ક્ષત્રિય ઠાકોર સમાજનો કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા ઉપર પ્રતિબંધ

ગુજરાતના જેગોલ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં આપવા સહિતના નવ મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા.

આ સિવાય પ્રેમલગ્ન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ છોકરો-છોકરી પ્રેમલગ્ન કરે તો તેનાં માતાપિતાને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઠરાવને સ્થાનિક લોકો 'બંધારણ' તરીકે ઓળખાવી રહ્યા છે.

સમાજના અગ્રણીઓનું કહેવું છે કે નાણાનો બિનજરૂરી વેડફાટ ન થાય તથા આર્થિક બચત થાય તે માટે આ જાહેરાતો કરવામાં આવી છે.

ક્ષત્રિય ઠાકોર સમાજના લોકપ્રતિનિધિઓ 'અમુક પગલાં'ને આવકારી રહ્યા છે અને તે સમાજ માટે 'હિતકારક' બની રહેશે એમ માને છે.

ક્ષત્રિય ઠાકોર સમાજનું 'બંધારણ'

એએનઆઈના રિપોર્ટ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના જેગોલ ખાતે ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં નવ મુદ્દાને 'બંધારણ' તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.

નિયમો પ્રમાણે, કુંવારી છોકરીઓને મોબાઇલ ન આપવો અને જો કોઈ તેનો ભંગ કરે તો તેની 'જવાબદારી' માતાપિતાની રહેશે.

જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ ઠાકોરે કહ્યું, "રવિવારે સમાજની બેઠક મળી હતી, જેમાં લગ્ન-પ્રસંગ દરમિયાન ડીજે તથા ફટાકડા જેવા બિનજરૂરી ખર્ચ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો."

આ સિવાય તમામ પ્રસંગોમાં ડીજે વગાડવા પર તથા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બાર ગામના ઠાકોર યુવકના લગ્ન સમયે વરઘોડો કાઢવો નહીં તથા જો બહારથી જાન આવી હોય તો તેમને કાઢવા દેવો નહીં તેવું ફરમાન પણ આપવામાં આવ્યું છે.

આ 'બંધારણ' જેગોલ, કોટડા, ગાગુંદરા, ઓઢવા, હરિયાવાડા, મારપુરિયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી તથા વેળાવાસ એમ બનાસકાંઠા જિલ્લાના બાર ગામમાં લાગુ પડશે.

'જો પ્રેમલગ્ન કર્યાં તો...'

ક્ષત્રિય સમાજના બાર ગામ દ્વારા જે 'બંધારણ' સ્વીકારવામાં આવ્યું, તેમાં જો કોઈ છોકરો કે છોકરી પ્રેમલગ્ન કરે તો તેના પરિવારને 'જવાબદાર' ઠેરવવામાં આવ્યો છે.

જોકે, 'આંતરજ્ઞાતિય' કે 'આંતરજાતીય' એવા શબ્દ વાપરવાને બદલે 'નીચુ ભળાવવું' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે.

જો કોઈ છોકરી પ્રેમલગ્ન કરે તો તેના માતાપિતાને રૂ. દોઢ લાખ તથા જો કોઈ છોકરો પ્રેમલગ્ન કરે તો તેના માતાપિતાએ દંડ પેટે રૂ. બે લાખ આપવા તેવું 'ઠેરવવામાં' આવ્યું છે.

રાધનપુરની બેઠક ઉપરથી ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરના કહેવા પ્રમાણે લગ્નને લગતા કેટલાક નિયમો 'સારા' છે.

તેમના કહેવા પ્રમાણે, "છોકરીઓની જેમ છોકરાઓ ઉપર પણ મોબાઇલ રાખવા અંગે નિયમ લાગુ કરવામાં આવ્યા હોત તો સારું રહેત."

"પ્રેમલગ્ન અંગે હું કંઈ ન કહી શકું. મારાં પણ પ્રેમલગ્ન થયાં હતાં."

અલ્પેશ ઠાકોર પોતે 'ઠાકોર સેના' સાથે સંકળાયેલા છે, જેણે ક્ષત્રિય ઠાકોર સમાજમાં પ્રવર્તમાન દારુની બદી સામે આંદોલન છેડ્યું હતું.

આગળ જતાં ગુજરાત સરકારે દારુબંધીને લગતા નિયમો કડક બનાવ્યા હતા.

જયંતીભાઈ ઠાકોર કહે છે કે દસ દિવસ પછી વધુ એક બેઠક મળશે, જેમાં દંડની રકમ તથા કુંવારી છોકરીઓને મોબાઇલ આપવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જો કોઈ 'બંધારણ'નું પાલન ન કરે તથા 'સમાજ'ની સાથે ન રહે તો તેમની સામે કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે, પરંતુ કેવા પ્રકારની કાર્યવાહી થશે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

બંધારણ વિરુદ્ધ 'બંધારણ'

ભારતીય બંધારણ તથા કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે, 18 વર્ષના યુવક-યુવતીને 'પુખ્ત' માનવામાં આવે છે અને તેઓ પોતાની મરજી મુજબ નિર્ણય લઈ શકે છે.

બીજી બાજુ, અભ્યાસ દરમિયાન છોકરા-છોકરીઓ વચ્ચે સંપર્કનાં માધ્યમો વધ્યાં છે અને નિકટતા વધી રહી છે.

જોકે, હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં 'સમાજ અને પરંપરા'ની સામે પોતાની ઇચ્છાઓ સાથે સમાધાન કરવું પડે છે.

ગુજરાતની સરખામણીએ ઉત્તર ભારત અને તેમાં પણ હરિયાણા-પંજાબમાં 'સમાજના આગેવાનો'નું પ્રભુત્વ હોય છે, જેમને 'ખાપ' તરીકે ઓળખવામાં આવે છે.

ખાપ કપડાંથી લઈને ચાલચલગ, ઝઘડા, મોબાઇલના ઉપયોગ જેવી બાબતો ઉપર પોતાના 'ચુકાદા' સંભળાવે છે, જે ઘણીવખત 'ઑનર કિલિંગ'માં પણ પરિણામે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો