You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ક્રિકેટના મેદાનની વચ્ચે ખેલાડીઓ અને અમ્પાયર સૂઈ ગયા
સાઉથ આફ્રિકાના અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મૅચમાં એક અનોખી ઘટના બની હતી. જેના કારણે મૅચ રોકવાની ફરજ પડી હતી.
આ વર્લ્ડ કપમાં વરસાદને કારણે ઘણી મૅચો રોકવી પડી છે અને કેટલીક મૅચ તો રદ કરવાનો વારો આવ્યો છે, પરંતુ આ મૅચ વરસાદ નહીં અન્ય કારણે રોકવી પડી હતી.
આ મૅચમાં આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટે સજ્જડ પરાજય તો આપ્યો પરંતુ મેદાન વચ્ચે બનેલી એ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની.
શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરતા આ મૅચમાં 203 રન બનાવ્યા હતા, તેના બૅટ્સમૅનો નિષ્ફળ રહ્યા હતા.
વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયેલા આફ્રિકાએ માત્ર એક વિકેટ ગુમાવીને 204ના ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો.
શ્રીલંકાની હારની સાથે સાથે આ મૅચ સોશિયલ મીડિયા પર મધમાખીઓને કારણે ચર્ચામાં રહી હતી.
જ્યારે મધમાખીઓએ મેદાન પર આક્રમણ કર્યું
સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને શ્રીલંકાને પ્રથમ બૅટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
મૅચની 48મી ઓવર ચાલી રહી હતી અને ખેલાડીઓ સહિત અમ્પાયર પણ મેદાનમાં સૂતેલા જોવા મળ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંગ્લૅન્ડના ચેસ્ટર લી સ્ટ્રીટમાં ચાલી રહેલા આ મૅચમાં અચાનક જ મધમાખીઓ મેદાનમાં આવી ચડી હતી.
મધમાખીઓના ઝૂંડથી બચવા માટે એક બાદ એક ખેલાડીઓ અને અમ્પાયર મેદાનમાં સૂઈ ગયા હતા.
વર્લ્ડ કપમાં વરસાદના વિઘ્નને કારણે મૅચ અટકાવવી પડી હોય તેવી ઘણી ઘટના બની છે.
જોકે, આ મૅચ મધમાખીઓના આક્રમણને કારણે થોડીવાર માટે અટકાવી દેવાની ફરજ પડી હતી.
આ પહેલાં પણ બની છે આવી ઘટનાઓ?
સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની મૅચમાં આવેલું મધમાખીઓનું ઝૂંડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું હતું.
લોકો આ અંગે ફોટો અને વીડિયો શૅર કરતા જોવા મળ્યા હતા. જોકે, ક્રિકેટમાં આવું પ્રથમવાર બન્યું નથી આ પહેલાં પણ આવી ઘટનાઓ બની છે.
વર્ષ 2008માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજા વન-ડેમાં પણ મધમાખીઓનું ઝૂંડ મેદાનમાં આવી પહોંચતા મૅચ થોડીવાર માટે રોકવાની ફરજ પડી હતી.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાઈ રહેલા એક ટેસ્ટ મૅચમાં પણ મધમાખીઓએ આક્રમણ કર્યું હતું.
વર્ષ 2017માં આ બે ટીમના મૅચમાં જ મધમાખીઓ ચડી આવી હતી. આ સમયે સાઉથ આફ્રિકાના અને શ્રીલંકા વચ્ચે જોહનિસબર્ગમાં મૅચ ચાલી રહી હતી.
ધ સનના અહેવાલ અનુસાર આ વર્ષે જ ભારત-એ અને ઇંગ્લૅન્ડ લાયન વચ્ચે કેરળમાં રમાઈ રહેલી મૅચમાં મધમાખીઓના આક્રમણ અને લોકોને કરડવાથી પાંચ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવી પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો