રાંચી : વાંધાજનક ફેસબુક પોસ્ટ પર જજે યુવતીને પાંચ કુરાન વહેંચવાની શરતે જામીન આપતા વિવાદ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણીઓ ભડકાવતી અનેક પોસ્ટ જોવા મળે છે. ત્યારે એક કિસ્સામાં રાંચીની અદાલતે પોસ્ટ કરનાર આરોપી યુવતીને પાંચ કુરાન વહેંચવાની શરતે જામીન આપ્યા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

અહેવાલ મુજબ ફેસબુક પર વાંધાજનક ધાર્મિક પોસ્ટ લખ્યા પછી ધરપકડ કરાયેલી યુવતીને રાંચી કોર્ટે જામીન પર છોડવાનો આદેશ કર્યો છે.

કોર્ટે તેમને પાંચ અલગઅલગ સંસ્થાઓને ઇસ્લામનું ધાર્મિક પુસ્તક કુરાન ભેટ આપવાની શરત સાથે જામીન પર છોડ્યાં છે.

રાંચીના મૅજિસ્ટ્રેટ મનીષકુમાર સિંહે જામીન આપતાં રિચા પટેલ ઉર્ફ રિચા ભારતી નામના યુવતીને આદેશ આપ્યો છે કે તેઓ ધાર્મિક ગ્રંથ કુરાનની એક નકલ સદર અંજુમન ઇસ્લામિયા કમિટીને તેમજ અન્ય ચાર નકલ વિવિધ શાળા-કૉલેજને ભેટ આપે.

કોર્ટમાં હાજર રહેલાં આરોપીના વકીલ રામપ્રવેશ સિંઘે કહ્યું હતું, "યુવતીને અંજુમન ઇસ્લામિયાના વહીવટી તંત્રની હાજરીમાં એક કુરાન ભેટ કરીને તેની રસીદ કોર્ટમાં જમા કરવા આદેશ આપ્યો છે. તે સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદથી કુરાનની નકલો વિવિધ શાળા-કૉલેજની લાઇબ્રેરીમાં આપશે. તેમણે પંદર દિવસમાં પાંચ રસીદ કોર્ટમાં જમા કરાવવાની રહેશે."

આ મામલે ફરિયાદી મંસૂર ખલીફાએ બીબીસી હિન્દીના સહયોગી રવિ પ્રકાશને કહ્યું કે જામીનની શરતો મુજબ રિચા પટેલે હજી સુધી તેમને કુરાનની નકલ આપી નથી. અદાલતે એમને તેમ કરવા કહેલું છે.

એમણે કહ્યું કે પોલીસ ફરિયાદ કર્યા પછી યુવતીના પરિવારજનો અને સમાજના લોકોએ એમની નાની ઉંમરને ધ્યાને લઈ અને આગળના જીવનનો હવાલો આપી સમાધાન કરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો મેં સ્વીકાર કરી લીધો હતો અને તેને લીધે એમને જામીન મળવામાં સરળતા થઈ.

શું છે મામલો?

રિચા પટેલ ઉર્ફ રિચા ભારતી કૉલજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. રાંચીના પિઠોરિયામાં પોતાના પરિવાર સાથે રહે છે. એમની સામે પિઠોરિયાના મુસ્લિમોના સામાજિક સંગઠન અંજુમન ઇસ્લામિયાના પ્રમુખ મંસૂર ખલીફાએ પિઠોરિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

એમની ફરિયાદ હતી કે રિચા પટેલની ફેસબુક અને વૉટ્સઍપ પોસ્ટથી ઇસ્લામ ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આને લીધે સામાજિક સદભાવનાને ઠેસ પહોંચી શકે છે. આ ફરિયાદ પછી પોલીસે ગુરુવારે સાંજે એમની ધરપકડ કરી લીધી.

બીજે દિવસે ચોકમાં હનુમાનચાલીસાના પાઠ અને જય શ્રીરામની નારેબાજી કરવામાં આવી. લોકોએ પોલીસ પર પક્ષપાતનો પણ આરોપ મૂક્યો હતો.

ધરપકડ બાદ સ્થાનિક લોકોએ અને હિંદુ સંસ્થાઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શનિવારે સ્થાનિકોએ પિઠોરિયા પોલીસ સ્ટેશન બહાર દેખાવો પણ કર્યા હતા. ગ્રામ્ય એસપી આશુતોષ શેખરે લોકોને યુવતી જલદી છૂટી જશે તેવો વિશ્વાસ અપાવ્યા બાદ આ ધરણાં સંકેલી લેવાયાં હતાં.

આ દરમિયાન બેઉ પક્ષોમાં સમાધાનની વાતો થઈ અને તેમની જામીન અરજી અદાલતમાં રજૂ કરવામાં આવી. આ જામીનઅરજીમાં જજ મનીષકુમાર સિંહે કુરાનની પાંચ પ્રત અંજુમન કમિટી અને અન્ય પુસ્તકાલયોને ભેટ કરવાની શરત મૂકી.

શરત મુજબ તેમણે 15 દિવસમાં કુરાનની 5 નકલ વહેંચવાની છે. જે માટે એમને પોલીસ રક્ષણ આપવાનું પણ અદાલતે કહ્યું છે.

યુવતીનું શું કહેવું છે?

અદાલતના આદેશ અંગે રિચા પટેલે રાંચીથી બીબીસી હિન્દી સેવાના સહયોગી રવિ પ્રકાશને કહ્યું કે 'ફેસબુક પોસ્ટને લીધે અન્ય ધર્મસ્થળે જઈને કુરાન વહેંચવાનો આદેશ મને અસહજ લાગે છે.'

''મને ખૂબ ખોટું લાગી રહ્યું છે. હું અદાલતનું સન્માન કરું છું, પરંતુ મને એ અધિકાર છે કે હું ઉપરની અદાલતમાં મારી વાત રજૂ કરું. કોઈ મારા મૌલિક અધિકારોનું હનન કેવી રીતે કરી શકે?' 'ફેસબુક પર પોતાના ધર્મ વિશે લખવું એ ક્યાંનો ગુનો છે? હું એક વિદ્યાર્થિની છું તે છતાં મને અચાનક પકડી લેવામાં આવી."

આ અંગે યુવતીએ સ્થાનિક બીબીસીને કહ્યું, "જે પોસ્ટ માટે ઝારખંડની પોલીસે મારી ધરપકડ કરી તે મેં નરેન્દ્ર મોદી ફૅન ક્લબ નામના ગ્રૂપમાંથી કૉપી કરી હતી અને મારા પેજ પર શૅર કરી હતી. એમાં ઇસ્લામ વિરુદ્ધની કોઈ વાત નહોતી."

"મને હજી સુધી અદાલતના નિર્ણયની નકલ મળી નથી. એ મળશે પછી હું નક્કી કરીશ કે અદાલતનો નિર્ણય માનવો કે તેની સામે ઉપરની કોર્ટમાં અપીલ કરવી."

આ અંગે યુવતીએ સ્થાનિક મીડિયાને આપેલી મુલાકાતનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં યુવતી કહે છે કે હું તો ફક્ત પોસ્ટ કરતી હતી. ફેસબુક પર બહુ બધાં ગ્રૂપ છે, ઇન્ડિયા આર્મી, નરેન્દ્ર મોદી ફૅન ક્લબ વગેરે. મેં કદી નહોતું વિચાર્યુ કે મારા વિસ્તારના લોકો મારી સામે કેસ કરી દેશે.

એમણે એમ પણ કહ્યું, "તેઓ અદાલતનો આદેશ માનવા તૈયાર નથી. અદાલત આજે કુરાન વહેંચવાનું કહે છે, કાલે કહેશે કે તમે ઇસ્લામ સ્વીકાર કરી લો, નમાઝ પઢી લો. કદી કોઈ મુસ્લિમને આવું કહેવામાં આવ્યું છે કે તમે હિંદુના સનાતન ધર્મને ખોટો કહ્યો છે તો રામાયણના પાઠ કરી લો, હનુમાનચાલીસા વાંચો, દુર્ગાપાઠ કરો."

યુવતીએ એવો દાવો કર્યો છે કે અનેક મુસ્લિમો પણ આવી પોસ્ટ કરે છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા

સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો આવો આદેશ કરનારા જજ મનીષકુમાર સિંહને સેક્યુલર ગણાવી ટિપ્પણીઓ કરી રહ્યા છે, તો કેટલાક લોકો આવી શરત મૂકવા બદલ અદાલતની ટીકા પણ કરી રહ્યા છે.

પ્રદીપ પાલે એક ટ્વીટમાં લખ્યું છે કે અદાલતનો આ મૂર્ખતાપૂર્ણ નિર્ણય પચાવવો મુશ્કેલ છે.

શુભમ શર્મા નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખેલું છે કે પોતાના વિચારો અને ધાર્મિક માન્યતાઓનું રક્ષણ કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને જજ સમેત કોઈ પણ તમને તેનાથી દૂર ન કરી શકે.

આર્યા નામના એક ટ્વિટર હૅન્ડલ પર લખવામાં આવ્યું છે કે હું અદાલતના નિર્ણયથી સહમત નથી. રિચા ભારતીને બીજા ધર્મનું સન્માન કરવા વિશે જ્ઞાન આપવાની જરૂર છે. તેને ભારતનું બંધારણ વાંચવાનું કહેવાવું જોઈએ. તેણે કોમી નફરતને કારણે જે કર્યું તે ભયાનક છે. તેને આ વિશે જાગરૂક કરવી એ જ એક સમાધાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો