉદારવાદમાં સતત કમી થવાના સંકેતની પુષ્ટિ કરે છે."
"આ બોલવાની આઝાદી, મીડિયાની સ્વતંત્રતા પર અંકુશ અને વિરોધી અવાજોને દબાવવાની પ્રત્યે સરકારની અસહનશીલતામાં જોવા મળે છે."
રિપોર્ટમાં મીડિયાની ઓછી થતી આઝાદી પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સૂર્યપ્રકાશે ભારતના બંધારણ અને તેના લોકતંત્ર પર પુસ્તકો પણ લખ્યાં છે.
તેઓ કહે છે, "રિપોર્ટ કહે છે કે ભારતમાં મીડિયાની જગ્યા સંકોચાતી જોવા મળે છે. છેલ્લાં આઠ-દસ વર્ષમાં આપણા દેશમાં શું થયું તેનો તેમને કોઈ અંદાજ નથી. રજિસ્ટ્રાર ઑફ ન્યૂઝપેપર્સ દર વર્ષે આંકડા જાહેર કરે છે, જે અનુસાર 2014માં દૈનિક અખબારોનું સરક્યુલેશન 14 કરોડનું હતું, જે 2018માં વધીને 24 કરોડ થઈ ગયું."
"દેશમાં 800 ટીવી ચનેલ છે, જેમાં 200 ન્યૂઝચેનલ છે. લોકોનાં ઘરોમાં ટીવી જોવાવાળા 14 કરોડ હતા, જે 2018માં વધીને 20 કરોડ થઈ ગયા. ઇન્ટરનેટ કનેક્શન પાંચ વર્ષમાં 15 કરોડથી 57 કરોડ થઈ ગયાં. જો તાનાશાહી હોત તો મીડિયાનો આ રીતે ફેલાવો કઈ રીતે થઈ શકે?"
પોતાના તર્કને આગળ વધારતા સૂર્યપ્રકાશ રિપોર્ટ તૈયાર કરનારાને પૂછે છે, "આ લોકો સાંજે આપણા શાઉટિંગ બ્રિગેડ (ટીવી ચેનલ પર બૂમો પાડીને ચર્ચા કરનારા પેનલિસ્ટ)ને નથી જોતા કે શું? દરેક ટીવી ચેનલ પર રોજ સાંજે બંને તરફથી ઉગ્ર ચર્ચા થાય છે. લોકતાંત્રિક વ્યવસ્થા ન હોય, તો આવું ન થઈ શકે."
"સોશિયલ મીડિયા પર એક દિવસ મેં જોયું કે મોદી સૌથી ખરાબ વડા પ્રધાનનો હૈશટેગ ટ્રેન્ડ કરતો હતો. જો તમને બોલવાની આઝાદી ન હોય અને એક સ્વસ્થ લોકતંત્ર ન હોય તો શું આ હૈશટેગ સોશિયલ મીડિયામાં ચાલી શકે?"
સૂર્યપ્રકાશ માને છે કે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કેટલાંક ટ્વીટ્સને લઈને ધરપકડો થઈ છે, પરંતુ તેમનો તર્ક એ છે કે તેમાં મોદી સરકારને કેમ ઢસેડવામાં આવે છે. કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારના હાથમાં છે. શું એ તેમને ખબર નથી.
વી-ડેમની સ્થાપના 2014માં થઈ હતી અને તેણે 2017થી લોકતંત્ર પર દર વર્ષે એક વૈશ્વિક રિપોર્ટ જાહેર કરવાનું શરૂ કર્યું છે. સંસ્થાના ડાયરેક્ટર અનુસાર તેમની સંસ્થા ડેટાના આધારે પોતાના ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી સંસ્થા છે.
રિપોર્ટમાં લોકતંત્રના ખાસ સ્તંભ એટલે મીડિયા, માનવાધિકાર અને ન્યાયતંત્રની સ્વતંત્રતામાં નબળાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. મીડિયાવાળા અને સિવિલ સોસાયટીના કાર્યકરો સામે રાજદ્રોહથી લઈને માનહાનિ સુધીના વધતા કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તો શું લોકતંત્રમાં ખોટ છે?
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નિરંજન સાહુ રિપોર્ટ પર સહમતિ દર્શાવતા કહે છે, "એક જમાનો હતો જ્યારે ન્યાયપાલિકા અને ચૂંટણીપંચ જેવી ભારતની સ્વતંત્ર સંસ્થાઓની સરકાર અને શક્તિશાળી નેતાઓના દબાણમાં ન આવવા માટે વિશ્વભરમાં ભારતની પ્રશંસા થતી હતી. હવે એવું નથી."
"આ સંસ્થાઓને સરકારી વિચારને અનુરૂપ લાવવાના પ્રયાસો સતત ચાલુ છે. આજે ઍક્ટિવિસ્ટ અને વિપક્ષ નેતાઓને મહિનાઓ સુધી જામીન વિના કેદમાં રાખવામાં આવે છે, ન્યાયપાલિકા પોતાનું મોઢું ફેરવી લે છે. આ રીતે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ તંત્ર ગાયબ થઈ ગયું છે."
તેઓએ જણાવ્યું, "ધાર્મિક અને રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે, જો મોટા ભાગે સોશિયલ મીડિયા તરફથી સંચાલિત થાય છે અને તેનો સત્તાધારી પક્ષ રાજકીય ફાયદો ઉઠાવે છે."
"લોકતાંત્રિક મૂલ્યો અને સ્વતંત્રતાના સંદર્ભમાં તેની ઘણી નકારાત્મક અસર હોય છે. તેનાથી દેશમાં રાજકીય માહોલ ઝેરીલો થઈ રહ્યો છે. અલ્પસંખ્યકો અને વિરોધી દળોના નેતાઓને નબળા અને ખલનાયક કે રાષ્ટ્રવિરોધીના રૂપમાં દર્શાવાઈ રહ્યા છે."
પહેલાના અન્ય રિપોર્ટમાં પણ ભારતમાં લોકતંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. 'ઑટોક્રેટાઇઝેશન સર્જેઝ-રેજિસ્ટેન્સ ગ્રોઝ'ના જાહેર કરેલા વી-ડેમ ઇન્સ્ટિટ્યૂનનો તાજેતરનો રિપોર્ટ માત્ર નથી. ગત વર્ષોમાં આ રીતના રિપોર્ટ્સ ઘણી સંસ્થાઓને જાહેર કર્યા છે.
અમેરિકાસ્થિત ચર્ચિત સંસ્થા 'ફ્રીડમ હાઉસ'એ 2019ની ઘટનાઓ પર આધારિત જાહેર કરેલા પોતાના રિપોર્ટ 'લોકતંત્ર અને બહુલવાદ પર હુમલો'માં કહ્યું હતું કે વૈશ્વિક સ્વતંત્રતામાં સતત 14મા વર્ષે ઘટાડો થયો છે.
ભારત પર ટિપ્પણી કરતા આ રિપોર્ટમાં કહેવાયું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર હેઠળ લોકતાંત્રિક માનદંડોથી થતું અંતર ચીન અને ભારત વચ્ચેનાં મૂલ્યો પર આધારિત અંતરને ઓછું કરી શકે છે."
"ભારતને ફ્રી રેટિંગ મળ્યું છે અને તેણે ગત વર્ષે સફળ ચૂંટણી કરાવી છે, પરંતુ ભાજપે દેશની બહુલતા અને વ્યક્તિગત અધિકારો માટે પોતાની પ્રતિબદ્ધતાને પોતાનાથી દૂર કરી લીધી છે, જેના વિના લોકતંત્ર લાંબા સમય સુધી જીવિત ન રહી શકે."
વર્ષ 2017માં Civicus નામની એક સંસ્થાએ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેને 'ભારત : સિવિલ સોસાયટી પર વધતા હુમલાથી લોકતંત્રને ખતરો' નામના શીર્ષકથી જાહેર કર્યો હતો.
રિપોર્ટમાં એક ટિપ્પણી કંઈક આવી હતી- "જોકે ભારતની આઝાદી બાદ સિવિલ સોસાયટી જરૂરી ભૂમિકા નિભાવી રહી છે. પણ તેનું સ્થાન ઝડપથી ખતમ થઈ રહ્યું છે. જ્યારથી 26 મે, 2014થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતી છે, લોકતંત્રની ગુણવત્તા અને લોકતાંત્રિક વિરોધમાં ભાગ લેવાની જગ્યા ઓછી થઈ છે. આવનારાં વર્ષોમાં સિવિલ સોસાયટીના કાર્યકરો અને સંસ્થાઓ, જે સત્તાધારીઓની આલોચના કરે છે, તેમને અધિકારીઓ તરફથી ટાર્ગેટ કરાઈ શકે છે."
લોકતંત્ર અંદરથી નબળું?
વી-ડેમના રિપોર્ટ અનુસાર જી-20ના બધા મુખ્ય દેશો અને દુનિયાનાં બધાં ક્ષેત્ર હવે 'નિરંકુશતાની ત્રીજી લહેર'માંથી પસાર થઈ રહ્યા છે, જેની લપેટમાં ભારત, બ્રાઝિલ, અમેરિકા અને તુર્કી જેવી અર્થવ્યવસ્થાઓ આવી ચૂકી છે.
વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક સ્ટાફન લિંડબર્ગ કહે છે, "ભારતમાં જે થઈ રહ્યું છે એ વિશ્વમાં ચાલુ એક વલણનો ભાગ છે, જે ચિંતાનો વિષય છે. ભારતમાં વધતી નિરંકુશતા દુનિયાની નિરંકુશતાના રસ્તાને અનુસરી રહી છે."
તેઓ આ વલણથી ચિંતિત છે. તેઓ આગળ કહે છે, "ચિંતાની વાત એ છે કે દુનિયાના જે લોકતાંત્રિક દેશોમાં આ વલણ શરૂ થયું છે, જેમાંથી 80 ટકા તાનાશાહીમાં પરિવર્તિત થઈ ગયા છે."
તો શું લોકતંત્રમાં ખોટ છે? નિરંજન સાહુ કહે છે, "તેમાં કેટલુંક સત્ય છે, પરંતુ રિપોર્ટ એ વાત પર ઈશારો કરે છે કે આખી ઉદાર લોકતાંત્રિક વ્યવસ્થાને ધરાશાયી સમજવી યોગ્ય નહીં કહેવાય."
"પોલૅન્ડ, તુર્કી, ભારત, બ્રાઝિલ, હંગેરી અને એટલે સુધી કે અમેરિકા જેવા દેશોમાં અધિનાયકવાદની સાથે નિરંકુશતાના વધતા વલણ અંગે કોઈ શંકા નથી. તેમ છતાં, એ કહેવું જોઈએ કે આ વલણ ગત દશકોમાં પણ મોજૂદ હતું."
એ પણ વલણ જોવામાં આવ્યું છે કે આજકાલ તખ્તો પલટવા કે સૈન્યસત્તા બનાવવા અને કટોકટી લાગુ કરવાની જરૂર નથી પડતી.
તાનાશાહી બંધારણ, કાયદો અને લોકતંત્રની બધી જોગવાઈઓનો ઉપયોગ કરીને સત્તામાં આવે છે અને મોડે સુધી ટકી રહેવા માટે કાયદાનો દુરુપયોગ કરે છે.
સ્ટાફન લિંડબર્ગ તુર્કીનું ઉદાહરણ આપે છે અને કહે કે રાષ્ટ્રપતિ અર્દોઆને સંસદનો ઉપયોગ કરીને બે વાર બંધારણ બદલી નાખ્યું.
સૂર્યપ્રકાશ માને છે કે કોરોના મહામારીના સમયમાં કેટલાક દેશોનાં લોકતંત્રમાં ખોટ જોવા મળી.
ભારતના સંદર્ભમાં તેમનું કહેવું હતું કે ભારતનાં કેટલાંક રાજ્યોમાં લોકતંત્રમાં સમસ્યા છે અને કેટલીક ખોટી ધરપકડો થઈ છે, પરંતુ તેમનો દૃઢ વિશ્વાસ છે કે લોકતંત્રનાં મૂળિયાં મજબૂત છે અને સત્તામાં કોઈ પણ પાર્ટી આવે, લોકતંત્રના પાયાને હલાવી ન શકે.
તેઓ કહે છે, "મને નથી લાગતું કે સમય જતા આપણે આપણું લોકતંત્ર અને બંધારણ ગુમાવી દેશું, કેમ કે આ બંધારણનાં મૂલ્યો સાથે આપણે બધા જોડાયેલા છીએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો