30 વર્ષ જૂનું 200 રૂપિયાનું દેવું આખરે યાદ રાખી ચૂકતે કર્યું, દેણદાર હોય તો આવા!

    • લેેખક, હર્ષલ આકુડે,
    • પદ, સંવાદદાતા, બીબીસી મરાઠી

માત્ર ભારતના નહીં પણ દુનિયાભરના ખેડૂતો માટે એવું કહેવાય છે કે તેમની સંસ્કૃતિ તેમની માટીમાંથી પેદા થયેલી છે.

75 વર્ષનાં કાશીનાથ માર્તંડરાવ ગવલી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વાનખેડેનગરમાં રહે છે. ભોંયતળિયે તેમની કરિયાણાની દુકાન છે. ઉપર ચાર માળનું મકાન છે, તેમાં તેમનો પરિવાર રહે છે.

રવિવારે સાંજે સાતેક વાગ્યે કાશીનાથ ઘરે પહોંચ્યા અને થોડી વાર આરામ કર્યો. લગભગ સાડા સાત વાગ્યે તેઓ જમવા બેઠા.

હવે ઉંમર થઈ છે એટલે તેઓ સાંજે વહેલા જમી લે છે. તેઓ જમવા બેઠા ત્યારે પુત્ર નંદકુમારે ફોન કર્યો કે તેમને મળવા માટે કોઈ આવ્યું છે.

ફોન પર વાત સાંભળીને કાશીનાથે વિચાર્યું કે ઠીક છે, પહેલાં જમી લે અને પછી જે આવ્યું હોય તેમને મળવા જશે. જમીને તેઓ નીચે આવ્યા.

આધેડ ઉંમરની એક પરદેશી વ્યક્તિ દુકાન પર કાશીનાથને મળવા માટે રાહ જોઈ રહી હતી.

તેમની સાથે એક મહિલા પણ હતાં. કાશીનાથ તેમને જોઈને આશ્ચર્યમાં પડી ગયા.

કાશીનાથને જોઈને તેમને મળવા આવનારાં બંનેની આંખો ભીની થઈ ગઈ. પહેલી પાંચસાત મિનિટ મૌન છવાયેલું રહ્યું. તેઓએ કશું કહ્યું નહીં અને માત્ર કાશીનાથને જોઈને રડતાં રહ્યાં.

કાશીનાથ હજી તેમને ઓળખી શક્યા નહોતા અને શું થઈ રહ્યું છે તે પણ સમજી શકતા નહોતા. જોકે, તેમને રડતાં જોઈને તેઓ પણ લાગણીશીલ થઈ ગયા હતા.

થોડી વાર બાદ આધેડ વયના માણસે કાશીનાથને પોતાના વિશે જણાવ્યું અને તેમને જૂની બધી વાતો યાદ કરાવી.

તેમની કથા શરૂ થતી હતી 1985થી. તે વખતે ઔરંગાબાદમાં મૌલાના આઝાદ કૉલેજની પાસે જ વાનખેડેનગર કૉલોની બનવાની શરૂ થઈ હતી.

લોકોને મકાનોની સોંપણી થઈ રહી હતી. જોકે, ઘણા લોકોએ પોતાનાં મકાન કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ભાડે આપવાનું શરૂ કરી દીધું હતું.

તેમાં વિદેશથી ભણવા આવેલા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા.

રિચર્ડ ન્યગકા ટોંગી આવા જ એક વિદ્યાર્થી હતા. રિચર્ડ 1985માં કેનિયાથી ભણવા માટે ઔરંગાબાદ આવ્યા હતા.

કાશીનાથની દુકાનની નજીક આવેલા એક ઘરમાં ભાડે રહેતા હતા.

તે વખતે કેનિયાથી ઘણી વાર સમયસર પૈસા આવતા નહોતા. તેના કારણે તેઓ કાશીનાથની દુકાનેથી ઉધારીમાં વસ્તુઓ ખરીદતા હતા.

કાશીનાથ પણ રિચર્ડને દૂધ, બ્રેડ, ઈંડાં જેવી વસ્તુઓ ના પાડ્યા વિના ઉધારીમાં આપતા હતા.

અભ્યાસ પૂરો કરીને 1989માં રિચર્ડ કેન્યા પરત જતા રહ્યા.

જોકે, ત્યાં પહોંચીને તેમણે ભારત વખતનો હિસાબ તપાસ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તેમણે કાશીનાથ પાસેથી ઉછીના લીધેલા 200 રૂપિયા પાછા આપવાના બાકી રહી ગયા છે.

ત્યારથી જ તેમના મનમાં થયું હતું કે કાશીનાથને તેમના પૈસા પરત કરવા જોઈએ.

સંજોગવશાત્ સમય અને કિસ્મત બંને બદલાયાં. રિચર્ડ રાજકારણમાં રસ લેવા લાગ્યા અને કેનિયાના સાંસદ પણ બની ગયા.

કેનિયામાં નેતા તરીકે સફળતા મેળવ્યા પછીય તેમના મનમાં થયા કરતું હતું કે તેમણે કાશીનાથનાં ઉધાર લીધેલાં નાણાં પરત કરવાનાં બાકી છે.

તેઓ પોતાની પત્નીને ઘણી વાર કહેતા હતા કે "હું તેમની ઉધારી ચૂકવી નહીં આપું તો ઈશ્વરનો સામનો કેવી રીતે કરીશ?"

તેઓ હંમેશાં ઈશ્વરને એવી પ્રાર્થના કરતા હતા કે ભારતની મુલાકાતની તેમને તક મળી જાય.

30 વર્ષે ભારતની મુલાકાત

આખરે લગભગ 30 વર્ષ બાદ ગયા અઠવાડિયે રિચર્ડને ભારતની મુલાકાતની તક મળી ગઈ.

તેઓ કેનિયાની સંસદમાં સંરક્ષણ અને વિદેશી બાબતોની સમિતિના ઉપાધ્યક્ષ પણ છે. એક પ્રતિનિધિમંડળ સાથે તેઓ જ ભારતની મુલાકાતે આવ્યા હતા.

દિલ્હીમાં પોતાનું કામકાજ પતાવ્યા પછી તેઓ ગયા રવિવારે ઔરંગાબાદ પહોંચ્યા હતા. તેમની સાથે તેમનાં પત્ની પણ હતાં.

તેમનાં પત્ની ડૉક્ટર છે. તેમણે પોતાના જૂના વિસ્તારમાં જઈને કાશીનાથનું ઘર શોધી કાઢ્યું. પહેલાં કરતાં ઘણું બધું અહીં બદલાઈ ગયું છે. તેમને કાશીનાથની ગવલી અટક જ યાદ હતી.

ગવલી એવું પણ તેમને બરાબર યાદ નહોતું. તેઓ 'ગવાયા' કે એવું કશુંક કહીને લોકોને કાશીનાથ વિશે પૂછપરછ કરી રહ્યા હતા.

અધૂરું નામ હોવાથી તેઓ કોને મળવા માગે છે તે પણ લોકો સમજી શકતા નહોતા.

આખરે તેમણે કાશીનાથનું ઘર કયા વિસ્તારમાં હતું અને આસપાસ શું હતું તે જણાવ્યું ત્યારે લોકોને સમજાયું કે રિચર્ડ કોને શોધી રહ્યા છે.

સંજોગવશાત્ રિચર્ડ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમાં કાશીનાથના કાકાના ભાઈ પણ હતા. તેઓ જ આખરે રિચર્ડને લઈને કાશીનાથના ઘરે પહોંચ્યા હતા.

ખેડૂતનો પુત્ર

રિચર્ડ અને કાશીનાથ એકબીજાને મળીને ખૂબ ખુશ થયા હતા. કાશીનાથ રિચર્ડને ઘરમાં ચા પીવા માટે લઈ ગયા.

રિચર્ડને આટલાં વર્ષે ફરી મળીને કાશીનાથ પણ ભાવુક થઈ ગયા હતા. તેઓ ખુશ હતા કે રિચર્ડ ત્યાં સાંસદ બની ગયા છે.

લગભગ ત્રણેક કલાક રિચર્ડ કાશીનાથના ઘરે રહ્યા હતા. તેઓએ વાતચીતમાં કાશીનાથને યાદ અપાવ્યું કે તેમણે 200 રૂપિયા ઉછીના લીધા હતા.

રિચર્ડે કાશીનાથને 250 યુરો આપવા કોશિશ કરી, પણ કાશીનાથે એક પણ પૈસો લેવાનો ઇન્કાર કર્યો.

તેમણે કહ્યું કે પૈસા કરતાંય તેમને એ વાતનો આનંદ છે કે રિચર્ડ આટલાં વર્ષે મળવા આવ્યા. જોકે, રિચર્ડ તેમને ઉધારી પરત લઈ લેવા માટે આગ્રહ કરતાં રહ્યા હતા.

રિચર્ડે કહ્યું, "તમે મુશ્કેલીના સમયમાં મારી મદદ કરી હતી. હું એ વાત ક્યારેય નહીં ભૂલું. હું એક ખેડૂતનો દીકરો છું.

હું ક્યારેય માથે ઉધારી રાખી શકું નહીં. હું તમારી ઉધારી ચૂકવીશ નહીં તો ભગવાનને શું મોઢું બતાવીશ."

આટલા આગ્રહ પછી કાશીનાથે તેમની પાસેથી પૈસા લીધા. રિચર્ડે કાશીનાથ અને તેમના પરિવારને કેનિયાની મુલાકાત આવવા માટે આમંત્રણ પણ આપ્યું.

કાશીનાથે ઘણા વિદ્યાર્થીઓની મદદ કરી છે

કાશીનાથે ઘણા ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરી છે. વિદ્યાર્થીઓ પાસે પૈસા આવે ત્યારે તેઓ ઉધારી ચૂકવી દેતા હતા. આજે પણ ઘણા વિદ્યાર્થીઓ આ રીતે તેમને મળવા આવતા હોય છે.

કાશીનાથ કહે છે, "આ બધા વિદ્યાર્થીઓ દૂર દૂરથી ભણવા આવતા હોય છે. હું તેમનું દુઃખ સમજતો હોઉ છું. તેથી ઉધારી આપતો હોઉ છું."

"એ વખતે અમે પણ ગરીબ હતા એટલે જેટલું બનતું તેટલું કરતા હતા."

તેઓ કહે છે, "આપણી સંસ્કૃતિમાં અતિથિ ભગવાન સમાન ગણાય છે. એ વાતને જ મેં માની છે. મેં ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવાની હંમેશાં કોશિશ કરી છે.

"આ વિદ્યાર્થીઓની સાથે અમે પણ આગળ વધતા ગયા. અમારું મકાન બની ગયું. અમે એક હોટેલ પણ ખોલી છે. અમારું સૌભાગ્ય છે કે આજે આવા દિવસો જોવા મળ્યા છે."

"કદાચ અમારાં કર્મોનું જ આ ફળ હશે. આ વિદ્યાર્થીઓનું સારું કર્યું તેનું જ કદાચ આ પરિણામ હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો