કેપ ટાઉનમાં જળસંકટ: લોકો ટૉઇલેટના નળ બંધ કરવાની સલાહ

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં પાણીની અછત માઝા મૂકી રહી છે. આ અછત એટલી ગંભીર બની છે કે, સ્થાનિક વ્યવસ્થા તંત્રએ લોકોને નોટીસ આપવી પડી છે કે, પાણીનો બચાવ એ રીતે કરો કે જીવન તેના પર જ નિર્ભર હોય. પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ ન થઈ જાય તે માટે આ નોટીસ આપવામાં આવી છે.

ભયંકર દુષ્કાળને કારણે શહેરના પ્રશાસને વ્યક્તિ દીઠ દૈનિક 50 લીટર પાણીની મર્યાદા લાગુ કરવી પડી છે.

અધિકારીઓએ લોકોને જણાવ્યું છે કે એ ટૉઇલેટમાં ફ્લશ કરવા માટે ટાંકીનો ઉપયોગ ન કરે અને ઓછામાં ઓછું પાણી વહાવે.

પ્રાંતીય સરકારનાં પ્રમુખે જણાવ્યું છે કે જો પાણીનો પુરવઠો બંધ થઈ જશે તો એ સૌથી મોટું સંકટ હશે.

તમને આ વાંચવું પણ ગમશે:

હેલેન જિલે જણાવ્યું છે કે, હજી પણ પાણીના પુરવઠાને બંધ થતો અટકાવવાનું શક્ય છે.

તેમણે કહ્યું, જો લોકો રોજ પચાસ લીટર અથવા તેનાથી ઓછું પાણી વાપરે તો પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થવાનાં સંકટથી બચી શકાશે.

તેમણે જણાવ્યું, "જો આપણે બધા આપણા ઘરે અને કામના સ્થળે આ બાબતનું ધ્યાન રાખીએ તો, આ સંકટથી બચવું અશક્ય નથી."

લોકોને સલાહ આપતાં તેમણે જણાવ્યું, "તમારા ટૉઇલેટનાં ફ્લશની ટાંકી બંધ કરી દો અને ઘરમાં સફાઈ વગેરેમાં ઉપયોગ થઈ ચૂકેલા પાણીને સિસ્ટર્ન (ટૉઇલેટમાં ગોઠવેલી પાણીની ટાંકી)માં ભરો અને તેનો ઉપયોગ કરો."

"હાલના સમયમાં કોઈ પણ એક સપ્તાહમાં બે થી વધુ વખત નહાશો નહીં. પાણી એ રીતે બચાવવાનું છે કે, માનો જીવન તેના પર નિર્ભર છે."

ગત વર્ષે જિલે જણાવ્યું હતું કે, તે દર ત્રણ દિવસે એક વખત જ સ્નાન કરે છે.

ભયંકર દુષ્કાળ

કેપ ટાઉન એક પ્રવાસન સ્થળ છે અને તે છેલ્લાં સો વર્ષોમાં પડેલા સૌથી ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે.

જોકે , દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ ઊનાળામાં થયેલાં ભારે વરસાદ બાદ દુષ્કાળની સ્થિતિમાંથી બહાર આવી રહ્યો છે.

પરંતુ કેપ ટાઉન હજી પણ દુષ્કાળનો શિકાર છે. અહીં છેલ્લાં ત્રણ વર્ષમાં અત્યંત ઓછો વરસાદ પડ્યો છે.

આદતો બદલાઈ ગઈ

કેપ ટાઉનમાં રહેતા અને બીબીસી ન્યૂઝ સાથે જોડાયેલા મોહમ્મદ અલી કહે છે કે તેમની પત્નીએ હવે નહાવાનું બંધ કરી દીધું છે.

હવે તે દોઢ લીટર પાણી ઊકાળે છે અને તેમાં એક લીટર ટાંકીનું પાણી ભેળવે છે, જેનો ઉપયોગ તે શરીરને સાફ કરવા કરે છે. આ પાણીનો ઉપયોગ ટૉઇલેટના સિસ્ટર્નમાં ભરવા માટે કરી લેવામાં આવે છે.

કેપ ટાઉનના બાકી શહેરીજનોની જેમ અલીના ચાર લોકોના પરિવારે પણ તેમની આદતો બદલવી પડી છે.

અલી કહે છે કે, હવે તે ડોલ અને મગનો ઉપયોગ કરીને જ સ્નાન કરે છે.

ગત સપ્તાહે એક પ્રેસ કૉન્ફરન્સમાં મેયર પેટ્રીસિયા ડે લીલેએ કહ્યું હતું, "હવે લોકોને માત્ર પાણી વેડફવાનું જ નહીં કહીએ, પરંતુ તેમને પાણી બચાવવા માટે ફરજ પાડીશું."

દક્ષિણ આફ્રિકામાં પાણી બચાવવા માટેનું અભિયાન ચલાવતી સંસ્થા વૉટર વાઇઝ અનુસાર એક વ્યક્તિ એક મિનિટના શાવરમાં સરેરાશ પંદર લીટર પાણીનો ઉપયોગ કરે છે અને એટલું જ પાણી એક વખત ટૉઇલેટ ફ્લશ કરવામાં વપરાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો