You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા પોલીસની વાઇરલ થયેલી આ તસવીરની કહાણી શું છે?
ત્રણ મહિને પણ જે કામ અર્ચના ના કરાવી શકયાં, તે એક જ ઝાટકે તેની એક તસવીરે કરાવ્યું. વાત ઝાંસીમાં રહેતી અર્ચનાની છે. તેઓ પોલીસ કૉન્સ્ટેબલ છે.
છેલ્લા ત્રણ મહિનાથી તે બદલી કરાવવા માગતા હતાં, પણ લખનઉમાં જઇને સિનિયર અધિકારીને મળવાં છતાં તેમની બદલી ના થઈ.
એક દિવસ અર્ચના છ મહિનાની દીકરી સાથે પોલીસ થાણામાં ડ્યૂટી પર તહેનાત હતાં.
દીકરી ઉંઘી ગયી હતી. અંદર રૂમમાં ગોદડાંની સગવડ હતી, પણ ઍરકંડિશન ચાલતું હતું. ઠંડી હતી. તેથી તેઓ દીકરીને લઈને બહાર આવ્યા અને ટેબલ પર સુવાડી.
જ્યારે અર્ચના કામમાં મશગુલ હતા ત્યારે ત્યાં પહોંચેલા પત્રકારે દીકરી સાથે તેમની તસવીર ખેંચી.
આ ઘટના 26 ઑક્ટોબરની છે. થોડા સમયમાં જ તસવીર વાઇરલ થઈ.
તસવીર ક્યારે અને કોણે લીધી તેની અર્ચનાને ખબર નથી. 'બીબીસી હિંદી' સાથેની વાતચીતમાં અર્ચના કહે છે કે, પોલીસના WhatsApp ગ્રુપમાં જ્યારે તસવીર જોઈ ત્યારે મને ખબર પડી કે તસવીર વાઇરલ થઈ છે.
અર્ચનાને પહેલા તો લાગ્યું કે માત્ર પોલીસના ગ્રુપમાં જ તેની તસવીર વાઇરલ થઈ છે, પણ 27 ઑક્ટોબરે છાપામાં સ્ટોરી વાંચી ત્યારે તેમને ખબર પડી કે તેમની તસવીર વાઇરલ થઈ ચૂકી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયામાં તસવીર જોઈ અર્ચના પરેશાન કેમ થઈ?
અર્ચના કહે છે, ''મેં કોઈ ચોરી તો કરી ન હતી, ન તો ડ્યૂટીમાં લાપરવાહી. મને શા માટે ડર લાગે. પણ આ એટલું ખરું કે તસવીર છપાયા પછી મારા સિનિયરનો ફોન આવ્યો.
રવિવારે સવારે ડીજીપી સરનો ફોન આવ્યો. તેમણે પૂછ્યું કે, શું કરીએ તો તમને સગવડ થાય. મેં કહ્યું કે આગરા ટ્રાન્સફરની વાત કરી. તેમને તરત મારી અરજી સ્વીકારી''
તમે આ વાંચ્યું કે નહીં?
અર્ચનાની વાત
2006માં અર્ચનાના લગ્ન થયા. તેમના પતિ ગુરુગ્રામમાં પ્રાઇવેટ નોકરી કરે છે. 2008માં દીકરી આવી તેનું નામ રાખ્યું- કનક
અર્ચનાને પહેલેથી સરકારી નોકરીનો શોખ હતો. પૉસ્ટ ગ્રેજ્યૂએશન કર્યું અને બી.એડ પણ. પહેલા તેઓ શિક્ષિકા બનવા માગતા હતા, પણ તે નોકરી ન મળી.
એટલે તેમને સબ ઈન્સ્પૅક્ટર માટે અરજી કરી. લેખિત પરીક્ષા પાસ કરી, પણ વાત આગળ ન વધી. 2016માં કૉન્સ્ટેબલની પરીક્ષા આવી.અર્ચનાએ ફૉર્મ ભર્યું અને પરીક્ષા પણ કરી.
દોઢ વર્ષની નોકરી પછી અર્ચના ફરી પ્રૅગનન્ટ થઈ. પણ આ વખતે સ્થિતિ જુદી હતી. પહેલી દીકરી કનક વખતે અર્ચના નોકરી નહોતી કરતી, પણ બીજી દીકરીના જન્મ સમયે સ્થિતિ બદલાઈ ગઈ હતી.
એપ્રિલ મહિનામાં દીકરીનો જન્મ થયો. પ્રૅગનન્સીના નવ મહિના અર્ચના રજા પર ગઈ. બેટી પાંચ મહિનાથી થઈ ત્યારે અર્ચનાએ ડ્યૂટી ફરી જોઈન કરવી પડી. પણ અર્ચના સામે મોટી સમસ્યા હતી.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીર પાછળની કહાણી
2016માં અર્ચના પોલીસની નોકરીમાં જોડાઈ હતી. નોકરીમાં જોડાતાં જ અર્ચનાને પહેલું પોસ્ટિંગ ઝાંસીમાં થયેલું. સરકારી નોકરી કરવી એ અર્ચનાનું જૂનું સપનું હતું.
નોકરી માટે અર્ચનાએ આઠ વર્ષની દીકરીને દાદી પાસે મૂકી કાનપુર છોડ્યું. પતિને ગુરુગ્રામમાં એકલા મૂકી પોતે ઝાંસી ગઈ. નાની દીકરીને ઘરે એકલી મૂકી શકાય તેમ ન હતી. અર્ચના ડ્યૂટી પર દીકરીને લઈ જવા માંડ્યા.
દરમિયાન જ પત્રકારે તેમની તસવીર પાડી અને તે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ. પણ આ બધું એટલું આસાન ન હતું.
સવારથી સાંજ સુધીના તેના રુટિન વિશે અર્ચના કહે છે, '' આમ તો નવ કલાકની ડ્યૂટી હોય છે, પણ ક્યારેક કામ પડે તો રાત્રે પણ જવું પડે. અઠવાડિયામાં એક દિવસ નાઈટ હોય, ત્યારે તકલીફ પડે''
અર્ચના કહે છે, '' છેલ્લા એક મહિનામાં એક વાર એવું બન્યું કે મારે નાઈટ ડ્યૂટી કરવી પડી.
તે દિવસે હું દીકરી સાથે ઑફિસમાં જ રહી. બાકીના દિવસોમાં હું ડ્યૂટી ઍક્સચેન્જ કરી લેતી''
નોકરી અને પરિવાર - એક સાથે બે પડકાર
અર્ચનાએ તેની નાની દીકરીનું નામ અનિકા રાખ્યું છે. તેની પાછળ પણ એક કહાણી છે.
અનિકા નામ તેના પરિવારના ત્રણ સભ્યોનો અંશ છે.
અ થી અર્ચના, ન થી નીલેશ(અર્ચનાના પતિ) અને ક થી કનક( અર્ચનાની મોટી દીકરી)
શું અનિકા નામ પહેલેથી વિચારી રાખેલું ? સવાલના જવાબમાં અર્ચના હસે છે.
પછી કહે છે કે, '' મારા આખા વિખરાયેલા પરિવારને અનિકાએ એક ઝાટકે ભેગો કર્યો.
મારા સાસુ-સસરા કાનપુરમાં રહે છે, માતા-પિતા આગરામાં અને પતિ ગુરુગ્રામમાં.
મને ડીજીપી સરે ભરોસો આપ્યો છે કે મારી બદલી આગરા થઈ જશે, જ્યાં મારા માતા-પિતા હશે અને પતિથી પણ આવતાં-જતાં રહેશે.
હવે હું મારી મોટી દીકરી સાથે રહી શકીશ ''
છ મહિનામાં જ અનિકાએ માત્ર અર્ચનાની જ જિંદગી આસાન કરી નથી, પણ પોલીસમાં કામ કરતી બાકીની માતા માટે પણ માર્ગ મોકળો કર્યો.
અર્ચનાની સ્ટોરી છાપામાં વાંચી ઉત્તર પ્રદેશના ડીજીપીએ ટ્વીટર પર લખ્યું," કામ કરતી માતાઓ માટે દરેક પોલીસ લાઈનમાં એક ક્રેચનો વિકલ્પ હોય, તેનો અમે વિચાર કરીએ છીએ."
2017માં જ કેન્દ્ર સરકારે નવું મેટરનીટિ બેનિફિટ બિલ પાસ કર્યું છે.
આ બિલમાં મેટરનિટી લીવ 12 અઠવાડીયાની જગ્યાએ 26 અઠવાડીયા કરાઈ છે અને તે પણ સવેતન.
આ જોગવાઈનો ફાયદો અર્ચનાને પણ થયો.
આ કાનૂનમાં 50થી વધુ મહિલાઓ કામ કરતી તે સંસ્થામાં ક્રેચની સુવિધા અનિવાર્ય કરવામાં આવી છે.
આ જોગવાઈનો લાભ અર્ચનાનો મળ્યો ન હતો, કારણ કે તેમના પોલીસ મથકમાં એટલી મહિલાઓ નહોતી, પણ અનિકા અને અર્ચનાના વાયરલ થયેલા ફોટોએ શરુઆત કરી છે.
હાલ તો અર્ચનાને બદલીના સમાચાર માત્ર ફોન પર મળ્યા છે, કાગળ પરની કાર્યવાહીની તે રાહ જુએ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો