અવકાશના રહસ્યમય બર્મૂડા ટ્રાઇ-ઍન્ગલ વિશે જાણો છો?

    • લેેખક, સારા કિટિંગ
    • પદ, બીબીસી ફ્યૂચર

તમે બર્મૂડા ટ્રાઇ-ઍન્ગલનું નામ સાંભળ્યું હશે. એટલાન્ટિક મહાસાગરમાં આ વિસ્તારમાં ઘણા વિમાન અને જહાજ રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. દાયકાઓથી આ રહસ્યને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે, પણ તેમાં સફળતા નથી મળી.

પણ શું આપને ખબર છે કે, અવકાશમાં પણ આવો એક વિસ્તાર છે જેને બર્મૂડા કહેવામાં આવે છે.

આ વિસ્તારમાંથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓને અજીબોગરીબ અનુભવ થાય છે.

આ વિસ્તારમાંથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓની સિસ્ટમ અને કમ્પ્યૂટરમાં ખરાબી આવી જાય છે. વળી તેઓને એક ભયંકર ચમક જોવા મળે છે.

અમેરિકાની અવકાશ સંશોધન સંબંધિત સંસ્થા 'નાસા'ના અવકાશયાત્રી રહી ચૂકેલા ટેરી વર્ટસ જણાવે છે કે તેમને પહેલા અવકાશ અભિયાનમાં જ આ વાતનો અનુભવ થયો હતો.

તેઓ સૂવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આંખો એકદમ ભંયકર સફેદ કિરણોને કારણે ચકાચૌંધ થઈ ગઈ.

જોકે, ટેરી જણાવે છે કે, અવકાશયાત્રી બનતા પહેલા જ તેમણે આ બાબત વિશે વાંચ્યું હતું.

તેમને ખબર હતી કે અવકાશમાં એવો વિસ્તાર છે, જેને અવકાશનો બર્મૂડા ટ્રાઇ-ઍન્ગલ કહેવામાં આવે છે.

ટેરી વર્ટસને બન્ને અવકાશયાત્રા સમયે આ બાબતનો અનુભવ થયો. આ બાબત પરેશાન કરનારી હતી.

ક્યાં છે આ બર્મુડા ટ્રાઇ-ઍન્ગલ?

અવકાશમાં બર્મૂડા ટ્રાઇ-ઍન્ગલ એટલાન્ટિક મહાસાગર અને બ્રાઝિલ ઊપરના આકાશમાં છે.

આ વિસ્તારમાંથી જ્યારે અવકાશયાન અથવા 'સ્પેસ સ્ટેશન' પસાર થાય છે ત્યારે કમ્પ્યૂટર 'રેડિએશન'નો શિકાર બની જાય છે.

આ બાબત પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. ખરેખર સૂર્યમાંથી હંમેશાં ભંયકર અને બાળી નાખે તેવા કિરણો નીકળતા હોય છે.

તેમાં ઇલેક્ટ્રોન અને રેડીએશન હોય છે. જ્યારે આ રેડિએશન સૂર્યના પ્રકાશ સાથે ધરતીની નજીક પહોંચે છે, ત્યારે ધરતી પર સ્થિત વૈન એલેન બોલ્ટ નામનું સ્તર તેને અવરોધે છે.

આ રેડીએશન જ્યારે વૈન બેલ્ય સાથે અથડાય છે ત્યારે તે અવકાશમાં ફેલાય જાય છે.

વળી ધરતી પર આ બેલ્ટ એક સરખો નથી કેમ કે પૃથ્વી ગોળ નથી. તે ધ્રુવો પર ચપટી છે અને વચ્ચેથી થોડી મોટી છે.

આથી દક્ષિણ ધ્રુવ પાસેના વિસ્તારોમાં આ વૈન બેલ્ટ ધરતીની વધુ નજીક આવી જાય છે.

આ કારણે અવકાશમાં આ જ ભાગમાં સૂર્યમાંથી નીકળતા રેડીએશનની વધુ અસર જોવા મળે છે.

સાઉથ એટલાન્ટિક અનૉમલી

અવકાશયાત્રીઓ અવકાશમાંના આ બર્મૂડાને 'સાઉથ એટલાન્ટિક અનૉમલી' કહે છે.

સામાન્ય રીતે આ વિસ્તારમાંથી પસાર થનારા અવકાશયાન અથવા સ્પેસ સ્ટેશન શક્ય તેટલા જલ્દી ઝડપથી પસાર થઈ જવાની કોશિશ કરે છે.

પણ હવે ઘણી ખાનગી કંપનીઓ પણ અવકાશયાન મોકલવામાં સામેલ થઈ છે.

જેમાં સવાર થઈને ઘણા લોકો અવકાશયાત્રા કરશે. આથી તેમણે અવકાશમાં 'સાઉથ એટલાન્ટિક અનૉમલી' મામલે સાવધાન રહેવાની જરૂર છે.

નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી ટેરી વર્ટસે કહ્યું કે, આ વિસ્તારમાંથી પસાર થતા સેટેલાઇટને પણ રેડીએશનની અસર થતી હોય છે. જેમાં તેની કમ્પ્યૂટર સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે.

આ કારણસર જ નાસાનું અવકાશ દૂરબીન 'હબલ' આ વિસ્તારમાંથી પસાર થતી વખતે કામ કરવાનું બંધ કરી દે છે.

રેડીએશનથી બચવાનો ઉપાય

ટેરી વર્ટે વધુમાં કહ્યું કે, અવકાશમાં આ રેડીએશનથી બચવાનો એક ઉપાય છે.

પાણીની એક 23 કિલો વજનની બેગની મદદથી એક દિવાલ બનાવીને અવકાશયાત્રી રેડીએશનના હુમલાથી બચી શકે છે.

જોકે, સૂર્યમાંથી નીકળતા આ રેડીએશનના કારણે આપણને ખૂબ જ સુંદર કુદરતી નજારો જોવા મળે છે.

સૂર્ય અને ધરતીના ચુંબકીય કિરણો વચ્ચે ટક્કરને કારણે ધ્રુવો પર આપણને લીલા રંગનો પ્રકાશ જોવા મળે છે.

ઉત્તર ધ્રુવ પર આ નજારો જોવા માટે લોકો હજારો કિલો મીટર સુધી પ્રવાસ કરતા હોય છે.

ટેરી વર્ટસે કહ્યું કે, અવકાશમાં આ નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે.

વળી તેઓ એમ પણ કહે છે કે ઉત્તર ધ્રુવમાં જોવા મળતો આવો પ્રકાશનું દૃશ્ય તમને ધરતી પર ક્યાંય જોવા નહીં મળી શકે.

સ્પેસ સ્ટેશનમાં હતા ત્યારે તેમને આ લાલી પ્રકાશમાંથી પસાર થવાનો અનુભવ પણ થયો હતો. આ અનુભવ ધરતી પર મળવો શક્ય જ નથી.

સૌર સંબધિત રેડીએશન અંગે અવકાશમાં સતત નજર રાખવામાં આવે છે.

આ કારણસર અવકાશયાત્રી હંમેશાં પોતાની સાથે રેડીએશન મીટર રાખતા હોય છે.

ટેરી વર્ટ્સ કહે છે કે, હવે તો ઘણા સ્પેસ મિશનનું આયોજન કરવામાં આવે છે, આથી તેમાં વધુથી સ્માર્ટ મશીનોની જરૂર પડશે. જેથી આ મશીનો આ પ્રકારના રેડીએશનનો સામનો કરી શકે.

કેમ કે, અવકાશમાં ઘણા દૂર સુધીના સફરમાં કેટલીક વાર અવકાશયાત્રીઓને સંપર્ક ધરતી પરના માસ્ટર કન્ટ્રોલ રૂમ સાથે નહીં હોય.

આવી સ્થિતિમાં મશીનો જાતે જ પરિસ્થિતિને પહોંચી વળે તે માટેના નવા કમ્પ્યૂટર પણ બનાવવા પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો