સાઉદીમાં ‘100 અબજ ડૉલર્સ’નો ભ્રષ્ટાચાર

સાઉદી અરેબિયાના એટર્ની જનરલે કહ્યું છે કે, છેલ્લાં કેટલાંક દશકોમાં સંગઠિત ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા ઓછામાં ઓછા 100 અબજ ડૉલર્સ (હાલનાં મૂલ્ય મુજબ 65155 કરોડ રૂપિયા)ની હેરાફેરી કરવામાં આવી છે.

શેખ સઊદ અલ-મોજેબે કહ્યું કે, આ હેરાફેરીની તપાસમાં ત્રણ વર્ષ લાગ્યાં હતા.

હવે ગત શનિવારની રાતથી શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ 201 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

તમને આ વાંચવુ પણ ગમશે :

તેમણે કોની કોની અટકાયત કરવામાં આવી છે, તેનાં નામ તો નથી જણાવ્યા પરંતુ કથિત રીતે તેમાં વરિષ્ઠ રાજકુમારો, મંત્રી અને પ્રભાવશાળી વેપારીઓ સામેલ છે.

શેખ મોજેબના જણાવ્યા અનુસાર "આ ભ્રષ્ટાચારનાં મજબૂત પુરાવા તેમની પાસે છે."

કેટલો ભ્રષ્ટાચાર થયો છે?

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને કારણે સાઉદી અરેબિયાના સામાન્ય જન-જીવનને કોઈ જ અસર નથી થઈ. માત્ર કેટલાક લોકોનાં વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ્સનાં વ્યવહારો રોકી દેવાયાં છે.

શેખ મોજેબે કહ્યું નવી રચાયેલી ભ્રષ્ટાચાર વિરોધી સર્વોચ્ચ સમિતિની તપાસ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આ સમિતિના વડા 32 વર્ષના ક્રાઉન પ્રિન્સ (પાટવી કુંવર) મોહમ્મદ બિન સલમાન છે.

શેખ મોજેબે જણાવ્યું કે, 208 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી સાત લોકોને કોઈ પણ આરોપ વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "ભ્રષ્ટાચારની જે વિગતો ખુલી છે, તેનું સ્તર ખૂબ જ વિશાળ છે. અમારી તપાસ છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહી હતી."

તેમણે ઉમેર્યું, "અમારા અંદાજ મુજબ છેલ્લાં કેટલાંક દશકોમાં આયોજનબદ્ધ રીતે ભ્રષ્ટાચાર આચરીને ઓછામાં ઓછા 100 અબજ ડૉલર્સનો દુરુપયોગ કરવામાં આવ્યો છે."

શેખ મોજેબે જણાવ્યું કે સમિતિએ આ તપાસને આગળ ધપાવવા માટે જરૂરી કાયદેસરની મંજૂરીઓ આપી દીધી છે. સમિતિએ આ શંકાસ્પદ લોકોનાં વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરી દીધા છે.

તેમણે કહ્યું, "સમગ્ર વિશ્વમાં આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોની ઓળખ અને તેમની સામે ઘડવામાં આવેલા આરોપોની વિગતો બાબતે અનેક અટકળો થઈ રહી છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "સાઉદી કાયદા હેઠળ દરેક વ્યક્તિને આપવામાં આવેલા કાયદેસરના અધિકારો ભોગવી શકે એટલા માટે અમે હાલ કોઈ પણ વ્યક્તિની ખાનગી માહિતી જાહેર નહીં કરીએ."

જે લોકોની કથિત રીતે અટકાયત કરવામાં આવી છે, તેમાં અબજોપતિ રોકાણકાર પ્રિન્સ અલવાલીદ બિન તલાલ, સાઉદીના ભૂતપૂર્વ રાજાના પુત્ર અને શનિવારે નેશનલ ગાર્ડના વડાના પદેથી દૂર કરવામાં આવેલા પ્રિન્સ મિતેબ બિન અબ્દુલ્લા, અને તેમના ભાઈ અને રિયાધ પ્રાંતના ભૂતપૂર્વ ગવર્નર પ્રિન્સ તુર્કી બિન અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.