બ્રિટન પાસેથી ભૂંડના શુક્રાણુ શા માટે ખરીદે છે ચીન?

ચીન તેના ડુક્કરોની વસતી વધારવા માટે બ્રિટન પાસેથી મોટા પ્રમાણમાં ભૂંડનાં શુક્રાણુ ખરીદી રહ્યું છે.

બ્રિટનને ડુક્કરના શુક્રાણુનો એક મોટો ઓર્ડર તાજેતરમાં જ મળ્યો છે.

આ માટે ચીને બ્રિટન સાથે બે લાખ પાઉન્ડનો કરાર કર્યો છે, જે બ્રેક્સિટ પછીનો બ્રિટન અને ચીન વચ્ચેનો સૌથી મોટો કરાર છે.

ઉત્તર આયર્લેન્ડમાંથી ભૂંડનાં ફ્રોઝન એટલે કે થિજાવેલાં શુક્રાણુ 5,000 માઈલ દૂર ચીનમાં આ કરાર હેઠળ મોકલવામાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે

ચીનમાં ભૂંડનું મોટું માર્કેટ

સ્પીયરહેડ ચીન લિમિટેડના અધ્યક્ષ વિલિયમ આર્થર સ્પીયર્સે કહ્યું હતું, "બ્રિટન માટે બ્રેક્સિટ અત્યંત સારી બાબત છે. એ ચીન માટે પણ સારી તક છે.

"ચીનમાં ભૂંડનું મોટું માર્કેટ છે. ચીનના લોકો કમનસીબે બહુ ઝડપથી પૈસા કમાવા ઇચ્છે છે.

"જ્યારે બ્રિટનના ખેડૂતો ભૂંડની ગુણવત્તા અને ભૂંડોની મહત્તમ બચ્ચાં જણવાની ક્ષમતા પર ધ્યાન આપે છે."

કઈ રીતે થિજાવવામાં આવે છે શુક્રાણુ?

બ્રિટનમાં ભૂંડોના પ્રોફેશનલ રીતે સંવર્ધનનો લાંબો ઇતિહાસ છે.

તેમના માટે ઉચ્ચતમ પ્રજનન ટેક્નિક વિકસાવવાનું આસાન છે.

બ્રિટનમાં ભૂંડોના શુક્રાણુઓને લિક્વિડ નાઇટ્રોજન કેનમાં થિજાવવામાં આવે છે.

આહારની જરૂર દસ ટકા ઓછી

જુશિજી પિગ બ્રિડિંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લૂ ગુઆંહુઆએ કહ્યું હતું, "ચીનમાં માણસોની વસતી બહુ વધારે છે. અહીં ભૂંડનાં ફાર્મ્સ પણ મોટા પ્રમાણમાં છે.

"એ ફાર્મ્સમાં મોટા પ્રમાણમાં ભૂંડ સાથે રાખવાનું મુશ્કેલ છે, કારણ કે તેમ કરવાથી બીમારી ફેલાવાનો ભય હોય છે."

તેમણે ઉમેર્યું હતું, "ઉત્તર આયર્લૅન્ડનાં ભૂંડ બહેતર નસલનાં હોય છે. તેથી અમને વધુ નફો મળે છે.

"ઉત્તર આયર્લૅન્ડનાં ડુક્કરોની ખોરાકની જરૂરિયાત અન્ય ભૂંડોની સરખામણીએ દસ ટકા ઓછી હોય છે.

"ઉત્તર આયર્લૅન્ડનાં ડુક્કરોના શુક્રાણુને કારણે અમારાં ભૂંડ વધારે બચ્ચાં પેદા કરશે."

ચીનમાં આકરા નિયમો

ચીનમાં કેટલાક સરકારી નિયમોને કારણે તેની માર્કેટમાં પ્રવેશવાનું વિદેશની કંપનીઓ માટે મુશ્કેલ હોય છે, પણ બ્રેક્સિટને લીધે કેટલીક કંપનીઓને નવી તક મળવાની આશા છે.

બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ બુધવારથી ચીનનો પ્રવાસ શરૂ કર્યો છે.

આ પ્રવાસ દરમ્યાન થેરેસા મેની કાર્યસૂચિમાં બ્રેક્સિટ પછી ચીન સાથે વ્યાપારી સંબંધ વધારવા પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો