વર્લ્ડ કપ : શું અમ્પાયરે ઇંગ્લૅન્ડને વધારાનો એક રન આપી દીધો હતો, જેથી ન્યૂઝીલૅન્ડ હારી ગયું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મૅચ એવી તો રસાકસી ભરી રહી કે બંને ટીમના ફેન્સ દંગ રહી ગયા.

ક્રિકેટ ઇતિહાસની આ કદાચ પહેલી એવી ફાઇનલ હશે કે જેમાં સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી.

આ ટાઇને કારણે વર્લ્ડ કપનું ટાઇટલ કોને આપી શકાય તેનો નિર્ણય સુપર ઓવરમાં વધારે બાઉન્ડ્રી મારવાના નિયમ દ્વારા કરવો પડ્યો.

જોકે, એ સિવાય પણ એક એવા નિયમની હાલ ચર્ચા ચાલી રહી છે, જેને કેટલાક લોકો ન્યૂઝીલૅન્ડની હારનું કારણ માની રહ્યા છે.

વિજયની જાહેરાત બાદ બંને ટીમના સમર્થકો બે પક્ષમાં વિભાજિત થઈ ગયા છે.

ઇંગ્લૅન્ડનું સર્મથન કરનારા લોકોનું કહેવું હતું કે નિયમ તો નિયમ છે, તો બીજી તરફ હારનારી ન્યૂઝીલૅન્ડની ટીમના સમર્થકો આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે.

આઈસીસીની રૂલ બુકના આ નિયમને કારણે ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ વખત વિશ્વ વિજેતા બની શકી.

50મી ઓવરનો ચોથો બૉલ અને વિવાદ

ઇંગ્લૅન્ડને જીતવા માટે છેલ્લી એટલે કે 50મી ઓવરમાં 15 રનની જરૂર હતી. આ સમયે ન્યૂઝીલૅન્ડે છેલ્લી ઓવરની જવાબદારી ટ્રેન્ટ બૉલ્ટને આપી.

સામે ક્રીઝ પર ઇંગ્લૅન્ડના સેટ થયેલા બૅટ્સમૅન સ્ટોક્સ હતા. બૉલ્ટે પ્રથમ બૉલ યૉર્કર નાખ્યો જેના પર કોઈ રન ના આવ્યો.

બીજા બૉલ પર પણ સ્ટોક્સ કોઈ રન ના લઈ શક્યા, જ્યારે ત્રીજા બૉલમાં સ્ટોક્સે સિક્સ મારી.

ચોથા બૉલમાં જે થયું તે ન્યૂઝીલૅન્ડને હંમેશાં માટે યાદ રહી જશે અને ક્રિકેટ ઇતિહાસમાં પણ તેને ખાસ યાદ કરવામાં આવશે.

ચોથો બૉલ બૉલ્ટે ફૂલટોસ નાખ્યો જેને સ્ટોક્સે ડીપ મિડ વિકેટ પર ફટકાર્યો. જ્યાં ગુપ્ટિલ ફિલ્ડિંગ કરી રહ્યા હતા.

આ તરફ સ્ટોક્સે બે રન લેવાનો પ્રયત્ન કર્યો અને સામેથી ગુપ્ટિલે ડાયરેક્ટ હિટ કરીને સ્ટોક્સને રન આઉટ કરાવવા માટે થ્રો કર્યો.

બન્યું એવું કે એ થ્રો રન લેવા માટે દોડી રહેલા સ્ટોક્સના બૅટમાં લાગ્યો અને બૉલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો.

જે બાદ પોતાના સાથી અમ્પાયરની સલાહ લઈને કુમાર ધર્મસેનાએ બંને બૅટ્સમૅનને છ રન આપી દીધા.

જે બાદ ઇંગ્લૅન્ડે બાકી રહેલા બે બૉલમાં માત્ર 3 રન બનાવવાના હતા, જેમાં તે બે રન બનાવી શક્યું અને મૅચમાં ટાઇ પડી.

આ ચોથા બૉલ પર મળેલા છ રન વિશે જ કહેવામાં આવી રહ્યું છે કે જેમાં અમ્પાયરે પાંચ રન આપવા જોઈતા હતા, નહીં કે છ રન.

આવું કેમ હોવું જોઈતું હતું અને આવા મામલામાં આઈસીસીનો નિયમ શું કહે છે તે જોઈએ.

શું કહે છે ઓવર થ્રોનો નિયમ?

આઈસીસીના નિયમ 19.8 અનુસાર, "જો ઓવર થ્રો અથવા કોઈ ફિલ્ડરના કારણે બાઉન્ડ્રી મળી હોય તો તેને બૅટ્સમૅન દ્વારા પૂરા કરવામાં આવેલા રન સાથે જોડીને આપવા જોઈએ."

"પૂરા કરેલા રન સાથે જો બૅટ્સમૅન થ્રો અથવા ઍક્ટ વખતે કોઈ રન પૂરો કરવા માટે એક બીજાને ક્રૉસ કરી ગયા હોય તો એ રન પણ પૂરો માનવામાં આવશે."

નિયમનો બીજો હિસ્સો આ મૅચના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વનો છે.

મૅચના વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, જ્યારે ગુપ્ટિલે ડાયરેક્ટ થ્રો કર્યો, ત્યારે બેન સ્ટોક્સ અને આદિલ રાશિદ બીજા રન માટે દોડ્યા હતા, પરંતુ એક બીજાને ક્રૉસ કર્યા ન હતા.

જોકે, મૂળ નિયમમાં થ્રો સાથે ઍક્ટ પણ લખ્યું છે, જેનાથી એ વાતની શક્યતા પણ બને છે કે ઍક્ટનો મતલબ બૉલનું બૅટ સાથે ટકરાવું અથવા ફિલ્ડર સાથે ટકરાવું એવું પણ હોઈ શકે.

જોકે, નિયમમાં બૅટ્સમૅનના ઍક્શનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મામલામાં આઈસીસીએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જેથી 50મી ઓવરના ચોથા બૉલમાં જે વધારાનો એક રન ઇંગ્લૅન્ડના ખાતામાં ગયો તેના કારણે ન્યૂઝીલૅન્ડ વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી બેઠું.

આ મામલા સાથે સહમત ન થનારા લોકો પણ એ વાત સાથે તો સહમત થશે કે એ ઓવર થ્રોના કારણે ન્યૂઝીલૅન્ડ વર્લ્ડ કપ ગુમાવી બેઠું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો