જળસંકટ : પાણીની તંગી મામલે અન્ય દેશો કૅલિફોર્નિયાનું અનુકરણ કેમ ન કરી શકે?

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાણીની તંગી જેમ જેમ તીવ્ર બનતી જાય અને ઉપલબ્ધ વિકલ્પો ઉપરનું ભારણ એકદમ વધતું જાય ત્યારે અંતિમ ઉપાય તરીકે ખૂબ આકરો પાણી કાપ મૂકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

અમેરિકાના કૅલિફોર્નિયા રાજ્યની ઑરેન્જ કાઉન્ટી વૉટર ડિસ્ટ્રિક્ટના જનરલ મૅનેજર માઇક માર્કસ કહે છે કે આ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવું હોય તો પાણીના કુદરતી સ્રોત ઉપરાંત વૈકલ્પિક સંસાધનો ઊભા કરવા જ પડે.

ત્રણ-ત્રણ વર્ષનો સતત દુષ્કાળ 'વર્સ્ટ ડ્રાઉટ ઇન અ સૅન્ચુરી' એટલે કે સદીનો મહાભિષણ દુષ્કાળ પડ્યો જેને કારણે ગોલ્ડન સ્ટેટના બધાં જ જળાશયો અત્યાર સુધીની રેકર્ડબ્રેક નીચામાં નીચી સપાટીએ પહોંચી ગયાં.

આને કારણે કૃષિને અસર થઈ. સ્થાનિક અર્થવ્યવસ્થા ખૂબ તકલીફમાં આવી.

કેટલાક નાના નાના વસવાટો પાસે તો પાણી બિલકુલ ખલાસ થઈ જવા આવ્યું.

આમ છતાં કૅલિફોર્નિયા રાજ્યની ઑરેન્જ કાઉન્ટી વૉટર ડિસ્ટ્રિક્ટમાં નકામા પાણીનું શુદ્ધિકરણ કરીને ઉપયોગલાયક બનાવવાની પ્રવૃત્તિ અભૂતપૂર્વ ગતિએ આગળ વધી.

આ 'વેસ્ટ વૉટર રિસાયકલ ફૅસિલિટી' વપરાયેલું પાણી અને ગંદવાડ એકઠો કરી તેને પ્રોસેસ કરે છે અને એટલું શુદ્ધ બનાવે છે કે એ પાણી પાછું પીવાના પાણીના પુરવઠા તરીકે ઉપયોગમાં લેવાય છે.

અત્યારે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 7 કરોડ ગૅલન એટલે કે 70 MGDથી વધુ વિકસાવીને 10 કરોડ ગૅલન પ્રતિ દિવસ એટલે કે 100 MGD કરવામાં આવી છે.

આ સંખ્યા ગોલ્ડન કાઉન્ટી વૉટર ડિસ્ટ્રિક્ટની કુલ વસતીના ત્રીજા ભાગ એટલે કે 8 લાખ 50 હજાર માણસોને માટે પૂરતી છે.

પરંતું આ પાણી સાથે ભૂગર્ભજળ ભેળવવામાં આવે તો લગભગ 70 ટકા જેટલી વસતીને પાણી ઉપલબ્ધ કરવી શકાય.

સધર્ન કૅલિફોર્નિયા એકલામાં જ રોજ 1.3 અબજ ગૅલન જેટલું ગંદુ પાણી અને ગંદવાડ પેદા થાય છે.

આ તમામ ચીજોને ત્રણ તબક્કાની ટ્રીટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

RO, UV અને પાણી

પહેલા તબક્કામાં પ્રક્રિયા કરેલ પાણીને માઇક્રો ફિલ્ટરેશન થકી ઘન કચરાથી માંડી, તેલ તેમજ બૅક્ટેરિયા જેવી અશુદ્ધિઓથી મુક્ત કરવામાં આવે છે.

બીજા તબક્કામાં આ રીતે ફિલ્ટર કરેલું પાણી રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયામાંથી પસાર થાય છે.

એક અત્યંત સૂક્ષ્મ કાણાંવાળા પ્લાસ્ટિક મેમ્બ્રેનમાંથી પસાર કરવામાં આવે છે જેના કારણે વાયરસ તેમજ બૅક્ટેરિયા અને ફાર્માસ્યુટિકલ રેસિડ્યુલ્સ જેવી અશુદ્ધિ દૂર થાય છે.

ત્રીજા તબક્કામાં આ પાણીને અલ્ટ્રાવાયોલેટ લાઇટ દ્વારા ટ્રીટમેન્ટ અપાય છે જેને કારણે બાકી રહેલી અશુદ્ધિઓ અને ઑર્ગેનિક કમ્પાઉન્ડ દૂર થાય છે.

આ પાણી હવે શુદ્ધ થઈ ગયું છે પણ એને સીધા જ શુદ્ધ પાણીના સપ્લાય સાથે જોડવામાં આવતું નથી.

એના માટેનાં ધારાધોરણો નક્કી કર્યાં હોય તે માટેની અત્યંત કડક ચકાસણીમાંથી પસાર થયા બાદ જ આ પાણીને શુદ્ધ પાણીના જથ્થા સાથે ભેળવાય છે.

ત્યારબાદ એ પીવાના પાણી તરીકે પૂરું પાડવામાં આવે છે.

130 વર્ષનો ભયાનક દુષ્કાળ

અગાઉ જેનો ઉલ્લેખ કર્યો તે કૅલિફોર્નિયામાં 2014માં પડેલો દુષ્કાળ છેલ્લાં 130 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળ હતો.

67 ટકા જેટલું કૅલિફોર્નિયા આ ભયંકર દુષ્કાળમાં સપડાયું હતું જેની આપણને ભાગ્યે જ ખબર પડી હશે.

કારણ કે આ આપત્તિથી કૅલિફોર્નિયા જરા પણ વિચલિત ન થયું.

તેણે ટીપેટીપાં પાણીનો ઉપયોગ અને વપરાશમાં લેવાયેલ પાણી તેમજ ઉત્પન્ન થતા સુએજનું કાબેલિયતથી શુદ્ધિકરણ કર્યું.

આ પાણી ખરેખર પીવાલાયક છે? જવાબમાં વર્લ્ડ વૉટર કાઉન્સિલના પ્રૅસિડેન્ટ બેનેરીટો બ્રાગાને ટાંકીએ તો :

"સુએજમાંથી ઉત્પન્ન કરેલ પાણીની ગુણવત્તા ઉત્તમ પ્રકારની છે."

"આ પાણી વિશ્વનાં વિકસિત દેશો પીવા માટે વાપરે છે."

"પ્રોસેસ અને ટૅકનૉલૉજીમાં જે વિકાસ સધાયો છે તેને કારણે આવું શુદ્ધ પાણી મેળવવાનું શક્ય બન્યું છે."

કૅલિફોર્નિયાનો ફાળો

કૅલિફોર્નિયામાં દુષ્કાળ પડે એટલે શું તે પણ સમજવા જેવું છે.

કૅલિફોર્નિયા અમેરિકાના દૂધના કુલ ઉત્પાદનના 20 ટકા, ફ્રૂટ, નટ્સ અને શાકભાજીના 50 ટકા, બદામ, કાજુ અને દાડમના 90 ટકા ઉપરાંત દ્રાક્ષ, બ્રોકોલી, પિસ્તા, બેરીઝ, ચોખા, પશુ ઉછેર, દરેક પ્રકારની મોસંબી, લેટ્યુઝ, ટામેટાં, ફૂલો, અખરોટ અને બ્રોઇલર્સનાં ઉત્પાદનમાં મુખ્ય ફાળો આપતું રાજ્ય છે.

આમ, ઉદ્યોગ ઉપરાંત કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પણ કૅલિફોર્નિયા મોટો ફાળો આપે છે.

કૅલિફોર્નિયા અમેરિકામાં પેદા થતી 90 ટકા બ્રોકોલી ઉગાડે છે.

ઘણાં બધાં ફળ અને શાકભાજીનું ઉત્પાદન પણ કૅલિફોર્નિયા કરે છે.

જેમ કે, 99 ટકા આર્ટીચોક્સ (એક જાતની શાકભાજી), 99 ટકા અખરોટ, 99 ટકા કીવી, 97 ટકા પ્લમ્સ, 95 ટકા અજમો, 95 ટકા લસણ, 89 ટકા ફ્લાવર, 71 ટકા પાલક અને 69 ટકા ગાજરનું ઉત્પાદન કૅલિફોર્નિયા કરે છે.

તેનું મોટું કારણ ત્યાંનું હવામાન અને જમીન છે.

અમેરિકાનું કોઈ પણ રાજ્ય અથવા એક કરતાં વધારે રાજ્યો ભેગાં થઈને પણ કૅલિફોર્નિયાના એકર દીઠ ઉત્પાદન સામે ઊભા રહી શકે નહીં.

અમેરિકાના એરિઝોના રાજ્યની સરખામણીમાં એકર દીઠ લીંબુનું ઉત્પાદન અહીં બમણું થાય છે.

પરંતુ આખા અમેરિકાના ઉત્પાદનની સરખામણીમાં સરેરાશ કરતાં 60 ટકા વધારે પાલક કૅલિફોર્નિયામાં થાય છે.

આ વિગતો એટલા માટે આપું છું કે જો કૅલિફોર્નિયાની ખેતીને અવળી અસર થાય તો અમેરિકા તેમજ અમેરિકાની બહાર નિકાસ થતાં તેનાં કૃષિ ઉત્પાદનોને અસર થાય.

આમ, ત્રણ-ત્રણ વર્ષનો ભયાનક દુષ્કાળ પડ્યો તો પણ પાણીના રિસર્ક્યુલેશન, ખૂબ જ કરકસરયુક્ત ઉપયોગ તેમજ સુએજ અને ગંદા પાણીનો ખૂબ વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આ કાઉન્ટીએ સજ્જડ દાખલો બેસાડ્યો છે.

ભૂગર્ભ પાણી અને ગટરનું શુદ્ધ કરેલું પાણી ભેગા કરીને તેનો પુરવઠો જાળવી રાખી આ સિદ્ધિ હાંસલ કરી શકાઈ છે.

આપણે હજુ ડિસેલીનેશનની વાત કરીએ છીએ અથવા વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ તેની સામે ઇઝરાયલની એક કંપનીએ હવામાંથી પાણી મેળવી લેવાનું એક મશીન વિકસાવ્યું છે.

આ વૉટર જનરેટર મશીન ઍનર્જી ઍફિશિયન્ટ પણ છે.

આ ટૅકનૉલૉજીનો ઇઝરાયેલમાં તેમજ અન્ય છ દેશોમાં ઉપયોગ થાય છે.

આ મશીન Water-Gen નામની કંપનીએ બનાવ્યું છે અને મોટે ભાગે હજુ સુધી મિલિટરી માટેના ઉપયોગમાં લેવાય છે.

ખારા પાણીને મીઠું બનાવવું

આજે એક બીજી પણ અગત્યની વાત સમજી લઈએ.

ડિસેલીનેશન એટલે કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાના ઉપયોગમાં લેવાની પ્રક્રિયા અથવા ગંદા પાણીને શુદ્ધ કરી એને પીવા/વપરાશલાયક બનાવવાની પ્રક્રિયા મેમ્બ્રેન ટૅકનૉલૉજીથી પાણીને ગાળીને થાય છે જે વાત અગાઉ ચર્ચી ગયા છીએ.

આ ઉપરાંત જ્યારે કમ્બાઇન્ડ સાયકલ જનરેશન પ્રૉસેસ અથવા તો પ્રૉસેસ માટે હાઇ પ્રેશર સ્ટીમ ઍપ્લીકેશન કહે છે તેનો ઉપયોગ પણ દરિયાના પાણીને ગરમ કરી એમાંથી વરાળ બનાવી પછી એ ઠંડી પડે ત્યારે મીઠું પાણી મેળવવા માટે થાય છે.

ઘણાં બધાં આરબ દેશો આ પ્રક્રિયાને અનુસરે છે.

ગુજરાતમાં જામનગર ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં હાઇ પ્રેશર વરાળ વાપરી દીધા બાદ નીચા દબાણવાળી વરાળ બહાર ફેંકી દેવાને બદલે એનો ઉપયોગ દરિયાના પાણીનું નિસ્યંદન કરવા માટે થાય છે.

તેના કારણે દરિયાના પાણીમાંથી પીવાનું પાણી ઉપલબ્ધ બની શકે છે.

આમ, પાણીના વપરાશ ઉપરાંત વેસ્ટ વૉટર અથવા સુએજમાંથી પીવાલાયક પાણી બનાવવું તેમજ બાયપ્રોડક્ટ ફ્યુઅલ/સ્ટીમનો ઉપયોગ કરી દરિયાના પાણીનું નિસ્યંદન કરી મીઠું પાણી બનાવવું શક્ય છે.

ભવિષ્ય માટે શીખામણ

જેમ જેમ જરૂરિયાત ઊભી થતી જશે તેમ કૅલિફોર્નિયા અથવા સિંગાપોરની માફક નવી નવી ટૅકનૉલૉજી બજારમાં આવતી જશે જેના ઉપયોગથી કિફાયતી ભાવે માનવ ઉપયોગ માટેનું પાણી મળી રહેશે.

કૅલિફોર્નિયા ત્રણ-ત્રણ વર્ષનો ભયંકર દુષ્કાળ પણ પાણીનો ખૂબ જ કરકસરથી ઉપયોગ કરી અને ગટરના ગંદા પાણીને પીવાલાયક બનાવી પાર કરી શકે છે.

જો સિંગાપોર જેવો દેશ જે પોતાની લગભગ 100 ટકા પાણીની જરૂરિયાત માટે આધારિત હતો તે સંપૂર્ણ સ્વાવલંબી બની શકતો હોય, તો આવતીકાલની દુનિયામાં ઊભી થનાર પાણીની કટોકટીનો ઉકેલ આ બધા પ્રયાસોમાંથી મળી રહેશે એમાં કોઈ શંકા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો