નરેન્દ્ર મોદીને સરદાર પટેલ આટલા કેમ 'ગમે' છે?

    • લેેખક, ઘનશ્યામ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મોદી અને સરદારમાં જે સામ્યતા એ છે કે બંને ગુજરાતના છે. દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને હાલના વડા પ્રધાન બંને ગુજરાત સાથે સંબંધ ધરાવે છે.

વર્ષ 2003થી નરેન્દ્ર મોદીનાં ભાષણો પર નજર કરીએ તેમાં ગુજરાત અને સરદારનો ઉલ્લેખ જોવા મળે છે..

જો નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી હોય તો કોઈ જાણીતા ચહેરાની જરૂર પડે.

એટલા માટે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે મોદીને સરદાર પટેલની જરૂર પડી, કારણ કે ગુજરાતમાં સરદાર પોતાની આગવી ઓળખ ધરાવે છે.

બીજું કે સરદાર લોખંડી પુરુષ અને ઉત્તમ વહીવટકાર હતા. મોદીને સરદારની આ વિશેષતાઓનો લાભ લઈને એવું સાબિત કરવું છે કે તેઓ પણ લોખંડી પુરુષ અને સારા વહીવટકાર છે.

મોદીની વાતમાં સરદાર

મોદીએ સરદાર પટેલનો ઉલ્લેખ વર્ષ 2006 પછી શરૂ કર્યો છે, તે પહેલાં ક્યાંય પણ સરદારનો ઉલ્લેખ નથી.

કારણ કે 2004ની લોકસભા ચૂંટણીમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ)ની હાર થઈ. ત્યારબાદ મોદીએ અલગ રાજનીતિ અપનાવી.

વર્ષ 2005-06માં મોદીએ એવું રટણ શરૂ કર્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતને અન્યાય થાય છે.

એટલું જ નહીં સરદારને પણ નહેરુ કોંગ્રેસ દ્વારા અન્યાય થયો છે. નહેરુ અને સરદાર વચ્ચેના મતભેદોને ટ્વિસ્ટ કરીને રજૂ કરે છે.

મતલબ કે સરદારના ખભા પર બંદૂક મૂકીને મોદીએ કોંગ્રેસ દ્વારા થયેલા ગુજરાતના કહેવાતા અન્યાયની પણ વાત રજૂ કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

સરદાર, મોદી અને હિંદુત્વ

ગાંધીજી સર્વ ધર્મ સંભાવનામાં વિશ્વાસ રાખતા હતા, પરંતુ આ મુદ્દે સરદાર અને ગાંધીજીમાં વિરોધાભાસ જોવા મળતો હતો.

સરદાર પટેલ હિન્દુ ધર્મમાં માનતા હતા એટલા માટે મોદીને તેઓ પસંદ છે. મુસ્લિમ માટે પૂર્વગ્રહ પણ ખરો, પરંતુ સરદાર હિન્દુત્વ અને હિન્દુરાષ્ટ્રમાં માનતા નહોતા.

તેઓ મુસ્લિમોને પણ એક જ સમાન નાગરિક ગણતા હતા. મતલબ કે ધર્મના આધારે લોકોની વહેંચણી થાય એ બાબતમાં સરદાર બિલકુલ વિશ્વાસ નહોતા રાખતા.

ગાંધીની વાતોમાં હિન્દુ સંસ્કૃતિ, વેદો, ઉપનિષદોનો ઉલ્લેખ થતો હતો, પરંતુ સરદારની વાતોમાં ક્યારેય આ બાબતોનો ઉલ્લેખ નહોતો જોવા મળતો. એમને હિન્દુ સંસ્કૃતિ ની ભવ્ય ગાથાઓ ગાઈ નથી.

મોદી અને સરદારમાં વિરોધાભાસ

નરેન્દ્ર મોદીએ સરદારની આ પ્રતિમાના પ્રોજેક્ટ માટે ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો, પરંતુ તે વિસ્તારના આદિવાસીઓની અને ખેડૂતોને આ પ્રતિમાથી કોઈ ફાયદો નથી થયો.

કારણ કે તે વિસ્તારમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી નથી અને આદિવાસીઓને જમીનના પ્રશ્નો છે, પરંતુ મોદીએ આ તરફ કોઈ જ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. મતલબ કે મોદી આ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે.

જો સરદારની વાત કરવામાં આવે તો તેઓ એવું માનતા કે જમીન માલિકોને અન્યાય ન થવો જોઈએ સાથે જ મજૂરો નુકસાન પણ ન થવું જોઈએ.

સરદાર સ્પષ્ટપણે માનતા કે સમાજમાં ઉચ્ચવર્ગ અને નીચલાવર્ગ વચ્ચ સંઘર્ષ ન થવો જોઈએ.

વર્ગ સમન્વયમાં માનતા, સંઘર્ષમાં નહીં. તેઓ ગરીબ, આદિવાસીઓ, દલિતો વિરોધી ન હતા, પણ તેમના પક્ષે, તેમની લડત સાથે પણ ન હતા.

મતલબ કે તેમના પશ્નોને પ્રાધાન્ય ન આપતા. મોદીની માફક પણ આવું જ રહી રહ્યા છે.

ઘમંડને કારણ પ્રતિમાનું નિર્માણ

સામાન્ય રીતે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે. હવે જે જગ્યાએ આટલી ભવ્ય પ્રતિમા બની છે, ત્યાં ખેડૂતોએ જમીન છોડવાનો વારો આવ્યો છે.

પરંતુ આ બાબતની મોદીને કોઈ જ ગંભીર ચિંતા નથી. તેમણે તો ફક્ત પોતાના ઘમંડને કારણે આ પ્રતિમાનું નિર્માણ કરાવી નાખ્યું.

સરદારની ભવ્યતા સાથે મોદી પોતાનું નામ જોડવા માગે છે, જેથી કરીને સરદારના નામ સાથે તેમનો પણ ઉલ્લેખ થાય.

સરદાર, મોદી અને ચૂંટણી

મોટાભાગના લોકો એવું માને છે કે સરદારની આ ભવ્ય પ્રતિમા બનાવી મોદી પાટીદારોમાં રહેલો અસંતોષ ઠારી શકશે, પરંતુ આ વાત આટલી સહેલી નથી.

મોદી માને છે કે સરદારની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરાવવાથી પાટીદારો આગામી ચૂંટણીમાં તેમને મત આપશે પણ એવું નથી.

સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ પર નજર કરવામાં આવે તો તેઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ખેડૂતોનો આ અસંતોષ ગઈ ચૂટંણીમાં જોવા પણ મળ્યો જ હતો.

બીજી વાત કે મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમા બનાવી અને વિચારે છે કે આગામી ચૂંટણીમાં તેઓ પાટીદારને ભોળવી લેશે અને પોતાની તરફ કરી લેશે. પરંતુ આ વાત એટલી સ્પષ્ટ નથી.

જે પૈસાદાર પાટીદારો છે તે મોદીને મત આપશે, પરંતુ જે પાટીદારો ગરીબ છે, ખેડૂત છે અને રોજગારીનો પ્રશ્વ ઊઠાવી રહ્યા છે તેઓ આ ચિત્રમાં ક્યાંય નહીં હોય.

ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો તેમને સરદારની પ્રતિમા સાથે એટલું બધું કંઈ લેવાદેવા નથી. એટલે કે આગામી ચૂંટણીમાં મોદીને સરદારનો ફાયદો થશે એવું કહેવું સાચું નહીં હોય.

(ઘનશ્યામ શાહ સાથે બીબીસી ગુજરાતીના રવિ પરમારની વાતચીતના આધારે. લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો