You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વહાણમાં 26 ઘેટાં, 10 બકરીઓ તો કેપ્ટનની ઉંમર કેટલી? સવાલે ઉડાવી ઊંઘ
'જો એક વહાણ પર 26 ઘેટાં અને 10 બકરીઓ હોય તો તેના કૅપ્ટનની ઉંમર કેટલી હશે?'
ચીનમાં ગણિતની પરીક્ષા દરમિયાન પૂછાયેલા આ સવાલનો જવાબ ભાગ્યે જ કોઈ પાસે હશે.
ચીનના શુનકિંગ જિલ્લાના પ્રાથમિક શાળાનાં બાળકો આ સવાલ જોઈને ચકિત થઈ ગયાં.
સોશિયલ મીડિયા પર પણ આ સવાલ આગની જેમ ફેલાઈ ગયો.
આ સવાલ પાંચમાં ધોરણનાં બાળકોનાં પ્રશ્નપત્રમાં હતો જેમની ઉંમર 11 વર્ષની આસપાસ હોય છે.
પ્રશ્નપત્રની તસવીર અને પ્રશ્નનો જવાબ આપવા માટે કોશિશ કરી રહેલાં બાળકોની તસવીર ચીનના સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ.
બાળકોએ કેવા જવાબ આપ્યા?
અપેક્ષિત જ હતું કે સોશિયલ મીડિયા પર ચર્ચા થશે અને થઈ પણ ખરી.
સામેથી શિક્ષણ વિભાગનો જવાબ પણ આવી ગયો કે આ કોઈ ભૂલને કારણે થયું ન હતું પરંતુ બાળકોમાં કેટલી જાગૃતિ છે તે જાણવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક બાળકે જવાબ આપ્યો, "કેપ્ટનની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તો હશે જ કેમ કે વહાણનો કેપ્ટન થવા માટે પુખ્તવયના હોવું જરૂરી છે."
બીજા વિદ્યાર્થીએ અનુમાન લગાવ્યું, "કેપ્ટન 36 વર્ષનો હશે કેમ કે 26માં 10 ઉમેરીએ તો 36 થાય છે."
એક વિદ્યાર્થીએ તો હાર માની લીધી. તેણે લખ્યું, "કેપ્ટનની ઉંમર છે.... હું નથી જાણતો. હું આનો ઉકેલ શોધી શકતો નથી."
લોકોના સવાલ
ચીનની માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ વીબો પર એક શખ્સે પૂછ્યું, "આ સવાલનો કોઈ તર્ક નથી. શું શિક્ષકોને આ સવાલનો જવાબ આવડે છે?"
એક વ્યક્તિએ પૂછયું, "જો કોઈ સ્કૂલમાં 26 શિક્ષકો છે અને તેમાં 10 સમજી-વિચારી શકતા નથી તો આચાર્યની ઉંમર કેટલી હશે?"
જોકે, એવા લોકો પણ હતા જેમણે શાળાનો બચાવ કર્યો. તેમની દલીલ હતી કે તેમાં બાળકોની સમજદારી પારખવા માટે કોશિશ કરવામાં આવી હતી.
વીબો પર એક વ્યક્તિએ લખ્યું, "મહત્ત્વનું એ છે કે આ સવાલે વિદ્યાર્થીઓને વિચારવાની તક આપી છે."
એક અન્ય વ્યક્તિનું કહેવું હતું, "આ સવાલ બાળકોને તેના વિચારો વ્યક્ત કરવા માટે પ્રેરે છે. તેમને ક્રિએટિવ થવાનો મોકો આપે છે. આવા વધુ સવાલો પૂછવા જોઈએ."
ચીનના શિક્ષણ વિભાગનો ખુલાસો
શુનકિંગના શિક્ષણ વિભાગે આ ચર્ચામાં 26 જાન્યુઆરીના રોજ પોતાનો પક્ષ રાખ્યો હતો.
તેમનું કહેવું છે કે બાળકોની સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા અને જાગરૂકતા પારખવાના ઉદ્દેશથી આ સવાલ પૂછવામાં આવ્યો હતો.
ચીનની શિક્ષણ વ્યવસ્થા પારંપરિક રીતે નોટ્સ બનાવી અને ગોખણપટ્ટી કરવા પર ભાર મૂકે છે. ટીકાકારોના મતે તેનાથી બાળકો ક્રિએટીવ થઈ શકતાં નથી.
શિક્ષણ વિભાગનું કહેવું છે કે આવા સવાલો બાળકોને અલગ રીતે વિચારવા માટે પડકારે છે.
અંતે દરેક ચર્ચામાં એક શખ્સ તો એવો હોય જ છે કે તેના પાસે દરેક સવાલનો જવાબ હોય છે.
વીબો પર એક શખ્સે લખ્યું, "પશુઓના સરેરાશ વજનના આધારે 26 ઘેટાં અને 10 બકરીઓનું વજન 7700 કિલો થાય છે.
"ચીનમાં 5000 કિલોથી વધારે વજનનું કાર્ગો ચલાવવાનું લાઇસન્સ લેવા માટે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
"ચીનમાં 23 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વહાણ ચલાવવા માટે લાઇસન્સ આપવામાં આવતું નથી એટલે વહાણના કેપ્ટનની ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ તો હશે જ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો