'મને વેચી નાખવામાં આવેલી એની ખબર સાઉદી અરેબિયામાં પડી'

    • લેેખક, પાલ સિંગ નૌલી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સાઉદી અરેબિયામાં પંજાબની મહિલાઓને વેચી નાખવાના કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે.

ગરીબ અને ઓછું ભણેલી મહિલાઓને સાઉદી અરેબિયામાં ગુલામ બનાવવામાં આવી હોવાના ત્રણ કિસ્સા તાજેતરમાં બહાર આવ્યા હતા.

એ ત્રણ પૈકીની બે પાછી ફરી છે, જ્યારે ત્રીજી હજુ પણ સાઉદી અરેબિયામાં ફસાયેલી છે.

હોશિયારપુરના ભૂંગરની ગામની રહેવાસી 30 વર્ષની ઈકવિન્દર કૌર ઉર્ફે સપનાએ કહ્યું હતું કે ''મારી સખી જ એક દિવસ મારું સપનું રોળી નાખશે એ મને ખબર ન હતી.''

તમને આ પણ વાંચવું ગમશે

બહેનપણી પર વેંચી નાખવાના આક્ષેપ

મજૂરી કરીને ગુજરાન ચલાવતી ઈકવિન્દર એક છોકરીને મળી હતી. એ છોકરીએ ઈકવિન્દર કૌરને એવાં સપનાં દેખાડ્યાં હતાં, જેને કારણે તે સાઉદી અરેબિયામાં ફસાઈ ગઈ હતી.

અભણ ઈકવિન્દરને તેનો પાસપોર્ટ ગામમાં રહેતી તેની બહેનપણીએ જ બનાવી આપ્યો હતો. ઈકવિન્દરને વાયા દુબઈ સાઉદી અરેબિયા પહોંચવાની ટિકિટ તથા વિઝાની વ્યવસ્થા પણ એ સહેલીએ કરી આપી હતી.

ત્રણ બાળકોની મમ્મી ઈકવિન્દરના પતિ રણજીત સિંઘ એક ફેક્ટરીમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે.

રણજીત સિંહ એક આંખથી દિવસે કશું જોઈ નથી શકતા અને રાતે તેમની બીજી આંખ કામ કરતી બંધ થઈ જાય છે.

બે મહિના પહેલાં સાઉદી અરેબિયા ગયેલી ઈકવિન્દર કથિત ગુલામીમાંથી મુક્ત થયા બાદ ચોથી ઓક્ટોબરે તેના બાળકો પાસે પાછી આવી ગઈ હતી.

ઈકવિન્દરે જણાવ્યું હતું કે તેને સાઉદી અરેબિયામાં મોકલવા માટે 40 હજાર રૂપિયા માગવામાં આવ્યા હતા.

સાઉદી અરેબિયામાં તેની પાસે સફાઈનું કામ કરાવવામાં આવશે અને દર મહિને 1,000 રિયાલ પગાર પેટે આપવામાં આવશે, એવી ખાતરી ઈકવિન્દરને આપવામાં આવી હતી.

એક રૂમનું ઘર

ઈકવિન્દરે જણાવ્યું હતું કે તેને દુબઈના વિઝા મળ્યા ત્યારે એ બેચેન થઇ ગઇ હતી.

એ પોતાના બાળકોને છોડવા ઈચ્છતી ન હતી, પણ ગરીબ હોવાથી સાઉદી જવા તૈયાર થઈ હતી.

ભૂંગરની ગામની સાંકડી ગલીઓમાં એક રૂમના મકાનમાં ઈકવિન્દર તેના પરિવાર સાથે રહે છે. તેમાં પલંગ મૂક્યા પછી ખાસ કોઈ જગ્યા રહેતી નથી.

અભણ ઈકવિન્દર પાસે એક કોન્ટ્રાક્ટ પર સહી કરાવવામાં આવી હતી.

સાઉદી અરેબિયા જવા માટે ઈકવિન્દરે દિલ્હી પહોંચવાનું હતું, પણ તેની પાસે દિલ્હી પહોંચવાના પૈસા ન હતા. તેથી તેણે ગામમાં એક વ્યક્તિ પાસેથી 7,000 રૂપિયા વ્યાજ પર લીધા હતા.

એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે ઈકવિન્દરને લાગ્યું હતું કે તેના સપનાની સફર શરૂ થઈ ગઈ છે અને હવે તેની ગરીબી દૂર થઇ જશે.

જિંદગીમાં પહેલીવાર વિમાનમાં બેઠેલી ઈકવિન્દર તેના બાળકોને સારું શિક્ષણ આપવાના સપનાં જોવા લાગી હતી.

દુબઇથી સાઉદી અરેબિયાની સફર

દુબઈ પહોંચેલી ઈકવિન્દરની મુલાકાત એરપોર્ટ બહાર એક બુરખાધારી મહિલા સાથે થઈ હતી.

એ મહિલા ઈકવિન્દરને તેની સાથે લઈ ગઈ હતી અને તેમને એ જ સાંજે ઈકવિન્દરને દુબઇથી સાઉદી અરેબિયા જતા પ્લેનમાં બેસાડી દેવામાં આવ્યાં હતાં.

સાઉદી અરેબિયાના એક પરિવારમાં સાથે 15 દિવસ તો બધું સારી રીતે ચાલ્યું હતું, પણ 15 દિવસ બાદ તેનો ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો.

ઈકવિન્દરે કહ્યું હતું કે ''હું ત્રણ માળના ઘરમાં રહેતી હતી. માલિકની પાંચથી છ પત્નીઓ અને સાત-આઠ બાળકો હતાં. ઘરની સફાઇનું, કપડા ધોવાનું, રાંધવાનું અને અન્ય કામ હું સતત કરતી હતી.''

ઈકવિન્દર ઉમેરે છે કે ''આરામ માટે જરાય સમય આપવામાં આવતો ન હતો અને મને ખાવાનું પણ બહુ ઓછું આપવામાં આવતું હતું.''

ઘરમાં કૅમેરા

ઈકવિન્દરે જણાવ્યું હતું કે એ ઘરના દરેક ખૂણામાં કેમેરા લગાવવામાં આવ્યા હતા. માત્ર તેના રૂમમાં કેમેરા ન હતો.

એક દિવસ માલિકનો પરિવારે ઈકવિન્દરને માંસનો મોટો ટુકડો આપ્યો હતો અને તેને કાપીને રાંધવા જણાવ્યું હતું.

એ કામ ઈકવિન્દર માટે મુશ્કેલ હતું, પણ પોતાનાં બાળકો અને ગરીબીનો વિચાર કરીને ઈકવિન્દરે એ કામ કરી નાખ્યું હતું.

ધમકી આપવામાં આવી

ગામની જે છોકરીએ ઈકવિન્દરને સાઉદી અરેબિયા મોકલી હતી, એ પોતે ભારત પાછી આવી ગઈ હતી.

તેણે ફોન પર ઈકવિન્દરને જણાવ્યું હતું કે આખી જિંદગી ત્યાં રહેવું પડશે.

ઈકવિન્દરને સાઉદી અરેબિયા મોકલનારી છોકરી તેને પોલીસનો ડર દેખાડીને ધમકાવતી હતી.

બે મહિના તેને સદીઓ જેવા લાગ્યા હતા અને દરેક દિવસ પસાર કરવાનું મુશ્કેલ બની ગયું હતું.

એ દરમ્યાન તેની મુલાકાત એ પંજાબી છોકરી સાથે થઈ હતી.

એ છોકરીએ એક વીડિયો બનાવીને તેને કોઈક રીતે વોટ્સએપ મારફત મોકલી આપવા ઈકવિન્દરને જણાવ્યું હતું.

ઈકવિન્દરે તેની દર્દનાક કહાણી તેના મોબાઇલ મારફત ટુકડાઓમાં રેકોર્ડ કરીને તેનો વીડિયો એ છોકરીને વોટ્સએપ કર્યો હતો.

ઈકવિન્દરે જણાવ્યું હતું કે એ એક લાશના સ્વરૂપે કોફિનમાં પૂરાઈને ભારત પરત આવવા ઈચ્છતી ન હતી.

તેથી એ હિંમત હારી ન હતી. કોઈક પરિવારનો સંપર્ક સાધવામાં એ સફળ થઈ હતી.

શીખ સંસ્થા દમદમી ટકસાલના ભાઇ સંદીપ સિંહે જણાવ્યું હતું કે તેમણે સોશિઅલ મીડિયા પર ઈકવિન્દરનો વીડિયો જોયો પછી તેમણે પીડિત પરિવારનો સંપર્ક કર્યો હતો.

એ પછી એજન્ટને દોઢ લાખ રૂપિયા આપીને ઈકવિન્દરને ભારત પરત લાવવામાં આવી હતી.

આ બાબતે બીબીસી પંજાબી સાથે વાત કરતાં હોશિયારપુરના એસએસપી જે. એલંચેજિયને જણાવ્યું હતું કે ઈકવિન્દર કૌરનો કેસ તેમની સામે આવ્યો છે.

પીડિતાના પરિવારનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદન નોંધવામાં આવશે. પછી કાયદા અનુસાર પગલાં લેવામાં આવશે.

એસએસપીએ જણાવ્યું હતું કે પોલીસને આ કેસની ખબર મીડિયા મારફત પડી હતી.

આ મામલે પરિવારનું નિવેદન નોંધવાનો નિર્ણય શુક્રવારે જ લેવામાં આવ્યો હતો.

સુષ્મા સ્વરાજે કરી હતી એક અન્ય મહિલાને મદદ

જલંધરના નૂરમહેલના અજતાની ગામની સુખવંત કૌર સાઉદી અરેબિયામાં પાંચ મહિના કથિત રીતે ગુલામ તરીકે જીવન જીવ્યા બાદ ગત 31 મેએ ઘરે પરત આવી હતી.

તેને બચાવવા માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પ્રયાસ કર્યા હતા.

સુખવંત કૌરને મુંબઈ એરપોર્ટ પર પહોંચાડવામાં આવી હતી, પણ તેના પરિવાર પાસે તેને મુંબઇથી જલંધર લાવવાના પૈસા ન હતા.

આથી, સુષ્મા સ્વરાજે સુખવંત કૌરને અમૃતસર પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.

સુખવંત કૌરની કહાણી

સુખવંત કૌરે જણાવ્યું હતું કે ટ્રાવેલ એજન્ટોએ તેને પણ સાડા ત્રણ લાખ રૂપિયામાં સાઉદીના એક પરિવારને વેચી નાખી હતી.

આપવીતી જણાવતાં સુખવંત કૌર રડી પડી હતી.

સુખવંત કૌરે જણાવ્યું હતું કે તેણે પગારની માગણી કરી ત્યારે તેને લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો હતો.

પોતે વૃદ્ધ હોવાનું તેણે જણાવ્યું તો પણ માલિકોને તેની દયા આવી ન હતી.

કરજ ચૂકવવાની મજબૂરી

ઉધાર લીધેલા પૈસા ચૂકવી શકાય એટલા માટે સુખવંત કૌર વિદેશ ગયાં હતાં.

તેમણે તેમના દીકરાને બે લાખ રૂપિયા ઉધાર લઇને કુવૈત મોકલ્યો હતો, પણ દીકરાએ તેમને ત્યાંથી એકેય પૈસો મોકલ્યો ન હતો.

તેમના પરનો દેવાંનો બોજ વધતો જતો હતો.

એ સમયે પૂજા નામની એક ટ્રાવેલ એજન્ટે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને સાઉદી અરેબિયાના એક ઘરમાં કામની નોકરી હોવાનું જણાવ્યું હતું.

એ માટે દર મહિને 22,000 રૂપિયા પગાર મળશે એવું પણ તેણે જણાવ્યું હતું.

સુખવંત કૌરે તેમના પતિ કુલવંત સિંહને પરદેશ મોકલવા જણાવ્યું ત્યારે પૂજાએ તેમને જણાવ્યું હતું કે એમની વય વધારે છે એટલે તેમને પરદેશ મોકલી નહીં શકાય.

સુખવંત કૌરે જણાવ્યું હતું કે તેઓ 2017ની 20 જાન્યુઆરીએ દિલ્હીથી મુંબઈ ગયાં હતાં.

જ્યાં તેમણે બે મહિલાઓ અને 15 લોકો વચ્ચે એક ઓરડામાં રહેવું પડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

પોતાની સાથે કંઇક ખરાબ થવાનો અંદેશો સુખવંત કૌરને આવી ગયો હતો.

સુખવંત કૌરે જણાવ્યું હતું કે તેઓ 24 જાન્યુઆરીએ દુબઈથી સાઉદી અરેબિયા ગયાં હતાં.

સાઉદીના એક પરિવારની મદરિયા, ફાજિયા અને મીરા નામની ત્રણ મહિલાઓએ તેમને જણાવ્યું હતું કે તેમણે શકીર ખાને તેમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયામાં ખરીદી લીધાં છે.

આ વાત જણાવતાં સુખવંત કૌરની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

તેમણે કહ્યું હતું કે ''એ મહિલાઓ સ્કૂલમાં કામ કરતી હતી. અગિયારથી બે વાગ્યા સુધી મને એક ઓરડામાં પુરી દેવામાં આવતી હતી. પગાર માગું ત્યારે લોખંડના સળિયા વડે મને માર મારવામાં આવતો હતો.''

નર્સે મદદ કરી

સુખવંત કૌરે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેમની તબીયત ખરાબ થઇ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં તેમનો સંપર્ક કેરળની એક નર્સ સાથે થયો હતો. એ નર્સે સુખવંત કૌરની તેમના પરિવાર સાથે વાત કરાવી હતી.

સુખવંત કૌર જણાવ્યું હતું કે તેમની સાથે બહુ ખરાબ વર્તન કરવામાં આવતું હતું અને તેમણે નરક જેવી પરિસ્થિતિમાં રહેવું પડતું હતું.

હજુ પણ ફસાયેલી છે એક મહિલા

નકોદર ગામના ગૌરસિયાની રહેવાસી પરમજીત નામની મહિલા હજુ પણ સાઉદી અરેબિયામાં ફસાયેલી છે.

તેમને કથિત રીતે 18,000 રિયાલમાં વેચી નાખવામાં આવ્યાં હોવાની વાત બહાર આવી છે.

પરમજીત જુલાઈમાં સાઉદી અરેબિયા ગયાં હતાં, પણ તેમને કામને બદલે પગાર આપવામાં આવ્યો ન હતો.

તેમને વેચી મારવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

પરમજીતના પતિ મલિકિત સિંહે તેમના જ ગામના ટ્રાવેલ એજન્ટ રમેશ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસે રમેશ ભટ્ટીની ધરપકડ હજુ સુધી કરી નથી.

પરમજીત કૌરની પુત્રી રજનીએ સોશિઅલ મીડિયા પર સુષ્મા સ્વરાજને સંબોધીને એક પોસ્ટ મૂકી છે અને પોતાની મમ્મીને પરત લાવવાની માગણી કરી છે.

ઠેર-ઠેર ભટકતા આ પરિવારની વાત કોઇ સાંભળતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો