સૅનિટરી પૅડનો ઉપયોગ કેટલો સુરક્ષિત છે?

    • લેેખક, ભૂમિકા રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

એ સાત દિવસ.. એ દાગ.. અલગ રૂમમાં રહેવું... પીરિયડ્સની વાત આવતાં લોકોના ચહેરાના હાવભાવ એ રીતે બદલાઈ જાય છે જાણે કોઈ અપરાધ કરી નાખ્યો હોય.

ટીવી પર સૅનિટરી નૅપ્કિનની જાહેરાત આવતાં આંખો નીચી કરી લેવામાં આવે છે, મોઢું ફેરવી લેવામાં આવે છે.

મેન્સ્ટ્રુએશન, પીરિયડ્સ, માસિકધર્મ.. આવા શબ્દો પર કોઈ ચર્ચા કરવા માગતું નથી. આ શબ્દ આવતાં જ સન્નાટો છવાઈ જાય છે.

તેનું પરિણામ છે આ દિવસો દરમિયાન સાફ સફાઈ કેવી રીતે રાખવી તેની જાણકારી નથી મળતી અને છોકરીઓ, મહિલાઓ ઇન્ફેક્શનનો શિકાર બની જાય છે.

મેન્સ્ટ્રુએશન હાઇજીન આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા છે તે આપણે બધા જાણીએ છીએ.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2015-16)ના રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાં 48.5 ટકા જ્યારે શહેરોમાં 77.5 ટકા મહિલાઓ સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ કરે છે.

એટલે કે કુલ 57.6 ટકા મહિલાઓ જ સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ કરે છે.

પરંતુ સવાલ એ પણ ઉઠે છે કે જે સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ આપણે હાઇજીન અને સુરક્ષાના નામે કરીએ છીએ તે સંપૂર્ણપણે સુરક્ષિત છે?

શું તેનાથી મહિલાઓનાં સ્વાસ્થ્ય પર અસર પડે છે?

શું છે માપદંડો?

માસિકધર્મ દરમિયાન મહિલાઓ જે સેનેટરી નૅપ્કિનનો ઉપયોગ કરે છે તેને તેઓ સુરક્ષિત માને છે.

પણ ખરેખર તો સરકારે તેના માટે કેટલાક માપદંડો નક્કી કરી રાખ્યા છે.

ઇન્ડિયન બ્યૂરો સ્ટાન્ડર્ડ્સે સૅનેટરી નૅપ્કિન માટે પહેલી વખત 1980માં માપદંડો નક્કી કર્યા હતા જેમાં ઘણી વખત ફેરફાર પણ કરાયા છે.

નક્કી થયેલા માપદંડો અનુસારઃ

- સૅનિટરી પૅડ બનાવવા માટે અબ્સર્બેંટ ફિલ્ટર અને કવરિંગનું સૌથી વધારે ધ્યાન રાખવું જરૂરી છે.

- ફિલ્ટર મટીરિયલ સેલ્યુલોઝ પલ્પ, સેલ્યુલોઝ અસ્તર, ટિશૂઝ કે કૉટન હોવું જોઈએ. તેમાં ગાંઠ, તેલના ધબ્બા કે બીજી કોઈ વસ્તુની ભેળસેળ ના હોવી જોઈએ.

- કવરિંગ માટે પણ સારી ક્વૉલિટીનાં કોટનનો ઉપયોગ થવો જોઈએ.

પીરિયડ્સમાં શું કરે છે મહિલાઓ?

દિલ્હી યુનિવર્સિટીની લેડી ઇરવિન કૉલેજમાં કપડાં અને પરિધાન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવના છનાનાએ એક વેબસાઇટ સાથે વાતચીતમાં કહ્યું કે સૅનેટરી નૅપ્કિનનું કામ માત્ર બ્લીડિંગને સૂકવવાનું નથી.

સૅનિટરી નૅપ્કિને હાઇજીનના પેરામિટર પર ખરું ઊતરવું જરૂરી છે.

જ્યારે આપણે સૅનિટરી નૅપ્કિન ખરીદીએ છીએ તો બ્રાન્ડ વેલ્યૂ પર ટ્રસ્ટ કરી ખરીદી લઈએ છીએ જે યોગ્ય નથી.

સૅનિટરી પૅડ ખરીદતાં સમયે તેમનું પીએચ સ્તર ચકાસવું ખૂબ જરૂરી છે.

વર્ષ 2003માં અમદાવાદ સ્થિત કન્ઝ્યૂમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરે એક ટેસ્ટ કર્યો હતો.

જેમાં તેમને બજારમાં વેચાતા 19 સૅનિટરી નૅપ્કિનની બ્રાન્ડમાં ધૂળ મળી હતી તો કેટલાકમાં તો કીડીઓ પણ મળી હતી.

શું કહે છે સ્ત્રીરોગ વિશેષજ્ઞ?

દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરનારાં ગાઇનોકોલૉજિસ્ટ ડૉક્ટર મધુ ગોયલનું કહેવું છે કે બજારમાં વેચાતાં સૅનિટરી પૅડ્સ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.

તેમાં જે પ્લાસ્ટીક શીટનો ઉપયોગ થાય છે તે કાર્સિનોજેનિક હોઈ શકે છે. તેવામાં આ પૅડનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

મધુ ગોયલ કહે છે કે આ પૅડ્સ પર્યાવરણ માટે પણ સુરક્ષિત નથી કેમ કે તે બાયોડિગ્રેબલ નથી હોતા.

સાથે જ તેમના ઉપયોગ દરમિયાન સૌથી વધુ ધ્યાન તેને બદલવા પર રાખવું જરૂરી હોય છે.

સમયસર નૅપ્કિન બદલવામાં ન આવે તો સંક્રમણ પણ થઈ શકે છે.

ડૉક્ટરો શું આપે છે સલાહ?

એંડૉક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર શિખા જણાવે છે કે આપણે ત્યાં જે પ્રકારનાં સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ થાય છે તે 'આઉટર યૂઝ' માટે હોય છે.

તેવામાં કેમિકલની અસર અંદરના અંગો પર નથી પડતી.

પરંતુ માસિકધર્મ દરમિયાન સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. સફાઈ પર ધ્યાન ન આપવામાં આવતાં ઇન્ફેક્શન થવાનો ડર રહે છે.

જો ઇન્ફેક્શન ખૂબ વધી જાય તો ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે.

ગાઇનોકોલૉજિસ્ટ ડૉક્ટર મધુ ગોયલ પણ આવી જ સલાહ આપે છે.

- જે સમયે બ્લડ ફ્લો વધારે હોય ત્યારે જ ટેલરમેડ પૅડનો ઉપયોગ કરવો. ફ્લો વધારે નથી તો કૉટનના પૅડનો જ ઉપયોગ કરવો.

- સમય પર નૅપ્કિન બદલવાં ખૂબ જરૂરી છે.

- હાથ ધોયા વગર નૅપ્કિન ન બદલો.

- નૅપ્કિનને ફેંકતી વખતે તેને સારી રીતે લપેટીને કચરાપેટીમાં નાખો. જોકે, પૅડને કચરાપેટીમાં નાખતા સમયે પેપર પર લાલ રંગનું નિશાન પણ લગાવવું જરૂરી છે.

ડૉક્ટર મધુ ગોયલ જણાવે છે કે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવો સૌથી સુરક્ષિત છે.

પરંતુ તેઓ એ વાતને પણ નકારી નથી રહ્યાં કે મેન્સ્ટ્રુઅલ કપ બજારમાં સહેલાઈથી નથી મળતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો