You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાનની ત્રીજી દુલ્હન વિશે જાણો છો?
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાનના ત્રીજા લગ્નના સમાચાર સરહદ પાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
જાન્યુઆરીની શરૂઆતમાં એક સમાચારપત્રએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાને નવા વર્ષના અવસર પર ત્રીજી વખત લગ્ન કરી લીધા છે.
પરંતુ એ સમાચાર તો માત્ર અટકળો જ નીકળ્યા કેમ કે, બુશરા માનિકા અને ઇમરાન ખાનના લગ્ન તો 18 ફેબ્રુઆરીની રાત્રે આશરે નવ કલાકે થયા હતા.
ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે નિકાહની પુષ્ટી કરી છે.
જોકે, ત્યારે ઇમરાન ખાનની પાર્ટી તરફથી એક નિવેદન ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર એટલો જ સ્વીકાર કરાયો હતો કે ઇમરાન ખાને બુશરા માનિકા નામનાં એક મહિલાને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ તેમનો જવાબ મળ્યો નથી.
સાત જાન્યુઆરીના રોજ જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, "મિસ્ટર ખાને બુશરા માનિકાને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો છે. પરંતુ તેનો જવાબ આપવા માટે તેમણે સમય માગ્યો છે.
"તેઓ પોતાનાં પરિવાર અને બાળકો સાથે વાત કરીને આ મુદ્દે નિર્ણય લેશે."
કોણ છે બુશરા?
પાકિસ્તાનમાં ચર્ચા છે કે આખરે આ બુશરા મલિક કોણ છે જેમનાં પર ઇમરાન ખાનનું મન આવી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના દૈનિક 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન'ની વાત માનવામાં આવે તો બુશરા માનિકા સાથે ઇમરાન ખાનની પહેલી મુલાકાત વર્ષ 2015માં લોધરનમાં એનએ-154 બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી પહેલા થઈ હતી.
દૈનિકમાં લખવામાં આવ્યું છે કે બુશરાના પાંચ બાળકો છે અને તેમની ઉંમર 40 વર્ષ કરતા વધારે છે.
બુશરાના પૂર્વ પતિનું નામ ખાવર ફરિદ માનિકા છે અને બન્નેએ થોડા સમય પહેલાં જ તલાક લીધા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
ખાવર ફરિદ માનિકા વ્યવસાયે કસ્ટમ અધિકારી છે અને તેમના પિતા ગુલામ ફરીદ માનિકા સંઘીય મંત્રી રહી ચૂક્યા છે.
આગળ લખવામાં આવ્યું છે કે બુશરાના બે દીકરા ઇબ્રાહિમ અને મૂસાએ લાહોરની એચિસન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને હાલ તેઓ વિદેશમાં આગળનું શિક્ષણ મેળવી રહ્યા છે.
બુશરાની ત્રણ દીકરીઓ પણ છે, જેમાંથી સૌથી મોટી દીકરી મેહરુ પંજાબ (પાકિસ્તાન)ના સાંસદ મિયાં અટ્ટા મોહમ્મદ માનિકાના પુત્રવધૂ છે.
પહેલા પણ જોડાઈ ચૂક્યા છે નામ
પાકિસ્તાનના વધુ એક દૈનિક 'ડૉન'માં માનિકા વિશે લખવામાં આવ્યું છે કે તેઓ વટ્ટૂ સમુદાયના છે.
'ડૉન'ના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, એવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે માનિકા પરિવાર સાથે ઇમરાન ખાનનું નામ જોડાયું હોય.
વર્ષ 2016માં પણ આ જ પરિવારનાં અન્ય એક મહિલા સાથે ઇમરાનના લગ્નના સમાચાર મીડિયામાં સાંભળવા મળ્યા હતા.
તે સમયે મહિલાનું નામ મરિયમ જણાવાયું હતું, ત્યારે ઇમરાન ખાને પોતે જ લોકોની સામે આવીને આ સમાચારોને અફવા ગણાવ્યા હતા.
'ધ ન્યૂઝ' વેબસાઇટે જણાવ્યું છે કે ઇમરાન બુશરા પાસે આધ્યાત્મિક જ્ઞાન લેવા જતા હતા.
ઇમરાન ખાને પહેલા લગ્ન જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યાં હતાં.
આ લગ્નથી તેમના બે દીકરા પણ છે. જેમિમા અને ઇમરાન ખાનના વર્ષ 2004માં તલાક થઈ ગયા હતા.
ત્યારબાદ ઇમરાન ખાને વર્ષ 2014માં ટીવી એન્કર રેહામ ખાન સાથે લગ્ન કર્યાં હતાં.
રેહામ ખાનના માતા પિતા પાકિસ્તાની છે અને તેમનો જન્મ લીબિયામાં થયો છે.
બન્નેનું લગ્નજીવન માત્ર દસ મહિના જેવા અલ્પજીવી સમય માટે ટકી શક્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો