વર્લ્ડ કપ : ડકવર્થ લુઈસ નિયમ કોણે અને કેવી રીતે બનાવ્યો?

વાત 1992ના વર્લ્ડ કપની છે. જ્યારે સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ રમાઈ રહી હતી.

ઇંગ્લૅન્ડને હરાવવા માટે દ. આફ્રિકાને 13 બૉલમાં 22 રનની જરૂર હતી, પરંતુ આ સમયે જ વરસાદ વિઘ્ન બન્યો અને મૅચ અટકી ગઈ.

10 મિનિટ બાદ વરસાદ રોકાયો અને દ. આફ્રિકાના બૅટ્સમૅન મેદાન પર ઊતર્યા તો સ્કોરબોર્ડ પર નવો સ્કોર ફ્લૅશ થયો જે દ. આફ્રિકાને કરવાનો હતો.

સ્કોર હતો 1 બૉલમાં 22 રન. જોકે, આમાં ભૂલ હતી. દ. આફ્રિકાને જીતવા માટેનો નવો સ્કોર હતો 1 બૉલમાં 21 રન.

તે સમયના નિયમ મુજબ મળેલો નવો લક્ષ્યાંક દરેક માટે ચોંકાવનારો હતો. રેડિયો પર કૉમેન્ટરી કરી રહેલા ક્રિસ્ટોફર માર્ટિન જેંકિસ આશ્ચર્ય સાથે બોલ્યા, "મને વિશ્વાસ છે કે કોઈને કોઈ તો આ મુશ્કેલીમાંથી રસ્તો કાઢશે."

બ્રિટિશ આંકડાશાસ્ત્રી ફ્રેંક ડકવર્થ પણ રેડિયો પર આ કૉમેન્ટરી સાંભળી રહ્યા હતા.

ડકવર્થે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મને લાગ્યું કે આ સ્કોરમાં ગણિતને લગતી મુશ્કેલી છે જેનું સમાધાન થવું જરૂરી છે."

વર્ષ 1992માં ડકવર્થે રોય સ્ટેટસ્ટિકલ સોસાયટીને એક પેપર રજૂ કર્યું જેનું શીર્ષક હતું, 'ખરાબ હવામાનમાં નિષ્પક્ષ રમત'.

પરંતુ હજુ આ પેપર અધૂરું હતું. યુનિવર્સિટી ઑફ ધ વેસ્ટ ઑફ ઇંગ્લૅડના લેક્ચરર ટોની લુઈસે આ પેપરને પૂર્ણ કર્યું.

બન્ને ગણિતશાસ્ત્રીઓએ ફૅક્સ મારફતે નવા નિયમને આખરી ઓપ આપ્યો. આ બન્નેએ બનાવેલી ફૉર્મ્યુલાને 'ડકવર્થ લુઈસ' નિયમ નામ આપવામાં આવ્યું.

આખરે ઘણા પ્રયત્નો બાદ વાયા ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે આ નિયમ આઈસીસી સુધી પહોંચ્યો.

લુઈસે બીબીસીને કહ્યું, "એ જોવું ખરેખર રાહતપૂર્ણ છે કે અમારા બનાવેલા નિયમને દરેક ખેલાડી સ્વીકારી લે છે. અમારા બનાવેલા નિયમે ખરેખર રમતના વિકાસમાં ફાળો આપ્યો છે."

ડકવર્થ લુઈસ નિયમ અગાઉની મૅચ

વર્ષ 1997માં પહેલી વાર ઝિમ્બાબ્વે અને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ 1998માં ન્યૂઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાં પણ આ નિયમનો ઉપયોગ થયો.

વર્ષ 1999માં આઈસીસી દ્વારા ડકવર્થ લુઈસ નિયમને લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ઇંગ્લૅન્ડનું હવામાન 2019 જેવું નહોતું.

આને લીધે આ નિયમ 1999ના વર્લ્ડ કપમાં સામેલ કરાયો નહોતો.

વર્ષ 2001માં આઈસીસીએ ઔપચારિક રીતે ડકવર્થ લુઈસ નિયમને સ્વીકારી લીધો અને ટ્રાયલ સ્વરૂપે આ નિયમને ક્રિકેટનાં દરેક ફૉર્મેટમાં લાગુ કરાયો.

વર્ષ 2004માં સ્થાયી રીતે ડકવર્થ લુઈસ નિયમ આઈસીસીનો હિસ્સો બની ગયો. જોકે, આ નિયમની આલોચના પણ થતી રહી છે.

ડકવર્થ અને લુઈસ રિટાયર્ડ થયા બાદ પ્રોફેસર સ્ટીવ સ્ટર્ન તેમના સંરક્ષક બની ગયા. વર્ષ 2014માં આ નિયમનું નામ બદલીને ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) થઈ ગયું.

આજ સુધી આ નિયમનો ઉપયોગ 220થી વધુ મૅચમાં થઈ ચૂક્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો