જ્યારે પાકિસ્તાન સામે ભારતે ચાલુ મૅચે પોતાના બૅટ્સમૅનને પરત બોલાવી લીધા

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર

1999ના ફેબ્રુઆરીમાં ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ વાઘા બૉર્ડર પર શાંતિમંત્રણા માટે મળવાના હતા અને ત્યારથી દિલ્હી-લાહોર બસ સેવાનો પણ પ્રારંભ થવાનો હતો.

તેના બરાબર એક દિવસ અગાઉ આ ઐતિહાસિક પ્રસંગમાં યોગદાન આપવાનો પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની વસીમ અકરમ પાસે તક હતી પરંતુ તેઓ ચૂકી ગયા હતા.

બન્યું એવું કે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ટેસ્ટ ચૅમ્પિયનશિપની પ્રથમ ટેસ્ટ રમાતી હતી અને તેમાં મહાન બૅટ્સમૅન સચીન તેંડુલકરને આઉટ કરવાની તક પેદા થઈ હતી.

સચીન એક રન લેવા માટે દોડ્યા, પરંતુ વસીમ અકરમ અને શોએબ અખ્તરે મળીને સચીનને ક્રીઝ સુધી પહોંચવા દીધા નહીં. લિટલ માસ્ટર પડી ગયા અને તેઓ ઊભા થાય તે અગાઉ અકરમ તેમની આડે આવી ગયા અને અખ્તરે પોતાને મળેલા થ્રો દ્વારા સચીનને રનઆઉટ કરી દીધા.

જ્યારે તોફાનને કારણે મૅચ અટકી

ખેલદિલી વિહોણી આ ઘટનાથી અકળાયેલા કોલકાતાના પ્રેક્ષકોએ તોફાન મચાવી દીધું અને મૅચ અટકી પડી.

ત્યારબાદ બીસીસીઆઈ અને આઈસીસીના તત્કાલીન વડા જગમોહન દાલમિયાએ દરમિયાનગીરી કરવી પડી.

તેઓ સચીનને લઈને મેદાન પર આવ્યા અને આખા મેદાનનું રાઉન્ડ લગાવીને તેમણે ગુસ્સે ભરાયેલા પ્રેક્ષકોને શાંતિ રાખવા અપીલ કરી.

આ સમયે અકરમે ખેલદિલી દાખવીને સચીને પરત બોલાવી લીધા હોત, તો આ કલંકથી દૂર રહી શકાયું હોત. એટલું જ નહીં પરંતુ બીજે દિવસે સવારે બંને દેશના વડા પ્રધાન વાઘા બૉર્ડર પર મળે ત્યારે તે ખેલદિલીની ભેટ આપી શક્યા હોત.

આ પ્રસંગ એટલા માટે યાદ આવે છે કે હાલમાં ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ સામે પરાજય થયા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં કૉમેન્ટેટર તરીકે ફરજ બજાવી રહેલા વકાર યુનિસે ભારતીય ટીમની ખેલદિલી સામે સવાલ કર્યા છે.

વકારે એવો દાવો કર્યો હતો કે ઇંગ્લૅન્ડ સામે ભારત જાણી જોઈને હારી ગયું, કેમ કે, પાકિસ્તાન સેમિફાઇનલથી વંચિત રહે.

હકીકતમાં ભારતના પરાજય બાદ પાકિસ્તાન માટે આગેકૂચ કરવી કપરી બની ગઈ છે. એ દિવસે ભારત જીતી ગયું હોત તો પાકિસ્તાનનો માર્ગ આસાન બની શક્યો હોત.

ભારત-પાકિસ્તાન અને ખેલદિલી

વર્લ્ડ કપમાં આ પ્રકારની પરિસ્થિતિ આવે અને તેમાં ભારત-પાકિસ્તાન સંકળાયેલા હોય ત્યારે સ્વાભાવિકપણે આવા જ વિચાર આવે પણ મેદાન પરની વાત અલગ હોય છે.

જોકે, ખેલદિલીને ભારત-પાકિસ્તાન વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે.

કેટલાક એવા પ્રસંગ બન્યા છે જેમાં એકબીજાએ ખેલદિલી દાખવી છે તો ક્યારેક મેદાન પર દુશ્મનાવટ પણ જોવા મળી છે.

ઉપર ઉલ્લેખ કર્યો તે કોલકાતાની ટેસ્ટના એક સપ્તાહ અગાઉ નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે બંને વચ્ચે ટેસ્ટ રમાઈ હતી, જેમાં અનિલ કુંબલેએ પાકિસ્તાનના બીજા દાવમાં 10 વિકેટ એકલા હાથે ઝડપી હતી.

એ વખતે કુંબલેએ આઠ વિકેટ ખેરવી દીધી ત્યારે એવી શક્યતા પેદા થઈ હતી કે તેઓ 10 વિકેટ લઈ શકે તેમ છે.

ભારત તરફથી તો કુંબલેને આમ કરવામાં મદદ મળતી હતી. શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદ જેવા કુંબલેના બેંગલુરુના સાથી બૉલરે જાણી જોઈને વાઇડ ફેંક્યા હતા જેથી તેમને પોતાને વિકેટ મળે નહીં અને કુંબલે 10 વિકેટ લઈ શકે.

પાકિસ્તાનના વસીમ અકરમ, સકલૈન મુસ્તાક અને વકાર યૂનિસ છેલ્લે બેટિંગ કરતા હતા.

આ સમયે મેદાન પર રહેલી જોડીએ નક્કી કર્યું હતું કે તે રનઆઉટ થાય તો કુંબલે 10 વિકેટ લઈ શકે નહીં. આ વિચાર તેમણે અકરમ રમતો હતો તેમને કહ્યો. અકરમે ગુસ્સે ભરાઈને કહ્યું હતું કે એવી મૂર્ખામી કરશો નહીં.

કોઈને આ રીતે સિદ્ધિથી વંચિત રાખી શકાય નહીં. આપણે પણ બૉલર છીએ. કાલે આપણે આવા સંજોગોમાં આવી જઈએ તો હરીફ ટીમ પણ આમ કરી શકે છે. અંતે કુંબલેની 10મી વિકેટના શિકાર ખુદ અકરમ બન્યા હતા.

આમ અકરમે પણ કુંબલેની 10 વિકેટની સિદ્ધિમાં સહકાર આપ્યો હતો.

પાકિસ્તાન મૅચમાં હાર્યું, ભારત ટુર્નામેન્ટમાંથી આઉટ

જોકે, ભારત-પાકિસ્તાનની વાત આવે ત્યારે ખેલદિલીના આવા કિસ્સા ઓછા જોવા મળે છે અને બદલે કપટ થયું હોય તેવા કિસ્સા વધારે બને છે.

2009માં સાઉથ આફ્રિકામાં આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી યોજાઈ હતી, જેમાં એક તબક્કે પાકિસ્તાને સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો અને ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી.

પાકિસ્તાનને ઑસ્ટ્રેલિયા સામે રમવાનું હતું જે મૅચ આમ તો ઔપચારિક હતી, પરંતુ પાકિસ્તાન એ મૅચ જીતી જાય તો ભારત સેમિફાઇનલમાં પ્રવેશે તેવી તક પેદા થઈ હતી.

પણ પાકિસ્તાન એ મૅચમાં કાંગારુ સામે હારી ગયું અને ભારત ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું.

એ વખતે એમ કહેવાતું હતું કે ભારતને વંચિત રાખવા માટે પાકિસ્તાન જાણી જોઈને હારી ગયું છે.

હવે વકાર યુનિસ વળતો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનને વંચિત રાખવા માટે 2019ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે ભારત જાણી જોઈને હારી ગયું હતું.

ભારતીય સુકાનીએ બૅટ્સમૅનને પરત બોલાવી લીધા

આવી જ રીતે 1978માં ભારતીય ટીમ બિશનસિંઘ બેદીની આગેવાનીમાં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. એ વખતે લગભગ 18 વર્ષ બાદ બંને ટીમ વચ્ચે સિરીઝ શક્ય બની હતી.

ત્રણ વન-ડે મૅચની સિરીઝની પ્રથમ મૅચ ભારતે અને બીજી પાકિસ્તાને જીતી હતી. ત્રીજી અને નિર્ણાયક મૅચમાં પાકિસ્તાને 205 રન કર્યા હતા.

અંશુમન ગાયકવાડ અને ગુંડપ્પા વિશ્વનાથ બેટિંગ કરી રહ્યા હતા અને ભારતને જીતવા માટે માત્ર 22 રન કરવાના હતા ત્યારે સરફરાઝ નવાઝ અને ઇમરાન ખાન ખતરનાક બૉલિંગ કરતા હતા.

બંનેએ બૅટ્સમૅનને નિશાન બનાવીને બાઉન્સર ફેંક્યા હતા. અમ્પાયર પણ તેમને રોકી રહ્યા ન હતા.

આ સંજોગોમાં ભારતીય સુકાની બેદીએ બંને બૅટ્સમૅનને પરત બોલાવી લીધા.

અમ્પાયરે એ મૅચમાં પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દીધું, પરંતુ પાકિસ્તાની બૉલર્સ ખુશ હતા, કેમ કે તેમણે ભારતીય બૅટ્સમૅનના શરીરને નિશાન બનાવીને બૉલિંગ કરી હતી.

ભારતીય બૉલરે પાકિસ્તાની બૅટ્સમૅનને સલાહ આપી

વર્ષો અગાઉનો એક કિસ્સો ખરેખર સ્પૉર્ટ્સમૅન સ્પિરિટનો પણ જોવા મળ્યો હતો. વિભાજન બાદ પાકિસ્તાન પહેલી વાર ભારતમાં રમવા આવ્યું હતું.

એ વખતે યુવાન હનીફ મોહમ્મદ ભારતના અનુભવી બૉલર સામે કાચા પડતા હતા. તેઓ વારંવાર ભૂલ કરી બેસતા હતા. મુંબઈમાં રમાયેલી ટેસ્ટ અગાઉની સાંજે તેમણે ભારતના મહાન ઑલરાઉન્ડર વિનુ માંકડનો સંપર્ક કર્યો.

મૂળ જૂનાગઢમાં જન્મેલા હનીફ મોહમ્મદ અને જામનગરના વિનુ માંકડ ગુજરાતીમાં વાત કરતાં હતા. હનીફે ભારતીય બૉલરને સામો જ સવાલ કર્યો કે મારામાં શું ખામી છે કે હું તરત જ આઉટ થઈ જાઉં છું.

માંકડે તેમને બેટિંગની સલાહ આપી અને કહ્યું કે બૉલ પડે ત્યારબાદ થોડી રાહ જોઈને રમવાનું રાખ, તું થોડી ઉતાવળ કરી બેસે છે.

ત્યાર પછીની બ્રેબૉર્ન ખાતેની ટેસ્ટમાં હનીફ મોહમ્મદે 96 રન ફટકાર્યા હતા.

જોકે, અંતે તો વિનુ માંકડે જ તેમને આઉટ કર્યા હતા, પરંતુ હનીફ મોહમ્મદે ફૉર્મ મેળવી લીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો