પ્રેસ રિવ્યૂ: ઉનાળાની ખેતીને લઈને મુખ્યમંત્રીની ખેડૂતોને ચેતવણી

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને ઉનાળુ પાક ન કરવાની ચેતવણી આપી હતી.

રાજયમાં પીવા અને સિંચાઈના પાણી માટે મહત્ત્વના ગણાતા નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી તેમણે આમ કહ્યું.

અમદાવાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપતા મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નર્મદાના પાણી પર નભતા રાજ્યના 10 હજાર થી વધુ ગામડા અને 167 જેટલા નગરોને પીવાના પાણીની તકલીફ ન પડે તેટલા માટે ઉનાળુ પાક ખેડૂતો ન કરે તેવી અપેક્ષા રખાય છે.

તેમણે કહ્યું હતું કે રાજય સરકારે ચોમાસું અને શિયાળુ પાક માટે પાણી આપ્યું હતું અને શિયાળુ પાક પર કોઈ અસર ન પડે તેટલા માટે ઉનાળામાં પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

IPS અધિકારીનો રામમંદિર નિર્માણનો સંકલ્પ!

નવગુજરાત સમયના અહેવાલ મુજબ અયોધ્યામાં રામ મંદિરના વહેલા બાંધકામ માટે કથિત રીતે સંકલ્પ લેવા બદલ ઉત્તર પ્રદેશના એક સિનિયર અધિકારી વિવાદમાં સપડાયા છે.

આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વીડિયોમાં ડાયરેક્ટર જનરલ (હોમગાર્ડ્સ) સૂર્ય કુમાર શુક્લા ૨૮ જાન્યુઆરીના એક ઇવેન્ટમાં કથિત સોગંદ લેતા દેખાઈ રહ્યા છે.

સરકારે આવતા વર્ષે નિવૃત્ત થનાર આ અધિકારીને આ મામલે ખુલાસો કરવાની સૂચના આપી છે.

શુક્લા આ ઇવેન્ટમાં જઇને સંકલ્પ લીધાની વાત કબૂલે છે. પરંતુ તેમનું કહેવું છે કે તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે.

બોફોર્સકાંડમાં 12 વર્ષે નવો વળાંક

સંદેશના અહેવાલ મુજબ બહુચર્ચિત બોફોર્સ તોપ સોદાની દલાલી કાંડમાં સીબીઆઈએ આરોપીઓ વિરૂદ્ધ તમામ આરોપો ફગાવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

CBIએ હાઈકોર્ટના 31 મે 2005ના રોજ કરેલા નિર્ણય વિરૂદ્ધ અપીલ દાખલ કરી છે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં ઉદ્યોગપતિ હિન્દુજા બંધુ અને બોફોર્સ કંપની વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા હતા.

એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું હતું કે, CBIએ બોફોર્સ કેસમાં સ્પેશ્યલ લીવ પિટિશન(SPL) ફાઇલ ન કરવી જોઈએ.

કારણકે આ કેસ ઘણા જ વર્ષોથી પડતર છે, આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ તેને ફગાવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો