સ્ટેચ્યૂ ઑફ યુનિટી ભૂકંપ સામે કેટલી સુરક્ષિત?

    • લેેખક, ડૉ. દેવાંશુ પંડિત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સરદાર સરોવર ડેમની દક્ષિણ દિશામાં સાધુ બેટ પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવી છે.

પ્રતિમાની ઊંચાઈ 182 મિટર છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નામે ઓળખાતો આ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટે હાથ ધર્યો છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના એન્જિનિયરિંગનાં પાસાંને સમજવું રસપ્રદ થઈ પડે તેમ છે.

શરૂઆત કરીએ પાયાથી. કોઈ પણ સ્ટ્રક્ચરની ઊંચાઈ તેના બૅઝ (પાયા)થી ગણાય.

જો બેઝથી ગણવામાં આવે તો આ પ્રતિમાની ઊંચાઈ 182 મિટર છે, જેમાં 157 પ્રતિમાની અને 25 મિટર ઊંચાઈ પૅડસ્ટલની છે.

અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતાં તે બમણી ઊંચાઈ ધરાવે છે. (સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીમાં પણ પૅડસ્ટલ છે).

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મુખ્ય કામની કૉન્ટ્રેક્ટ અમાઉન્ટ રૂ. 2,332 કરોડ છે અને કુલ આશરે રૂ. 3,000 કરોડના ખર્ચ થયો છે.

દુનિયાની ટોચની કંપનીઓ સામેલ

2012-13માં પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. ઑગસ્ટ 2012માં પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી)ની નિમણૂક થઈ.

આ માટે 'ટર્નર કન્સલ્ટન્ટ'ની પસંદગી થઈ. આ કંપનીએ જ દુબઈના પ્રખ્યાત બુર્જ ખલીફા પ્રોજેક્ટનું અમલીકરણ કરેલું.

પીએમસીની ભૂમિકા કૉન્ટ્રાક્ટરને ઍપૉઈન્ટ કરવાની, કન્સ્ટ્રક્શન મૅથડોલૉજી ચકાસીને મંજૂર કરવાની, રોજબરોજના સુપરવિઝનની, ગુણવત્તા ચકાસણીની અને સલામતીના જાળવણીને પ્રમાણિત કરવાની હોય છે.

2014માં એન્જિનિયરિંગ, પ્રૉક્યોરમૅન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) બેસિસ પર લાર્સન ઍન્ડ ટૂબ્રો (L&T)ને કામ સોંપાયું.

ઈપીસીમાં ડિઝાઇન, વસ્તુઓની ખરીદી અને બાંધકામ એક જ એજન્સીએ કરવાનું હોય છે.

ઈપીસીનો કૉન્ટ્રેક્ટ અપાય ત્યારે કૉન્ટ્રેક્ટરની ડિઝાઇન કરવાની ક્ષમતાને પણ ધ્યાને લેવામાં આવે છે.

L&T એ પ્રોજેક્ટ ડિઝાઈન માટે પોતાની ઇન-હાઉસ ડિઝાઇન કંપની ઉપરાંત આર્કિટૅક્ટ વૂડ્ઝ બેગટ અને સ્ટ્રક્ચર માટે અરુપ ઈન્ડિયાને ટીમમાં લીધા.

ડિઝાઇન ચેક કરવાની જવાબદારી ઍજિસ ઈન્ડિયા અને ટાટા કન્સલ્ટન્ટ ઍન્ડ એન્જિનિયર્સને સોંપાઈ. આ કામને પ્રૂફ કન્સલ્ટન્સી કહે છે.

પ્રૂફ કન્સલ્ટન્ટ ડિઝાઈન ફિલૉસૉફીથી માંડીને બીમ અને કૉલમની સાઈઝના ડિઝાઇન સ્ટૅપ્સ ચૅક કરી અપ્રૂવ કરે છે.

સરદાર સરોવર નિગમે અમેરિકાની આર્કિટેક્ટ ફર્મ - 'માઈકલ ગ્રૅવ્સ' અને 'મીનહાર્દટ'ને ઇન્ટિગ્રૅટેડ ડિઝાઇન ટીમમાં સામેલ કર્યા.

જેમનું કામ પ્રોજેક્ટનાં ટેકનિકલ પાસાં ચકાસવાનું હતું. આ ઉપરાંત નિગમ, પીએમસી અને કૉન્ટ્રેક્ટર દ્વારા નાના-મોટા થઈ ત્રીસેક કન્સલ્ટન્ટ રોકવામાં આવ્યા, જે સંબંધિત ક્ષેત્રોના તજજ્ઞો હતા.

જેમનો રોલ સાઈનેજ ડિઝાઇનથી માંડીને 100 વર્ષની ફ્લડ સાઇકલના હાઇડ્રોલૉજિકલ સર્વે કરવાનો હતો.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના કામમાં ફાઉન્ડેશન અને પ્રતિમાનું કામ એમ બે મુખ્ય ભાગ પડે છે.

શરૂઆત ફાઉન્ડેશનથી થાય, પછી મેઝેનાઈન લેવલ આવે એ પછી સ્ટેચ્યૂનો બેઝ આવે.

ત્યાર પછી ઇન્ટરમિડિયેટ લેવલ અને કોર વૉલ આવે. આ કોર વૉલ પૂરી થાય એ વ્યૂઇંગ ગૅલરી બનાવવામાં આવી છે. જેની ક્ષમતા 200 લોકોનો સમાવવાની છે.

ભૂકંપ આવે તો શું?

આ પ્રકારની ડિઝાઇનમાં મુખ્યત્વે સ્ટ્રક્ચરનું વજન, વિન્ડલોડ, ધરતીકંપ, પૂર અને પવનની અસર જેવાં પાસાં પર ધ્યાન અપાય છે.

67,000 મૅટ્રિક ટન જેટલું વજન ધરાવતી આ પ્રતિમા માટે ધરતીકંપ કરતાં પવન વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

એટલે જ અહીં સામાન્ય કોડની જોગવાઈ કરતા +1 એટલે કે એક લેવલ ઉપરનો લોડ ગણવામાં આવ્યો છે.

જેમ કે, સાઈટ ધરતીકંપના Zone-IIIમાં પડે છે, તેથી અહીં Zone -IV પ્રમાણે ડિઝાઇન લોડ ગણાયો છે.

ધરતીકંપ સામેના રક્ષણમાં અગત્યની પુરવાર થતું 'ડકટાઇલ ડિટેઇલિંગ' પણ કરવામાં આવ્યું છે.

આ સંજોગોમાં સ્ટ્રક્ચરને ધરતીકંપથી કોઈ તકલીફ થાય તેવી શક્યતા લાગતી નથી.

સિવાય કે આટલા બધા ગળણે ગળાઈને ફાઇનલ થયેલી ડિઝાઇનમાં અજાણ્યે કોક દોષ રહી ગયો હોય.

ફાઉન્ડેશન ડિઝાઇન માટે અન્ય જિયોટેકનિકલ સર્વે ઉપરાંત લીડાર ટૅકનૉલૉજીથી સાઇટ સર્વે કરવામાં આવ્યો છે.

આ સાઇટનું તળિયું મુખ્યત્વે ફ્રેકચર ધરાવતા રૉકનું છે. જેમાં ક્વાર્ટ્ઝ, માઇકા, અને અન્ય તત્ત્વો ભળેલાં જોવાં મળ્યાં હતાં.

ફાઉન્ડેશન માટે નજીક આવેલા ડેમને નુકસાન ન થાય એ હેતુથી કન્ટ્રોલ બ્લાસ્ટિંગ વડે લગભગ 45 મિટર (ભૂમિપૂજન માટે જમીનથી લગભગ ૧૫ બૅઝમેન્ટ જેટલું ઊંડું ઊતરવું પડે એમ સમજોને!) ખોદકામ કરવામાં આવ્યું.

આ પછી વૉટર જેટિંગ વડે સંપૂર્ણ સફાઈ કરીને પ્રતિમાનું ફાઉન્ડેશન નાખવામાં આવ્યું.

ફાઉન્ડેશનની આસપાસ વિશાળ સાઠ ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વૉલ બાંધવામાં આવી છે.

ફાઉન્ડેશન રાફ્ટ પ્રકારનું છે, જેમાં આખા ખાડામાં 3.5 મિટર ઊંચું (એક માળ જેટલું) કોન્ક્રીટ પાથરવામાં આવ્યું છે!

ફાઉન્ડેશન નદીના વહેણમાં ધોવાઈ ના જાય એના માટે રીવર પ્રોટેક્શન વર્ક પણ કરાયું છે.

ધરતીકંપ જેટલું જ જોખમ પવનનું પણ

કોઈ પણ ઊંચા સ્ટ્રક્ચરની ડિઝાઈન માટે વિન્ડલોડ સૌથી અગત્યનો ગણાય છે.

વિન્ડલોડ પ્રતિમા ઉપર 90 ડિગ્રીના ઍંગલથી લાગે ત્યારે પ્રતિમાને મૂળમાંથી ઉખાડીને ફેંકી દઈ શકે છે.

આથી વિન્ડલોડ માટેની ડિઝાઇનમાં સ્ટ્રક્ચરની સ્થિરતા, મજબૂતાઈ અને વપરાશને પ્રતિકૂળ અસર ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડે.

અહીં નદીમાં વહેતો પવન વિન્ડટનલ ઇફેક્ટ ઊભી કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે.

વિન્ડલોડની સ્ટ્રક્ચર પર કેવી અસર થાય તેનું મૉડલિંગ કરવાનું કામ સહેલું નથી.

તેથી જ તેનો અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય આઇકોનિક પ્રોજેક્ટસ માટે ટેસ્ટ કરનાર આર. ડબ્લ્યુ. આઈ. ડી (RWID) કંપનીને રોકવામાં આવી હતી.

જેણે મૉડલ પર બાઉન્ડરી લેયર વિન્ડટનલમાં ઍરોઇલાસ્ટિક ટેસ્ટિંગ કરીને ડિઝાઇનરોને પોતાનાં તારણો આપ્યાં હતાં.

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી 60 મિટર પ્રતિ સેકંડ વિન્ડલોડ ખામી શકે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

પ્રતિમાના સ્ટ્રક્ચરમાં છાતીનો ભાગ વિશાળ અને પગ પાતળા હોય.

આમ સ્ટ્રક્ચરની રીતે આ અનિયમિત આકાર છે. જેથી આટલી જ ઊંચાઈ ધરાવતી ચીમની કે સાઇલો પ્રોજેક્ટની સરખામણીમાં ડિઝાઇનનું આ કામ વધારે અઘરું છે.

ઊંચાઈ અને પહોળાઈના ગુણોત્તરને 'સ્લેન્ડરનેસ રેશિયો' કહેવાય. જે અહીં ઊંચો છે, તેથી નૉર્મલ ડિઝાઇન કરતાં વધુ મહેનત કરવી પડે.

આ જ કારણે ફાઉન્ડેશન ડિઝાઇન પણ વધુ ચેલેન્જિંગ બની જાય.

સ્ટૅચ્યૂનું મુખ્ય સ્ટ્રક્ચર બે ઑવલ આકારની કૉર વૉલથી બનેલું છે જેની ઊંચાઈ 152 મિટર જેટલી છે.

સ્ટેચ્યૂના બે પગના ભાગનો ઉપયોગ કૉર વોલ તરીકે કરવામાં આવ્યો છે.

મુંબઈમાં અત્યારે બની રહેલા સ્કાયસ્ક્રેપર્સ માટે મોટે ભાગે કૉર વૉલ ટેકનૉલૉજીનો ઉપયોગ થાય છે.

અહીં ઑવલ સિલિન્ડર શૅપની કૉર વૉલ ઊંચાઈમાં સીધી હોય છે.

એની જાડાઈ 850 મિમીથી ઉપર જતા ઘટીને 450 મિમી જેટલી થાય છે.

કૉર વૉલમાં ઇન્સર્ટ પ્લેટ મૂકીને તેની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરની સ્પેસ-ફ્રેમ જોડવામાં આવી છે.

આ સ્પેસ-ફ્રેમ પર પૂતળાને આકાર આપતી બ્રૉન્ઝની પૅનલો ફિક્સ કરવામાં આવી છે.

આમ તો કૉર વૉલની ડિઝાઇન અનુભવી સ્ટ્રકચરલ ડિઝાઇનરો માટે કોઈ મોટી વાત નથી, પરંતુ અહીં આખું પૂતળું અનિયમિત વિન્ડલોડ અનુભવે છે.

આ પ્રકારના લોડ માટે કૉર વૉલમાં આડી દીવાલો સ્ટેગર્ડ (એકસરખી નહીં એવી) કરવામાં આવી છે.

સ્ટીલ અનિવાર્ય અનિષ્ટ છે.

આ લૉડ પૅનલો સ્પેસ-ફ્રેમ દ્વારા કૉર વોલ પર ટ્રાન્સફર થાય છે અને કૉર વોલથી ફાઉન્ડેશન પર.

કૉર વૉલ સેલ્ફ ક્લાઇમ્બિંગ ફોર્મ-વર્ક દ્વારા બાંધવામાં આવે છે. જે બાંધકામની સ્પીડ ખૂબ જ વધારે છે.

ઉપરાંત ટૅકનૉલૉજીના ઉપયોગથી સારી ક્વૉલિટીનું કોન્ક્રીટ શક્ય બને છે.

આવા આઇકોનિક પ્રોજેક્ટની ડિઝાઇન લાઇફ ઓછામાં ઓછી સો વર્ષની તો હોય જ છે.

એ જોતાં ડયૂરેબલ કોન્ક્રીટ ડિઝાઇન થાય એ પણ એટલું જ જરૂરી છે, નહીંતર 10-15 વરસમાં કાટ લાગવાની શરૂઆત થઈ જાય અને પછી કોન્ક્રીટ સાથે કનેક્ટેડ સ્ટ્રક્ચર્સ તૂટવા લાગે.

સામાન્ય રીતે આપણે જે બાંધકામો 400-500 વર્ષથી ઊભેલાં જોઈએ છીએ તેમાં ભાગ્યે કોઈ જગ્યાએ કોન્ક્રીટ કે સ્ટીલ વપરાયું છે.

જ્યારે આ પ્રોજેક્ટમાં તો 22,500 મેટ્રિક ટન સિમેન્ટ, 5,700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ (ગર્ડર, એન્ગલ વિ.) અને 18,500 ટન સળિયા વપરાયા હોવાનો અંદાજ છે.

જોકે, આ સ્ટીલ એક અનિવાર્ય અનિષ્ટ છે. સ્ટીલનો ગુણધર્મ કાટ લાગવાનો છે.

સારું કોન્ક્રીટ કરવામાં આવે તો સળિયાને કાટ લાગવાની ક્રિયા ધીમી જરૂર થાય, પણ સમય જતા કોઈ પણ કોન્ક્રીટમાં રહેલા સળિયા કટાય તો ખરા જ અને વખત જતા કોન્ક્રીટને તોડી નાખે.

અહીં આવું ના થાય તે માટે અહીં M65 ગ્રેડનો કોન્ક્રીટ છે. M65 એટલે 65 મેગા પાસ્કલ તાકાત, સામાન્ય બિલ્ડિંગમાં M20 ગ્રેડ નાખવામાં આવે છે.

પ્રતિમાને મુખ્ય આકાર આપતી 1850 ટન વજનની 12,000 બ્રૉન્ઝ પૅનલ ચાઇનામાં બની એનો રાજકીય વિવાદ થયો હતો.

દરેક પૅનલ આમ તો જરૂરિયાત મુજબની સાઇઝની બનાવવામાં આવે, છતાં સ્ટાન્ડર્ડ પેનલ આશરે 5 x 6 મિટરની બની છે.

ત્રિપરિમાણમાં ક્યાંય સીધો આકાર ન હોય એવી પૅનલનું કામ ઘણું ઝીણવટભર્યું અને ચોકસાઈ માગી લે એવું હોય છે જે સીએનસી મશીનથી થાય છે.

આમ તો ભારતમાં આ પૅનલ કાસ્ટ ના થઈ શકે એવું નથી, પરંતુ કેટલું ફાસ્ટ થાય એ સવાલ ચોક્કસ થાય.

આ પૅનલ ઊભી કરવાનું કામ પણ બહારથી સ્ટેજિંગ (માંચડો) બનાવ્યા વગર કરવામાં આવ્યું એ એલ ઍન્ડ ટી ટીમની એક મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય.

એકંદરે દુનિયાનાં સર્વશ્રેષ્ઠ ભેજાં દ્વારા સફળ રીતે પાર પડેલા દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટને દરેક રીતે ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરો કરવામાં કોઈ કસર છોડાઈ નથી.

આ પ્રોજેક્ટ ટૂરિસ્ટ માટે તો મોટું આકર્ષણ બનશે જ, પણ ટેકનિકલ નિષ્ણાતો માટે પણ આ પ્રોજેક્ટનું પ્લાનિંગ, ડિઝાઇનિંગ, અને પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ એક કેસસ્ટડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો