ગુજરાત : કોણ છે રાજ્યના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરીને તેમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીને સ્થાને આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી છે.

કોણ છે આચાર્ય દેવવ્રત?

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ 1981થી 2015 સુધી તેઓ કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતા.

ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરોપેથીમાં ડૉક્ટરેટ કરેલું છે.

એમણે માસિક પત્રિકા ગુરુકુલ દર્શનના સંપાદન ઉપરાંત પ્રાકૃતિક ચિકિત્સા પર પુસ્તક લખ્યું છે.

તેઓ હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય - શિમલા, ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ રહી ચૂક્યા છે.

આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં તેઓ ભારતીય રેડક્રોસ સોસાયટી, બાલ કલ્યાણ બૉર્ડ, રાજ્ય સૈનિક કલ્યાણ બૉર્ડમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે.

કોણ છે કલરાજ મિશ્રા?

ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રાની હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કલરાજ મિશ્રા ત્રણ ટર્મ સુધી રાજ્યસભામાં સાંસદ રહી ચૂક્યા છે.

2014માં દેવરિયાથી તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા હતા. જોકે, 2019માં તેમણે ચૂંટણી લડી નહોતી.

કલરાજ મિશ્રા લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં કૅબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. આ પદેથી તેમણે 2017માં રાજીનામું આપ્યું હતું.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો