ભારતનો ખુલાસો : ચીનની સીમામાં પ્રવેશેલું ડ્રોન બેકાબૂ બની ગયેલું

ચીની પ્રચાર-પ્રસાર માધ્યમો અનુસાર એક ભારતીય ડ્રોન ચીનની હવાઈ સીમામાં પ્રવેશ્યું હતું અને તૂટી પડ્યું હતું.

ચીનની સેનાના અધિકારી ઝાંગ શ્યુલીએ જણાવ્યું હતું કે આ બનાવ 'તાજેતરના દિવસોમાં' બન્યો છે.

ઉપરોક્ત વાતને સમર્થન આપ્યા છતાંયે શ્યુલીએ આ ઘટના કઈ જગ્યાએ અને ક્યારે ઘટી તેની ચોક્કસ માહિતી આપી ન હતી.

શ્યુલીએ ચીનની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, "ભારતે ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે."

ભારતનું કહેવું છે કે ડ્રોન તાલીમી ઉડ્ડાણ પર હતું અને આ અંગે ચીનને જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડોકલામ મુદ્દે બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ચીની પ્રચાર-પ્રસારના માધ્યમો દ્વારા વ્યાપકપણે કરવામાં આવેલી ટીકાઓ સંદર્ભે શ્યુલીએ જણાવ્યું હતું કે ચીની સરહદી દળોએ કથિત ડ્રોનની 'ચકાસણી' હાથ ધરી હતી.

શ્યુલીએ ઉમેર્યું હતું કે ચીન આ બાબતે કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કરે છે. ચીન તેના અધિકારો અને સલામતીની સુરક્ષા કરશે.

ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું હતું કે, ડ્રોન તાલીમી મિશન પર હતું. તેની ઉપર નિયંત્રણ રહ્યું ન હતું.

આથી, ચીનની હવાઈ સીમામાં પ્રવેશ્યું હતું. આ અંગે તત્કાળ ચીનને જાણ કરવામાં આવી હતી.

ભારત-ચીન વચ્ચે વિવાદનો જૂનો સંબંધ

જૂન મહિનામાં ભારતે કહ્યું કે ચીન, ભારત અને ભુતાનની સરહદ પર ડોકલામ / ડોંગલંગ ઉચ્ચપ્રદેશ પર એક માર્ગ વિસ્તારવા માટેની ચીનની યોજનાનો વિરોધ કર્યો, ત્યારે બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

ડોકલામ પર ચીન અને ભૂતાને દાવા કર્યા હતા. તે સમયે ભારતે ભૂતાનના દાવાને ટેકો આપ્યો છે.

બન્ને પક્ષોએ તણાવપૂર્ણ વાતાવરણ સર્જાતા અંતે ઓગસ્ટ મહિનામાં બન્ને દેશોએ વિવાદાસ્પદ ક્ષેત્રમાંથી સૈન્યો પાછાં ખેંચી લીધાં હતાં.

બન્ને રાષ્ટ્રો 1962માં સરહદી યુદ્ધ લડ્યા છે અને યુદ્ધ બાદ વિવિધ વિસ્તારોમાં વિવાદો વણઉકેલાયેલા છે.

ઉપરોક્ત પરિસ્થિતિ હોવાને કારણે સમયાંતરે વિવાદાસ્પદ ક્ષેત્રો સંદર્ભે બંને રાષ્ટ્રો વચ્ચે અવાર-નવાર તણાવ વધ્યે રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો