વર્લ્ડ કપ 2019 : ઇંગ્લૅન્ડે વર્લ્ડ કપ જીત્યો, ન્યૂઝીલૅન્ડે દિલ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

2019ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે પહેલી વાર ઐતિહાસક જીત મેળવી છે. સુપર ઓવરમાં ન્યૂઝીલૅન્ડને 16 રન કરવાના હતા, પરંતુ તે 15 રન જ કરી શક્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને 242નો ટાર્ગેટ આપ્યો હતો.

ઇંગ્લૅન્ડે પણ 241 રન કર્યા હતા અને એ રીતે સ્કોર બરાબર થતાં મૅચ ટાઇ પડી હતી.

સુપર ઓવરમાં ન્યૂઝીલૅન્ડને જીત માટે 16 રન કરવાના આવ્યા હતા.

ઇંગ્લૅન્ડે ફાસ્ટ બૉલર જોફરા આર્ચરને બૉલિંગ આપી હતી. ન્યૂઝીલૅન્ડ તરફથી નીશામ અને ગુપ્ટિલ બેટિંગમાં આવ્યા હતા.

પાંચ બૉલમાં ન્યૂઝીલૅન્ડે 14 રન કરી લીધા હતા અને છેલ્લા બૉલે જીત માટે 2 રન કરવાના આવ્યા હતા.

છેલ્લા બોલે 1 રન તો લઈ લીધો પણ બીજો રન દોડવા જતા ગુપ્ટિલ રનઆઉટ થયા અને ફરી વાર સ્કોર સરખો થઈ ગયો, એટલે કે બીજી વાર પણ ટાઇ પડી હતી.

પરંતુ મૅચમાં ઇંગ્લૅન્ડના વધુ ચોગ્ગાને કારણે ઇંગ્લૅન્ડની ટીમને વિજેતા જાહેર કરાઈ હતી અને એ રીતે ઇંગ્લૅન્ડ વિશ્વ ચૅમ્પિયન બન્યું હતું.

છેલ્લી ઘડી સુધી રોમાંચ યથાવત્

ઇંગ્લૅન્ડની ચાર વિકેટ પડ્યા પછી સ્ટૉક્સ અને બટલરે બાજી સંભાળી હતી. બંનેએ 110 રનની ભાગીદારી કરી હતી.

જોકે ન્યૂઝીલૅન્ડના બૉલરો પણ મજબૂત બૉલિંગ નાખતા હતા. સામે પક્ષે બંને બૅટ્સમૅન પણ જાળવી જાળવીને રમતા હતા.

એવામાં 45.5મી ઓવરમાં બટલર કૅચઆઉટ થઈ ગયા અને લાંબા સમયથી ચાલતી બેટિંગ જોડી તૂટી.

બટલર આઉટ થયા બાદ વૉક્સ બેટિંગમાં આવ્યા હતા. જોકે વૉક્સ માત્ર ચાર બૉલ રમ્યા અને બે રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા.

વૉક્સ ફરગ્યુસનના બૉલમાં મોટો શોટ રમવા ગયા અને બૉલ હવામાં ત્યાં જ ઊછળ્યો હતો અને વિકેટકીપર લાથમ તેને ઝીલી લીધો હતો.

ફરી વિકેટ પડતાં એક સમયે મૅચ ન્યૂઝીલૅન્ડના પક્ષમાં આવી ગઈ હતી. જોકે હજુ ક્રિઝ પર સ્ટૉક્સ રમતા હતા.

10થી વધુની ઍવરેજથી રન કરવાના હતા અને સ્ટૉક્સ હવે વધુ આક્રમક બન્યા હતા.

તો સામે છેડે રમી રહેલા પ્લનકેટ પણ યથાશક્તિ યોગદાન આપતા રહ્યા.

છેવટે છેલ્લી બે ઓવરમાં 24 રન કરવાના હતા. ત્યારે પ્લનકેટ આઉટ થઈ ગયા અને ફરી વાર કોણ જીતશે એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું હતું.

સ્ટૉક્સ અને બટલરે રંગ રાખ્યો

ઇંગ્લૅન્ડના શરૂઆતના ચાર બૅટ્સમૅન માત્ર 69 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

ચાર બૅટ્સમૅન સસ્તામાં આઉટ થઈ જતા એક તબક્કે ન્યૂઝીલૅન્ડનું પલ્લું ભારે થઈ ગયું હતું.

બૉલરો પણ ઇંગ્લૅન્ડના સ્કોરને ધીમો પાડવામાં સફળ રહ્યા હતા.

જોકે દબાણમાં પણ પાંચમા અને છઠા ક્રમે આવેલા સ્ટૉક્સ અને બટલરે બાજી સંભાળી લીધી હતી.

બંનેએ વિકેટ ટકાવી રાખીને સ્કોરબોર્ડને આગળ વધાર્યું હતું. મોટા મોટા શોટ રમવાને બદલે તેઓએ સિંગલ રન પર વધારે ધ્યાન આપ્યું હતું અને એ રીતે બૉલરોનું મનોબળ પણ તૂટતું ગયું.

સ્ટૉક્સ 5 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 98 બૉલમાં 84 કરીને અણનમ રહ્યા હતા.

જ્યારે બટલરે 6 ચોગ્ગાની મદદથી 60 બૉલમાં 59 રન કર્યા હતા. તેઓ ફરગ્યુસનની ઓવરમાં કૅચઆઉટ થઈ ગયા હતા.

બંનેએ 110 રની ભાગીદારી કરી હતી જેણે ટીમને જીત સુધી લઈ જવામાં મોટો ફાળો આપ્યો હતો.

શરૂઆતમાં બૉલરો હાવી

વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડે શાનદાર જીત મેળવી હતી.

ઓપનર બૅટ્સમૅન જેસન રોયે 85 અને બેરસ્ટોએ 34 રન કર્યા હતા. જ્યારે જોય રૂટ (49) અને કૅપ્ટન મોર્ગને (45) અણનમ રહીને ટીમને જીત અપાવી હતી.

જોકે ફાઇનલમાં આ તમામ બૅટ્સમૅન (બેરસ્ટોને બાદ કરતા) ટીમના સ્કોરને આગળ વધારવામાં કોઈ ખાસ યોગદાન આપી શક્યા નહોતા.

રોય આઉટ થતા બેરસ્ટોએ બાજી સંભાળી હતી, પરંતુ વનડાઉનમાં આવેલા બૅટ્સમૅન જોય રૂટ ન્યૂઝીલૅન્ડની ઝંઝાવાતી બૉલિંગ સામે ક્રિઝ પર ટકી ન શક્યા અને સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

રૂટ 30 બૉલમાં માત્ર 7 રન કરી શક્યા હતા.

એવી જ રીતે કૅપ્ટન મોર્ગને સસ્તામાં વિકેટ ગુમાવી હતી. તેઓ નીશામની ઓવરમાં 22 બૉલમાં માત્ર 9 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

એટલે કે ફાઇનલમાં ઇંગ્લૅન્ડના શરૂઆતના ચાર બૅટ્સમૅન મળીને માત્ર (રોય- 17, બેરસ્ટો- 36, રૂટ- 7 અને મોર્ગન- 9) 69 રન કરી શક્યા હતા.

69 રનમાં મહત્ત્વની ચાર વિકેટ પડી જતાં ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન સ્વાભાવિક રીતે જ દબાણમાં આવી ગયા હતા.

સ્કોર પણ ધીમો પડી હતો અને ન્યૂઝીલૅન્ડના બૉલરો પણ મજબૂત બૉલિંગ કરી રહ્યા હતા.

ન્યૂઝીલૅન્ડની ધીમી શરૂઆત

તો તરફ ન્યૂઝીલૅન્ડે પ્રથમ બેટિંગ કરતાં ધીમી શરૂઆત કરી હતી, જેના કારણે ટીમનો સ્કોર વધુ ન થઈ શક્યો.

ન્યૂઝીલૅન્ડ તરફથી ઓપનિંગમાં આવેલા બૅટ્સમૅન આક્રમક બૅટ્સમૅન માર્ટિન ગપ્ટિલ અને નિકોલસ ધાર્યા પ્રમાણે સ્કોર કરી શક્યા નહોતા.

ગુપ્ટિલે આક્રમક શરૂઆત કરી હતી. તેઓએ 1 સિક્સર અને 2 ચોગ્ગાની મદદથી 18 બૉલમાં 19 રન કર્યા હતા, પણ તેઓ લાંબું ટકી ન શક્યા.

ગુપ્ટિલ 6.2 ઓવરમાં વૉક્સની બૉલિંગમાં એલબીડબલ્યુ આઉટ થઈ ગયા હતા.

ગુપ્ટિલ આઉટ થતાં ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન દબાણમાં આવી ગયા હતા. વનડાઉનમાં આવેલા કૅપ્ટન વિલિયમસન 53 બૉલમાં માત્ર 30 રન કરી શક્યા હતા.

મિડલ ઑર્ડર ચાલ્યો નહીં

ભારત સામેની સેમિફાઇનલમાં પણ ન્યૂઝીલૅન્ડની ઓપનિંગ જોડી ઝડપથી આઉટ થઈ હતી. ગુપ્ટિલ 1 અને નિકોલસ 28 રન કરી શક્યા હતા.

જોકે બાદમાં આવેલા કૅપ્ટન કેન વિલિયમસન અને ટેલરે બાજી સંભાળી લીધી હતી. વિલિયમસને 67 અને ટેલરે 74 રન કર્યા હતા.

જોકે ઇંગ્લૅન્ડ સામે આ બંને બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા. ગપ્ટિલ આઉટ થયા બાદ આવેલા વિલિયમસને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ક્રિઝ પર લાંબું ટકી શક્યા નહોતા.

વિલિયમસન 53 બૉલમાં માત્ર 30 રન કરી શક્યા હતા. વિલિયમસન પ્લનકેટની બૉલિંગમાં વિકેટકીપર બટલરના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.

તો આક્રમક બેટિંગ માટે જાણીતા ટેલર પણ નિષ્ફળ રહ્યા હતા. ટેલર 31 બૉલમાં 15 રન કરી શક્યા હતા. તેઓ વૂડની બૉલિંગમાં એલબીડબલ્યુ આઉટ થયા હતા.

અગાઉ ભારત સામેની સેમિફાઇનલમાં રોસ ટેલરે સૌથી વધારે 74 રન બનાવીને ટીમને સારો સ્કોર અપાવ્યો હતો, પણ ફાઇનલમાં ટેલર માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ફાઇનલમાં બીજી વાર હાર

ન્યૂઝીલૅન્ડ 2015ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું, પણ ઑસ્ટ્રિલિયાએ તેને 7 વિકેટે હરાવ્યું હતું.

સતત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યા પછી પણ તેને આ વખતે હારનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે ચોથી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલા ઇંગ્લૅન્ડે ન્યૂઝીલૅન્ડની હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો