You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પહેલાં પોલીસ આદિવાસી નેતાઓને કેમ પકડી જાય છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવી રહ્યા છે, તેઓ કેવડિયાસ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સી-પ્લેન સહિત અન્ય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં ફરી એક વખત સ્થાનિક આદિવાસી કર્મશીલો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
કેસ 1: 28મી ઑક્ટોબરે અચાનક આદિવાસી વિસ્તારમાં કામ કરતા કર્મશીલ લખન મુસાફિરના દરવાજે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને તેમને ત્યાંથી લઈ જવા માટે પ્રયાસો થયા હતા.
ત્રણ મહિના અગાઉ સુધી લખનભાઈ કેવડિયા અને તેની આસપાસનાં 14 ગામોમાં આદિવાસી સમુદાયનાં બાળકોને ભણાવવાનું કામ કરતા હતા અને તેમના અધિકારની વાત કરવા માટે તત્પર હતા.
હાલમાં તેમને જિલ્લા પોલીસે તડીપાર કરી દીધા છે અને તેઓ સુરતના માંડવીમાં રહે છે, પરંતુ ત્યાં પણ તેમની ઉપર પોલીસની વૉચ ચાલુ છે.
કેસ 2: નરેન્દ્ર મોદીની કેવડિયાની મુલાકાત અગાઉ આદિવાસી કર્મશીલ ડૉ. પ્રફુલ્લ વસાવાએ આદિવાસીઓના અધિકારોના હનનને લઈ ફેસબુક દ્વારા 30-31 ઑક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપ્યું હતું.
જોકે, તેમની પર હાલમાં જ એક પછી એક ત્રણ FIR નોંધવામાં આવી છે.
બીબીસી ગુજરાતીને તેમણે કહ્યું હતું કે આ તમામ ફરિયાદો તેમનો અવાજ દબાવવા માટે થઈ છે અને FIRમાં કોઈ તથ્ય નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેસ 3: રોહિત પ્રજાપતિ સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને આદિવાસીઓની જમીન અંગે પિટિશન કરનારાઓ પૈકી એક છે અને અનેક વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો છે.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે નરેન્દ્ર મોદીના આગમન અગાઉ પોલીસની હેરાનગતિ ન થાય અને તેમની પર ખોટા કેસો ન થાય તે માટે તેઓ પોતાનું વડોદરાનું ઘર છોડીને 2જી નવેમ્બર સુધી એક મિત્રને ત્યાં રહેશે.
આ ત્રણ કિસ્સા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટૅચ્યુ ઑફ યુનિટી સાથે સંકળાયેલા છે.
2013ના વર્ષમાં જ્યારે આ પ્રતિમાનો શિલાન્યાસ થયો, ત્યારથી આદિવાસી સમુદાયના અનેક લોકો અને કર્મશીલો વિરોધ કરી રહ્યા છે.
ઑક્ટોબર આંદોલનકારીઓ પર ભારે
2018થી લગભગ દર વર્ષે અહીંના કર્મશીલો અને આગેવાનો ઑક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમના ઘરે રહી શકતા નથી. તેમની અટકાયત થાય છે, નજરકેદમાં લેવાય છે કે પછી હાઉસ અરેસ્ટ કરવામાં આવે છે.
સરકારી અધિકારીઓ પ્રમાણે આ વિરોધ આખા સમાજનો નથી પરંતુ માત્ર અમુક લોકોનો છે, જેમને બહોળો પ્રતિસાદ મળી નથી રહ્યો.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચીફ જનરલ મૅનેજર, એમ. બી. જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વિરોધ અમુક ચોક્કસ લોકોનો છે અને સામાન્ય લોકો તેમની સાથે નથી, તેઓ સતત આદિવાસી સમાજના લોકોને ભરમાવે છે અને ખોટી વાતો ફેલાવે છે.
પર્યાવરણ કર્મશીલ રોહિત પ્રજાપતિ કહે છે કે છેલ્લાં બે વર્ષથી ઑક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું પોલીસની નજરકેદમાં જ વીતે છે.
જોકે આ વખતે તેમણે ઑક્ટોબરની 25મીએ જ પોતાનું ઘર છોડી દીધું છે, થોડા દિવસો માટે તેઓ બીજે રહેવા જતા રહ્યા છે.
તેમણે કહ્યું, "પોલીસ મને ગમે તેવા સ્થળે રાખે, ડિટેન કરે અને મને કોરોના થાય તો મારા જીવને જોખમ ઊભું થાય માટે આ વર્ષે મેં મારું ઘર છોડી દીધું છે."
પ્રફુલ્લ વસાવા સામે ત્રણ ફરિયાદ
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનાં ચીફ જનરલ મૅનેજર, એમ. બી. જોષી જે વાત કરે છે, કંઈક એવી જ વાત ઍક્ટિવિસ્ટ પ્રફુલ્લ વસાવા સામેની 24 ઑક્ટોબરની ફરિયાદ પણ કહે છે.
એ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે તેમણે પોતાની ફેસબુક પોસ્ટ મારફતે યુવાનોને ભરમાવવાની કોશિશ કરી છે અને તેમને ગેરમાર્ગે દોરવા માટે પ્રેરણા આપી છે.
રસપ્રદ વાત એ છે કે 28 ઑક્ટોબરે ભારતની સુપ્રીમ કોર્ટે ફેસબુક પોસ્ટને લઈને પોલીસ ફરિયાદ નોંધવાના એક કેસમાં પોલીસને ચેતવણી આપી છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે સરકારની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ આધારે સતત વધી રહેલી પોલીસ ફરિયાદો પર વાંધો ઉઠાવી કહ્યું કે લોકોની અભિવ્યક્તિને દબાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટ એના રક્ષણ માટે જ છે.
વસાવાની સામે પોલીસે 22મી ઑક્ટોબર, 23 ઑક્ટોબર અને 24 ઑક્ટોબર એમ ત્રણ દિવસોમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો કરી છે.
આ ફરિયાદોમાં લોકોને ભરમાવવાની, પોલીસને ધમકી આપવાની, સરકારી કામમાં દખલગીરી કરવાની તેમજ સ્થાનિક યુવાનોને ઉશ્કેરવા માટે લેખ લખવાની બાબતો નોંધાઈ છે.
ડૉ.વસાવા કેવડિયા વિસ્તારમાં ઘણા સમયથી આદિવાસોના પ્રશ્નોને લઈને કામ કરી રહ્યા છે.
તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં છોટા ઉદેપુરમાં જનતા દળ યુનાઇટેડ પાર્ટીના ઉમેદવાર હતા અને 2017માં વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ 2018 અને 2019માં કેવડિયાના આદિવાસીઓ 31મી ઑક્ટોબરે તમામ બજારો બંધ રાખ્યાં છે અને આ વર્ષે પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે ખોટો પોલીસ કેસ કરીને તેમને ડરાવવાના પ્રયાસ થઈ રહ્યો છે.
પોલીસનુંશું કહેવું છે?
બીજી બાજુ રાજપીપળાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, હિમકરસિંઘે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પ્રફુલ્લભાઈ પર કેસ નોંધતાં પહેલાં પોલીસે તમામ તપાસ કરીને પુરાવાઓ ભેગા કર્યા હતા.
પ્રફુલ્લ વસાવા ઉપરાંત જેમને કેવડિયાથી પહેલાંથી જ તડિપાર કરી દેવમાં આવ્યા છે, એવા લખન મુસાફિરના ઘરે પણ રાત્રે પોલીસ પહોંચી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ માંડવી, સુરત પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર આઈ. એમ. ઝાલા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમને રાજપીપળા પોલીસ તરફથી સૂચના મળી હતી કે તેઓ લખન મુસાફિરની પૂછપરછ કરે.
પોલીસ લખન મુસાફિરને રાત્રે 12 વાગ્યાની આસપાસ પોલીસસ્ટેશન લઈ ગઈ હતી અને તેમને બીજે દિવસે સાંજે પાંચ વાગ્યે છોડવામાં આવ્યા હતા.
આ વિશે ઝાલાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "અમે માત્ર તેમની પૂછપરછ કરી છે, તેઓ કોઈ પણ પ્રકારનાં વિરોધપ્રદર્શનમાં ભાગ લેવાના નથી એ મુજબનું તેમનું નિવેદન લીધું છે અને પછી તેમને જવા દેવામાં આવ્યા છે."
લખન મુસાફિર અંગે પિટિશન
લખન મુસાફિરને જવા દેવાયા, તે પહેલાં તેમની સાથે વિરોધપ્રદર્શનો કરનારા આનંદ મઝગાંવકરે એક ઑનલાઈન પિટિશન કરી હતી.
જેમાં તેમણે લખન મુસાફિરને પોલીસ લઈ ગઈ છે અને તેમની કોઈ સગડ નથી તે અરજી સબબ લોકોને સહી કરવા અપીલ કરી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મઝગાંવકર કહે છે, "સરકારની આટલી બહુમતી હોવા છતાં તે આદિવાસીઓથી અને તેમના માટે અવાજ ઉઠાવનારા લોકોથી આટલી કેમ ડરે છે, તેની ખબર પડતી નથી."
"જો કોઈ કર્મશીલ કોઈ અનૈતિક કામ કરતા હોય તો તેની ઉપર ફરિયાદ થવી જ જોઈએ, પરંતુ આવી રીતે લોકોને તેમના ઘરમાં જઈને ઉપાડી જવા અને તેમને કોઈ વિરોધ જ ન કરવા દેવો એ લોકશાહી વિરુદ્ધ છે."
મઝગાંવકર હાલમાં જનઆંદોલનના રાષ્ટ્રીય સમન્વય સંસ્થા સાથે સંકળાયેલા છે અને ભારતમાં આદિવાસી સમુદાયોના સંઘર્ષ પર કામ કરે છે.
લોકોમાં ભય ફેલાવવાની કોશિશ
પર્યાવરણ કર્મશીલ અને સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે લેવાયેલી જમીનો અંગે સરકારની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનારા મહેશ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થા એવી હોય છે કે તેમની આસપાસ કોઈ ફરકી પણ ન શકે.
તેઓ કહે છે કે એમની મુલાકાત સમયે આ રીતે લોકોની અટકાયત, હેરાનગતિ અને પોલીસ ફરિયાદો એ માત્ર લોકોમાં ભય ફેલાવવા માટે થાય છે.
બીબીસી ગુજરાતીએ પૉલિટિકલ સાયન્સના તજજ્ઞ ઘનશ્યામ શાહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે સરકારનું આ વલણ આદિવાસીઓના વિરોધ બાબતે નો-ટૉલરન્સની નીતિ દર્શાવે છે.
તેમણે કહ્યું, "અગાઉ છત્તીસગઢ જેવાં રાજ્યોમાં નાની-નાની આદિવાસીઓની લડાઈઓએ મોટું સ્વરૂપ લઈ લીધું છે."
"એટલે જ સરકાર અહીં વિરોધને નાના પાયે ખતમ કરીને નિશ્ચિંત થઈ જવા માગે છે. સરકાર ઇચ્છે છે કે ગુજરાતમાં આદિવાસી સમુદાયની સંખ્યા ભલે વધારે હોય પણ તેમનો વિરોધ મોટો ન થવો જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો