સ્ટેચ્યૂ ઑફ યુનિટીની જમીન સરદાર પટેલે ભારતમાં કેવી રીતે ભેળવી હતી?

    • લેેખક, ઇંદ્રવિક્રમ સિંહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમથી ત્રણ કિલોમીટર અંદરની બાજુએ સાધુબેટ ખાતે આવેલી સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આ વિસ્તારના વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા તથા સરળતાથી વિકાસ કરવા માટે તત્કાલીન રાજ્ય સરકારે 2013માં ગરુડેશ્વર તાલુકાની સ્થાપના કરી હતી, જેનું મુખ્ય મથક કેવડિયા છે.

સરદાર સરોવર ડેમની આજુબાજુના વિસ્તારમાં જરૂરી સવલતોને વિકસાવવામાં સરળતા રહે તે માટે કેવડિયા એરિયા ડૅવલપમેન્ટ ઑથોરિટી રચાઈ હતી.

પરંતુ આ ડેમનો તથા તેની આજુબાજુનો વિસ્તાર આઝાદી બાદ કેવી રીતે ભારતમાં ભળ્યો? એ સમયે શું થયું હતું? સરદાર ડેમના વિચારના મૂળમાં કયો વિચાર હતો?

600 વર્ષનું શાસન

વિલીનીકરણ શું છે તે જાણવું હોય તો તેની સૌથી વધુ અસર જેને થઈ હોય તેને પૂછવું પડે. રાજવી પરિવારો અને તેમના આશ્રિતો, તેમના ઉપર નભનારા કર્મચારીઓને પૂછો.

હવે એવું લાગે કે બ્રિટિશ સરકારના પતન બાદ અને ભારતને આઝાદી મળે એટલે રાજવી પરિવારોને ભારતના સંઘ ગણરાજ્યમાં જોડી દેવાની વાત તાર્કિક જણાય.

પરંતુ મારી સમજણ અલગ છે. મેં જે કોઈ દસ્તાવેજો જોયા છે, તેના આધારે એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વિલીનીકરણની કોઈ વાત જ ન હતી.

એવું માનવામાં આવતું હતું કે ભારતને આઝાદી મળે તે પછી રાજવી પરિવારોએ બ્રિટનના રાજવી પરિવારને બદલે ભારત સરકાર સાથે સંબંધ જાળવવાના રહેશે.

એક તબક્કે એવું માનવામાં આવતું હતું કે ચૅમ્બર ઑફ પ્રિન્સના સ્વરૂપે સંસદના ઉપલા ગૃહ જેવી કોઈ વ્યવસ્થા હશે. ત્યાં અચાનક જ વિલીનીકરણની વાત આવી, આ માટે કોઈ તૈયાર ન હતું. નવા ઘટનાક્રમે ભારે આઘાત આપ્યો હતો.

મારા દાદા અને રાજપીપળાના મહારાજા વિજયસિંહજીનું જ ઉદાહરણ લઈએ. તેમણે 1915થી આ રાજ્ય પર શાસન કર્યું હતું. તેમણે માળખાકીય સુવિધા તથા સામાજિક સુધારણાના કાર્યક્રમો થકી જનતાનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

દાદાએ જે હાઈસ્કૂલ, પાવર હાઉસ, રેલવે સ્ટેશન, સિવિલ હૉસ્પિટલ, બજાર, જાહેર બગીચા જેવી સુવિધાઓનું નિર્માણ કરાવ્યું હતું, તે આજે પણ તેમની પ્રજાવત્સલતાની સાક્ષી પૂરે છે.

મારા દાદાએ નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર કર્યો હતો, દાયકાઓ પછી એ વિચારે વિશાળ સરદાર સરોવર ડેમ સ્વરૂપે આકાર લીધો છે.

વિલીનીકરણનો આઘાત

ગોહિલ રાજપૂત પરિવારે રાજપીપળા પર છસ્સો વર્ષ કરતાં વધુ સમય સુધી શાસન કર્યું હતું. ગોહિલોએ અમદાવાદના સુલતાનો, મુગલો તથા વડોદરાના ગાયકવાડના હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.

મારા દાદા મહારાજા વિજયસિંહ સીધી લીટીના 37મા વારસદાર હતા. કલ્પના કરો કે જ્યારે તેમની સામે વિલીનીકરણનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે તેમના મન ઉપર શું વીત્યું હશે?

હું આ વાત એટલા માટે ખાતરીપૂર્વક કહી શકું છું, કારણ કે મેં તેમના અમુક પત્રો વાંચ્યા છે, છતાં જ્યારે વિલીનીકરણનો સમય આવ્યો, ત્યારે તેઓ તરત તૈયાર થઈ ગયા.

1920માં ચૅમ્બર ઑફ પ્રિન્સિઝ (નરેન્દ્ર મંડળ)ની સ્થાપના કરવામાં આવી, ત્યારથી મારા પિતા તેના મહત્ત્વપૂર્ણ તથા વરિષ્ઠ શાસક સભ્ય હતા.

આ રીતે થયું વિલીનીકરણ

સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન હતા અને શ્રી વી. પી. મેનન તેમના સચિવ હતા. આથી, વિલીનીકરણ અંગે વાટાઘાટો કરવા માટે મહારાજા વિજયસિંહજીનો સંપર્ક સાધ્યો, ત્યારે તેમને આશ્ચર્ય ન થયું.

મેનને તેમના પુસ્તક 'The Story of Integration of Indian States'ના પેજ નંબર 142 પર લખ્યું છે : "17મી માર્ચ, 1948ના દિવસે હું બોમ્બે (હાલનું મુંબઈ) પહોંચ્યો. મારે વિલીનીકરણ માટે રાજવી પરિવારો સાથે ઔપચારિક વાટાઘાટો કરવાની હતી. એટલે મેં જાહેરાત કરી કે આ માટેની વાટાઘાટો બૉમ્બે સચિવાલયમાં નહીં યોજાય.

"આ માટે મેં રાજપીપળાના મહારાજાનું નિવાસસ્થાન પસંદ કર્યું. (નૅપિયન્સી રોડ પર આવેલું 'પાલમ બીચ', હાલમાં ત્યાં રશિયાની કૉન્સ્યુલેટ છે.) તેની સકારાત્મક અસર થઈ.

"અમે સળંગ ત્રણ દિવસ કલાકો સુધી બેઠકો કરી, જે મોડી રાત સુધી ચાલતી હતી."

એ જ પુસ્તકમાં મેનન (પાના નંબર-143) ઉમેરે છે: "આ ચર્ચાઓને અંતે રાજપીપળાના મહારાજાએ તમામ શાસકો વતી તેમના રાજ્યોને (તત્કાલીન) બૉમ્બે પ્રાંતમાં ભેળવી દેવાની તૈયારી દાખવી. તેમણે નિવેદન કર્યું (હિઝ હાઇનેસ રાજપીપળા)ના શબ્દો અક્ષરશ: "

"અમને એ જણાવતા ખુશી થાય છે કે અમે ગુજરાતના રાજવી પરિવારના શાસકો માનીએ છીએ કે ભારતના વ્યાપક હિતોના રક્ષણ માટે માતૃભૂમિ અને ખાસ તો ગુજરાતે અમારી તરફ મીટ માંડી છે.

"માતૃભૂમિના આ પોકારને અમે હર્ષભેર વધાવીએ છીએ અને અમારા રાજ્યોને એક કરીને મહાગુજરાતની રચના તરફ પગલું ભરીએ છીએ.

"ઇશ્વર અમારા નિર્ણયને આશીર્વાદ આપે."

જ્યારે રાજપીપળાનો વહીવટ સોંપ્યો

તા. 19મી માર્ચ 1948ના દિવસે મારા દાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણના દસ્તાવેજ પર સહી કરી આપી. 10મી જૂન 1948ના દિવસે રાજપીપળા રાજ્ય ઔપચારિક રીતે ભારતમાં જોડાયું.

પરંતુ એ પહેલાં જ તેમણે રાજપીપળાનો વહીવટ પ્રજામંડળને સોંપી દીધો અને ઇંગ્લૅન્ડના વિન્ડસર ખાતેના ગ્રીષ્મકાલીન નિવાસ જતા રહ્યા.

બીજા વિશ્વયુદ્ધના વરસોને બાદ કરીએ તો 1922થી જ મારા દાદા ઉનાળાનો સમય ઇંગ્લૅન્ડમાં ગાળતા હતા. વિજયસિંહજી રેસના ઘોડાઓના વિખ્યાત માલિકોમાંથી એક હતા.

તેમણે 1919માં ઇંડિયન ડર્બી અને 1926માં આઇરિશ ડર્બી જીતી. 1934માં ઇંગ્લૅન્ડની ઇમ્પસમ ડર્બી જીતીને તેમણે વિજયી 'હેટ-ટ્રિક'ની અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી હતી.

યુગનો અંત અને આરંભ

તા. 31મી ડિસેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજપીપળા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખુલ્લી મૂકશે.

આ સાથે જ સમયનું ચક્ર તેનું પરિભ્રમણ પૂર્ણ કરશે. તત્કાલીન રાજપીપળા રાજ્યના ઉત્તર ભાગે નર્મદાનો મોટાભાગનો વિસ્તાર આવેલો છે.

અમારા કુલચિહ્ન (જેના પર ખાનદાનની નિશાનીઓ ચીતરેલી હોય) લખેલું છે, 'રેવાજી (નર્મદા નદીનું બીજું નામ)ને કાંઠે.'

તા. 10મી જૂન 1948ના દિવસે એક યુગનો અંત થયો હતો અને આજે 70 વર્ષ પછી 31મી ઑક્ટોબર 2018ના નવા યુગનો આરંભ થઈ રહ્યો છે.

ઇંદ્રવિક્રમ સિંહ રાજપીપળાના અંતિમ શાસક મહારાજા વિજયસિંહના પૌત્ર તથા મહારાજાકુમાર ઇંદ્રજીતસિંહના પુત્ર છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો