વર્લ્ડ કપ : ક્રિકેટની દીવાનગી કે ગાડીમાં 17 દેશો પાર કરીને મૅચ જોવા આવ્યો ભારતીય પરિવાર

    • લેેખક, એડમ વિલિયમ્સ
    • પદ, બીબીસી સ્પોર્ટ

ક્રિકેટ માટે ભારતીય પ્રશંસકોની ઘેલછા ચોંકાવનારી હોય છે.

એવો જ એક પરિવાર છે, જે ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું સમર્થન કરવા માટે સડક માર્ગે 48 દિવસો સુધી મુસાફરી કરીને સિંગાપોરથી ઇંગ્લૅન્ડ પહોંચ્યો છે.

માથુર પરિવારના સભ્યોએ 17 દેશો પાર કરીને, ભૂમધ્ય રેખા અને આર્કટિક સર્કલના બે ટાપુઓ પાર કરીને 22 હજાર કિલોમિટરની સફર કરી છે.

માથુર પરિવારની ત્રણ વર્ષની દીકરી અવ્યાથી લઈને 67 વર્ષના દાદાજી અખિલેશ પોતાની સાત સીટવાળી ગાડીમાં 20 મેના રોજ સિંગાપોરથી નીકળ્યા હતા અને 48 દિવસ પછી ગુરુવારે રાત્રે લંડન પહોંચ્યા છે.

હવે આ ભારતીય પ્રશંસકોને આશા છે કે 14 જુલાઈએ તેમની સફરનું પરિણામ મળશે, જ્યારે તેઓ વિરાટ કોહલીના હાથમાં વર્લ્ડ કપની ટ્રૉફી જોશે.

તેમની આ સફરમાં સૌથી વધુ પડકારજનક શું રહ્યું. આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે જ્યારે ભારત શનિવારે શ્રીલંકા વિરુદ્ધ જીત્યા ત્યારે મંગળવારે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચની ટિકિટ મેળવવી સૌથી અઘરી હતી.

સીધા ફ્લાઇટમાં કેમ ન આવ્યાં?

બરફ, કરા અને રણના તોફાનનો સામનો કરતા સાત દિવસ માટે મૅચ જોવા આવવાની શું જરૂર હતી, એ લોકો સીધા ફ્લાઇટમાં આવી શક્યાં હોત?

બે બાળકોના પિતા અનુપમે બીબીસીને કહ્યું, "માર્ચ મહિનાથી જ અમને ખબર હતી કે વર્લ્ડ કપ આવી રહ્યો છે અને અમને લાગ્યું કે ભારતને સપોર્ટ કરવા માટે અમારે જવું જ પડશે."

"ફ્લાઈટથી આવવું સૌથી સરળ હતું. પરંતુ પછી અમે વિચાર્યું, ના. દેશ માટે કંઈક ખાસ કરીએ. બધાને સાથે લઈને."

તેઓ આ સફરમાં બધાને સાથે રાખવા ઇચ્છતા હતા. અનુપમના માતા-પિતા, અખિલેશ અને અંજના અને તેમનો છ વર્ષનો દીકરો અવીવ આ સફર દરમિયાન તેમની સાથે હતાં. જ્યારે તેમનાં પત્ની અદિતી અને નાની દીકરી અવ્યા આ યાત્રામાં ઘણા દૂર સુધી તેમની સાથે રહ્યાં.

આ પહેલી વખત નથી જ્યારે અનુપમે સડક માર્ગે દુનિયા જોવાનો નિર્ણય લીધો હોય.

તેમના પરિવારના બ્લૉગ પરથી ખ્યાલ આવે છે કે આ ટ્રિપ પહેલાં અનુપમ 96 હજાર કિમી સુધીની સફર કરી ચૂક્યા છે અને 36 દેશ ફરી ચૂક્યા છે. આ સફરમાં તેમણે પોતે ગાડી ચલાવી હતી.

હવે તેમાં 22 હજાર માઇલ વધુ જોડાઈ જશે. ક્રિકેટનો શોખના લીધે અનુપમ આ દેશોમાંથી પસાર થયા.

સિંગાપોર

મલેશિયા

થાઇલૅન્ડ

લાઓસ

ચીન

કિર્ગિસ્તાન

ઉજ્બેકિસ્તાન

કઝાખસ્તાન

રશિયા

ફિનલૅન્ડ

સ્વીડન

ડેનમાર્ક

જર્મની

નેધરલૅન્ડ

બેલ્જિયમ

ફ્રાન્સ

ઇંગ્લૅન્ડ(હજુ સ્કૉટલૅન્ડ, વેલ્સ, ઉતર આયરલૅન્ડ અવે રિપબ્લિક ઑફ આયરલૅન્ડ બાકી છે.)

અનુપમ કહે છે કે "બાળપણથી જ મારું સપનું હતું કે હું ડ્રાઇવ કરીને લાંબા અંતરની ટ્રીપ્સ કરું. મારે ડ્રાઇવ કરીને આખી દુનિયા ફરવી હતી."

જે સવારે તેઓ લંડન પહોંચ્યા ત્યારે હું તેમને મળ્યો. તેઓ સાત અઠવાડિયાની સફર પછી પણ થાકેલાં જણાતા નહોતાં, પરંતુ તેમની આંખોમાં મંજિલ સુધી પહોંચવાની ચમક હતી.

તેઓ એ વાતે ઉત્સાહિત હતા કે તેમને આગલના દિવસે ભારત વિરુદ્ધ શ્રીલંકાની મૅચ જોવા માટે વધુ એક નાની ટ્રીપ કરવી છે.

તેમણે સમગ્ર સફર સાટ સીટ વાળી ગાડીમાં કર્યો. આ ગાડીનો બહારનો ભાગ અનુપમે ખાસ રીતે સજાવ્યો છે. તે લોકો જે રસ્તે જે દેશોમાઁથી પસાર થયા તે રૂટ આ ગાડી પર તૈયાર કરવામાં આવ્યો છે.

મૂળ ચેન્નઈના વતની

એક બૅન્ક માટે સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરતા અનુપમ અને તેમનો પરિવાર મૂળ ચેન્નઈના છે.

પરંતુ છેલ્લાં 14 વર્ષથી તેઓ સિંગાપોરમાં રહીને કામ કરે છે.

માત્ર કેટલીક મૅચ જોવા માટે એમણે આટલી લાંબી સફર કેવી રીતે ખેડી?

અનુપમ કહે છે, "મેં જોવાનું શરૂ કર્યું કે રોડ ટ્રીપ કઈ રીતે થઈ શકે, અમારે કયા દેશોમાંથી પસાર થવું પડશે. પછી મેં જોયું કે બધાં જ દેશો એકબીજા સાથે જોડાયેલા છે."

"ત્યાર બાદ અમે યોજના બનાવવાની શરૂ કરી. સેંકડો વીઝા અરજીઓ કરી અને એક પછી એક બધું થતું ગયું."

"સારું થયું કે અમને સારા ગાઇડ પણ મળ્યા. જેમણે અમને અમુક દેશોમાં મદદ કરી."

"આ બધું જ હું મારા ડ્રાઇવિંગ માટેના જુસ્સાના કારણે કરી શક્યો અને આ અમે આપણા દેશ અને ક્રિકેટ માટે કરી રહ્યા છીએ."

આ યાત્રામાં અનુપમનાં માતાપિતા અને દીકરો સતત સાથે રહ્યા. તેમના માતાપિતાએ જરૂર પડી ત્યારે રોડની બાજુમાં રસોઈ બનાવીને ઘરનું ભોજન પણ જમાડ્યું.

અનુપમના પિતા અખિલેશ કહે છે, "પહેલાં મને સમજાયું નહીં કે કેમ કરીશું. આટલો લાંબો સફર અને તબિયતનું પણ ધ્યાન રાખવાનું."

"પરંતુ પછી મેં નિર્ણય લીધો કે અમે જઈશું અને પૂરા જોશ સાથે જઈશું. જેથી અમે નવી જગ્યાઓ જોઈ શકીએ અને તેનો અનુભવ કરી શકીએ."

તેમના માતા અંજના કહે છે, "સૌથી સુંદર વાત એ રહી કે બધે લોકો સરખા જ છે."

તેઓ કહે છે, "તેઓ પ્રેમ વહેંચે છે. હું પણ આપણા દેશ અને દુનિયા માટે શાંતિ અને પ્રેમ વહેંચવા માગું છું."

"ભારતનું સમર્થન કરવું એ સૌથી મોટી વાત છે અને અમે હવે અહીં છીએ. ખેલાડીઓને રમતા જોવા એ સૌથી રોમાંચક વાત છે."

અનુપમ કહે છે,"હું બહુ ખુશ છું કે અમે આ કરી શક્યા. અમે 17 બૅગ્ઝ લઈને નીકળ્યાં હતાં. સિંગાપોરથી રવાના થતી વખતે ભારતીય હાઈ-કમિશ્નરે અમને કહ્યું હતું કે અમે 18મી બૅગ માટે જગ્યા રાખીએ કારણ કે પાછા જઈએ ત્યારે વર્લ્ડ કપ લઈને જઈ શકીએ."

હવે બસ આ પરિવાર સેમિફાઇનલમાં ભારતને જીતતું જોવા માગે છે. ત્યાર બાદ તેમને ફાઇનલ મૅચની ટિકિટ મેળવવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો