'તાલિબાન દુનિયાભરમાં હેરોઈનનું સૌથી મોટું નિકાસકર્તા'

    • લેેખક, જસ્ટિન રોલેટ
    • પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા

અફઘાનિસ્તાન સામે કેટલા પડકાર છે? આ અંગે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ બીબીસી સાથે ઇન્ટર્વ્યૂ દરમિયાન મન ખોલીને વાત કરી. પણ તેમાં એક વાત હતી જે સૌથી ચોંકાવનારી હતી.

તેમણે કહ્યું, "અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની નોકરી દુનિયાની સૌથી ખરાબ નોકરી છે."

અફઘાન રાષ્ટ્રપતિની આ વાત કેટલીક હદે સાચી પણ છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આજે અફઘાનિસ્તાન ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

તેમાં સૌથી મોટી સમસ્યા છે સુરક્ષા. તેમનો દેશ છેલ્લા 16 વર્ષથી યુદ્ધનું મેદાન બની ગયું છે.

તેમ છતાં અફઘાન રાષ્ટ્રપતિ કહે છે કે ચાર વર્ષથી અંદર નાટો સેના દેશમાંથી નીકળી શકશે.

તમને આ પણ વાંચવું ગમશે

દેશમાં લગભગ 1400 જેટલી નાટોની સેના છે કે જે અફઘાનિસ્તાનની સેનાને તાલીમ આપે છે, માર્ગદર્શન આપે છે અને તેમને સહયોગ આપે છે.

તેમનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનની સેનાને મજબૂત બનાવવાનો છે કે જેથી કરીને તેઓ તાલિબાન સામે લડી શકે.

અશરફ ઘાની એ વાતને માને છે કે તેમના દેશ માટે ત્રણ વર્ષ ખૂબ જ કપરા સાબિત થયા છે.

તેઓ કહે છે, "અમારી પરિસ્થિતિ એવી છે કે જાણે એક 12 વર્ષનું બાળક 30 વર્ષની વ્યક્તિની જવાબદારી ઉઠાવી રહ્યું છે. પણ અમે ખરેખર પ્રગતિ કરી રહ્યા છે. મેનેજમેન્ટ અને નેતૃત્વમાં સ્થિતિ બદલાઈ રહી છે."

તેઓએ ઉમેર્યું, "અમને લાગે છે કે ચાર વર્ષની અંદર અમારી સેના બંધારણીય વસ્તુઓ કરવા સક્ષમ હશે, જેનાથી તાકાત પર કાયદેસર એકાધિકાર મળી શકશે."

તેઓ આશા રાખે છે કે આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ લડવા માટે થોડી વિદેશી સેના દેશમાં રહેશે.

પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તાલિબાન વિરૂદ્ધ લડાઈ અંગે તેઓએ એક ખૂણો પકડી લીધો છે, તો તેમણે કોઈ પણ ખચકાટ વગર "હા"માં જવાબ આપ્યો.

તેમણે કહ્યું, "તાલિબાનના માત્ર બે ઉદ્દેશ્યો છે. એક તો એ કે તે સરકારને સત્તામાંથી ઉખાડી ફેંકે અથવા તો બે રાજનૈતિક વિસ્તાર ઉભા કરવામાં આવે કે જેનાથી તેમનો જે-તે વિસ્તાર પર કબ્જો રહે."

પણ અશરફ ઘાનીને વિશ્વાસ છે કે તાલિબાની પોતાના બન્ને ઉદ્દેશ્યોમાં નિષ્ફળ નિવડ્યા છે.

જો કે આ મુદ્દો ચર્ચાનો વિષય છે. અમેરિકી સેના દ્વારા હાલ જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે દેશના માત્ર 2/3 ભાગ પર અફઘાન સરકાર રાજ કરી શકે છે.

જ્યારે બાકીના વિસ્તારમાં તાલિબાનનું વર્ચસ્વ છે.

ગત વર્ષે તાલિબાન સામે લડવામાં અફઘાનિસ્તાનની સેનાના 10 ટકા સૈનિકોનાં મોત થયા હતા.

આંકડાઓ મુજબ ગત વર્ષમાં લગભગ 7000 જેટલા અફઘાન નેશનલ આર્મીના સૈનિકોનાં મોત થયા હતા, જ્યારે 12,000 ઘાયલ થયા હતા.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ કહે છે કે મોટાભાગના પશ્ચિમી દેશો યુદ્ધને સમજી નથી રહ્યા. તેમની સરકાર ગૃહયુદ્ધ સામે નથી લડી રહી, પણ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છે.

તેઓ કહે છે, "તાલિબાન દ્વારા દુનિયાભરમાં સૌથી વધુ હેરોઈનની નિકાસ કરવામાં આવે છે. દુનિયા હેરોઈન પર ધ્યાન કેમ નથી આપતી ? આ એક વૈચરિક યુદ્ધ છે કે ડ્રગ વૉર છે?"

અમે પૂછ્યું કે તો આખરે તમારો ઉદ્દેશ્ય શું છે?

ત્યારે અશરફ ઘાનીએ કહ્યું, "અમે તાલિબાન સાથે શાંતિ કરાર કરવા માગીએ છીએ."

"અમારો ઉદ્દેશ્ય નિરાકરણ લાવવાનો છે જે વાતચીતથી આવી શકે છે. એ વાત જરૂરી છે કે લોકોને તેમના જીવનને જીવવાનો મોકો આપવામાં આવે. છેલ્લા 40 વર્ષથી અમે લોકો અહીં શ્વાસ નથી લઈ શકતા."

"હું મારા દેશના લોકોને સલામ કરું છું કે તેઓ આ બધું સહન કરી રહ્યા છે. જો બીજો કોઈ દેશ હોત તો તે તૂટી ગયો હોત."

ભ્રષ્ટાચારનો ફેલાવો

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા પણ કરી.

ટ્રમ્પે ગત મહિને જ અમેરિકી સેનાના અનિશ્ચિતકાળ સુધી અફઘાનિસ્તાનમાં રહેવાની ઘોષણા કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું છે કે નાટોના મિશનને સમર્થન આપવા તેઓ હજુ પણ વધારે સેનાને અફઘાનિસ્તાન મોકલશે.

અશરફ ઘાની કહે છે તેઓ અફઘાનિસ્તાનની સરકાર સરસાઈ મેળવશે. તેમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓને પણ આવરી લેવાશે.

તેઓ કહે છે, "ભ્રષ્ટાચાર સામે લડવા માટે એ જરૂર છે કે તમે તે કરો જ નહીં અને તમારે તેનો સામનો કરવો પડશે. "

"જો કોઈ ભ્રષ્ટાચાર કરી રહ્યો હોય તો તેના પર પણ બધા જ નિયમો લાગુ થવા જોઈએ."

ઘાની ઉમેરે છે, "ત્રણ સ્ટાર જનરલને મેં પ્રમોશન આપ્યું હતું. તેઓ આજે જેલમાં છે. કેમ કે તેમની ઉપર ઇંધણની ચોરીનો આરોપ લાગ્યો હતો."

"જે વ્યક્તિને કોઈ અડી શકતું નહીં, તે વ્યક્તિ આજે જેલમાં છે. તમે દેશના કોઈ પણ ન્યાયાધીશને પૂછી શકો છો કે હું અપરાધ વિરૂદ્ધ સંપૂર્ણપણે રાજનૈતિક સમર્થન આપું છું."

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનો સંદેશ સ્પષ્ટ છે, "આત્મનિર્ભરતા માત્ર એક શબ્દ નથી, પણ વાસ્તવિકતા છે." અફઘાનિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને બે વર્ષનો સમય છે.

રાષ્ટ્રપતિ કહે છે કે જો સુધારો લાવવા માટે તેમણે પોતાના રાષ્ટ્રપતિ પદની કિંમત ચૂકવવી પડશે તો તેનાથી પણ તેમને કોઈ ફેર નથી પડતો.

તેઓ કહે છે, "જો ચૂંટણી જ તમારો મુખ્ય ઉદ્દેશ્ય છે, તો તમે ક્યારેય દેશમાં સુધાર નહીં લાવી શકો. તમારો ઉદ્દેશ્ય માત્ર દેશમાં સુધારો લાવવાનો હોવો જોઈએ."

"ચૂંટણી તો માત્ર તેનું માધ્યમ છે. કંઈક કરવા માટે તમે ચૂંટણી લડો છો. "

"કેટલાક નેતાઓ સુધારા વિરોધી બની ગયા છે પણ હાલ સમય એવો છે કે કોઈ મોટા પગલાંની સખત જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો