You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત જળસંકટ : ભગતના ગામમાં લોકો પથ્થરની ખાણનું પાણી પીવા મજબૂર
- લેેખક, ભાર્ગવ પરીખ અને પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી, સુરેન્દ્રનગરથી પરત ફરીને
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અન્ય કેટલાંક રાજ્યો દુષ્કાળનો સામનો કરી રહ્યાં છે.
ગુજરાતમાં હાલ વાયુ વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારમાં થોડા વરસાદ થયો છે, પરંતુ તેનાથી રાજ્યની પાણીની તંગી હળવી થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી.
વાવાઝોડાને કારણે ચોમાસું પાછળ ઠેલાય તેવાં પણ એંધાણ મળી રહ્યાં છે. જેના કારણે પાણીની તંગી લંબાશે તેવું પણ અનુમાન છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાણીની તંગી છે. કચ્છમાં છેલ્લાં કેટલાંક વર્ષોનો આ સૌથી ભયંકર દુષ્કાળ છે.
સૌરાષ્ટ્રનાં સેંકડો ગામોમાં રાજ્ય સરકાર ટૅન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડી રહી હોવાનો દાવો કરે છે.
જોકે, રાજ્યમાં હજી એવાં અનેક ગામ છે જે પીવાના પાણી માટે તરસી રહ્યાં છે.
આ ગામનું નામ બોલવું અશુભ મનાય છે
સાયલા સુરેન્દ્રનગરથી 40 કિલોમિટર દૂર છે. 18 હજારની વસતી ધરાવતું સાયલા 'ભગતના ગામ' તરીકે ઓળખાય છે.
અહીંના સ્થાનિક લોકો તમને સાયલાને બદલે 'ભગતનું ગામ' બોલતા દેખાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકવાયકા છે કે દિવસની શરૂઆતમાં 'સાયલા' નામ લો તો આખો દિવસ અશુભ જાય અને ધાર્યું કામ પણ પાર ન પડે.
આ લોકવાયકાની તરફેણમાં ગ્રામજનો તમને અનુરૂપ દંતકથાઓ પણ સંભળાવશે. ભગતના ગામમાં પાણીની સ્થિતિથી અશુભ કદાચ કંઈ જ નહીં હોય.
ખાણનું પાણી પીવા લોકો મજબૂર
હાઈવેથી સાયલા ગામમાં પ્રવેશીએ ત્યાં જ રસ્તાની બન્ને બાજુએ પથરાયેલું માનસરોવર તળાવ છે.
બહારથી આવતા લોકોને આ સૂકુંભટ તળાવ જોઈને જ ગામમાં પાણીની સ્થિતિનો અંદાજ આવી જાય છે.
ગામથી જૂજ કિલોમિટર દૂર આવેલો થોરિયાળી ડૅમમાં પણ પાણી નથી.
ડૅમની જમીનમાં તિરાડો પડી ગઈ છે, આ તિરાડો ગત વર્ષોના આવા અનેક દુષ્કાળોની યાદ અપાવે છે.
ક્યાંક-ક્યાંક આ તિરાડોની વચ્ચેથી વનસ્પતિ ઊગી નીકળી છે.
આ સ્થિતિમાં સાયલાના લોકો પથ્થરની ખાણમાં એકઠું થયેલું પાણી પીવા માટે મજબૂર છે.
ગામના પૂર્વ સરપંચ વીરેન્દ્રસિંહ જાડેજા કહે છે કે ડૅમ પાસે બ્લૅક સ્ટોનની ખાણ આવેલી છે, એના ખાડામાં ભરાયેલું પાણી સરપંચ દ્વારા ગ્રામજનોને પહોંચાડવામાં આવે છે.
ડૅમ અને જળાશયોમાં 14.81 ટકા પાણી
ચાલુ વર્ષે ગુજરાતના દર ત્રીજા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ડૅમ અને જળાશયોમાં 14.81 ટકા જ પાણી છે.
સૌરાષ્ટ્ર પ્રદેશના 11 જિલ્લાના ડૅમ અને જળાશયોમાં 4.58 ટકા જેટલું જ પાણી બચ્યું છે.
ડૅમ અને જળાશયોનાં જળસ્તર સંદર્ભે સૌથી કપરી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર પ્રદેશની છે.
વીરેન્દ્રસિંહ જાડેજા કહે છે, "125 એકરનું માનસરોવર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ગરમીમાં ખાલી જોવા મળે છે."
જ્યાં પીવાના પાણીની વિકટ સ્થિતિ હોય ત્યાં ખેતી અને ખેડૂતની સ્થિતિ કેવી હોય એનો અંદાજ લગાવી શકાય છે.
'પાણી વગર કેમ જીવવું?'
"પંદર દિવસ પહેલાં પીવાનું પાણી ભરવા ગઈ ત્યારે પડી ગઈ ત્યારથી મારાથી ચલાતું નથી, પથારીમાં જ છું."
મહાજનની પાંજરાપોળ પાસેના વાસમાં રહેતા 70 વર્ષીય સમુબહેનના આ શબ્દો છે.
સમુબહેન અને તેમના પતિ માંડ-માંડ આ દિવસો કાઢી રહ્યા છે.
તેમનું કાચું મકાન તેમની આર્થિક સ્થિતિનું વર્ણન કરવા માટે પૂરતું છે.
ઘરની બહાર જ સમુબહેન ખાટલા પર સૂતેલાં હતાં, પાછળ ઘરના દરવાજે મેલો સદરો પહેરીને તેમના પતિ આવીને ઊભા છે.
દરવાજા પાસેની કાચી ભીંત રોજ સળગતા ચૂલાને લીધે કાળી થઈ ગઈ છે.
સમુબહેનની ઊંડી ઊતરી ગયેલી આંખોની કીકી પર છારી બાઝી ગઈ છે અને તેમના પતિને પણ સ્પષ્ટ દેખાતું નથી.
સમુબહેન પાછી વાત માંડે છે, "સાહેબ, કેવી રીતે જીવવું એ સમજાતું નથી. ક્યારેક તો મહિને એક વખત પીવાનું પાણી આવે છે."
તેઓ મહાજનની પાંજરાપોળમાંથી પાણી ભરીને લાવતાં હતાં પણ હવે પડી ગયા પછી તેઓ પાણી ભરવા જઈ શકતાં નથી.
ક્યારેક તેમના પતિ હિંમત કરીને પાણી ભરી લાવે છે તો ક્યારેક આસપાસની મહિલાઓની મદદ માગે છે.
'15 દિવસે એક વખત પાણી આવે'
મહાજનની પાંજરાપોળમાં બપોરે બે વાગ્યે પણ મહિલાઓ પાણી ભરવા માટે આવી હતી.
અહીં એક કૂવો છે જેમાંથી મોટરથી પાણી ખેંચીને ટાંકીમાં ભરી રાખે છે.
પાંજરાપોળવાળા આ પાણી સ્થાનિક લોકોને ભરવા દે છે, લોકો રોજબરોજના ઉપયોગમાં આ પાણીનો ઉપયોગ કરે છે.
પાણી ભરવા આવેલાં ગીતાબહેન કહે છે, "પાણી ભરવાના ચક્કરમાં રસોઈનો સમય પણ જળવાતો નથી. આ અત્યારે પાણી ભરવા આવ્યા છીએ અને હવે જઈને રસોઈ કરીશું. "
પૂર્વ સરપંચ વીરેન્દ્રસિંહ જાડેજા કહે છે, "સાયલામાં 15-17 દિવસે એક વખત એક કલાક માટે જ પીવાનું પાણી આવે છે."
"વાપરવા માટે તો બહેનો કોઈકને કોઈ જગ્યાએથી લઈ આવે પણ પીવાના પાણીની સ્થિતિ વિકટ છે."
જેને પોસાતું હોય એવા લોકો 450 થી 500 રૂપિયા ટૅન્કરદીઠ ખર્ચ કરીને મંગાવે છે.
અહીં ત્રણથી ચાર દિવસ પહેલાં ફોન કરીને ટૅન્કર નોંધાવવું પડે છે.
જસુબહેન જોગરાણા કહે છે, "પાણીના ટાંકા મંગાવીએ તો ક્યારેક આવે અને ક્યારેક ન આવે. ન તો પીવાનું પાણી છે, ન તો વાપરવા માટે. છોકરાં રડતાં હોય તો પણ એમને મૂકીને પહેલાં પાણી ભરવા આવવું પડે."
પશુપાલકો હિજરત કરી ગયા
ગામના કેટલાક પશુપાલક પરિવારો પાણી અને ઘાસચારાના અભાવે હિજરત કરી ગયા છે. જે નથી ગયા તેમનાં પશુઓ મરી રહ્યાં છે, ખેડૂતોની સ્થિતિ પણ સારી નથી.
વીરેન્દ્રસિંહ જાડેજા કહે છે, "રાજ્ય સરકારને અનેક વખત અમે રજૂઆત કરી છે. માનસરોવર તળાવને ઊંડું કરે અને એમાં નર્મદાનું પાણી નાંખે એ એક રસ્તો છે."
"જો સરકાર ગામમાં વિસ્તાર પ્રમાણે જો એક-એક ટૅન્કર પહોંચાડે તો પણ આટલી ખરાબ સ્થિતિ ન સર્જાય."
ગુજરાતના દર 18મા ગામમાં ટૅન્કર થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આમ છતાં સાયલાની માફક ઘણાં ગામોમાં પીવાના પાણીની સ્થિતિ બદતર છે.
સમુબહેન કહે છે, "આ ગામમાં મારી આખી જિંદગી પાણીની રાહ જોવામાં જ વીતી ગઈ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો