You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શેખ નહીં પેટ્રો ડોલરના 'અસલી કિંગ' તો હિંદુ જ
- લેેખક, ઝુબૈર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દુબઈ
ઘણાં વર્ષો પહેલા 1981માં લગભગ 800 દલિતોએ તમિલનાડુના મીનાક્ષાપુરમમાં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
એ સમયે એમ કહેવામાં આવ્યું હતું કે દલિતોના ધર્મ પરિવર્તન માટે 'બહારથી આવેલી રકમ'નો ઉપયોગ કરાયો હતો. મીડિયાએ તેને 'પેટ્રો ડોલર' નામ આપ્યું હતું.
'પેટ્રો ડોલર'નો મતલબ હતો એ પૈસા જે ખાડી દેશો, સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરેબિયાથી મોકલવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો મુસ્લિમ દેશોમાંથી આવેલા પૈસા.
એ સમય હતો આ દેશોમાં જબરદસ્ત વિકાસનો. આ દેશોના વિકાસમાં ભારતથી ગયેલા શ્રમિકોનું યોગદાન હતું કે જેઓ દર મહિને પોતાના ઘરે પૈસા મોકલતા હતા.
આ કારણોસર મજૂરોના ઘરની આર્થિક સ્થિતિ સુધરી હતી અને તેમનું જીવન ઉત્તમ બન્યું હતું.
આ શ્રમિકોમાં એક મોટી સંખ્યા ભારતીય મુસ્લિમોની હતી કે જેઓ 'પેટ્રો ડોલર'ની કમાણી પહેલા ગરીબીમાં જીવન વિતાવી રહ્યા હતા.
જોકે, તે સમયે ઘણા લોકોએ કહ્યું હતું કે મીનાક્ષીપુરમમાં ધર્મ પરિવર્તન પૈસાના કારણે નહીં, પણ દલિતો વિરૂદ્ધ ભેદભાવને કારણે થયું હતું.
એ સમયે ધર્મ પરિવર્તન કરનારાંઓએ પણ આવું જ કંઈક કારણ બતાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
પ્રગતિ અને પેટ્રો ડોલર!
વર્ષો સુધી 'પેટ્રો ડોલર'ના નામે મુસ્લિમો પર કટાક્ષ કરવામાં આવ્યો.
જો કોઈ મુસ્લિમની પ્રગતિ થઈ તો એવું કહેવામાં આવ્યું કે 'પેટ્રો ડોલર'ના કારણે તેમને સફળતા મળી છે.
પરંતુ હાલ અમીરાતના મારા પહેલા પ્રવાસ દરમિયાન હું સમજી ગયો કે આ કેટલી મોટી કલ્પિત કથા હતી. બીજા શબ્દોમાં આ એક જૂઠ્ઠાણું હતું.
અમીરાતમાં ભારતથી આવેલા લોકોએ ખૂબ સફળતા મેળવી છે. તેમાં ભારતથી આવેલા મુસ્લિમો કરતા હિંદુઓની સંખ્યા વધારે છે. આ જ પરિસ્થિતિ ખાડી દેશો તેમજ સાઉદી અરેબિયાની છે.
તમે તેને જે પણ દૃષ્ટિકોણથી જુઓ, આ દેશોમાં હિંદુ વધુ સફળ જોવા મળશે.
જો તમે અહીંના 100 સૌથી ધનવાન ભારતીય પ્રવાસીઓની યાદી જોશો તો તેમાં હિંદુઓ છવાયેલા જોવા મળશે. અથવા તો સારો હોદ્દો- પદવી ધરાવતી નોકરીઓની યાદી પર નજર કરશો તો તેમાં પણ ભારતીય મુસ્લિમો અલ્પ પ્રમાણમાં જોવા મળશે.
મુસ્લિમોની સંખ્યા મજૂર વર્ગમાં વધારે છે. મિક્કી જગતિયાની, રવિ પિલ્લઈ અને બીઆર શેટ્ટી જેવા લોકો ન માત્ર અબજપતિ છે પણ વેપારની દુનિયાના બાદશાહ પણ છે.
તેઓ અહીં વર્ષોથી પ્રગતિ કરી રહ્યા છે. બેંક અને અન્ય ખાનગી સેક્ટરમાં પણ હિંદુઓ સૌથી વધુ ટોપ પર છે.
હિંદુઓનું યોગદાન
અરબ દેશોની તેલ સંપત્તિએ આ મિથકને જન્મ આપ્યો કે તેલના પૈસાને હિંદુ દલિતોના ધર્મને પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.
મેં જ્યારે સ્થાનિક અરબને 'પેટ્રો ડોલર' વિશે જણાવ્યું, તો તેઓ હસી પડ્યા અને કહ્યું કે, 'પેટ્રો ડોલર'ની કમાણીમાં હિંદુઓનું યોગદાન વધારે છે.
અમીરાતના 28 લાખ ભારતીયો દર વર્ષે 13 અબજ ડોલર મૂલ્યુનું વિદેશી હૂંડિયામણ કે બીજા શબ્દોમાં કહીએ તો 'પેટ્રો ડોલર' ઘરે મોકલે છે.
શેટ્ટીને મેં પૂછ્યું, 'તમે એક સ્વઘોષિત કટ્ટર હિંદુ છો તો તમને એક ઇસ્લામિક દેશમાં વેપાર કરવામાં મુશ્કેલી ન પડી?'
તેમનું કહેવું હતું કે તેમની અમીરાત સરકારે હંમેશા મદદ કરી છે. તેમની પ્રગતિમાં તેમનો ધર્મ ક્યારેય વચ્ચે નથી આવ્યો.
અસલી 'પેટ્રો ડોલર' તો શેટ્ટી સાહેબ જેવા લોકો પાસે છે અને સ્પષ્ટ છે કે ઇસ્લામને ફેલાવવા માટે ખર્ચ નથી કરવામાં આવતા.
જોકે, મીડિયામાં 'પેટ્રો ડોલર' શબ્દનો ઉપયોગ હવે નહીવત્ પ્રમાણમાં થાય છે, પરંતુ સમાજમાં આજે પણ એવા તત્વો છે જે તેને મુસ્લિમો સાથે જોડે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો