ભ્રષ્ટાચારની રકમ ભરપાઈ બાદ સાઉદી અરેબિયાના ધનિકોની મુક્તિ

ગત વર્ષે નવેમ્બરમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ધરપકડ કરાયેલા સાઉદી અરેબિયાના સૌથી પ્રભાવશાળી નાગરિકોમાંથી કેટલાકને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

મુક્ત કરાયેલા લોકોમાં એમબીસી ટેલિવિઝન નેટવર્કના વડા વાલિદ-અલ-ઇબ્રાહિમ અને સાઉદી અરેબિયા રાજવી કોર્ટના વડા ખાલિદ-અલ-તુવાઈજીરીનો સમાવેશ થાય છે.

ભ્રષ્ટાચાર નાબુદી અભિયાન હેઠળ લેવાયેલા પગલાં રૂપે 200થી વધારે રાજકુમારો, રાજકારણીઓ અને ધનાઢ્ય વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોને રિયાધ ખાતેની રીટઝ કાર્લ્ટન હોટેલ ખાતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

હવે આ હોટલ 14મી ફેબ્રુઆરીએ ફરીથી ખુલશે.

મુક્તિ માટે માંડવાળ કરવામાં આવેલી રકમ બહુ મોટી હોવાની વાત સામે આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

મીડિયાના અહેવાલો મુજબ વાલિદ-અલ-ઇબ્રાહિમ દ્વારા મુક્તિ માટે તેમની માલિકીની મધ્ય પૂર્વની સૌથી મોટી મીડિયા કંપની એમબીસી ખાતેનો તેમના હસ્તગત રહેલો શેરનો બહુ મોટો હિસ્સો આપવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચાર નાબુદી અભિયાન પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

રાજકીય પંડિતો અને અન્ય રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે પ્રિન્સ સલમાન દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન તેના વિરોધીઓનો સફાયો કરવા અને તેમને તેના કાબુ હેઠળ કરવા હેતુથી કાર્યરત કરાયુ હતુ.

હાથ ધરાયેલી ધરપકડની કાર્યવાહી બાદ સાઉદી અરેબિયાના એટર્ની જનરલે કહ્યું હતું કે આ અભિયાનમાં ઓછામાં ઓછા 100 બિલિયન અમેરિકન ડોલરનો (અંદાજિત ભારતીય મૂલ્યના 6,30,000 કરોડ રૂપિયા બરોબર) ગેરવહીવટ દ્વારા દાયકાઓથી કરાયેલો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર ફલિત થયો છે.

ધરપકડ બાદ મુક્તિ માટે રકમની ભરપાઈને સાઉદી અરેબિયાની સરકાર દ્વારા આ રકમ પાછી રાજકોષમાં આવે તેવા એક પ્રયાસરૂપે જોવામાં આવી રહી છે.

જેમણે રકમની ભરપાઈ નથી કરી તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમને જેલમાં મોકલવામાં આવશે.

દરમ્યાન બહુ મોટું નામ અને વગદાર હસ્તી ગણાતા ધરપકડ કરાયેલા પ્રિન્સ અલવલીદ-બિન-તલાલે શનિવારે રોઈટર્સ ન્યુઝ અજેન્સી સાથે કરેલી વાતચીત મુજબ તેમને થોડા સમયમાં મુક્ત કરી દેવામાં આવશે.

પ્રિન્સ અલવલીદ-બિન-તલાલ જે સાઉદી અરેબિયાના એક અબજોપતિ છે તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની ઇન્વેસ્ટમેન્ટ ફર્મનું સંપૂર્ણ નિયંત્રણ તેમના હસ્તક જ રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો