દુનિયાના આ શહેરોમાં સર્જાઇ શકે છે જળસંકટ

દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન શહેર જલદી આધુનિક દુનિયાનું પહેલું એવું મોટું શહેર બનવા જઈ રહ્યું છે જ્યાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાવાની છે.

ભારતના બેંગ્લુરુ ઉપરાંત બેઇજિંગ, ટોક્યો અને મૉસ્કોનો પણ સમાવેશ થાય છે.

ઘણાં વિશેષજ્ઞો અગાઉથી જ જળસંકટ અંગે ચેતવણી આપતા રહ્યા છે.

ધરતીની સપાટી પર 70 ટકા ભાગ પાણીથી ભરેલો છે. પરંતુ તે પાણી સમુદ્રી છે અથવા તો ખારું છે.

તમને આ પણ વાંચવું ગમશે

દુનિયામાં મીઠું પાણી માત્ર ત્રણ ટકા છે અને તે પણ સહેલાઇથી મળી શકે તેમ નથી.

દુનિયામાં સો કરોડ કરતાં વધારે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. જ્યારે 270 કરોડ લોકોને વર્ષ દરમિયાન એક મહિના સુધી પીવાનું પાણી મળતું નથી.

વર્ષ 2014માં દુનિયાના 500 મોટાં શહેરમાં થયેલી એક તપાસમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ ચારમાંથી એક નગરપાલિકા પાણીની કટોકટીની સમસ્યાનો સામનો કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર જ્યારે પાણીનો પુરવઠો વાર્ષિક પ્રતિ વ્યક્તિ 1700 ક્યુબિક મીટરથી ઓછો થઈ જાય ત્યારે પાણીની કટોકટી ગણી શકાય.

સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત વિશેષજ્ઞોના અનુમાન અનુસાર વર્ષ 2030 સુધી વૈશ્વિક સ્તરે પીવાના પાણીની માગ 40 ટકા વધી જશે.

તેનાં કારણ હશે- જળવાયુ પરિવર્તન, વિકાસના રસ્તે મનુષ્યોની રેસ અને વસ્તીવધારો.

તેમાં કોઈને પણ આશ્ચર્ય થવું ન જોઈએ કે આ વધતા સંકટનો સામનો કરનારું પહેલું શહેર કેપટાઉન છે.

દરેક મહાદ્વીપ પર આવેલાં શહેરોની સામે આ સમસ્યા ઊભી છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે છતાંય આ શહેરો પાસે તેનાથી બચવાનો રસ્તો શોધવાનો સમય પણ નથી.

એક નજર દુનિયાનાં 11 મોટાં શહેરો પર જેમની સામે પીવાના પાણીનું સંકટ તોળાઈ શકે છે.

સાઓ પાલો

દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરમાંથી એક છે બ્રાઝિલની આર્થિક રાજધાની સાઓ પાલો.

અહીં 2.17 કરોડ કરતાં વધુ લોકો વસે છે. આ શહેરની સામે વર્ષ 2015માં એવી જ સ્થિતિ આવી હતી કે જે આજે કેપ ટાઉનની સામે છે.

તે સમયે અહીં સ્થિત મુખ્ય સરોવરની ક્ષમતા માત્ર ચાર ટકા રહી ગઈ હતી.

દુષ્કાળ વધતા પરિસ્થિતિ એવી સર્જાઈ કે શહેર પાસે માત્ર 20 દિવસ સુધી ચાલે એટલો જ પાણીનો પુરવઠો રહ્યો હતો.

આ દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડતા ટ્રકોને પોલીસ સુરક્ષા વચ્ચે લઈ જવામાં આવતા હતા.

માનવામાં આવે છે કે 2014થી 2017 વચ્ચે બ્રાઝિલના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો જેના કારણે પાણીની તંગી સર્જાઈ હતી.

પરંતુ સંયુક્ત રાષ્ટ્રના મિશને તેના માટે ખોટી યોજના અને યોગ્ય જગ્યાએ રોકાણ ન કરવા માટે સાઓ પાલોના અધિકારીઓની નિંદા કરી હતી.

વર્ષ 2016માં ઘોષણા કરવામાં આવી હતી કે સમસ્યાનું સમાધાન મળી ગયું છે પરંતુ તેના બીજા જ વર્ષે જાન્યુઆરીમાં શહેરના મુખ્ય સરોવરની ક્ષમતા આશા કરતાં 15 ટકા ઓછી હતી.

ત્યારબાદ સરકારના દાવા પર ફરી સવાલ ઊભા થયા હતા.

બેંગ્લુરુ

ભારતીય શહેર બેંગ્લુરુના વિકાસે અધિકારીઓ પર દબાણ વધાર્યું છે.

ગ્લોબલ ટેકનૉલૉજી સેન્ટરનું નામ મેળવી ચૂકેલા આ શહેરમાં અધિકારીઓ જળ વિતરણ અને નિકાસ પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહ્યા છે.

શહેરમાં પાણીના જૂના પાઇપનું સમારકામ ખૂબ જરૂરી છે.

સરકારના એક રિપોર્ટ અનુસાર શહેરમાં પીવાના પાણીનો અડધા કરતા વધારે ભાગ આ જ પાઇપોને કારણે બગડે છે.

ચીનની જેમ ભારત સામે પણ પાણીના પ્રદૂષણની સમસ્યા છે અને બેંગ્લુરુની સ્થિતિ પણ અલગ નથી.

એક તપાસ અનુસાર શહેરનાં સરોવરોનું 85 ટકા પાણી માત્ર સિંચાઈ અથવા ફેક્ટરીમાં ઉપયોગને લાયક છે પરંતુ પીવાલાયક નથી.

કોઈ એક સરોવરનું પાણી પણ એટલું સાફ નથી કે તેને પીવા કે પછી નહાવા માટે યોગ્ય માની શકાય.

બેઇજિંગ

દુનિયાની કુલ વસ્તીનો 20 ટકા ભાગ ચીનમાં છે પરંતુ દુનિયાના મીઠા પાણીનો માત્ર સાત ટકા ભાગ અહીં છે.

વર્ષ 2015માં જાહેર થયેલા આંકડા અનુસાર બેઇજિંગમાં પાણી એટલું પ્રદૂષિત છે કે તે ખેતીમાં વાપરવાને લાયક પણ નથી.

ચીનની સરકારે આ સમસ્યાના સમાધાન માટે પાણીના ઉત્તમ વિતરણની યોજનાઓ બનાવી જાગૃતિ અભિયાનો ચલાવ્યા અને પાણીનો વધુ વપરાશ કરતા લોકો માટે વધુ ભાવ નક્કી કર્યા હતા.

કાહિરા

દુનિયાની મહાન સભ્યતાનો જન્મ નાઇલ નદીના કિનારે થયો હતો પરંતુ આજના સમયમાં સ્થિતિ અલગ છે.

હાલ તો આ નદી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ઇજિપ્તની જરૂરિયાતનું 97 ટકા પાણી અહીંથી જ આવે છે.

સાથે આ જ નદી છે કે જ્યાં ખેતરમાંથી તેમજ ઘરોમાંથી નીકળેલું ગંદુ પાણી પહોંચે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર ઇજિપ્તમાં જળપ્રદૂષણનાં કારણે મૃત્યુ દર ઊંચો છે અને લોકોની સરેરાશ આવક પણ ખૂબ ઓછી છે.

સંયુક્ત રાષ્ટ્રોનું કહેવું છે કે વર્ષ 2025 સુધી દેશે પાણીની ભારે અછતનો સામનો કરવો પડશે.

જકાર્તા

સમુદ્ર કિનારે વસેલા દુનિયાના અન્ય શહેરોની જેમ જકાર્તા સામે સમુદ્રનું વધતું જળસ્તર એ ગંભીર પડકાર છે.

આ સિવાય અહીં બીજી મોટી સમસ્યા છે કે એક કરોડની જનસંખ્યામાંથી અડધાથી ઓછા લોકો સુધી સાર્વજનિક જળ વિતરણ વ્યવસ્થા પહોંચી શકતી નથી.

અહીં ગેરકાયદેસર રીતે કૂવાઓનું ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે ભૂ-જળ સ્ત્રોત પર દબાણ વધી રહ્યું છે.

અહીંના સરોવરોમાં ડામર ખૂબ જ વધારે પ્રમાણમાં છે જેના કારણે આ સરોવર વરસાદના પાણીને સંપૂર્ણપણે સૂકાવી શકતા નથી. આને કારણે જળસંકટ વકરે છે.

મૉસ્કો

દુનિયાના મીઠા પાણીના સ્રોતમાંથી એક ચતુર્થાંશ સ્રોત રશિયામાં છે પરંતુ સોવિયેત કાળમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે અહીં પાણીના પ્રદૂષણની સમસ્યા ગંભીર બની છે.

મૉસ્કો સામે સૌથી મોટો પડકાર પણ એ જ છે કેમ કે આ શહેર પોતાની જરૂરિયાતના પાણીના 70 ટકા માટે આ જ સ્રોતો પર નિર્ભર કરે છે.

ઇસ્તંબૂલ

તુર્કીની સરકારના આંકડા જણાવે છે કે દેશ પાણીના સંકટનો સામનો કરી રહ્યો છે.

અહીં વર્ષ 2016માં પાણીની વાર્ષિક સપ્લાય પ્રતિ વ્યક્તિ 1700 ક્યૂબિક મીટર કરતાં ઓછી હતી.

સ્થાનિક જાણકારોનું કહેવું છે કે 2030 સુધી સ્થિતિ વધારે ખરાબ સ્વરૂપ ધારણ કરી શકે છે.

મેક્સિકો સિટિ

મેક્સિકો શહેરના 2.1 કરોડ નાગરિકો માટે પાણીની તંગી કોઈ નવી વાત નથી.

અહીં પાંચમાંથી એક વ્યક્તિને બસ થોડા કલાકો માટે જ પાણી સપ્લાય થાય છે. શહેરની માત્ર 20 ટકા જનતાને દિવસ દરમિયાન થોડું પાણી મળે છે.

શહેર પોતાની જરૂરિયાતના પાણીનો 40 ટકા ભાગ અન્ય સ્રોતોથી આયાત કરે છે.

સાથે જ અહીં ગંદા પાણીને ફરી પીવાલાયક બનાવવા માટે કોઈ વ્યવસ્થા નથી.

શહેરની પાઇપ લીક થવાના કારણે અહીં 40 ટકા પાણી બરબાદ થઈ જાય છે.

લંડન

બ્રિટનમાં દર વર્ષે 600 મિલીમીટર વરસાદ પડે છે. જે પેરિસ અને ન્યૂયોર્કની સરેરશ કરતાં ઓછો છે.

શહેરની જરૂરિયાતનું 80 ટકા પાણી નદીઓમાંથી મળે છે.

ગ્રેટર લંડનના અધિકારીઓનું કહેવું છે કે શહેરની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને વર્ષ 2025 સુધી અહીં પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળશે.

વર્ષ 2040 સુધી પરિસ્થિતિ અતિ વિકરાળ બની શકે છે.

ટોક્યો

જાપાનની રાજધાની ટોક્યોમાં દર વર્ષે અમેરિકાના સિએટલ જેટલો જ વરસાદ પડે છે.

સિએટલને 'રેઇની સિટિ' તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ તે માત્ર ચાર મહિનાની વાત હોય છે.

વરસાદના પાણીને જો એકઠું કરવામાં ન આવે તો દુષ્કાળનાં વર્ષોમાં મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

સમસ્યાના સમાધાન સ્વરૂપે અધિકારીઓએ શહેરની 750 સાર્વજનિક અને ખાનગી ઇમારતો પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ(વરસાદના પાણીને એકઠું કરવાની વ્યવસ્થા)ની વ્યવસ્થા બનાવી છે.

અહીં ત્રણ કરોડ કરતાં વધારે લોકો રહે છે અને શહેરના 70 ટકા લોકો પીવાનું પાણી માટે સરોવર કે પીગળેલા બરફમાંથી મેળવે છે.

મિયામી

અમેરિકામાં સૌથી વધારે વરસાદ ફ્લોરિડામાં પડે છે પરંતુ આ રાજ્યના પ્રખ્યાત મિયામી શહેરમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

એટલાન્ટીક મહાસાગરે અહીંના મુખ્ય સરોવર વિઝકાયાના પાણીને પ્રદૂષિત કરી દીધું છે અને તે સરોવર જ સ્વચ્છ પાણી માટે મુખ્ય સ્રોત છે.

આ સમસ્યા અંગે જાણકારી તો વર્ષ 1930 આસપાસ જ મળી ગઈ હતી.

સમુદ્રનું ખારું પાણી મીઠા પાણીના સ્રોતને ખરાબ કરે છે. તેનું મુખ્ય કારણ છે સમુદ્રના જળસ્તરમાં વધારો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો