ખુદ વિમાન ઉડાવીને પહોંચ્યા બ્રુનાઈના સુલતાન

દેશના ઇતિહાસમાં પહેલી વખત તમામ આસિયાન રાષ્ટ્રોના સર્વોચ્ચ નેતાઓ ભારતની ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થયા.

આસિયાન રાષ્ટ્રોમાં દક્ષિણ પૂર્વ એશિયાના દસ રાષ્ટ્રો સિંગાપુર, થાઇલૅન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા ફિલિપીન્ઝ, મ્યાનમાર, કમ્બોડિયા, લાઓસ તથા બ્રુનાઈનો સમાવેશ થાય છે.

બ્રુનાઈના સુલતાન હસનલ બૉલ્કિયાહ ખુદ પોતાનું વિમાન ઉડાવીને ભારત પહોંચ્યા હતા. તેમની ગણના વિશ્વના સૌથી ધનવાન સુલતાનોમાં થાય છે.

થોડો સમય અગાઉ પ્રકાશિત ફોર્બ્સની યાદી પ્રમાણે, તેમની સંપત્તિ રૂ. 12,700 કરોડથી વધારેની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

દુનિયાના સૌથી ધનિક સુલતાન

71 વર્ષીય હસનલ બૉલ્કિયાહ વૈભવી જીવનશૈલી જીવવા માટે વિખ્યાત છે.

અગાઉ વર્ષ 2008 અને 2012માં એમ બે વખત તેઓ ભારતની યાત્રા ખેડી ચૂક્યા છે. ત્યારે પણ સુલતાને જાતે જ વિમાન ઉડાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બૉલ્કિયાહ પ્રથમ વખત ભારત આવ્યા છે. આ વખતે પણ તેમના આગમનની છટા અનોખી જ રહી હતી.

સુલતાન જાતે પોતાનું પ્રાઇવેટ જેટ ઉડાવીને ભારત પહોંચ્યા હતા.

સુલતાન બૉલ્કિયાહ પાસે પાઇલટ્સની ટીમ છે, પરંતુ તેઓ જાતે જ પ્લેન ઉડાવે છે. એટલે સુધી કે બીજા કોઈને કૉકપીટમાં બેસવા સુદ્ધાં નથી દેતા.

મોટાભાગે વિદેશયાત્રા દરમિયાન તેઓ જાતે જ વિમાન ઉડાવે છે.

સુલતાન પાસે અનેક વિમાન

સુલતાન છેલ્લા 50 વર્ષથી બ્રુનાઈની ગાદી પર બિરાજમાન છે. તેમની પાસે અનેક વિમાન છે, જેમાં એરબસ એ-340નો પણ સમાવેશ થાય છે. જે એ સમયનું સૌથી મોટું વિમાન હતું.

2011માં ફોર્બ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ સુલમાન હસનલે એ સમયે રૂ. 635 કરોડના ખર્ચે બોઇંગ 747 વિમાન પણ ખરીદ્યું હતું. જે એ સમયનું સૌથી મોટું વિમાન હતું.

સુલતાને રૂ. 762 કરોડ ખર્ચીને તેનું ઇન્ટીરિયર ડિઝાઇન કરાવ્યું હતું. વિમાનમાં સોના અને ક્રિસ્ટલના બનેલા વૉશબઝિન લગાવવામાં આવ્યા છે.

વિમાનની અંદરની રંગસજ્જા ગોલ્ડન અને ગ્રીન કલરની છે. એ પ્લેન ઉડાવીને વર્ષ 2012માં સુલતાન તેમના બેગમ સાથે દિલ્હી આવ્યા હતા.

લગભગ 100 વર્ષ સુધી ઇંગ્લૅન્ડને આધિન હતું. 1984માં તે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

સુલતાન હસનલની આવકનો મુખ્ય સ્ત્રોત દેશના પેટ્રોલિયમ તથા કુદરતી ગેસના ભંડાર છે.

કુદરતી સ્ત્રોતોને કારણે બ્રુનાઈ આત્મનિર્ભર રાષ્ટ્ર છે. હજુ સુધી ઇસ્લામિક ઉગ્રપંથ અહીં પગપેસારો નથી કરી શક્યો.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, સુલતાન હસનલ પાસે દુર્લભ કારોનું બહુ મોટું કલેકશન છે. જેમાં સોને મઢેલી રૉલ્સ રૉયસ કારનો પણ સમાવેશ થાય છે.

1788 રૂમનો મહેલ

સુલતાન ઇસ્તાના નરુલ ઇમાન મહેલમાં રહે છે. જેમાં 1788 રૂમ છે. તેની ગણના વિશ્વના સૌથી મોટા ઘરમાં થાય છે.

બ્રુનાઈ નદીના કિનારે બાંધવામાં આવેલો આ મહેલ બે લાખ સ્ક્વેર ફૂટનો છે. જેમાં 38 પ્રકારના આરસપહાણ લગાવવામાં આવ્યા છે. આ મહેલમાં 1500 લોકો આરામથી રહી શકે છે.

મહેલમાં એક હેલિપૅડ, પાંચ સ્વિમિંગ-પૂલ અને 250થી વધુ બાથરૂમ છે. મહેલના બૅન્ક્વેટ હૉલમાં એકસાથે 500થી વધુ મહેમાનો માટે ભોજન સમારંભ યોજી શકાય છે.

મહેલના નામ પર બનેલી વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રના સર્વોચ્ચ નેતાના સૌથી મોટા ઘર તરીકે તેને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

સફેદ રંગના મહેલનો ગુંબજ તથા અન્ય ઇમારતો ગોલ્ડન કલરના છે. જે દૂરથી પણ નજરે પડે છે.

આ મહેલને બનાવવામાં રૂ. 6353 કરોડનો ખર્ચ થયો હતો. લગભગ બે વર્ષ સુધી મહેલનું નિર્માણકાર્ય ચાલ્યું હતું.

સુલતાને તેમના મહેલમાં ચીનના શાંઘાઈના ગ્રેનાઇટ પથ્થર, ઇટલીના આરસપહાળ તથા ઇંગ્લૅન્ડના કાચનો ઉપયોગ કર્યો છે.

બ્રુનાઈ લાંબાગાળાથી ભારતને ક્રૂડ પેટ્રોલિયમ પૂરું પાડતું રહ્યું છે. બ્રુનાઈએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં ભારતને સભ્યપદ આપવાની હિમાયત પણ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો