મહારાષ્ટ્રના યવતમાલમાં 'ગે' કપલના ધામધૂમથી થયાં લગ્ન

    • લેેખક, ઋષિકેશ સાઠવણે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'હું ગે છું અને વિવાહિત છું.' આ રીશી અને વિનની કહાની છે.

એક ગે યુગલ જેમણે ભારતીય પરંપરાગત શૈલીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેમના માતા-પિતા, મિત્રો અને સંબંધીઓ તેમના લગ્નમાં ખુશી ખુશી જોડાયાં.

હું ઋષિકેશ સાઠવણે, 44 વર્ષના છું. હું અમેરિકામાં રહું છું અને વ્યવસાયે ટૅક્નૉક્રૅટ છું. હું મૂળતઃ મહારાષ્ટ્ર્ના યવતમાલનો વતની છું.

હું નાનપણથી જ જાણતો હતો કે હું અલગ છું, પરંતુ મારી લાગણીનું અર્થઘટન કરવાનું ખુદ મારા માટે મુશ્કેલ હતું.

કારણ કે મને એવું લાગતું હતું કે મને કોઈ સમજી નહીં શકે. તેથી મેં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સદ્ભાગ્યે હું ભણવામાં હોંશિયાર વિદ્યાર્થી હતો.

આઇઆઇટીના એક મનોવિજ્ઞાનના લેક્ચરમાં એકાદ વાર સમલૈંગિકતાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે એ વિષય મારા ઉપર હતો.

તમને આ પણ વાંચવું ગમશે

હું ગે છું એવી ખબર પડી

છેવટે અમેરિકામાં ભણતી વખતે જ્યારે હું એક ગે સપોર્ટ ગ્રૂપમાં ગયો, ત્યારે મને ખબર પડી હતી કે હું ગે છું.

ત્યારબાદ હું 1997ના અંતમાં મારા માતા-પિતાને મળવા આવ્યો હતો.

તેમને જ્યારે મેં આ વિશે કહ્યું ત્યારે શરૂઆતના વર્ષોમાં, અસ્વીકાર, અપરાધ, ઉદાસીના, હતાશા, જેવી વિવિધ લાગણીઓમાંથી મારે અને મારા પરિવારને પસાર થવું પડ્યું.

મારા માતા-પિતાના મને સમજાવતા હતા કે જો હું એક મહિલા સાથે લગ્ન કરી લઈશ તો બધુ બરાબર થઈ જશે, પરંતુ મેં બીજી સ્ત્રીનું જીવન બગાડવાની ના પાડી.

પરિવારનો શરૂઆતમાં વિરોધ

મારી બહેને આ પરિસ્થિતિમાં મારી ખૂબ મદદ કરી. અમારાં માતા-પિતાને સમજાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

શરૂઆતમાં ભારે વિરોધ પછી, મારા માતા-પિતા ધીમે ધીમે મને સ્વીકારવા લાગ્યા.

જ્યારે મારા માતા-પિતા 2007માં અમેરિકા આવ્યાં, ત્યારે બંનેએ મારી સાથે ગે પ્રાઇડ પરેડમાં ભાગ લીધો.

આવો પ્રેમાળ અને સમજદાર પરિવાર મારા માટે ઇશ્વરના આશીર્વાદ સમાન છે.

વિન અને મારી મુલાકાત એક ગે ડેટિંગ વેબસાઇટ પર થઈ હતી. બે દિવસ બાદ ડિનર પર મળ્યા.

વિનનો જન્મ વિયેતનામમાં થયો હતો. તેનો પરિવાર 1990માં અમેરિકા આવીને વસી ગયો હતો.

યવતમાલ ખાતે લગ્ન

મારા લગ્ન કેવી રીતે થાય એ વિશે હું પહેલેથી સ્પષ્ટ હતો. મારે લગ્ન મારા ગામ યવતમાલમાં કરવા હતા, જ્યાં મારા ઘણા મિત્રો છે.

વિનને પણ મારો વિચાર ગમ્યો. તે ખુલ્લા વિચારો વાળા વ્યક્તિ છે. હું એવી વ્યક્તિ સાથે સંબંધમાં છું કે જેમાં ખૂબ હિંમત છે.

મારા માતા-પિતાને ગામમાં લગ્ન કરવા સમજાવવા મુશ્કેલ હતું. પહેલી જ પ્રતિક્રિયા હતી શા માટે? ભારતમાં શા માટે? અને યવાતમલમાં શા માટે?

મારા મમ્મીએ પહેલા હા પાડી, પછી મારા પિતા પણ તૈયાર થયા. લગ્નના વાસ્તવિક દિવસો મારી નજર સમક્ષ દેખાવા લાગ્યા.

મારા લગ્ન હતા અને હું બધું જ પરિપૂર્ણ થાય તેવું ઇચ્છતો હતો. સદભાગ્યે, મારા પિતરાઈ અને સ્કૂલના મિત્રો મારી જાતીયતા વિશે જાણતા હતા.

હું બધાને આમંત્રણ આપવા ઇચ્છતો હતો. તેમ છતાં મારા માતા-પિતા બેચેન હતાં.

હું કોઈને આમંત્રણ આપવાનું કહેતો તો તેઓ પહેલા તેનો વિરોધ કરતાં અને પાછળથી અનિચ્છાએ તેઓ સહમત થતા.

લગ્નમાં રમૂજ

આ સિવાય પણ ઘણી રમૂજી ક્ષણો હતી. ડાન્સ ક્લાસમાં, અમે કપલ ડાન્સ કરવા માંગતા હતા. ત્યારે મારા પરિવારના લોકોએ પૂછ્યું હતું કે કપલ ડાન્સ કરવા માટે છોકરી ક્યાં છે?

ત્યારે મેં મક્કમ પણે કહ્યું હતું કે આ રોમેન્ટિક સૉંગ મારા અને વિન માટે હશે.

મેં મારા એક્ટિવિસ્ટ ગે વકીલ મિત્રો સાથે ચકાસણી કરી હતી કે આ પ્રકારના લગ્નમાં કાનૂની વિઘ્ન ના આવે.

પોલીસ તરફથી કોઈ અડચણ તો પેદા નહીં થાયને એવી આશંકાએ લગ્ન સ્થળ પર હોટલના મેનેજરને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા કહ્યું હતું.

બાળક દત્તક લેવું છે

વિને આપણા પરંપરાગત લગ્ન વિધિને માણી હતી. જે લોકો અંગ્રેજી જાણતા હતા તેમની સાથે તેણે વાત પણ કરી.

તેણે ભારતીય ડાન્સ પણ કર્યો, જે તેના માટા સરળ નહોતો. તેણે એ બધું જ મારા માટે કર્યું, એને ખાલી ટાઇટ પહેરેલી પાઘડીમાંથી જ મુક્ત થવું હતું.

વિન અને હું થોડા વર્ષોથી રિલેશનશિપમાં છીએ એટલે હનીમૂન પર જવાનો અમારો કોઈ પ્લાન નહોતો.

અમે અમેરિકા પાછા આવી ગયા છીએ. ટૂંક સમયમાં અહીં કાનૂની રીતે લગ્ન કરીશું. અમે બન્ને બાળક દત્તક લેવા ઇચ્છીએ છીએ.

હું જાણું છું ભારતમાં ગે સંબંધો હજી સ્વીકાર્ય નથી, પરંતુ જો એક બીજા સાથે સારો મેળ આવતો હોય અને તમે એક બીજા માટે ખરા મનથી પ્રતિબદ્ધ હો તો તે જીવન આશીર્વાદરૂપ છે.

એ પછી સાથ ગે કપલનો હોય કે સામાન્ય યુગલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો