You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન પેટાચૂંટણીમાં ભાજપ કેમ હાર્યો? ક્યાં થઈ ચૂક?
- લેેખક, નારાયણ બારેઠ
- પદ, જયપુરથી બીબીસી હિંદી માટે
રાજસ્થાનમાં લોકસભાની બે અને વિધાનસભાની એક સીટ માટે થયેલી પેટાચૂંટણીનું પરિણામ ગુરુવારે આવ્યું. જેમાં થયેલા આકરા પરાજયથી ભાજપ પરેશાન છે.
કારણ કે રાજ્યમાં દસ મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ત્રણેય સીટો પર કોંગ્રેસના ઉમેદવાર ભારે બહુમતીથી જીત્યા છે.
આ પરિણામોથી ખુશ થયેલી કોંગ્રેસને લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં તેનો વનવાસ પૂર્ણ થઈ શકે છે.
પેટાચૂંટણીઓમાં અલવરની લોકસભાથી કોંગ્રેસના ડૉક્ટર કર્ણસિંહ યાદવે ભાજપના ઉમેદવાર અને રાજ્યમાં મંત્રી ડૉક્ટર જસવંત યાદવને મોટા અંતરથી હાર આપી છે.
અજમેરમાં કોંગ્રેસના રઘુ શર્માએ ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપને પરાજય આપ્યો.
ભાજપનો ભરોસો
ભીલવાડા જિલ્લાની માંડલગઢ વિધાનસભા સીટ પર કોંગ્રેસના વિવેક ધાકડે ભાજપના શક્તિસિંહને હરાવ્યા.
રાજસ્થાન ભાજપના અધ્યક્ષ અશોક પરિણામીએ કહ્યું કે પરિણામોની સમીક્ષા કરીશું અને વિધાનસભા ચૂંટણીઓમાં પૂરા જોશથી મેદાનમાં ઊતરીશું.
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, "ભાજપની ઊંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સચિન પાયલટે કહ્યું, "ભાજપ પ્રત્યે લોકોમાં ભારે ગુસ્સો છે."
આ ચૂંટણીમાં ભાજપને પોતાના સંગઠનના કૌશલ્ય, બૂથ મેનેજમેન્ટ, જાતિ સમીકરણ, વિકાસ કાર્યો અને હિંદુત્વ પર ભરોસો હતો.
પરંતુ આ બધી જ બાબતો ભાજપની વિરુદ્ધ ઉમટેલા જન આક્રોશને રોકી ના શકી.
અલવરની ચૂંટણી
જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ વધતો ગયો તેમ તેમ ભાજપ માટે મુશ્કેલી વધતી નજરે પડી. આ ચૂંટણીઓમાં ખુદ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કમાન સંભાળી હતી.
રાજેએ આ સ્થળોની અનેકવાર મુલાકાત લીધી અને સામાન્ય લોકોને પણ મળ્યાં.
મુખ્યમંત્રી મતદારોને લોભાવવા માટે જાતિવાર સમૂહ બનાવીને વિવિધ જાતિઓના લોકોને અલગ અલગ રીતે મળ્યાં. જોકે, આ પ્રયોગ પણ કામ ના આવ્યો.
છેલ્લા કેટલાક સમયથી ગૌરક્ષા જેવા મુદ્દાઓને લઈને અલવર ચર્ચામાં રહ્યું છે.
કેટલાક લોકોને એવું લાગતું હતું કે આ ધાર્મિક આધાર પર ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન છે અને ભાજપ તેનો લાભ લેશે.
ધર્મના નામ પર...
પરંતુ અલવરમાં ભાજપને મતોની સંખ્યાના હિસાબે વધારે નુકસાન સહન કરવું પડ્યું.
અલવરના સ્થાનીક પત્રકાર દેવેન્દ્ર ભારદ્વાજ કહે છે, "સરકારે કોઈ વિકાસ કાર્યો કર્યાં નથી પરંતુ પૂર્વ સરકારે જે કામ શરૂ કર્યાં હતાં તેને પણ બંધ કરી દીધાં. જેથી લોકો નારાજ થયા."
ભારદ્વાજ કહે છે, "ધર્મના નામ પર ધ્રુવીકરણનો સાથ લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા જેને લોકોએ નકારી દીધા. ભાજપના ઉમેદવારે અલવરમાં એક વખતે હિંદુ મતો પર પણ ભાર મૂક્યો પરંતુ લોકોએ ના સાંભળ્યું."
ભાજપ સરકારે પોતાનો પક્ષ મજબૂત કરવા માટે વડાપ્રધાનને પણ બાડમેરની મુલાકાત કરાવી અને રૉયલ રિફાઇનરીની સ્થાપના માટે 'કાર્ય પ્રારંભ' સમારોહ પણ આયોજીત કરાવ્યો.
વિધાનસભા ચૂંટણીઓ પર અસર
આ સમારોહમાં મોદીએ રાજેના કાર્યોનાં વખાણ પણ કર્યાં. પરંતુ લોકોએ તેને મહત્ત્વ ના આપ્યું.
ભાજપના રાજ્ય પ્રવક્તા મુકેશ ચેલાવત કહે છે, "હારથી આંચકો જરૂર લાગ્યો છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પર આ પરિણામોની અસર નહીં થાય."
ચેલાવતે કહ્યું કે કેમ હાર્યા તે કહેવું અત્યારે મુશ્કેલ છે. હારનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ.
કોંગ્રેસના નેતા મુમતાઝ મસીહ કહે છે, "આ પરિણામો કેન્દ્રની મોદી સરકાર અને ભાજપની રાજ્ય સરકાર બંને વિરુદ્ધ જનાદેશ છે."
સામાન્ય રીતે વિપક્ષ મજબૂત દેખાતો ન હતો અને છેલ્લાં ચાર વર્ષોમાં સરકારે કોઈ મોટાં આંદોલનોનો પણ સામનો કરવો પડ્યો નથી.
કેન્દ્રની ચિંતા
જોકે, લોકોનું કહેવું છે કે બેરોજગારી, કાનૂન વ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસ કાર્યોમાં આંખ આડા કાન કરવા જેવી બાબતોએ ભાજપ સામે વિરોધનો માહોલ પેદા કરી દીધો.
આ પરિણામો સત્તા પર બેઠેલા ભાજપમાં વસુંધરા રાજે સામે પડકારો વધારી શકે છે. કેન્દ્રની ચિંતામાં પણ વધારો થશે. કારણ કે લોકસભામાં રાજસ્થાનની 25 સીટો છે.
તો બીજી તરફ આટલી મોટી જીતથી વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસમાં મુખ્યમંત્રીનાં સ્વપ્ના જોનારા નેતાઓમાં પણ વર્ચસ્વ જમાવવા માટે હરીફાઈ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો