ચીનનું વિશ્વના બીજા ક્રમે ધનાઢ્ય રાષ્ટ્ર હોવાનું સત્ય

અધિકારીક આંકડાઓ મુજબ ગત વર્ષ ચીનનો વિકાસ દર 6.9% રહ્યો હતો.

પરંતુ દેશની અંદર-બહાર ઘણા જાણકારો આ દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ઉત્તરી ચીનના મોંગોલિયા વિસ્તાર અને ત્યેનજેન શહેરના અધિકારીઓએ થોડા સપ્તાહો પહેલા એ વાત કબુલી હતી કે વર્ષ 2016ના આર્થિક આંકડાઓ વધારીને રજુ કરવામાં આવી રહ્યા છે.

ચીન જેવા રાષ્ટ્રમાં જ્યાં બધેજ સરકારી નિયંત્રણ કડક છે, ત્યાં આવી માહિતી બહાર આવે એ પરિસ્થિતિ જરા ચોંકાવનારી છે.

તમને આ પણ વાંચવું ગમશે

સરકારી કરજ ઉતારવા અને ચીનમાં રોકાણ માટેની આબોહવા સુધારવા થઈ રહેલા સુધારાવાદી પગલાઓ ના સરકારી દાવાઓ પર પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

લોકો એ જાણવા માંગે છે કે ખરેખર જો સરકાર તેના રાજકોષ પર ચડેલા ભારે કરજને ઉતારવા અને પ્રદૂષણ પર કાબુ મેળવવા નિર્ણયો લીધાનો દાવો કરી રહી છે, તો એ દાવાઓની અસર રાષ્ટ્રના વિકાસ દર પર કેમ દેખાતી નથી.

છપ્પરફાડ વિકાસ

દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે કે ચીનનો વિકાસ ત્યાં કાર્યરત સરકારની અપેક્ષાઓથી પણ વધુ તેજ થઈ રહ્યો છે.

સરકારે થોડા મહિનાઓ પહેલા 6.5% વિકાસ દરનું અનુમાન લગાવેલું હતું.

ચીની મામલે બીબીસી સંવાદદાતા રોબિન બ્રેન્ટ મુજબ, "ચીનનો વિકાસ દર મહદંશે સરકારની અપેક્ષા મુજબ સ્થિર હોવાને કારણે આ મુદ્દે વિશ્વાસ કરવો થોડું અઘરું છે."

વિગતો બહાર આવે એ પહેલા અચાનક કેટલાયે પ્રાંતોની સરકારોએ દાવો કર્યો કે આંકડાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.

આવું મોટા ભાગે થતું નથી હોતું.

ભારી કરજ હેઠળ દબાયેલું છે ચીન

ચીન પર ચઢેલું નાણાકીય કરજ પાછલા થોડા વર્ષોમાં સતત વધી રહ્યું છે.

ચીનમાં કરજ લઈને ન ચૂકવનારા 'ડિફોલ્ટર' (નાદાર) વેપારીઓ અને પરિવારોની સંખ્યા પણ વધી રહી છે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ) એટલે કે આંતરાષ્ટ્રીય મુદ્રા કોષે હાલમાં કહ્યું છે કે ચીનનું કરજ રાષ્ટ્રની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કરતા 234% ના સ્તરે પહોંચી ગયું છે.

ઉપરોક્ત પરિસ્થિતિને કારણે જાણકારોનું કેહવું છે કે ચીનના સત્તાધીશોએ રાષ્ટ્રના વિકાસદર થી વધુ ધ્યાન રાષ્ટ્રનું કરજ ચૂકવવા પર આપવું જોઈએ.

પરંતુ બૈજીંગનું કેહવું છે કે તેમણે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે જરૂરી પગલાં લીધા છે.

સાથે સાથે ચીન સરકારના અધિકૃત અધિકારીઓનું કહેવું છે કે ચીની સરકારી કંપનીઓએ પણ તેનું કરજ ઘટાડવા નિર્દેશો આપવામાં આવ્યા છે.

કડક કાયદાઓ

ચીનના 28 શહેરોમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા અને પરિસ્થિતિને પહોંચી વળવા થોડા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

ઉપરોક્ત નિર્ણયને કારણે જે અતિ પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા તેવા સિમેન્ટ અને સ્ટીલના થોડાં કારખાના બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉપરોક્ત કારણોસર અર્થશાસ્ત્રીઓનું મંતવ્ય છે કે આવા નિર્ણયોને કારણે વિકાસની ગતિ ધીમી પડી શકે છે.

પરંતુ સાથે સાથે તેમનો એ પણ મત છે કે સારા ભવિષ્ય માટે આવા પગલાં લેવા જરૂરી છે.

તદુપરાંત સરકારે લોકોને કોલસાને બદલે પ્રાકૃતિક ગેસ અને વીજળીના વપરાશ માટે કહ્યું છે.

લોકોને ઠંડીમાં પોતાનું ઘર ગરમ રાખવા માટે સર્જાયેલી સાધનોની અછતને કારણે ઉપરોક્ત નિર્દેશ ગત મહિને સરકારે પાછો ખેંચી લીધો છે.

ચીનની આબોહવા

ચીની સરકારનું કહેવું છે કે તે આવું કરીને એક 'નવી વાસ્તવિકતા'ની સંભાવના ઊભી કરી રહી છે.

સરકારે એવો દાવો કર્યો છે કે વર્ષ 2017માં ચીનની આબોહવામાં સુધાર જોવા મળ્યો છે.

ત્યારબાદ જ જાણકારો એ સવાલ ઊભો કરી રહ્યા છે કે જો આ સરકારી નિવેદનોમાં તથ્ય હોય તો આવા કડક પર્યાવરણલક્ષી પગલાઓ લીધા બાદ પણ રાષ્ટ્રનો વિકાસદર ઘટવાને બદલે વધી કેમ રહ્યો છે?

જાણકારો કહે છે કે એવું શક્ય નથી કે કોઈ રાષ્ટ્ર પોતાનું કરજ ઘટાડે, કારખાના બંધ કરે અને તેમ છતાંયે એવી અપેક્ષા કરતા વધુ વિકાસ દર મેળવી શકે.

આ નિષ્ણાંતોને ચીનની પ્રગતિ વિષે કોઈ શંકા નથી.

આ નિષ્ણાંતો માત્ર આંકડાઓ પર જ સવાલ ઉઠાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો