You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રાહુલ ગાંધીએ બિનહિંદુ તરીકે એન્ટ્રી જ નહોતી કરી'
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાતે કેટલાક વિવાદો સર્જ્યા હતા.
ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન 29મી નવેમ્બરે રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.
જેમાં તેમણે કથિત બિનહિંદુ તરીકે સોમનાથ મંદિરના રજિસ્ટરમાં એન્ટ્રી કરી હોવાની ચર્ચાએ જોર પડક્યું હતું.
મુખ્ય સવાલ એ છે કે શું મંદિરોમાં આવા રજિસ્ટર હોવાં જોઈએ જેમાં તમારે નોંધ કરવી પડે કે તમે કયા ધર્મના છો?
તમને આ પણ વાંચવું ગમશે
એટલું જ નહીં પણ શું રાહુલ ગાંધીએ ખરેખર બિનહિંદુ તરીકે તેમાં એન્ટ્રી કરી હતી કે કેમ તેનો પણ ખુલાસો થયો છે.
આ સમગ્ર મામલે સોમનાથ મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી સાથે બીબીસીએ વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું,"આ રજિસ્ટર સુરક્ષા અને રેકોર્ડના હેતુસર રાખવામાં આવ્યું છે અને છેલ્લાં ત્રણ વર્ષો તેનો અમલ કરવામાં આવી રહ્યો છે."
"ભૂતકાળમાં મંદિર સંબંધિત જે ઘટનાઓ બની હતી અને તદુપરાંત કેટલાક લોકો અન્ય ઈરાદાઓ સાથે મંદિરની મુલાકાત લેતા હતા તેવું માલૂમ પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેના કારણે આ નિર્ણય લીધો હતો કે આવું રજિસ્ટર રાખવું જોઈએ."
સોમનાથ મંદિર ટ્રસ્ટના નિયમ મુજબ બિનહિંદુ વ્યક્તિએ સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરના જનરલ મેનેજરની ઓફિસમાં નોંધણી કરાવવી પડે છે.
પી.કે. લહેરી કહે છે, "જો કોઈ અન્ય સમુદાયની વ્યક્તિ મંદિરમાં પ્રવેશવા માગતી હોય તે તેમાં એન્ટ્રી કરીને પ્રવેશ લેતી હોય છે."
"કેટલીક વાર કેટલાક લોકો ફક્ત મંદિરનું આર્કિટેક્ચર જોવા માટે પણ આવતા હોય છે. આમ રજિસ્ટરમાં એન્ટ્રી થતી હોય છે."
શું રાહુલ ગાંધીએ બિનહિંદુ તરીકે આ રજિસ્ટરમાં એન્ટ્રી કરી હતી?
આ પ્રશ્નનો જવાબ આપતા પી.કે.લહેરીએ કહ્યું, "રાહુલ ગાંધીએ તે રજિસ્ટરમાં એન્ટ્રી નથી કરી અને તેમણે ફક્ત વિઝિટર્સ બુકમાં તેમના નામની એન્ટ્રી કરી હતી."
ઉપરાંત તેમણે કહ્યું કે દ્વારકા મંદિરમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
બીબીસીએ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા પ્રખ્યાત ડાકોર મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી સાથે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કોઈ રજિસ્ટર ડાકોર મંદિરમાં રાખવામાં આવતું નથી.
કોંગ્રસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક પત્રકાર પરિષદ સંબોધી આ વિવાદને ભાજપનું ષડ્યંત્ર ગણાવ્યો હતો.
મંદિર કમિટિમાં આવું કોઈ રજિસ્ટર ન અપાયું હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો હતો.
બીબીસીએ જ્યારે ગુજરાત ભાજપનો આ મુદ્દે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો