You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી આદિવાસીઓ નારાજ કેમ?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, કેવડિયાથી
નર્મદા નદીના કાંઠેના નવાગામમાં 6 એકર અને 30 ગૂંઠા જમીનના માલિક એવા પૂનાભાઈ તડવીનો મોટા ભાગનો સમય આજકાલ ખેતરમાં નહીં પણ સરકારી ઑફિસો અને વિવિધ મિટિંગમાં જાય છે.
તેમનાં પત્ની અંબાબહેન તડવી જેઓ પહેલાં માત્ર ઘરનું કામ અને ઢોરને સંભાળવાનું કામ કરતાં હતાં, તેઓ આજકાલ જમીન સંપાદનના કાયદાઓ અને નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની જમીનો પર થઈ રહેલા વિકાસનાં કામોની તમામ પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
નવાગામ અને તેની બાજુના લીમડી ગામમાં આશરે 18 પરિવારો રહે છે અને એ તમામ લોકોનું કહેવું છે કે તેમણે સરદાર સરોવર નર્મદા ડૅમ, ગરુડેશ્વર વિયર ડૅમ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને હવે બીજાં ઘણાં વિકાસનાં કામો માટે પોતાની તમામ જમીનો આપી દીધી છે અને હજી આપી રહ્યાં છે. પરંતુ તેમને ખબર નથી કે આવનારા દિવસોમાં તેમના માટે સરકારે શું વિચાર્યું છે.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી જતી વખતે જે ફોર લૅન હાઈવે પર પ્રવાસીઓની ગાડી સડસડાટ દોડે છે, તે હાઈવે પરની લગભગ એક એકર જેટલી જમીન પૂનાભાઈ અને અંબાબહેનની છે.
પૂનાભાઈ પોતે જ તે જમીનના ખાતેદાર છે અને 1965થી હજી સુધી ગુજરાતમાં અનેક સરકારો બદલાઈ, મુખ્ય મંત્રીઓ બદલાયા પણ પૂનાભાઈને લડાઈનો અંત આવ્યો નથી.
કુલ છ એકરમાંથી હાલમાં તેમના કબજા હેઠળ બે એકર જેટલી જ જમીન રહી છે, જેની પર તેમનું પોતાનું મકાન આવેલું છે અને થોડી જમીનમાં તેઓ ખેતી પણ કરે છે.
હજુ જમીન જવાનો ભય
બીબીસી સંવાદદાતા તેમને 2018થી દર વર્ષે ઑક્ટોબર મહિનામાં મળી રહ્યા છે અને સરકાર સાથેની તેમની વાતચીત વિશે જાણી રહ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં તેમની બે એકરથી વધુ જમીન જતી રહી છે, અને તેમને બીક છે કે આવનારા સમયમાં હજી બીજી બે એકર જમીન જતી રહેશે. તેમના ઘરના બહારથી સીધું સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું દૃશ્ય દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂનાભાઈનું ગામ એટલે નવાગામ, જે નર્મદા ડૅમની પ્રથમ પસંદગી હતી અને જ્યાં પંડિત જવાહરલાલ નહેરુએ આ ડૅમનું ખાતમુહૂર્ત કર્યું હતું.
જોકે કોઈ ટેકનિકલ કારણોને લીધે આ સાઇટને અહીંથી પાંચ કિલોમીટર ઉપર તરફ વડગામ ગામે લઈ જવામાં આવી હતી અને નવાગામ, લીંમડી તેમજ આસપાસનાં બીજાં ગામોને અસરગ્રસ્ત તરીકેના લાભો ન મળ્યા, પરંતુ તેમની જમીનો સંપાદિત થઈ ચૂકી હતી અને તેનો કબજો જે તે ખેડૂત પાસે જ રહ્યો હતો.
પૂનાભાઈ અને અંબાબહેન અને તેમના જેવાં બીજાં 12 ગામોના અનેક લોકો તેમની જેમ જ દરરોજ એક નવી સમસ્યાનો સામનો કરે છે.
તેઓ પોતાના જમીનના કાગળિયાની ફાઇલો આજકાલ હાથવગી જ રાખે છે, જો કોઈ પૂછે તે તુરંત જ તેમને પોતાના માલિકીના કાગળો બતાવતાં નજરે પડે છે.
'અમને પ્રકૃતિ અને આદિવાસી જીવનશૈલી સાથે જીવવા દો'
ઑક્ટોબર 30 અને 31મીના રોજ એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસેનાં વિવિધ પ્રવાસન-આકર્ષણોનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, જેથી દેશ આખામાં આ સ્થળને એક વિશિષ્ટ પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવાનો સંદેશો જઈ શકે, તો બીજી બાજુ પૂનાભાઈ અને અંબાબહેન જેવા અનેક લોકો આ ચકાચોંધ જોઈને હબતાઈ ચૂક્યાં છે.
નવાગામની બાજુનું ગામ વાગોડિયા છે. આ ગામના ભૂતપૂર્વ સરપંચ અને ખેડૂત શૈલેશ તડવી અને તેમના ગામના લગભગ બધા જ લોકો આ તમામ પ્રક્રિયાથી નારાજ છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન તેઓ કહે છે કે, "અમે સરકારને ડૅમ માટે જમીન આપી દીધી, પછી ગરુડેશ્વર વિયર માટે જમીનો આપી દીધી, પછી સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે જમીનો આપી દીધી, પછી આ વિવિધ 35 જેટલા પ્રવાસન-પ્રોજેક્ટ માટે પણ જમીનો આપી દીધી. હવે સરકારને એક જ અપીલ છે કે હવે અમને મહેરબાની કરીને શાંતિથી જીવવા દે. અમને અમારી પ્રકૃતિ અને આદિવાસી જીવનશૈલી સાથે જીવવા દો."
શૈલેશ તડવી પણ પૂનાભાઈની જેમ ઘણી મિટિંગમાં જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે, સરકારી ઑફિસોમાં ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ તેમને પણ હજી સુધી તેમની જમીનો, તેના વળતર કે બીજી જમીનો વિશે કંઈ જ જાણવા મળ્યું નથી.
અસરગ્રસ્તોની જેમ વળતરની માગ
વાગોડિયા ગામમાં જ રહેતા 62 વર્ષીય જીવાભાઈ તડવીની જમીન પર મે મહિનામાં લૉકડાઉન દરમિયાન જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓએ ફેન્સિંગ કરી દીધી છે.
તેમના પરિવારમાં 15 લોકો છે અને એ તમામનું ગુજરાન તેમની ખેતીની જમીન પર જ ચાલે છે.
જોકે તેમની જમીનના કાગળો જોતા તેમાં કબજેદારનું નામ તેમના પિતા કાળુ ચીમા અને નર્મદા પ્રોજેક્ટ એમ બન્નેનું છે.
પરંતુ તેઓ કહે છે કે અમારી આ જમીન સંપાદિત થઈ ચૂકી છે, એની અમે ના નથી પાડતા, પરંતુ તેની સામે અમને જે અસરગ્રસ્ત તરીકે જે જમીન મળવી જોઈતી હતી તે જમીન મળી નથી.
તેમણે બીબીસીને કહ્યું, "હું સરકાર અને સરકારી અધિકારીઓને પૂછવા માગું છું કે તમે તો સરકાર છો, કાગળોની ભાષા જ સમજો છો, તો અમને કાગળ બતાવો કે તમે મારી સર્વે નંબર 71, 27, 53 વગેરેની જમીનો માટેનું વળતર કોને આપ્યું છે, મારા પિતાને, મારા દાદાને કે પરિવારના કોઈ બીજી સભ્યને આપ્યું છે."
"જો તે કાગળ મને મળી જાય તો અમે અહીંથી ખસી જવા તૈયાર છીએ, નહીંતર અમને ડૅમના અસરગ્રસ્તની જેમ જ વળતર મળવું જોઈએ."
જોકે આ તમામ પ્રશ્નો લઈને બીબીસી ગુજરાતીએ અનેક સરકારી અધિકારીઓનો સંપર્ક કર્યો.
આ વિશે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચીફ જનરલ મૅનેજર ડૉ. એમ.બી. જોષીએ કહ્યું કે, 1962થી 65ના સમયમાં આ પાંચ ગામોની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હતી.
તેમણે કહ્યું કે "આ આખા વિસ્તારની 740 હેક્ટર જમીનને સરકારે સંપાદિત કરી હતી, અને તે જમીનોના 334 જમીનમાલિકો હતા. આ 334માંથી 221ને તો જે તે સમયે નિયમ મુજબ તમામ વળતર ચૂકવાઈ ગયું હતું, અને બાકીના 113 જમીનમાલિકોને થોડું વળતર બાકી રહ્યું હતું તે અમે હવે ચૂકવવા માટે બંધાયેલા છીએ."
જોષીએ કહ્યું કે, "આ તમામ 221 ખાતેદારોને જે તે સમયે તેમની જમીનની રકમ નક્કી કર્યા મુજબ સરકારી તિજોરીમાં જમા થઈ ગઈ હતી, અને સમય જતાં તેઓએ આ રકમ ઉપાડી લીધી છે. એટલે હવે આ તમામ જમીનો સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની માલિકીની છે અને એટલા માટે જ તેમને આ જમીનો પરથી ખસેડવા માટે સરકાર કહી રહી છે."
સરકાર સામે શું સમસ્યા છે?
જોકે જોષીએ એ પણ કહ્યું કે વળતર ચૂકવાઈ ગયું હોવા ઉપરાંત સરકાર આ તમામ ખાતેદારોને જમીનની સામે જમીન આપવા તૈયાર છે, તેની સાથે જે 18 વર્ષની વધુ ઉંમરવાળી વ્યક્તિ હોય તો તેમને રોજગાર માટે 5 લાખ રૂપિયાની સહાય, ઘર ખસેડવા માટેની યોજના વગેરેના લાભો પણ છે.
જોકે આદિવાસી સમુદાયના લોકો હજી સુધી સરકારની આ યોજનાથી સંતુષ્ટ નથી.
આ માટે જ્યારે બીબીસી ગુજરાતીએ આદિવાસી સમુદાયો માટે સંઘર્ષરત્ રોહિત પ્રજાપતિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "અત્યારે જ્યારે આ આખા વિસ્તારમાં વિકાસ થઈ રહ્યો છે, તો આદિવાસી સમાજના લોકોને પોતાની જમીનો સરકારને આપવા માટે તેમની વાત સાંભળીને તેમની શરતો પ્રમાણે જ જમીન આપવી જોઈએ."
"એક હેક્ટરના 7.50 લાખ રૂપિયા હાલના જમીનોના ભાવ પ્રમાણે મફતના ભાવે જમીન લીધી કહેવાય."
આવી રીતે કેવડિયા ગામનાં શંકુતલાબહેન તડવીએ પણ કહ્યું કે તેમની 2 એકર જમીનનો અમુક ભાગ બોટિંગ પૉઇન્ટ માટે સરકારે તેમની મરજી વિરુદ્ધ લઈ લીધો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "આ માટે તેમને પૂછવામાં આવ્યું નથી કે તેમને બોલાવીને કોઈ બીજી જમીન મળશે તેવી વાત પણ કરવામાં આવી નથી.
તેમના જેવા બીજા ઘણા લોકોની જમીન એક કે બીજી રીતે કોઈક પ્રવાસન યોજના માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
જમીન સંપાદિત થઈ ચૂકી હોવા ઉપરાંત જમીનની સામે જમીન આપવા સરકાર તૈયાર છે. પરંતુ આદિવાસી સમુદાયના લોકો આ માટે સરકાર સાથે ચર્ચા કરવા માટે આવતા નથી. અને જો આવે તોય તેમના પ્રતિનિધિઓ સરકાર અને આદિવાસીઓ વચ્ચે સમાધાન થવા દેતા નથી, તેવું અધિકારીઓનું કહેવું છે.
જોકે હજી સુધી સરકાર પાસે 113 પરિવારો, જેમનું વળતર બાકી છે, તે પરિવારોના વંશજો કોણ છે અને તેઓ ક્યાં રહે છે, તેની માહિતી નથી.
જોષી વધુમાં કહે છે, "અમે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ અમને લોકો તરફથી કોઈ સહકાર મળતો નથી. હાલમાં તો પેલા 113 પરિવારોની ઓળખ થવી ખૂબ જ જરુરી છે, પરંતુ રેવન્યુ ખાતાના અધિકારીઓ જ્યારે કોઈ પણ વાત કરવા જાય છે, તો ગામના લોકોનો સહકાર મળતો નથી."
રોજગારીની તકો
જોકે સરકાર એ પણ કહી રહી છે કે આ વિકાસને કારણે અહીં ઘણા લોકોને રોજગારી મળી રહી છે. જેમ કે હાલમાં લોકોની આવડત પ્રમાણે આશરે 3000 લોકો કેવડિયામાં કામ કરી રહ્યા છે. ઉપરાંત સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ સમયે લગભગ 5000 લોકોને નિયમિત રોજગાર મળ્યો હતો.
જોકે દક્ષાબહેન તડવી આ માટે કહે છે કે, "એ વાત સાચી છે કે અમને નોકરીઓ મળે છે, પરંતુ અમે અહીંની જમીનોના માલિકો હોવા ઉપરાંત અમારાં બાળકોના ભાગે સફાઈ વગેરે જેવાં કામો આવે છે, અને સારા પગારની નોકરીઓ માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો પ્લાન બન્યો ત્યારથી જ અમારાં બાળકોને યોગ્ય તાલીમ આપી દીધી હોત અને તેમને સારા કોર્સ કરાવી લીધા હોત તો અમારાં બાળકો હાલમાં સારી નોકરીઓ કરી રહ્યાં હોત, માત્ર ગાઈડ કે સફાઈનું કામ ન કરી રહ્યાં હોત."
જમીન સંપાદન અને કાયદાની આંટીઘૂંટી
2016ના ગુજરાત સરકારના જમીન સંપાદનના કાયદા અને ફેબ્રુઆરી 2020ના જસ્ટિસ અરુણ મિશ્રાના એક ચુકાદા બાદ કેવડિયાના આદિવાસી સમુદાયોની સમસ્યા માટે, સરકારનાં પૅકેજ સ્વીકાર્યાં સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
ગુજરાત સરકારના 2016ના જમીન સંપાદનના કાયદા પ્રમાણે જો ખેડૂતની જમીન સરકારને સંપાદિત કરવી હોય અને તે માટે તેની રકમ કલેક્ટર પાસે જમા કરાવી દે તો, ખેડૂત તે પૈસા ન સ્વીકારે તો પણ તે જમીન સંપાદિત થઈ ગઈ છે, તેવું કહેવાય.
ત્યારબાદ જસ્ટિસ અરુણ મિશ્રાના જજમેન્ટ પ્રમાણે જો કલેક્ટર પાસે વળતર જમા થયેલું હોય, પરંતુ જમીનનો કબજો ખેડૂત પાસે હોય તો તે કબજો કાયદાકીય રીતે યોગ્ય ન ગણી શકાય અને તે જમીન સરકારની માલિકીની જ કહેવાય.
જોકે કૉંગ્રેસની મનમોહનસિંહ સરકાર સમયે 2013માંના કાયદા પ્રમાણે જો જમીન સંપાદિત થઈ હોય પણ કબજો ન લેવાયો હોય તો તે જમીન સંપાદન રદબાતલ ગણવો જોઈએ. પરંતુ 2016માં આ કાયદાને ગુજરાતની રાજ્ય સરકારે બદલી નાખ્યો હોવાથી હવે કેવડિયાના ખેડૂતો પાસે કોઈ વિકલ્પ રહેતો નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો